સૃષ્ટિની રચના થઈ ત્યારથી આજ સુધી, સેંકડો, હજારો, લાખો મનુષ્યોએ જગતને વધુ સુંદર બનાવવાના જાતજાતના આઈડિયા આવ્યા હશે. સાવ સામાન્ય લાગતા માણસના દિમાગમાં પણ આઈડિયાના ચમકારા થતા હોય છે, પણ સો માંથી નેવું લોકોની જીવનયાત્રા એમ ને એમ જ પૂરી થઈ જાય છે.
સવાલ એ થાય કે શા માટે તે વિચારોને અમલમાં મૂકી શકતા નથી?
સૌથી મહત્વનું પરિબળ છેઃ સાહસનો અભાવ. મોટા ભાગે ક્રાંતિકારી વિચારોનો જ્યારે જન્મ થાય છે ત્યાં જ નિષ્ફળતાનો ડર કે કમ્ફર્ટ ઝોનનું કોચલું તેની હત્યા કરી નાખે છે, પણ જો સમજદારીપૂર્વક સાહસ કરીને ઝંપલાવીએ તો બની શકે કે એ સાહસ વિશ્વને નવો સૂર્યોદય દેખાડે. કદાચ ઈતિહાસનાં પૃષ્ઠોમાં તે સુવર્ણાક્ષરે નોંધાઈ જાય!
ગાંધીજીએ ચપટી મીઠું લેવાનું સાહસ કર્યું તો આઝાદીની ચળવળમાં વેગ આવી ગયો. વલ્લ્ભભાઈ પટેલે 563 રજવાડાં એક કરવાનું સાહસ કર્યું તો આપણને અખંડ ભારતની ભેટ મળી. સચિન તેંડુલકરે બોલિંગ છોડીને બેટિંગ પર હાથ અજમાવવાનું સાહસ કર્યું તો વિશ્વને ગૉડ ઓફ ક્રિકેટનાં દર્શન થયાં. ખરેખર, રચનાત્મક સાહસોથી ઈતિહાસ પડખું ફેરવે છે.
યોગ્ય સમયે સાહસિક પગલાં ભરીને પરિવર્તન ન લાવીએ તો સફળતાના શિખરેથી નિષ્ફળતાઓની ખાઈમાં ધૂળ ચાટતા થઈ જવાય, તેનું પણ વિશ્વ સાક્ષી છે.
થોડાં ઉદાહરણ જોઈએ તો… 20મી સદીમાં ફોટોગ્રાફીવિશ્વ પર રાજ કરનારી કંપની હતી કોડાક. 1868 સુધી તો ફોટોગ્રાફી ક્ષેત્રના ગ્લોબલ માર્કેટના 80 ટકા શૅર કોડાક પાસે હતા, પણ 2012ની સાલમાં કોડાકે નાદારી જાહેર કરવી પડી, કારણ? ફિલ્મ (રોલવાળા) કૅમેરામાંથી ડિજિટલ તરફ જવાના સાહસનો અભાવ… મોબાઈલ ફોન બનાવતી નોકિયા કંપની એન્ડ્રોઈડને સ્વીકારવાનું સાહસ ન કરી શકી. પરિણામ આજે આપણી સામે છે.
યસ, કમ્ફર્ટ ઝોનની હવા સૌને ગમે છે, પણ ત્યાં વિકાસ રૂંધાય છે અને ક્યારેક તો એવી પછડાટ મળે છે કે પછી ઊભા થવાનું સાહસ પણ એક પ્રકલ્પ બની રહે.
2008માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે પ્રમુખસ્વામી મહારાજનું પાંચ ઉપખંડોમાં 713 મંદિરો સર્જવા બદલ સમ્માન કર્યું. વડોદરા નજીક આવેલા ચાણસદ જેવા ખૂણાના ગામડામાં જન્મેલા, 9મું ધોરણ ભણેલા ખેડૂતપુત્ર પ્રમુખસ્વામી મહારાજની આ સફળતામાં એમની સાહસિકતા ઝળકે છે. દેશ-પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનાં વિજયધ્વજ ફરકાવતા ગગન ચુંબતાં ભવ્ય શિખરબદ્ધ મંદિરો તેમના સાહસની સાક્ષી પૂરે છે. 2001માં ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદી હુમલો થવા છતાં ભારતની રાજધાની દિલ્હીમાં 200 એકરની જમીન પર અક્ષરધામ સર્જ્યું. આરબ દેશની ધરતી પર હિંદુ મંદિર કરવાનો એમનો સંકલ્પ સાહસની ચરમસીમા જ ગણાય! ગાંધીનગર અક્ષરધામનો લેઝર વૉટર શો તે સમયે ભારતમાં સૌ પ્રથમ હતો. આધ્યાત્મિકતા અને ટેકનોલોજીના સુભગ સમન્વયનું કેવું બેનમૂન સાહસ!
સાહસ તમારા ચરણોમાં કથ્ય સિદ્ધિઓ લઈ આવશે, પણ સાથે એ યાદ રાખવું જોઈએ કે સાહસ કેવું કરવું. પૂજ્ય મહંતસ્વામી મહારાજ કહે છેઃ સારાં ફળ આપે તેવું, ઉન્નતિ કરે તેવું અને ઉચિત હોય તેવું જ સાહસ કરવું. કેવળ પોતાના મનનું અને લોકોનું રંજન કરે તેવું સાહસ ન કરવું, કારણ જો સાહસનો હેતુ કેવળ લોકરંજન હોય તો વ્યક્તિ દંભ અને અહંકારનો શિકાર બની જાય છે. પછી એ મુખવટાવાળો ચહેરો જાળવી રાખવા તેને ખેંચાવું પડે છે અને સાહસ એના માટે ટેન્શન, ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશનનું કારણ બની જાય છે, પરંતુ સમજદારી સાથે રચનાત્મક અને સકારાત્મક દિશામાં ઝંપલાવીએ તો ચોક્કસ સફળતાના એક નવા વિશ્વમાં આપણે બહાર નીકળીશું. હિંમત ભેગી કરીને મંડીશું તો ભગવાન આપણી સહાયમાં તૈયાર જ છે. છેલ્લે ભગવાન સ્વામિનારાયણના મહાન પરમહંસ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની એ પંક્તિ સતત નજર સામે રાખીએઃ
“જો હોય હિંમત રે નરને ઉરમાંહી ભારી, દ્ઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી”
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
