અન્યની પ્રસન્નતાની જવાબદારી લો…

પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે માત્ર ફૂલ-છોડ, વૃક્ષો અને પર્વતો જ નહીં, આપણે સહુ પણ પર્યાવરણનું અભિન્ન અંગ છીએ. આપણા વિચારો અને આપણી ભાવનાઓ, આપણી આસપાસનાં વાતાવરણ અને વ્યક્તિઓ ઉપર અસર કરે છે. એટલે જ, એકબીજાની સંભાળ લેવી અને સહુની પ્રસન્નતા માટે કાર્યશીલ રહેવું એ પણ પર્યાવરણની સંભાળ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જ્યારે આપણે ઉદાસ હોઈએ છીએ, સ્ટ્રેસનો અનુભવ કરતાં હોઈએ છીએ ત્યારે આપણે પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ.

કોઈ વ્યક્તિ ગુસ્સામાં છે અને તેમની સાથે તમે દસ મિનિટ જેટલો સમય પણ વિતાવો છો, તો જ્યારે તમે છૂટાં પડો છો, ત્યારે તેમની નકારાત્મકતાના અંશ તમારામાં પ્રવેશે છે. અને જ્યારે તમે થોડો સમય પણ ખુશખુશાલ વ્યક્તિઓ સાથે કે નાના બાળકો સાથે વિતાવો છો ત્યારે તમે આનંદથી ભરાઈ જાઓ છો. તો આપણે માત્ર ભૌતિક સ્તરે જ નહીં, નકારાત્મક વિચારો અને લાગણીઓ વડે પણ પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ. ગુસ્સો, અવિશ્વાસ, લોભ, ઈર્ષા જેવી નકારાત્મક ભાવનાઓ વાતાવરણને પ્રદૂષિત કરવામાં મુખ્યત: જવાબદાર છે. જ્યારે મન નકારાત્મકતાથી ભરેલું હોય ત્યારે તે વાતાવરણની શુદ્ધિ અને સંભાળ વિશેે કઈ રીતે વિચારી શકે? પ્રસન્નતા અંતરંગ રીતે વાતાવરણ સાથે સંબંધિત છે.

આપણે જન્મજાત પ્રસન્ન છીએ. એક શિશુ આનંદમય હોય છે અને આજુબાજુ પ્રસન્નતા ફેલાવે છે. પરંતુ મોટા થવાની પ્રક્રિયા, શિક્ષણ પદ્ધતિ અને અન્ય લોકો સાથે વ્યવહાર દરમ્યાન આપણે આપણી મૂળભૂત શુદ્ધતા અને પવિત્રતા ખોઈ બેસી છીએ. આપણું મૂળ સ્વરૂપ- નિર્દોષતા, સરળતા અને પ્રામાણિકતા છે. આપણા સ્વભાવમાં સ્થિર થવું એ પર્યાવરણ રક્ષાનું પ્રથમ સોપાન છે. અને તેની સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે આટલું કરવાનો સંકલ્પ લો.

(૧) ગુસ્સો, તણાવ અને નિરાશાને નિયંત્રિત કરો. તમે ક્યારેય ગુસ્સો ન જ કરો, તેમ નહીં પરંતુ જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે તેને લાંબા સમય સુધી મનમાં રાખો નહીં. પાણી પર લહેર ઉઠે એટલા સમય સુધી ગુસ્સો રહેશે તો તે હાનિકારક નથી, પરંતુ જો મનમાં લાંબા સમય સુધી ગુસ્સો રહેશે તો તે ભાવનાત્મક પ્રદૂષણ ફેલાવે છે.

(૨) ભાવનાત્મક કચરાનો નિકાલ કરો: અવિશ્વાસ, તીરસ્કાર, ધિક્કાર, ફરિયાદો અને આવી અનેક નકારાત્મક લાગણીઓ હ્રદયમાં ઘર કરી ગઈ છે, તેને કુશળતાપૂર્વક દૂર કરો. ઉત્સાહ અને સાહજીકતા સાથે જીવનનું નવું પ્રકરણ શરૂ કરો.

(૩) ધ્યાનને તમારી દિનચર્યામાં સમાવિષ્ટ કરો. તમારાં સ્પંદનને શુદ્ધ કરવાનો સર્વોત્તમ ઉપાય છે, ધ્યાન! નકારાત્મક આંદોલન – વાઈબને સકારાત્મક આંદોલનમાં પરિવર્તિત કરવા માટે ધ્યાન ખૂબ આવશ્યક છે. ધ્યાનનાં માધ્યમથી ઘૃણા- પ્રેમમાં, હતાશા- આત્મવિશ્વાસમાં, નિરાશા- આશામાં અને અજ્ઞાન- આત્મસ્ફુરણામાં પરિવર્તિત થાય છે. નકારાત્મક સ્પંદનોનું સકારાત્મકતામાં આમૂલ પરિવર્તન થાય છે.

(૪) આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરાઈ જાઓ. એટલું નિશ્ચિત જાણો કે જે સહુથી ઉત્તમ હશે તે જ તમને પ્રાપ્ત થશે. ઈશ્વરીય શક્તિમાં શ્રદ્ધા રાખો.

(૫) કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લો. સકારાત્મક ઉર્જા અને સ્પંદનનું પ્રસ્ફુરણ કરવાનો બીજો ઉપાય સંગીત, નૃત્ય અને અન્ય કલાઓમાં પ્રવૃત્ત થવું, એ છે. માત્ર પ્રેક્ષક બનીને નહીં પરંતુ આવી પ્રવૃત્તિમાં સ્વયં ભાગ લો. તમે સકારાત્મક આંદોલનોથી છલકાઈ ઊઠશો.

(૬) સેવા કરો. જે લોકોને જરૂર છે, તેમના સુધી પહોંચો અને સેવા કરો. “મારું શું થશે?” એ વિચારનો ત્યાગ કરો. અને તેને બદલે સતત વિચારો કે “હું કોઈને કઈ રીતે મદદરૂપ થઈ શકું? વિશ્વને હું શું યોગદાન આપી શકું?” આવા શુભ આશયથી આપણાં સ્પંદન શુદ્ધ બને છે અને તે વધુ ને વધુ પ્રસન્નતા જીવનમાં પ્રેરે છે.

એક શાંત અને પ્રસન્ન મન એટલે પર્યાવરણ શુદ્ધિનું મહત્વનું આયામ! તમારાં મનને પ્રસન્ન રાખવાની જવાબદારી તમારે સ્વયં એ જ લેવી પડશે, તમારા વતી કોઈ બીજું એ નહીં કરી શકે! પરંતુ તમે જ્યારે અન્યની પ્રસન્નતાની જવાબદારી લો છો ત્યારે ઈશ્વરની વધુ સમીપ જાઓ છો. આ જ સાચી ભક્તિ છે, સાચી પ્રાર્થના છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]