શબ્દાતીત: પોતાને વ્યક્ત કરવા માટે પ્રયત્ન ના કરો

જ્ઞાન શબ્દોથી ઉપર શબ્દાતીત હોય છે. તે અંદરથી અભિવ્યક્ત હોય છે. તે તમામ શબ્દોનો સાર છે. શબ્દોની ઉપર ઊઠીને જુઓ અને સમજો. તમારા જીવનમાં કોઈ અસત્ય નહીં રહે. આપણે શબ્દો સાથે અર્થ જોડીએ છીએ અને તેમને વિકૃત પણ કરીએ છીએ. જો તમે શબ્દો સાથે ચાલાકી કરી છો તો તે અસત્ય બને છે, જો તમે શબ્દો સાથે રમો છો તો તે મજાક બને છે,જો તમે શબ્દો પર આધાર રાખો છો તો તે અજ્ઞાનતા છે, પરંતુ જો તમે શબ્દોથી ઉપર ઊઠો છો તો તે જ્ઞાન છે. ચાલો આપણે એવા થોડા શબ્દો જોઈએ જેમના અર્થ સમય જતાં બદલાઈ ગયા છે.

Brainwashing, ભ્રમમુક્ત, પુરાણ :
દા.ત. brainwashing શબ્દ લઈએ. તમારા શરીરની જેમ તમારા મગજને ક્યારેક સફાઈની જરૂર પડે છે. તમે મલિન મગજ, મલિન મન સાથે રહેવા નથી માંગતા. Brainwashing નો અર્થ થાય છે સ્વચ્છ મગજ, સ્વચ્છ મન, પરંતુ તેનો ઉપયોગ નામોશીની રીતે કરવામાં આવે છે. એ જ રીતે ‘ભ્રમમુક્ત’ શબ્દ છે. તમારું ભ્રમમુક્ત થવું સારું છે. તમે વાસ્તવિકતા જોતા થાવ છો. એ જ રીતે પુરાણ શબ્દ છે જેનો અર્થ થાય છે ‘જે શહેરમાં નવું છે તે સૌથી આધુનિક’. પરંતુ તેનો ઉપયોગ જૂનું થયાના સંદર્ભમાં કરવામાં આવે છે.

Mercy(દયા): વારંવાર વપરાતા Mercy શબ્દને જોઈએ. Mercy(દયા) એટલે આત્મીયતા કે પોતાનાપણાંનો અભાવ. તે વેગળાપણું દર્શાવે છે. તમારા નજીકના અને વહાલા લોકો પ્રત્યે તમને mercy(આત્મીયતાનો અભાવ) ના હોય. જેને પોતાના ના માનતા હોવ તેમને માટે તમને mercy હોય. Mercy ગુસ્સો, અભિપ્રાય બાંધવો અને સત્તા દર્શાવે છે. તે હિંમત અને બહાદુરીનો અભાવ પણ દર્શાવે છે. એ લઘુ મન છે જે પોતાનો સ્વભાવ દિવ્ય મન પર થોપી બેસાડે છે. દિવ્યતા સર્વજ્ઞાની અને સર્વને પ્રેમ કરનારી છે; તેમાં mercy (આત્મીયતાનો અભાવ)નો કોઈ અવકાશ હોતો નથી. જ્યાં ગાઢ પરિચય છે ત્યાં mercy નું કોઈ સ્થાન નથી.

ક્ષમાવૃત્તિ: એ જ રીતે ક્ષમા આપવાનું ક્યારેય પરિપૂર્ણ ના હોઈ શકે. આપણે કોઈને ક્ષમા આપવાનો પ્રયાસ કરવા ઝઝુમવું પડે છે. તમે જાણો છો શા માટે? તમે જ્યારે કહો છો કે હું માફ કરું છું, ત્યારે તમે માનો છો કે તેઓ ગુનેગાર છે, અને જ્યારે તમે આવું માનો છો ત્યારે ક્ષમા આપવાનું અઘરું બને છે. એક વિશાળ દ્રષ્ટિકોણથી જોઈએ તો સમજાશે કે એક ગુનેગાર એક પીડિત પણ છે પોતાના મનથી, અજ્ઞાનતાથી, અજાગૃતિથી, અસાવધતાથી પીડિત. તો તમારી અંદર કરુણા જાગશે. જ્યારે લોકો કરુણાને સમજી નથી શકતા ત્યારે તેમની સાથે ક્ષમાની ભાષામાં વાત કરવી પડે છે.

મૃદુતા, પ્રબળતા: કેટલાક લોકો મૃદુ હોય છે અને તેમની મૃદુતા હિંમત અને પ્રબળતાના અભાવને લીધે હોય છે. અન્ય કેટલાક લોકોમાં જે મૃદુતા હોય છે તે પુખ્તતા, ઔદાર્ય અને આત્મા વિષયક જ્ઞાનને લીધે હોય છે. જે લોકોમાં હિંમતના અભાવે મૃદુતા હોય છે તેઓ ખૂબ સહન કરે છે. ક્યારેક તેઓ અસ્થિર થઈ જાય છે. એ જ પ્રમાણે લોકોમાં બે પ્રકારની પ્રબળતા હોય છે; આક્રમણકારી અથવા નિશ્ચયાત્મક. કેટલાક લોકો નિર્બળતા, તાકાતના અભાવે કે ડરને લીધે આક્રમકતાથી પ્રબળતા દર્શાવતા હોય છે. અન્યો કાળજી, પ્રેમ અને કરુણાને લીધે પ્રબળતા વ્યક્ત કરતા હોય છે.

સહનશીલતા: અન્ય જે શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે તે છે સહનશીલતા. ઘણા લોકો માને છે કે સહનશીલતા એક સદ્ગુણ છે. સહનશીલતા એ નકારાત્મક ભાષા છે. જો તમને કશું ગમતું હોય તો તેને સહન કરવાનું નથી હોતું. સહનશીલતા અણગમાની ઊંડી લાગણી દર્શાવે છે જે ગમે ત્યારે નફરતમાં ફેરવાઈ શકે છે. તે અલગપણાંની ભાવના, સંકુચિત માનસિકતા, સભાનતાની મર્યાદા વ્યક્ત કરે છે. સહનશીલતા એ એક સંભવિત જ્વાળામુખી છે. જો તમે સહન કરી રહ્યા છો તો એનો અર્થ એ છે કે તમે નારાજીને પકડી રાખી છે.

તપશ્ચર્યા: તપશ્ચર્યાને ઘણીવાર અભાવથી ચલાવી લેવાની વૃત્તિ અથવા આત્મસંયમ તરીકે ખોટી રીતે લેવાય છે. તે આ બન્નેમાંથી એક પણ નથી. તપશ્ચર્યા પુખ્તતામાંથી જન્મે છે. તે સામાજિક સ્વાસ્થ્યની નિશાની છે. માત્ર જે અસ્મિતાથી તવંગર હોય તે જ તપશ્ચર્યાનો અમલ કરી શકે છે. અસ્મિતાનો અભાવ મિથ્યાભિમાન કરે છે. તપશ્ચર્યા મિથ્યાભિમાનથી મુક્તિ અપાવે છે. તપશ્ચર્યા માટે ગર્વ કરવો એ પણ મિથ્યાભિમાન છે!

લોકો પર પોતાનો પ્રભાવ પાડવા અથવા પોતાને વ્યક્ત કરવા માટે પ્રયત્ન ના કરો. જ્યારે તમે અંદરથી વ્યક્ત થાવ છો ત્યારે તમારી અભિવ્યક્તિ પરિપૂર્ણ હોય છે અને તમારો પ્રભાવ લાંબો સમય ટકે છે. પોતાની જાતને પૂછો,”હું ખરેખર જે છું તેને અનુરૂપ જ વર્તું છું? “પોતે જે આવરણ ઓઢ્યું હોય તેને પોતાના માંહ્યલા તરીકે સમજવાની ભૂલ ના કરવી. સમુદ્રનું વાદળ બનવું એક રહસ્ય છે, પરંતુ વાદળનું સમુદ્ર બનવું એક દેખાતી ઘટના છે. દુનિયામાં બહુ થોડા લોકો તમારા આંતરિક વિકાસની નોંધ લઈ શકશે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)