એ શિક્ષણ કે જે સદાચારને રોપે અને પોષે છે તે જ સાચી સમજણ આપે છે

આજે, દરેક માતા-પિતાને ચિંતા હોય છે કે તેમના બાળકો સારા ભણેલા માણસ તરીકે તથા જીવનમાં કેટલાક મુલ્યો સાથે ઉછરે અને તેઓ સુખી થાય. પરંતુ જીવનયાત્રામાં સુખ સાથે મેળાપ દુષ્કર લાગે છે. એક બાળકને જુઓ, નાના બાળકને.તેનું સ્મિત કેટલું સુંદર હોય છે. તેનામાં કેટલી ખુશી અને મિલનસારપણું છલકાય છે. અને એ જ બાળક જ્યારે સ્કૂલ અને કોલેજમાંથી પાસ થઈને નીકળે છે ત્યારે તેનો ચહેરો જુઓ.શું તેનામાં બાળપણમાં દેખાતા હતા તે ખુશી, નિર્દોષપણું અને સૌંદર્ય હજી દેખાય છે?

આપણે હકીકતમાં આની જ ઉપર ધ્યાન આપવાની અને વિચારવાની જરૂર છે : શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી માણસ ઉંમરમાં વધે, પુખ્ત થાય છતાં તેનામાંનું નિર્દોષપણું જળવાયેલું રહે?જો આપણે આવું મેળવી શકીએ છીએ તો ખરેખર કંઈક અદ્ભૂત મેળવ્યું ગણાય; કારણ કે નિર્દોષપણું પોતાની સાથે એક સૌંદર્ય લાવે છે.

કોઈ અભણ માણસ નિર્દોષ હોઈ શકે છે,પણ આવા નિર્દોષપણાની કોઈ કિંમત નથી.અને એક બૌધિક માણસ કપટી હોઈ શકે છે,પણ એવી બૌધિકતાની કોઈ કિંમત નથી હોતી. શ્રેષ્ઠ સંયોજન એ છે જેમાં બૌધિકતા અને નિર્દોષપણું બન્ને છે; એવી બૌધિકતા જે નિર્દોષપણાંને નષ્ટ નથી કરતી.

આપણે આપણી શિક્ષણ પધ્ધતિમાં એવા મુલ્યો દાખલ કરવાની જરૂર છે જેનાથી દરેક બાળક મિત્રતા કેળવતા શીખે.જો તમે સ્કૂલ કે કોલેજમાં બાળકોને પૂછો કે તેમને કેટલા મિત્રો છે તો તે આંગળીના વેઢે ગણશે-એક,બે,ત્રણ,ચાર, પાંચ…એનાથી વધારે નહીં હોય.મારે બાળકોને એક પ્રશ્ન પૂછવો છે: જો એક વર્ષમાં તમે તમારા ક્લાસના 40-50 બાળકો સાથે મિત્રતા કેળવી ના શકતા હોવ તો તમે આ પૃથ્વી પરના 8 કરોડ લોકો સાથે કેવી રીતે મિત્ર બની શકશો?શિક્ષણના ભાગ રુપે બાળકોને દરરોજ એક મિત્ર બનાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

જેવી રીતે અણુના મધ્યમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે જ્યારે પરિઘમાં જ નકારાત્મક ગુણભાર ધરાવતા કણો હોય છે, તેવી રીતે માનવની ચેતનામાં પણ મન અને જીવન એવા છે.બધું નકારાત્મક બાહ્ય, પરિઘમાં હોય છે.દરેક વ્યક્તિની અંદર તો સકારાત્મકતા અને સદગુણો હોય છે. જો આપણે આ સદગુણોને પોષવાનો ઉપાય શોધવામાં સફળ નીવડીએ તો આપણે યુવાઓને ખુશખુશાલ અને માનવીય મુલ્યો ધરાવતા જોઈ શકીશું.

મારા મતે સાચી અને દીર્ઘ સફળતા એટલે સ્મિત;જે તમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી અને એ સાથે મૈત્રીભાવ,કરુણા તથા બીજાની સેવા કરવાની તત્પરતા. માટે, આજે કોલેજોમાં થતી ગોળીબારની ઘટનાઓ ખૂબ દુખદ લાગે છે.મને લાગે છે કે જે આદર અને ગૌરવ શિક્ષણ ઐતિહાસિક રીતે બક્ષતું આવ્યું છે તે પાછા સ્થાપિત કરવાના ઉપાયો શોધવા હવે તો આપણે ભેગા થવું જ જોઈએ.

વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતા શિક્ષણની સાથે સાથે પ્રેમ અને કરુણામય હ્રદય હોવા એ આજની જરુરિયાત છે. તમે સારું શિક્ષણ મેળવીને અન્યોને તુચ્છ રીતે જોવા માંડો એનો કોઈ અર્થ નથી.એક સારી શિક્ષિત વ્યક્તિ એ છે જે મૈત્રીભાવ અને કરુણા દાખવે છે,જે દરેકની સાથે ગુમાન વગર વર્તી શકે છે.

અન્ય અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આદર કરી શકે એવી વિશાળ સ્વીકારની ભાવના માત્ર શિક્ષણથી જ આવી શકે. જો આ બાબતે પૃથ્વીનો એક નાનો ભાગ પણ અબુધ રહી જાય તો પણ દુનિયા સલામત નહીં રહે. આથી આપણે સૌએ સાથે મળીને આધ્યાત્મિક અને તંદુરસ્ત શિક્ષણ પધ્ધતિ વિશે મંથન કરવું જોઈએ કે જે આપણા ખોવાયેલા સદાચાર, માનવીય મુલ્યો, વિશાળ દ્રષ્ટિકોણ અને પ્રેમમય-કરુણામય હ્રદય હોવાની મહત્તાને અપનાવે. આપણા બાળકોના ઉછેરમાં આપણું આ લક્ષ્ય હોવું જોઈએ.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)