વ્યગ્રતા દૂર કરવા માટે શું કરવું?

શાંતિથી ન બેસી શકાય કે ન કોઈ કામ કરવાની ઈચ્છા થાય: આ અવસ્થાનો તમે અનુભવ કર્યો છે? આ અવસ્થા ઉત્પન્ન થવાનું કારણ છે જૈવિક લયનું અસંતુલન! પ્રકૃતિ નિરંતર એક લય ને અનુસરે છે. સૂર્ય ઉગે અને આથમે, ચંદ્રની કળાઓ બદલાતી રહે, ઋતુઓ બદલાતી રહે અને આ બધું એક નિશ્ચિત લય પ્રમાણે ઘટિત થયા કરે છે. પ્રકૃતિની લય સાથે જો મનુષ્યનાં શરીર, મન અને ભાવનાઓની લય એકરૂપ હોય તો તે સ્વસ્થ રહે છે. પરંતુ જો આ લય ખોરવાઈ જાય તો વ્યક્તિ બેચેની-વ્યગ્રતા અને અતૃપ્તિનો અનુભવ કરે છે. વ્યગ્રતા દૂર કરવા માટે પ્રથમ તો વ્યગ્રતા વિશે જાણવું આવશ્યક છે. વ્યગ્રતા ને પાંચ પ્રકારમાં વર્ણવી શકાય:

પહેલો પ્રકાર છે સ્થળ-સ્થાનનાં સ્પંદનને કારણે ઉદ્ભવતી વ્યગ્રતા!

કોઈ ચોક્કસ જગ્યાએ તમે અશાંતિનો અનુભવ કરો છો, પરંતુ એ ચોક્કસ ગલી કે ઘરમાંથી તમે બહાર નીકળી જાઓ છો અને તમે તરત ફરીથી શાંતિનો અનુભવ કરો છો. મંત્ર, સંગીત, બાળકોનો ખિલખિલાટ અને હાસ્ય – આ સઘળાંથી વાતાવરણની વ્યગ્રતા દૂર થાય છે. મંત્રોચ્ચાર અને ભજન-કીર્તન દ્વારા સ્થળનાં આંદોલનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.

બીજો પ્રકાર છે શરીરની અસ્વસ્થતાને કારણે ઉદ્ભવતી વ્યગ્રતા!
વાયુ જનક ખોરાક,અનિયમિત ભોજન, વ્યાયામનો અભાવ અથવા વધુ પડતું કામ અને અપૂરતી ઊંઘ જેવી દિનચર્યાને લગતી અયોગ્ય આદતોથી શરીરમાં અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે, જેને કારણે વ્યગ્રતા ઉદ્ભવે છે. શાકાહારી તાજું અને હળવું નિયમિત ભોજન, યોગ્ય માત્રામાં નિયમિત વ્યાયામ અને પૂરતો વિશ્રામ આ વ્યગ્રતાને દૂર કરે છે.
ત્રીજા પ્રકારની વ્યગ્રતા છે, માનસિક વ્યગ્રતા!
ખૂબ વિચારો, પૂર્વગ્રહો, મહત્વકાંક્ષા અને પ્રતિસ્પર્ધા આ પ્રકારની વ્યગ્રતાનું મુખ્ય કારણ છે. માત્ર અને માત્ર શુદ્ધ જ્ઞાન દ્વારા જ આ પ્રકારની વ્યગ્રતા દૂર થાય છે. જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ, પોતાનાં અંતર્જગત પ્રતિ દ્રષ્ટિ રાખો, અને જાણો કે સઘળું નાશવંત છે. તમે કઈં પ્રાપ્ત કરશો, સફળ થશો પણ તેનાથી શો ફેર પડશે? મૃત્યુ તો દરેકનું નિશ્ચિત જ છે. જીવન અને મૃત્યુનું જ્ઞાન, આત્મવિશ્વાસ, ઈશ્વર-શ્રદ્ધા આપને શાંત અને કેન્દ્રસ્થ રાખશે.
ચોથો પ્રકાર છે, ભાવનાત્મક વ્યગ્રતા!
જ્ઞાન અહીં મદદરૂપ નહીં થાય. માત્ર અને માત્ર લયબદ્ધ  શ્વસન, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા દ્વારા જ આ પ્રકારની વ્યગ્રતાને દૂર કરવી સંભવ છે. ગુરુ કે કોઈ સંતની ઉપસ્થિતિથી પણ ભાવનાત્મક વ્યગ્રતા નિર્મૂળ થાય છે.
પાંચમાં પ્રકારની વ્યગ્રતા દુર્લભ છે. એ છે આત્માનાં સ્તરે ઉદ્ભવતી વ્યગ્રતા!
જો બધું શૂન્ય, ખાલી અને અર્થવિહીન લાગે ત્યારે આપ આપની જાતને સદ્ભાગી સમજો. એ નિરંતર ઝંખના અને વ્યગ્રતા આત્માની વ્યગ્રતા છે. તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન ન કરશો. આ વ્યગ્રતાને સ્વીકારો, તેને આલિંગન કરો. સામાન્યતઃ આ વ્યગ્રતાથી બચવા લોકો બધા જ પ્રકારના ઉપાય કરે છે, વ્યવસાય, સ્થળ, નોકરી, મિત્રો બધું વારંવાર બદલ્યા કરે છે. તેમને આંશિક શાંતિ થોડા સમય માટે મળે છે, પરંતુ ફરીથી આ વ્યગ્રતાનો અનુભવ થવા લાગે છે. આત્માની વ્યગ્રતા આપનામાં સાચી પ્રાર્થના પ્રેરે છે. સાચાં હૃદયથી આપ પ્રાર્થનામય બનો છો. જેનાથી આપના જીવનમાં સિદ્ધિઓ અને ચમત્કારોનું અવતરણ થાય છે. ઈશ્વરની ઝંખનાને કારણે ઉદ્ભવતી વ્યગ્રતા અમૂલ્ય છે. એક પ્રબુદ્ધ સંતની ઉપસ્થિતિ અને સત્સંગ વડે આ પ્રકારની વ્યગ્રતામાં શાંતિ મળે છે. આ વ્યગ્રતા એક આશીર્વાદ છે.
બેચેની, અશાંતિ અને વ્યગ્રતાને નિર્મૂળ કરવા માટે પ્રાણ શક્તિમાં વૃદ્ધિ કરવી એ સચોટ ઉપાય છે. પ્રાણ શક્તિ – લાઈફ ફોર્સ એટલે શું? આયુર્વેદ અને યોગશાસ્ત્ર અનુસાર, જીવનને ધબકતું રાખવા માટે, આપણી અંદર આવેલી સૂક્ષ્મ નાડીઓમાંથી પ્રાણ ઉર્જાનું સતત વહન થાય છે. આ પ્રાણ ઉર્જાનાં સ્તરને જો સતત ઊંચું રાખવામાં આવે તો કોઈ પણ પ્રકારની શારીરિક, માનસિક, ભાવનાત્મક અસ્વસ્થતા ઉદ્ભવતી નથી. પ્રાણ ઉર્જાનાં ઊંચા સ્તરને જાળવી રાખવા આટલું આવશ્યક છે:
નિયમિત વ્યાયામ કરો. ચાલવા જાઓ. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને ધ્યાન કરો. હળવું ભોજન નિયમિતપણે કરો અને પૂરતી ઊંઘ લો. મંત્રોચ્ચારનું શ્રાવણ કરો. સંગીત, નૃત્ય, સાહિત્ય જેવાં કલાનાં વિવિધ ક્ષેત્રોમાં રુચિ લો. જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ. એક ધ્યેય પોતાના માટે અને એક ધ્યેય સમાજ કલ્યાણ માટે રાખો. સેવા પ્રવૃત્તિ આપનામાં અતીવ ઉર્જાનો સંચાર કરે છે.
આ બધાનું એક સાથે પાલન કરવું એ એક યજ્ઞ છે. જયારે આપ સમસ્ત બ્રહ્માંડ પ્રતિ અહોભાવથી ભરાઈ જાઓ છો ત્યારે આપ બ્રહ્માંડ સાથે એક સંવાદિતા સાધો છો. હવે આપને કોઈ ત્યાગ કરવાની જરૂર નથી. જયારે આપ સહુનો આદર કરો છો ત્યારે આપની ચેતનાનો અનંત વિકાસ થાય છે, તમે ત્યારે સુંદર અને મધુર બનો છો.

 

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)