દુ:ખના દરિયાને પાર કરવો

તમે જ્યારે વ્યથિત હોવ છો ત્યારે શું કરો છો? નારદજી ભક્તિ સૂત્રમાં જણાવે છે,” યો વિવિક્તસ્થાનમ્ સેવતે,યો લોકાબંધા મુન્મુલ્યતિ,યો નિસ્ત્રયગુણ્યો ભવતિ,યો યોગક્ષેમમ્ ત્યજતિ”. નારદજી કહે છે, એકાંતમાં ચાલ્યા જાવ, પ્રવૃત્તિઓમાંથી સમય કાઢીને પોતાની જાત સાથે રહો. જ્યારે તમારી પાસે પોતાના વિશે ચિંતન કરવાનો સમય નથી હોતો ત્યારે સમસ્યા ઊભી થાય છે. તમે તમારી આસપાસના અનેક લોકોને લીધે થતી અસરોના વમળોમાં હોવ છો અને તે દરેકને પોતાના મંતવ્ય હોય છે: પ્રસાર માધ્યમો, ટીવી, સમાચાર પત્રો તમારા પર તેમના મંતવ્યોનો મારો ચાલે છે અને તેથી તમારું મન ડામાડોળ થઈ જાય છે. તમે આ બધાથી અળગા થવા સમય ફાળવ્યો છે? થોડા સમય માટે વિશ્રાંતી માણી છે? મનને પોતાના સ્રોત તરફ વળવા દીધું છે?

આપણી પાસે આપણા શાંત માંહ્યલામાં વિશ્રામ કરવાનો ક્યારેય સમય નથી હોતો. તેને કારણે હિંસા ઉદભવે છે! મનમાં રહેલા પ્રશ્ર અનુત્તર રહેતાં ગુંચવણો ઊભી થાય છે અને હિંસામાં પરિવર્તિત થાય છે. આથી હિંસક લોકોના હ્રદયમાં હંમેશાં એક પ્રશ્ન હોય છે-“આવું શા માટે?” “શા માટે હું?” તેમને લાગે છે કે તેઓ ન્યાય માટે લડી રહ્યા છે. પરંતુ તેની પાછળ તેમનો ગુસ્સો અને ધિક્કાર કામ કરી રહ્યા હોય છે.

શા માટે લોકોને કેદમાં પૂરવામાં આવે છે? એનાથી તેઓ તેમના સાગરિતો અને સહમાર્ગીઓથી દૂર રહે છે. તેમને પોતાની અંદર ઝાંકવાની તક મળે છે. કોઈને જેલમાં પૂરવા પાછળનો મૂળ આશય તેમને શાંત પાડવાનો અને એકાંત દ્વારા તેમની સમજણ જાગૃત કરવાનો છે.

એક વાર્તા છે-એક માણસે બધું ત્યજી દીધું-તેનું ઘર,સંપત્તિ અને પરિવાર. તેણે કહ્યું,”હું એક તપસ્વી બનવા માટે જંગલમાં જઉં છું.”તે દસ કિલોમીટર ચાલ્યો. ઓચિંતુ તેને યાદ આવ્યું કે જ્યારે તે આવી રહ્યો હતો ત્યારે બારણાં બહાર એક ચાંદીનો કપ રહી ગયો હતો. આથી તે પાછો ચાલીને તેની પત્નીને એ ચાંદીનો કપ લઈ લેવાનું કહેવા ગયો. તેની પત્નીએ કહ્યું,”ભલે તમે દસ કિમી ચાલ્યા હતા,પરંતુ ચાંદીના એક નાના કપની તમારી માયાથી એક ઈંચ પણ ખસ્યા નહોતા!”

આવું એકાંત કોઈ ફાયદાકારક નથી.”મારું શું થશે” એ ડર તમારા આત્માને ભૌતિકતા સાથે જોડી રાખે છે. આ ચિંતા અને ડરની મનોસ્થિતિને લીધે તમે ક્યારેય હસી શકતા નથી. તમારા દિલોદિમાગમાંથી આ અસલામતી કાઢી નાંખો, નહીંતર તમારી પાસે જે છે તેનો તમે ઉપયોગ નહીં કરો શકો. તમારે આ ડર દૂર કરીને અંદરથી મુક્તિનો અનુભવ કરવો પડે. જો તમે કંઈ મેળવવાની કે જાળવી રાખવાની ચિંતા ત્યજી શકો છો અને એકાંતમાં થોડા સમય માટે વિશ્રામ અનુભવી શકો છો તો એ સાર્થક છે. નહીંતર એકાંતનો કોઈ ફાયદો નથી.

તમારી બધી ક્રિયાઓ તમારી પાસે જે નથી તે મેળવવા અથવા તમારી પાસે જે છે તેને જાળવી રાખવા વિશે હોય છે. આ યોગક્ષેમ કહેવાય. તમારી પાસે એક ઘર છે, તમારે તેને જાળવવું છે, કાર તથા ઈન્સ્યોરન્સ પોલીસી જોઈએ છે અને બધા બિલોના ચુકવણા કરવા છે. તમારી ચિંતાઓ કંઈક મેળવવા કે જાળવી રાખવા બાબતે છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, “જે વ્યક્તિ કોઈ બાબતની ચિંતા કરતી નથી, પરંતુ પોતાનું મન મારામાં સંપુર્ણપણે પરોવી દે છે તેના યોગક્ષેમની હું કાળજી લઉં છું. આવા લોકોને સહન ના કરવું પડે એ મારી જવાબદારી છે. માટે તમે અંદરથી એ ચિંતા કાઢી નાંખો.”
એકવાર તમે આ આધ્યાત્મિક પથ પર ડગ માંડ્યો છે તો તમે ક્યારેય પચાવી શકો તેના કરતાં વધારે તમને મળશે. જાણો કે તમારે જે જોઇએ છે તે તમને મળશે અને તમારી પાસે જે છે તેમાં વૃધ્ધિ થશે તથા તમારી પાસે જ રહેશે. આને સાચી શ્રદ્ધા કહેવાય.

લોકો તમારા વિશે શું વિચારે છે અથવા તમારે તેમનાથી કયો ફાયદો મેળવવો જોઈએ તેવી બધી ચિંતા છોડી દો. બધી દુન્યવી પરવા છોડો અને તમારી પ્રવૃત્તિમાંથી થોડો ફાજલ સમય કાઢો. સત્વ,રજસ અને તમસ-ત્રણે ગુણોથી ઉપર ઊઠો. પ્રમાદ(તમસ), ક્રિયાશીલતા(રજસ) અને જ્ઞાન(સત્વ)થી ઉપર ઊઠો. જ્યારે તમે જ્ઞાનથી પણ ઉપર ઊઠો છો ત્યારે મૌન જન્મે છે. નહીંતર તમે તમારા વિચારો, મંતવ્યો અને માન્યતાઓને પકડી રાખો છો તથા આખો વખત તેમને વાગોળ્યા કરો છો.

નારદજી કહે છે ‘સંઘ ત્યજતિ’- જે બધી મર્યાદાઓ, પાબંધીઓ, મંતવ્યોથી દૂર રહે છે, પોતાનામાં વિશ્રામ કરે છે અને જ્ઞાનીઓના સંગમાં રહે છે; તે ‘નિર્મમો ભવતિ’- એટલે કે તે અહંકારને લીધે થતી ગુંગળામણથી મુક્તિ મેળવે છે.
કંઈક મેળવવા કે જે છે તેને જાળવી રાખવા ચિંતા ના કરો. વિશ્વાસ રાખો કે તમારે જેની જરૂર છે તે તમને અપાશે. જો તમે થોડો સમય આ રીતે વિશ્રાંતિમાં ગાળો છો તો તમે પ્રતિકૂળતાઓને હંફાવી શકો છો અને દુ:ખના દરિયાને પાર કરી શકો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]