તમે જીવનમાં અનુકૂલન શોધો છો. તમારે શા માટે પૈસા જોઈએ છે? કારણ કે તમારે સગવડો જોઈએ છે. કોઈ પણ પ્રકારની જરુરિયાત એક જ શબ્દ પર આવીને અટકે છે- અનુકૂળતા.
અનુકૂલનના ઘણા સ્તર હોય છે. એક છે શારીરિક-જો તમે ઘાસ પર બેઠા હોવ છો તો તમને લાગે છે કે, ‘અરે એક તકિયો હોત તો મજા આવી જાત.’ બીજું છે માનસિક અનુકૂલન-આની તો વધારે જરુરિયાત હોય છે. જો તમારી પાસે સગવડોભર્યું ઘર છે,પરંતુ જો મનથી અનુકૂળતા નથી લાગતી તો આરામદાયક પથારીમાં પણ તમને ઊંઘ નહીં આવે. અન્ય છે ભાવનાત્મક અનુકૂલન- તમારી પાસે સર્વસ્વ છે, પરંતુ જો તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારી સાથે નથી બોલતી અથવા તમને દુખ થાય એવું કંઈ કરે છે,તો તમારું ભાવનાત્મક અનુકૂલન જતું રહે છે.
વળી આધ્યાત્મિક અનુકૂલન પણ હોય છે-આ આત્માને અનુભવાતું અનુકૂલન છે, એકદમ શાંતિ, અંદરથી વહેતો શાંતિ અને આનંદનો અસ્ખલિત પ્રવાહ. અનુકૂળતા હોવી એટલે સહજ હોવું.
અનુકૂળતા એટલે શું? એ શરીરમાં હોય છે કે મનમાં? તે બન્નેના સંયોજનમાં હોય છે. ક્યારેક શરીરને અનુકૂળતા નથી લાગતી હોતી તો મનને પણ અનુકૂળ નથી લાગતું. એ જ રીતે મનથી અનુકૂળતા ના લાગતી હોય ત્યારે શરીરને પણ અનુકૂળતા નથી લાગતી હોતી. શરીર કરતાં મનની અનુકૂળતા વધારે અગત્યની છે. શરીર કરતાં મન ત્રણ ગણું વધારે શક્તિશાળી હોય છે. માટે માનસિક અનુકૂલન શરીરના અનુકૂલન કરતાં ત્રણ ઘણું વધારે અગત્યનું છે.
અનુકૂલન સંકલ્પ પર આધારિત હોય છે. અન્ય લોકોનો સંકલ્પ તમને અનુકૂલન લાવે છે. દા.ત.,દૂધવાળાનો તમને દૂધ પહોંચાડવાનો સંકલ્પ તમને અનુકૂળતા આપે છે. એ જ રીતે તમારો સંકલ્પ બીજા બધાને અનુકૂળતા લાવતો હોવો જોઈએ. ક્યારેક લોકો કહેતા હોય છે,’અરે હું તો સંકલ્પ કરીને ફસાઈ ગયો, એટલે દુખી છું. ‘એવું ના માનશો કે દરેક સંકલ્પ શરુઆતથી જ સરળ હશે. જો તમે તમારો દાક્તરી અભ્યાસ પૂરો કરવા સંકલ્પબધ્ધ હોવ તો વચ્ચે કેટલોક સંઘર્ષવાળો સમય આવશે એ નક્કી છે.
પરંતુ,સંકલ્પ તમને તમામ અડચણો પાર કરાવી શકે છે; અને જેટલી વધારે સિધ્ધિ જોઈતી હોય તેટલો મોટો સંકલ્પ લેવો પડે. તમે જેટલા વધારે સંકલ્પબધ્ધ થાવ તેટલી કોઈ પણ કામ કરવાની ક્ષમતા વધે છે. સંકલ્પ એટલે કોઈ પણ કામ થોડું વધારે કરવાની તૈયારી.તમે એવું નથી કહેતા કે,’ હું એક ગ્લાસ પાણી પીવા કે એક કિલોમીટર ચાલવા સંકલ્પબધ્ધ છું.’, જે તમે આમેય કરતા હોવ છો. તમને લાગે કે તમે આટલું કરી શકો છો તેના કરતાં મોટો તમારો સંકલ્પ હોવો જોઈએ. સંકલ્પમાં તમારી ક્ષમતાને વિસ્તૃત કરવાની વાત છે.
દરેક જગ્યાએ સફળતાની ઘણી વાતો થાય છે.દરેક વ્યક્તિને સફળ થવું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે સફળતા એટલે શું?સફળતા એટલે તમારી ક્ષમતા વિશેની અજ્ઞાનતા.તમે તમારી જાત પર એક મર્યાદા બાંધી દીધી છે,અને જ્યારે પણ તમે તમારી પોતાની મર્યાદાને પાર કરો છો ત્યારે તમે સફળતા હાંસલ કરો છો.સફળતા એ તમારી શક્તિ વિશેનું અભાનપણું છે કારણ કે તમે ધારી લો છો કે તમે એટલું જ કરી શકો છો.
તમે ક્યારેય એવું નથી કહેતા કે,’ મેં સફળતાથી એક કેળું ખાધું! ‘જ્યારે તમે મર્યાદા બાંધો છો ત્યારે તમે પોતાની શક્તિને મર્યાદિત કરી દો છો,તમારી પોતાની ચેતનાને. દરેક વખતે જ્યારે તમે કંઈ હાંસલ કરો છો ત્યારે તમને તે માટે ગર્વ થાય છે,ખરું ને?હકીકતમાં તમને દિલગીરી થવી જોઈએ. તમે જે સહેલાઈથી કરી દીધું તેના માટે ગર્વ અનુભવો છો કારણ કે તમને ખબર નથી કે તમે જે માટે ગર્વ અનુભવી રહ્યા છો એના કરતાં ઘણું વધારે કરી શકો છો.જ્યારે તમે સફળ હોવ છો ત્યારે તમને એ બાબતે ગર્વ થાય છે અને જો નિષ્ફળ જાવ છો તો તમને અપરાધની ભાવના થાય છે અને વ્યથિત થઈ જાવ છો.બન્ને પરિસ્થિતિ તમારો આનંદ લૂંટી લે છે,તમારી જે વિશાળ ક્ષમતા છે તેનાથી તમને દૂર કરી દે છે. માટે શ્રેષ્ઠ ઉપાય છે ઈશ્વરને સમર્પણ.
જો તમે સફળ થાવ છો તો શું થઈ ગયું?આવું ફરી થયું, તમે બીજું કંઈ કર્યું, અને તમે ઘણું વધારે કરી શકો છો.જો તમે કોઈ કામ સારી રીતે કરી ના શકયા તો ના કરી શક્યા,બસ એટલું જ.આ ક્ષણે શું તમે એ ફરી કરવા ઈચ્છો છો? તો સંકલ્પ લો,’મારે એ કરવું જ પડશે!’- તો તમે સારો વિકાસ કરી શકશો,અપરાધની ભાવના વગર, કોઈ નિષ્કર્ષ બાંધ્યા વગર.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
