જ્ઞાનના ચાર સ્તંભ

જ્ઞાન એકદમ સરળ છે અને છતાં બહુ સહેલું નથી! તમે ‘એ’ હોવા છતાં ‘એ’ છો એવું જાણવા માટે કંઈક તૈયારીની જરૂર પડે છે.એ સત્યનું માત્ર નિરૂપણ કરવાથી સહાય મળતી નથી.તમારે એક દ્રષ્ટા તરીકે જોવું પડે છે અને એ રીતે આગળ વધવું પડે છે.તમારે જ્યાં પહોંચવાનું છે તે મુકામનું વર્ણન કરવું પૂરતું નથી.તમને દિશાઓ નિર્દેશ કરતો નકશો આપવો પડે છે,નહીંતર તમે આખો સમય જ્યાં ત્યાં ભટકી જઈ શકો છો.પોતાના માંહ્યલા સુધી પહોંચવા માટે વ્યક્તિ પાસે ચાર મુખ્ય સ્તંભ હોવા જોઈએ.


પહેલો છે વિવેક: એટલે કે જાણવું કે બધું પરિવર્તનશીલ છે.દરેક મીનીટે શરીરમાં નવા કોષો બની રહ્યા છે,તમારા દરેક ઉચ્છવાસ સાથે શરીરમાં ઘણી નવી ઊર્જા ઉત્પન્ન થાય છે.તમારું શરીર અણુઓનો સમૂહ છે અને અણુઓ સતત વિઘટન પામતા રહે છે;વિકાસ કરતા રહે છે. આપણા વિચારો અને ભાવનાઓ બદલાતા રહે છે.પણ આ બધા કરતાં કંઈક અલગ એવું છે જે બદલાતું નથી.આ કંઈક અપરિવર્તનશીલ છે અને બીજું બધું પરિવર્તનશીલ છે તે ભેદ જાણવો એ વિવેક છે.જે ક્ષણે તમે જુઓ છો કે વસ્તુઓ બદલાઈ રહી છે, તે સાથે તમે જોવા લાગશો કે જે આ બદલાવ જોઈ રહ્યું છે તે બદલાતું નથી.

બીજો સ્તંભ છે વૈરાગ્ય: એટલે કે તટસ્થતા,લાગણીવશતા અને મનોવિકારથી પર હોવું.દરેક દુખ માટે કોઈક આશા જવાબદાર છે.કંઈક આનંદ મેળવવાની તીવ્ર ઈચ્છા,’કદાચ હું મારી નોકરી બદલું તો મને ખુશી મળશે,કદાચ હું મારો સાથી,સંબંધ બદલું તો હું વધારે ખુશ થઈશ.’ ભવિષ્યમાં કોઈ દુન્યવી કે સ્વર્ગીય આનંદ મેળવવાની ઈચ્છામાં માણસ વર્તમાન ગુમાવી દે છે.’તો શું થઈ ગયું,જે થાય તે થવા દો’ એવો અભિગમ તમારી અસ્વસ્થતા દૂર કરી દે છે,તમારી લાલસા દૂર કરી નાંખે છે.યાદ રાખો કે વૈરાગ્ય એટલે ભાવનાશૂન્યતા નહીં.વૈરાગ્ય એટલે અસ્વસ્થતા,વ્યાકુળતાનો અભાવ.


ત્રીજો સ્તંભ છે સંપત્તિ: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા,શ્રધ્ધા અને સમાધાન.

શમ: જ્યારે મન ઘણી બધી વસ્તુઓ કરવા ઈચ્છે છે ત્યારે તે સંપૂર્ણ રીતે વિખરાઈ જાય છે. જ્યારે વૈરાગ્ય હોય છે ત્યારે તમારા મનને કેન્દ્રિત કરી શકો છો અને તમારું મન વધારે જાગરૂક હોય છે.

દમ: પોતાની ઈન્દ્રિયો પર કાબૂ હોવો. દા.ત. જો તમે નક્કી કર્યું હોય કે ‘આજે હું કંઈ નહીં ખાઉં’ અને જો કોઈ સરસ ખાવાનું પીરસાતું હોય તો તમને ખાવાનું મન થઈ જાય છે.પરંતુ જો તમારો તમારી ઈન્દ્રિયો પર કાબૂ હોય તો તે તમને ખેંચશે નહીં અને તમે તેમનાથી ખેંચાઈ જતા નથી.પરંતુ તમે ‘હા’ કે ‘ના’ કહેશો.

ત્રીજી સંપત્તિ છે તિતિક્ષા, એટલે કે ધૈર્ય, સહનશક્તિ,સંયમ.જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે સંપૂર્ણપણે વિચલિત થયા વગર તેને સહન કરી શકવાની શક્તિ. જીવનમાં કેટલીક સારી અને કેટલીક માઠી ઘટનાઓ બને છે,તો શું થઈ ગયું? તેમાંનું કશું કાયમ ટકવાનું નથી.

ઉપરતિ: એટલે કે સહજ રહેવું.ઘણી વાર તમે સ્વાભાવિક નથી હોતા.તમે કાર્યો કરો છો કારણ કે બીજું કોઈ એમ કરવાનું કહી રહ્યું છે અથવા કરી રહ્યું છે.વર્તમાન ક્ષણમાં,તમે જે આનંદરુપ છો તેમાં સ્થિત રહીને,તમે જે કંઈ કરી રહ્યા છો તેમાં આનંદ માણતા,રમતિયાળ રહીને, કેન્દ્રિત રહીને અને દરેક બાબતને નગણ્ય સમજવી એને ઉપરતિ કહેવાય.

પાંચમી સંપત્તિ છે શ્રધ્ધા: જે અજ્ઞાત છે તેને જાણવાની ઉત્કંઠા એટલે શ્રધ્ધા.જો તમારું મન કહે કે,’આ એ જ છે, આની પેલે પાર કંઈ નથી, મને બધું ખબર છે’ તો એ અહંકાર છે.પરંતુ જ્યારે તમે જાણો છો કે સમગ્ર સર્જન અજ્ઞાતમાંથી છે,એ અજ્ઞાતને સ્વીકારવું એ છે શ્રધ્ધા.પોતાનામાં,ગુરુમાં, ઈશ્વરમાં,અનંતતામાં વિશ્વાસ એટલે શ્રધ્ધા.

છઠ્ઠી સંપત્તિ છે સમાધાન: એટલે કે અનુકૂલનમાં હોવું.પોતાની જાત સાથે,આસપાસના વાતાવરણ સાથે અનુકૂલન અનુભવવું,આસપાસના લોકો સાથે,દરેક વસ્તુ સાથે શાંતિમય લાગવું, સંપૂર્ણ પ્રશાંત અને સ્વસ્થ હોવું. આ છ સંપત્તિ સંયુક્ત રીતે ત્રીજો સ્તંભ બનાવે છે.

ચોથો સ્તંભ છે મુમુક્ષત્વ: આ છે ઉચ્ચતમ માટેની ઈચ્છા.મોક્ષ માટેની, આત્મસાક્ષાત્કાર માટેની આકાંક્ષા;ઉત્કંઠા, ઈશ્વર માટે તડપ,એક ભક્ત થવા માટેની તરસ,સમગ્ર મુમુક્ષત્વનો હિસ્સો બનવાની ઉત્કંઠા.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)