જીવનરૂપી પરીક્ષામાં સફળતા મેળવવી

દરેક વ્યક્તિ સફળતા મેળવવા માટે સ્પર્ધામાં હોય છે,પરંતુ કોઈ વ્યક્તિ સફળતા ખરેખર શું છે તે વિચારવા માટે થોભતી નથી. મોટાભાગના લોકો માટે જયારે લોકો કહે કે તમે સફળ છો,તે જ સફળતા છે. આવી સફળતા મળે છે કે નહિ તે ચોક્કસ નથી હોતું,પરંતુ તેની પાછળ ભાગવામાં તમારા મનની શાંતિ ચોક્કસ જતી રહે છે.મારા માટે જયારે તમારા ચહેરા પર મુરઝાઈ ના જાય તેવું સ્મિત હોય તે સફળતા છે,એવું સ્મિત કે જે કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ છીનવી ના શકે.આવું સ્મિત એક આંતરિક સંતોષ અને ખુશીની અવસ્થાથી આવે છે. પરંતુ જો દરેક વ્યક્તિ પોતાની સફળતાની વ્યાખ્યા આપવા માંડે તો જે પરિપક્વ નથી તે આત્મસંતોષી બની જાય.લોકોને આળસથી બચાવવા માટે કોઈકે ચોકસાઈ કરવી જોઈએ કે લોકો પ્રગતિ કરી રહ્યા છે. પરીક્ષા લેવા પાછળનો મુખ્ય હેતુ આ છે.

કમનસીબે આજે પરીક્ષાઓ જીવન મરણની બાબત બની ગઈ છે.કોઈક પરિક્ષામાં પોતે નપાસ થયા છે તેવું જાણીને ઘણા બાળકો અને નાના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લે છે.કોઈને આવું કૃત્ય કરવાની જરૂર હોતી નથી.કોઈ પરીક્ષાની સરખામણીએ આ જીવન વધારે કિંમતી છે. તમારે સફળતા અને નિષ્ફળતા સ્વીકારવા જોઈએ કારણ કે કર્મના ફળ ઉપર તમારો કોઈ કાબુ હોતો નથી. પરીક્ષાનું તમારું પરિણામ જે કંઈ આવે તેનો હસતા હસતા સ્વીકાર કરો,પરંતુ હવેથી વધારે મહેનત કરવાનો નિર્ધાર કરો.

જયારે કોઈ વ્યક્તિ નપાસ થાય ત્યારે પોતાના ભવિષ્ય વિષે વિહવળતા,ડર અને ચિંતા થાય તે સ્વાભાવિક છે.એવું ના વિચારો કે પરીક્ષામાં પાસ કે નપાસ થવું તે તમારી આખી જિંદગીની દિશા નક્કી કરે છે.પરીક્ષામાં નપાસ થનાર દરેક વ્યક્તિ મૂર્ખ નથી હોતી અને પાસ થનાર દરેક બુદ્ધિશાળી નથી હોતા.જીવનને વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ.એવા કેટલાય દ્રષ્ટાંત છે કે નિષ્ફળ ગયેલા લોકો ખૂબ પ્રગતિ કરે છે.જયારે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે હિમ્મતથી કામ લો અને વિશ્વાસથી પડકારનો સામનો કરો.એટલો વિશ્વાસ રાખો કે તમને જે મળવાનું છે તે મળશે જ,ભીતિ બેસી જાય તેવું ના થવા દેશો.તમારા મનને કેન્દ્રિત રાખવામાં પ્રાણાયામ,યોગ,ધ્યાન અને સુદર્શન ક્રિયા ખૂબ મદદરૂપ થશે. મારી માતા-પિતાને વિનંતી છે કે બાળકો નિષ્ફળ જાય તો પણ તેમને પ્રોત્સાહન આપજો અને ધ્યાન રાખજો કે તેઓ હતાશામાંથી બહાર આવી જાય.બાળકો જે કંઈ કરી શકે તેમ હતા તે તેમણે કર્યું હતું.તેઓ પોતાના પરિણામથી ખુશ નથી અને તે સમયે તમે પણ દુખ વ્યક્ત કરો તો તેનાથી તેમના પશ્ચાતાપ અને નિરાશામાં વધારો થશે.માતા-પિતાએ તેઓને એ સમજાવવું જોઈએ કે જીવન આ પરીક્ષા કરતાં ક્યાંય વધારે અગત્યનું છે.

 

જો તમે સફળ થયા છો, તો શું થઇ ગયું? તમે બીજું એક વધારે કાર્ય કર્યું અને તમે ઘણું વધારે કરી શકો છો.જો તમે કંઈક સારી રીતે ના કરી શક્યા તો ઠીક છે,ના કરી શક્યા.જો તમે ૧૦૦ વખત પડો તો પણ ઊભા થઇ જાવ અને ચાલતા રહો.બાળક તરીકે તમે પોતાના પગ પર ઊભા રહેતા શીખ્યા તે પહેલા કેટલી વાર પડી ગયા હતા?આજે સંકલ્પ લો કે “કંઈ પણ થાય હું હતાશ નહિ થાઉં.ઈશ્વર હંમેશા મારો હાથ પકડશે અને મને માર્ગદર્શન આપશે.”તમને ઊભા કરવા માટે આટલું પૂરતું છે. દરેક પરિસ્થિતિમાં તમારું મન સંતુલિત રાખો.સફળતા અને નિષ્ફળતા બંન્નેમાં રાખવામાં આવતું સંતુલન જ તમને સાચી સફળતા તરફ લઇ જશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)