મુક્તિની ઈચ્છા થવી એ આશીર્વાદરુપ છે

મુક્તિ એટલે શું? મુક્તિ એટલે જીવનમાં રહેલી દુખદાયક રીતભાતોમાંથી આઝાદી મેળવવી. વ્યક્તિ રીતભાતોમાં જીવન વ્યતીત કરતો હોય છે.પણ એ બાબતે જાગૃતિ ના હોય એવું બની શકે છે, બિલકુલ પ્રાણીઓની જેમ. માટે જ, જીવનની રીતભાતોમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા પણ થવી એ બહુ મોટો આશીર્વાદ છે. જો તમારામાં મુક્તિ માટે થોડી પણ ઈચ્છા જન્મી છે તો માની લો કે તમે ખૂબ નસીબદાર છો.તો, તમારામાં એ રીતભાતોની ઢબ શેને લીધે પડે છે?
પાંચ ઈન્દ્રિયો તમને જકડી રાખે છે. તે તમને કશાક માટે અણગમો કરાવે છે અથવા તરફેણ કરાવે છે; પછી તે સ્વાદ, સુગંધ કે સ્પર્શ હોઈ શકે છે.જ્યારે તમે કોઈ વસ્તુની તરફેણમાં કે વિરુદ્ધમાં હોવ ત્યારે તમે મુક્ત થઈ શકતા નથી. જો તમને કોઈ વસ્તુનો અણગમો છે તો જાણી લો કે તમે તેનાથી આઝાદ નહીં થઈ શકો.

તમે જેને ધિક્કારો છો, જેની વિરુધ્ધમાં છો તેની સાથે જોડાઈ જાવ છો. તમારો સ્વભાવ જીવનને સહાયરૂપ થતી બાબતો તરફ પ્રયાણ કરવાનો છે. ઈન્દ્રિયોને લગતા વિષયો જે તમને પાછા ખેંચે છે તે વિષ સમાન છે. જેનાથી તમને કંટાળો આવતો હોય તે બાબતો છોડી દેવી જોઈએ, જે રીતે તમે વિષથી અળગા રહો છો,એમ. પણ, કેવી રીતે?
પાંચ માર્ગદર્શક સિધ્ધાંતો છે જે તમને આવું ત્યજવામાં સહાય કરી શકે છે. ક્ષમા, આર્જવ(સન્નિષ્ઠતા), દયા, તોષ (તૃપ્તિ) અને સત્ય. પોતે ભૂલ કરી છે તે જાણવા છતાં પોતાની જાતને માફ કરી દેવી એ પહેલો સિધ્ધાંત છે.સમજી લો કે જે કંઈ બન્યું તે ઉત્તમ માટે છે અને તેના પર વિચાર્યા ના કરો. જો તમે પોતાની જાતને માફ નથી કરી શકતા તો તમે પોતાની જાતને ભૂતકાળ સાથે જકડી રાખી છે.

સન્નિષ્ઠતા વગરની માફીનો કોઈ અર્થ નથી.લોકો પોતાની જાતને માફ કર્યા કરે છે,પણ તેઓ સન્નિષ્ઠ નથી હોતા. સન્નિષ્ઠતાની જ્યોત જલાવવી પડે અને તે તમને બંધનમાંથી મુક્ત કરી શકે છે. પોતાની જાત કે અન્ય સાથે રુક્ષ ના થાવ. તમે ઘણી વાર પોતાની જાતને શિક્ષા કર્યા કરો છો કારણ કે તમે અન્ય કોઈને શિક્ષા કરી શકતા નથી.દરેક માટે કરુણા હોવી જોઈએ.જો તમે કરુણા નથી દાખવી શકતા તો તમે અચૂક ગુસ્સો કરશો.

નાસીપાસ થયેલી વ્યક્તિ પોતાના કે અન્ય સાથે કરુણામય નથી થઈ શકતી. તમને શેની ચિંતા છે? નાની નાની ઈચ્છાઓ અને વસ્તુઓ!આપણે જાણે કાયમ રહેવાના છીએ એ રીતે જીવીએ છીએ. આપણે જીવનના પ્રવાહને ભૂલી જઈએ છીએ અને સમય પ્રત્યેની સજગતા ખોઈ બેસીએ છીએ.માત્ર જાગૃત થાવ અને સંતુષ્ટ રહો. સમજો કે કોઈ અહીં કાયમ માટે રહેવાનું નથી. લોકોએ તમારી સાથે સારું કે ખરાબ કર્યું હોય પણ તેમણે તમારી સાથે જે કર્યું એ માટે એમનો આભાર માનો.

પાંચમો સિધ્ધાંત છે સત્ય. સત્ય એટલે શું?અત્યારે જે અસ્તિત્વમાં છે તે સત્ય છે.આખી દુનિયા બદલાતી રહે છે; દુનિયાના બધા માણસો બદલાતા રહે છે; તેમના મન બદલાતા રહે છે. દરેક વસ્તુ બદલાતી રહે છે,પરંતુ લોકો કોઈને કોઈ નકારાત્મક બાબતને પકડીને જકડી રાખે છે. તમારી આસપાસની દરેક વસ્તુ પરિવર્તનશીલ છે એ જ્ઞાન તમને એવા મજબૂત અને મક્કમ બનાવે છે કે દુનિયાની કોઈ પણ ચીજ તમને ડગાવી શકતી નથી. જો તમે આ જ્ઞાન અમલમાં મુકી શકો છો તો તમે બંધનમાંથી મુક્ત થઈ શકો છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)