કોઈ વ્યક્તિ આત્મહત્યા શું કામ કરે છે? પ્રેમ પામવાની ઈચ્છા પૂરી નથી થતી એટલે? અપેક્ષા મુજબ પૈસા નથી મળતા એટલે? વ્યવસાયમાં નિષ્ફળતા મળે છે એટલે? કે અભ્યાસમાં ધાર્યું પરિણામ નથી મળતું એટલે? આવી અનેક અપૂર્ણ ઈચ્છાઓ વ્યક્તિને સતત દુઃખી કરે છે. આ દુઃખ સહન નથી થતું ત્યારે વ્યક્તિ આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
પરંતુ આ તો એવી વાત થઇ કે તમને ઠંડી લાગે છે અને ઠંડી સહન થતી નથી તો તમે “બહુ ઠંડી છે, બહુ ઠંડી છે” કહેતાં કહેતાં ઘરની બહાર ખુલ્લામાં દોડી જાઓ છો અને તમારું સ્વેટર પણ ઉતારી દો છો. આ તો એક મૂર્ખતાપૂર્ણ પગલું છે. શું તમે જાણો છો, જે પીડા કે દુઃખ ને કારણે વ્યક્તિ આત્મહત્યા કરીને પોતાનાં શરીરનો નાશ કરે છે, તે દુઃખનું નિવારણ માત્ર અને માત્ર શરીર દ્વારા જ થઇ શકે છે. પણ જો વ્યક્તિ પોતાનાં શરીરનો નાશ કરે છે, તો પીડા દૂર કરી શકનાર એક માત્ર સાધન, શરીર નષ્ટ થતાં, જીવ પીડા અને અતૃપ્તિ ને ક્યારેય દૂર કરી શકતો નથી, આ એક ગહન રહસ્ય છે. કેટલી બધી યોનિઓમાં જન્મ લીધા બાદ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. તેનું પૂરું સન્માન કરવામાં જ બુદ્ધિમત્તા છે.
સુખ મેળવવાની ઝંખના વાસ્તવમાં દુઃખ આપે છે. અને તમને શાની ઝંખના હોય છે? લોકોની પ્રશંસાની?
પ્રિય મિત્ર, લોકોના અભિપ્રાય સતત બદલાતા હોય છે. જેઓ તમારી સામે તમારી પ્રશંસા કરે છે, તેઓ જ પીઠ પાછળ તમારી નિંદા પણ કરતા હોય છે. પરીક્ષાઓ, પ્રણય સંબંધો, પ્રશંસા, ટીકા, કારકિર્દી કે વ્યવસાયમાં સફળતા-નિષ્ફળતા.. આ બધું જ ક્ષણભંગુર છે, બિલકુલ ક્ષણિક છે. લોકોના અભિપ્રાયના ફૂટબોલ બનવાનું છોડી દો. તમારા મસ્તિષ્ક પરથી એટલો મોટો બોજ દૂર થઇ જશે! સહજ અને હળવા બની જશો.
એ જ રીતે જયારે પ્રાણ શક્તિ ઓછી હોય છે ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય છે. પ્રાણ શક્તિ ખૂબ જ ઓછી હોય છે ત્યારે વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવે છે. જયારે પ્રાણ શક્તિ વધારે હોય ત્યારે તમે અન્ય પ્રત્યે કે સ્વયં પ્રત્યે હિંસક બની શકતા નથી. શ્વાસોચ્છવાસની પ્રક્રિયાઓ, પ્રાણાયામ, ધ્યાન અને યોગ્ય સંગત વડે પ્રાણશક્તિમાં વધારો કરી શકાય છે. જેમને આત્મહત્યાના વિચારો આવતા હોય તેમને તરત જ ધ્યાન, પ્રાણાયામ અને લયબદ્ધ શ્વસનનું શિક્ષણ આપતા પ્રશિક્ષક પાસે લઇ જવા જોઈએ. ધ્યાન અને પ્રાણાયામથી તેમની પ્રાણ શક્તિમાં ચોક્કસ વધારો થશે. સમાજ ને તણાવ અને હિંસા મુક્ત કરવા માટે ધ્યાનનું શિક્ષણ આપવું એ એક અસરકારક ઉપાય છે. જો આત્મહત્યાના વિચારો આવે તો જાણો કે તમારી પ્રાણ શક્તિ ઓછી છે. વધુ ને વધુ પ્રાણાયામ કરો.
આ પૃથ્વી પર લાખ્ખો લોકો તમારા કરતાં ખૂબ વધુ દુઃખમાં છે, જયારે તમે અન્યની સરખામણીમાં તમારું દુઃખ નાનું છે તે જોઈ શકશો ત્યારે આત્મહત્યાના વિચારો આપમેળે જતા રહે છે. જાણી લો કે પૃથ્વી પર તમારી જરૂર છે. તમે અહીં ખૂબ ઉપયોગી છો. તમે વિશ્વને બહેતર બનાવવા ઘણું કરી શકો તેમ છો.
ભૂલી જાઓ કે લોકો તમારા માટે શું વિચારે છે! વ્યક્તિ આત્મહત્યા કરે છે કારણ તે વિચારે છે કે તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો છે. તેની આબરૂ ને ઠેસ પહોંચી છે. કેવી પ્રતિષ્ઠા? કોની પાસે સમય છે તમારી પ્રતિષ્ઠા વિશે વિચારવાનો? લોકો પોતાના મનથી આગળ કશું વિચારી શકતાં નથી, ત્યાં તમારા વિશે, તમારી પ્રતિષ્ઠા વિશે વિચારવાનો એમની પાસે સમય જ ક્યાં છે? સમાજ શું વિચારશે તેની ચિંતા કરવી તે બિલકુલ વ્યર્થ છે.
આંતરિક વિકાસ પ્રત્યે સજગ બનો
વ્યક્તિગત વિકાસ દરેક માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જીવનને એક વિશાળ દ્રષ્ટિકોણ થી જોવું જોઈએ. ૮૦ જેટલાં વર્ષનું આપણું આયુષ્ય છે. શું તે દુઃખી અને તણાવમાં રહેવા માટે છે? આટલા ટૂંકા જીવન દરમ્યાન આપણે આપણો સમય પ્રસન્ન રહેવામાં અને અન્યને ખુશી આપવામાં વિતાવવો જોઈએ.
જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ. જીવન એટલે માત્ર સુખ, સુવિધા, સગવડ જ નથી. જીવન માત્ર ભૌતિક ઉપલબ્ધીઓ પૂરતું સીમિત નથી. લોકોના આરોપ કે પ્રશંસા ઉપર જ જીવન આધારિત નથી. કોઈ સંબંધ,વ્યવસાય કે નોકરી નું હોવું, એ જ જીવન એવું નથી. જીવન આ બધા કરતાં ખુબ મૂલ્યવાન છે. સંબંધોમાં નિષ્ફળતા, નોકરી-વ્યવસાયમાં નિષ્ફળતા કે કોઈ ઈચ્છા પુરી ન થવી જેવાં કારણો આત્મહત્યા માટે જવાબદાર હોય છે. આ બધાં કારણો કરતાં આપનું જીવન અતિ વિશાળ છે. બહુમૂલ્ય છે. મનમાં, ચેતનામાં ઉઠતી ઈચ્છાઓ કરતાં જીવન અતિ અગત્યનું છે. જયારે આપ નિરાશા અને નકારાત્મકતાથી ઘેરાયેલા હો ત્યારે ઉઠી જાઓ અને આપના પરિવારમાં, સમાજમાં પૂછો કે હું આપના માટે શું કરી શકું? આપને કઈ રીતે મદદરૂપ થઇ શકું? અને આપ જોશો કે સેવા વડે આપ તરત જ નકારાત્મક લાગણીઓમાંથી બહાર આવી જાઓ છો. સેવા આપને પ્રસન્નચિત્ત અને સકારાત્મક બનાવે છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)