આધ્યાત્મિક બુદ્ધિથી મેળવો લખલૂટ સફળતા

સ્વામી, હું ખૂબ મહેનત કરું છું, મારી પાસે સારા સારા આઈડિયા છે, અનુભવ પણ છે, છતાં જોઈએ એવી સફળતા મળતી નથી. આનું કારણ શું?”

થોડા સમય પહેલાં મંદિરમાં એક સત્સંગીએ આ સવાલ કર્યો અને મને થયું, વાત તો સાચીઃ અમુક વ્યક્તિને દોમદોમ સફળતા મળે, અમુકને થોડી અને અમુકને જરાય નહીં. આમ કેમ? આ સવાલનો જવાબ શોધતાં શોધતાં મને હાથ લાગ્યું એક પુસ્તક, જેનું શીર્ષક છેઃ ‘સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સઃ ધ અલ્ટિમેટ ઈન્ટેલિજન્સ.’ ડાના ઝોહર-ઈયાન માર્શલે મળીને આ પુસ્તક લખ્યું છે. બન્ને લેખકો હજારો લોકોને મળી, એમની સફળતા અને નિષ્ફળતાનાં કારણો જાણીને એ તારણ પર આવ્યા કે આઈક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ)થી ચડે ઈક્યુ (ઈમોશનલ ક્વોશન્ટ) અને આઈક્યુ, ઈક્યુથી પણ ચડિયાતો છે એસક્યુ એટલે કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ અર્થાત્ આધ્યાત્મિક બુદ્ધિ.

આને વિગતે સમજીએ તો, ભણતર-આવડત-અનુભવ-હોશિયારી હોવા છતાં તમે અમુક હદ સુધી જ સફળ થઈ શકશો. એનાથી પણ આગળ કે ઉપર જવું હોય તો જરૂરી છે એસઆઈ- સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ, એટલે કે જીવનમાં અમુક મૂલ્યો, અમુક સદગુણો જરૂરી છે.

આમાં પહેલો ને મહત્વનો સદગુણ છેઃ ફ્લૅક્સિબિલિટી.

થોડા સમય પહેલાં પરદેશમાં એક સર્વે થયો કે ઈન્ટેલિજન્સની વ્યાખ્યા શું? કંઈ કેટલા મહિના, વરસની લમણાતોડ કસરત બાદ જવાબ મળ્યોઃ “ફ્લૅક્સિબિલિટી ટુ ચેન્જ ઈઝ ઈન્ટેલિજન્સઃ સંજોગો-વ્યક્તિ-પરિસ્થિતિને જેટલા અનુકૂળ થઈ શકશો એટલા સફળ થશો.”

 

તમે જે ઈન્ડસ્ટ્રીમાં ધંધો કરો છો એમાં કોઈ પોલિસી-ચેન્જ આવે, સિસ્ટમમાં ચેન્જ આવે, સ્ટાફમાં કોઈ ફેરફાર થાય, નવા માણસો સાથે કામ કરવાનું આવે કે ટેક્નોલોજીમાં ફેરફાર આવે તો એ પરિવર્તનને જેટલા જલદી, જેટલા ઝડપથી સ્વીકારી એને ઍડજસ્ટ થઈ જશો એટલા વધુ કામિયાબ થશો. અમે જ્યારે બીએપીએસમાં દીક્ષા લઈને સાધુ બન્યા ત્યારે વય હતી 22 વર્ષ, જ્યારે અમારા ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામીની 72 વર્ષ. આમ છતાં એમણે ત્રણ-ત્રણ પેઢીના 1200 જેટલા તેજસ્વી સાધુસંતો સાથે, લાખ્ખો હરિભક્તો સાથે અનુકૂળ થઈને દેશ-દુનિયામાં વ્યાપક કાર્યો કર્યાં.

ટૂંકમાં, આપણી ચોખ્ખી દેશી ગુજરાતીમાં કહીએ તો, “આપણને બધા જોડે ફાવે”. આ મંત્ર અપનાવનાર સફળ જ નહીં થાય, બલકે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય.

આપણે પાણીનું ઉદાહરણ લઈએ. પાણીને જે આકારના વાસણમાં ઠાલવો એવો આકાર ધારણ કરી લેશે એટલે ધંધા માટે કે સંબંધો સાચવવા જેને લોકો સાથે ઍડજસ્ટ થતાં આવડે એ વિનર. એ સક્સેસફુલ.

હા, આને માટે ઈગો ઓછો કરવો પડે. જો વ્યક્તિ એ સમજી જાય કે મારી આસપાસ દર ત્રીજી વ્યક્તિ મારા કરતાં વધારે બુદ્ધિશાળી છે, ચડિયાતી છે તો ઈગો નહીં રહે અને તો ફ્લૅક્સિબિલિટી આવશે. “ઝૂકેગા નહીં” એ ડાયલોગ પિક્ચરમાં તાળી પડાવવા માટે ઠીક છે બાકી વાસ્તવમાં તો નમ્યા એ સૌને ગમ્યા.

હું તમને એક એક્સરસાઈઝ આપું છું. આ લેખ વાંચ્યા પછી એક પૅડ પર આ સવાલ લખોઃ

હું મારામાં ક્યાં અને કેવું પરિવર્તન લાવી શકું?

“એ જ ખોટો છે, હું જ સાચો છું,” એને થોડી વાર માટે બાજુએ મૂકી એ વિચારો કે હું ક્યાં ખોટો છું? ક્યાંક કંઈ તો ભૂલ હશે મારી. બસ, આ શોધો અને એને સુધારી લો.

માનવસંબંધો માટેનો સોનેરી સિદ્ધાંત છેઃ તમારી ભૂલ ના હોય તો પણ સામેની વ્યક્તિને સૉરી કહેવું. જો એ વ્યક્તિ તમારા માટે ઉપયોગી છે એની સાથે સતત, દરરોજ કામ કરવું પડે છે તો સૉરી કહેવામાં નાનપ શાની? આ પણ એક જાતની ફ્લૅક્સિબિલિટી છે.

એક વાત સમજી લેજો કે સૉરી કહેવાથી કોઈનું કદ ઘટ્યું નથી, બલકે વધ્યું જ છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]