જીવનમાં પ્રબળ ઈચ્છાઓ

એવું શું છે જે તમને વાસ્તવિકતાથી,સત્યથી, ઈશ્વરથી દૂર રાખે છે?ચાર પ્રકારના ભય કે પ્રબળ ઈચ્છાઓ તમને દુનિયા સાથે જોડી રાખે છે.તેમને એષણા કહેવાય છે અને તેમના ચાર પ્રકાર છે પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા અને જીવૈષણા.

પુત્રૈષણા: એટલે કાયમ સંતતિ વિશે વિચારવું,બાળકો માટે આસક્તિ.તે તમારા મનને વ્યાકુળ બનાવે છે;તે તમારા વિચારોને એટલા કુંઠિત કરી દે છે કે બાળકોનું ભલું શેમાં છે તે તમે નથી જોઈ શકતા. આ એષણાને લીધે અનેક સમસ્યાઓ અને પીડા થતા હોય છે.

વિત્તૈષણા: પૈસાની ભુખ. હું એક વૃદ્ધ સ્ત્રીને જાણું છું જે કહેતા કે જો કોઈ વ્યક્તિને માથામાં બીમારી છે તો તેમને પુષ્કળ સિક્કા આપી દો.તે ગણ્યા કરશે અને તેની બીમારી જતી રહેશે.તમારી પાસે કેટકેટલું હોઈ શકે છે?તમારે તેનાથી શું શું કરવું છે?પૈસા જરૂરી છે પરંતુ મનમાં એની લાલસા હોય તો તે તમારા જીવનમાં એટલી સંપૂર્ણપણે છવાઈ જાય છે કે તમે વાસ્તવિકતા જોઈ શકતા નથી,પ્રેમને સમજી શકતા નથી અને પૈસા સિવાય બીજું કંઈ તમને દેખાતું નથી. વિત્તૈષણા તમને બંધનમાં નાંખી દે છે. એ એવું જોડાણ છે જે તમારા મનને બેંકમાં રચ્યું પચ્યું રાખે છે.તે તમને ભ્રામક સલામતી આપે છે.પૈસા વિશે શા માટે બહુ ચિંતા કરવી જોઈએ?વિશ્વાસ રાખો કે તમારે માટે જે જરૂરી છે તે તમને મળી રહેશે અને ૧૦૦% મુકીને કાર્યરત રહો. તમારી પાસે જે આવવાનું છે તે આવશે જ અને જે ખર્ચાવાનું છે તેનો ખર્ચ થશે જ.

લોકૈષણા: એટલે પ્રખ્યાત થવાની તીવ્ર ઈચ્છા,કંઈક બનવાની મહેચ્છા. એવું કંઈક કરવાની તીવ્ર ઈચ્છા કે જેને લીધે પોતાનું નામ અમર રહે!દુનિયાની દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરે એવું તમે ઈચ્છો છો.જુઓ, જે લોકો ખૂબ પ્રખ્યાત છે તેમનું શું થાય છે.શું તેમની ખ્યાતિ કાયમ એવીને એવી જ રહે છે?અને જ્યારે બીજી કોઈ વ્યક્તિ થોડી વધારે પ્રખ્યાત થઈ જાય છે તો તેઓને ઈર્ષ્યા થાય છે અને દુખી થઈ જાય છે.જ્યારે તમે પ્રસિદ્ધિના શિખર પર હોવ અને પોતાની ખ્યાતિ જાળવી રાખવા પ્રયત્ન કરતા હોવ ત્યારે તમને ખૂબ ભય અને બેચેની થઈ જાય છે.તમે એકદમ વ્યાકુળ થઈ જાવ છો.લોકૈષણા તમારામાં ભય પેદા કરે છે અને તમને નાસીપાસ કરે છે.

જીવૈષણા: કે લાંબુ જીવવાની અભીપ્સા!શારીરિક રીતે અમર થવાની ચાહ.પરંતુ શા માટે શરીરને અમર બનાવવું જોઈએ?કુદરત તમને દરેક વખતે નવું શરીર આપે છે.જ્યારે પુષ્કળ પ્રમાણમાં તાજા સફરજન થતા હોય તો શા માટે એક સફરજન રાખી મુકવું જોઈએ, તેને જૂનું કરવું જોઈએ અને પછી ખાવું જોઈએ?શરીર નાશવંત છે.જે લોકો પોતાનું જીવન પૂરેપૂરું માણીને જીવતા નથી તેમને વધુ લાંબુ જીવવાની લાલસા રહે છે.અરે, કેટલાક બહુ બીમાર લોકો જે મૃત્યુની નજીક છે તેઓ પણ મરવા માટે તૈયાર નથી.જીવૈષણા એટલે જીવનને ચીટકી રહેવું.તે તમને વર્તમાન ક્ષણ માણવા દેતી નથી,મુક્ત થવા દેતી નથી.અને તે જીવનમાં તનાવ ઉત્પન્ન કરે છે.એક તંદુરસ્ત માણસનું મૃત્યુ થાય છે અને એક બીમાર માણસ પણ મૃત્યુ પામશે.એક દર્દી મૃત્યુ પામે છે તો એક ડોક્ટર પણ મૃત્યુ પામે છે.દરેક શરીરનું મૃત્યુ થાય છે.તે જીવનનું અનિવાર્ય પાસું છે.એનો અર્થ એ નથી કે તમારે તમારા શરીરની કાળજી ના લેવી જોઈએ.તમારે આ શરીરની એકદમ માવજત કરવી જોઈએ, પણ વ્યાકુળ થયા વગર,આ એષણા વગર.

જ્યારે આ ચાર પ્રકારના ભય અદ્રશ્ય થઈ જાય છે ત્યારે તમે ઈશ્વરની નજીક આવીને બેસવા તથા બ્રહ્મન વિશે જાણવા લાયક બનો છો.આ દુનિયાથી પર એવું તે કંઈક શું છે?વાસ્તવિકતા શું છે?સત્ય શું છે?આ સર્વસ્વનું કેન્દ્ર શું છે?ત્યારે આ ભેદ કે જે ખુબ પવિત્ર છે તે તમને જ્ઞાત થશે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)