મોટાભાગના લોકો સમસ્યા વગરના જીવનની ઈચ્છા રાખે છે. પરંતુ એવું જીવન જો શક્ય પણ હોત તો નિરસ અને કંટાળાજનક હોત. માણસ તરીકે આપણું ઘડતર સકારાત્મક અને સાવ સારા નહીં એવા બન્ને પ્રકારના અનુભવોથી થાય છે. પડકારરૂપ સંજોગો માણસોને તેમની મર્યાદાઓ વિસ્તૃત કરવાની ફરજ પાડે છે અને અનુભવોમાં ગહેરાઈ તથા સૌંદર્ય ઉમેરે છે. જો કોઈ વ્યક્તિને કોઈ જ સમસ્યા ના હોય તો શક્ય છે કે તે અન્ય લોકો માટે સમસ્યારુપ બને છે! સમસ્યારુપ બનવું એના કરતાં સમસ્યા હોવી એ બહેતર છે!
કોઈ પરિસ્થિતિ સમસ્યા ત્યારે બને છે જ્યારે આપણને તેના વાસ્તવિક અને આદર્શ રુપ વચ્ચે ફર્ક લાગે છે. સમસ્યા તરીકે દેખાતી દરેક બાબત સમસ્યા નથી હોતી. તમે કોઈ વિકટ પરિસ્થિતિમાં કાં તો સપડાઈ જાવ છો અથવા તેને કંઈક શીખવા અને જીવનમાં વિકાસ સાધવાની તક તરીકે જુઓ છો.
સ્વીકાર કરો અને યોગ્ય પગલા લો- જ્યારે કોઈ સમસ્યા ઉદભવે છે ત્યારે મનની સામાન્ય વૃત્તિ તેને નકારવાની અથવા તેના શિકાર થઈ જવાની હોય છે. સમસ્યાને નકારવાથી તે અદ્રશ્ય નથી થઈ જતી કે તે વિશે વિચાર્યા કરવાથી તેનો ઉકેલ નથી આવી જતો. સમસ્યાના સફળતાપૂર્વક ઉકેલ માટે પહેલું પગલું એ છે કે સમસ્યા ઉદ્ભવી છે એવો સ્વીકાર કરવો. આ સમજ વ્યક્તિને સમસ્યાના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ કરે છે. સમસ્યાનો સ્વીકાર કરવાથી તેનો શાંતિથી પ્રતિભાવ આપવાની ક્ષમતા આવે છે.એનાથી વિરુદ્ધ એનો સ્વીકાર કરવાની ક્ષમતા ના હોય તો મનમાં ઉદ્વેગ થાય છે જેનાથી ખોટા પગલા લેવાઈ જાય છે જે પરિસ્થિતિને વધારે બગાડે છે.
“કેવી રીતે” એના પર ધ્યાન કેન્દ્રિત કરો- ઘણી વાર લોકો સમસ્યાને લઈને “શુ” અને ” શા માટે” શોધવાના પ્રયત્નોમાં ઘણો સમય વેડફી નાંખે છે. પુષ્કળ વિશ્લેષણ કરવાની આ ટેવ શક્તિનો દુર્વ્યય જ નથી કરતી પણ સમસ્યા હોય તેના કરતાં તેને મોટું સ્વરૂપ આપી દે છે. સમસ્યા જેવી છે તેવી જોવાને બદલે વ્યક્તિ તેના બૃહદ સ્વરૂપથી ડઘાઈ જાય છે. શાણપણ એમાં છે કે “શું” અને “શા માટે” પાછળ ઓછા સમય અને શક્તિ વાપરીને સમસ્યાનો ઉકેલ “કેવી રીતે” આવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું.
નવો દ્રષ્ટિકોણ કેળવવો- યોગ્ય અભિગમ તથા સમજ અપનાવવાથી સમસ્યા સમસ્યા રહેતી નથી અને નિરાકરણો પ્રત્યક્ષ થવા માંડે છે. સમસ્યાઓ જીવનનો અનિવાર્ય ભાગ છે.ઈશ્વર કૃપાથી તેમને ઉકેલવાની તમારી ક્ષમતા તમારા બધા કાર્યક્ષેત્રોમાં એક વિલક્ષણ ગુણ ગણાય,ખાસ કરીને નેતાગીરીમાં. શાણા માણસોનો સમસ્યાને જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. સમસ્યાને જોવાના પાંચ માર્ગ છે જે તમને શાંત મનથી તેનું નિરાકરણ લાવવા તથા મુક્તિનો અનુભવ કરવા સક્ષમ બનાવે છે.
બધું પરિવર્તનશીલ છે- બધું જ પરિવર્તનશીલ છે તે જ્ઞાન તમારા પર સમસ્યાને હાવી નહીં થવા દે. જુઓ કે તમારું શરીર સતત બદલાયા કરે છે; એ જ રીતે તમારી લાગણીઓ, વિચારો,અભિપ્રાય,ગમા-અણગમા અને અભિગમ પણ બદલાયા કરે છે. એ જ રીતે સમસ્યાઓ પણ બદલાયા કરે છે.સમજી જાવ કે તમે આખી જીંદગી કોઈ સમસ્યામાં ફસાયેલા રહેવાના નથી. તમારી જીંદગીમાં ઘણી સમસ્યાઓ આવી અને ગઈ છે.
પોતાને યાદ દેવડાવો કે “આ પણ જતું રહેશે”- સર્જનના પરિવર્તનશીલ ગુણને સમજવાનું બુધ્ધિચાતુર્ય એ પરિપક્વતાની નિશાની છે.કેટલીક બાબતો ટાળી શકાતી નથી. તો શું થયું?સમસ્યાને જોવાનો અન્ય વિકલ્પ છે એ સ્વીકાર કે કેટલીક બાબતો બદલાતી નથી. જો ઉનાળામાં તમે હવામાન ઠંડુ થાય તેવી અપેક્ષા રાખો તો સમસ્યા અચૂક થવાની.જીવનમાં ઘણી બાબતો છે જેના પર આપણું કોઈ જ નિયંત્રણ હોતું નથી. બીજા લોકોને કેવું લાગશે એના પર આપણું નિયંત્રણ હોતું નથી,તમે આબોહવા પર અંકુશ રાખી શકતા નથી અને તમે તમારા જીવનસાથી પર દબાણ ના કરી શકો કે તે બદલાય. જે ક્ષણે તમે પરિસ્થિતિ જેવી છે તેવીનો સ્વીકાર કરો છો ત્યારે તે સમસ્યા રહેતી નથી. પરસ્પર વિરુદ્ધને ધીરજપૂર્વક અપનાવતાં શીખવું એ જીવનમાં અગત્યની કુશળતા છે.
સિંહની જેમ દહાડો- જ્યારે ઉપરોક્ત બન્ને અભિગમ કામ ના કરે ત્યારે તમારી આંતરિક તાકાત અને હિંમતને જગાડવાના હોય. પ્રતિકૂળ સમય આપણા સુષુપ્ત હિંમત અને ક્ષમતાને એક કરતાં વધુ રીતે જગાડી શકે છે. આ હિંમત તમને બદલાતી અને નહીં-બદલાતી ઘટનાઓમાં ટકાવી રાખે છે.”આને પહોંચી વળવા મારામાં તાકાત છે.ગમે તે થાય,હું સામનો કરીશ” આવી ભાવના તાકાત પ્રદાન કરનારી છે. જ્યારે તમે આ ઊર્જાને જાગૃત કરો છો ત્યારે સ્વયં પર ઊઠતા સંશય અદ્રશ્ય થઈ જાય છે. તમે સમસ્યા કરતાં મોટા છો એવું જાણો. જ્યારે તમને એમ લાગે કે તમે સમસ્યાનો હલ નહીં લાવી શકો ત્યારે જ તે ઘણી વિકટ જણાય છે. જે લોકોને મોટી સમસ્યાઓ છે તેમને જુઓ તો તમારી સમસ્યા નાની લાગશે.
શ્રધ્ધા રાખો અને તેની ચિંતા ત્યજી દો- જો તમારી હિંમત પણ કામિયાબ ના રહે તો પણ એક રસ્તો છે–સમસ્યાને ઈશ્વરીય શક્તિને સમર્પણ કરી દેવી.મોટે ભાગે હતાશ થઈને આપણે છોડી દેતા હોઈએ છીએ. હવે શ્રધ્ધા રાખીને તેને છોડવા પ્રયત્ન કરો. સમર્પણ એટલે એ સ્વીકાર કે તમારે જીવનમાં જે કંઈ જોઈએ છે તે તમારા પ્રયત્નોથી મળી શકે તેમ નથી.માત્ર નાના મનના પ્રયત્નોથી મોટું મળી શકે તેમ નથી. સમર્પણથી હળવાશ,રાહત અને શાંતિ મળે છે અને આપણને મુશ્કેલ સમય વચ્ચે પણ મુસ્કુરાઈએ એવી તાકાત મળે છે. જ્યારે શરીર, મન અને બુદ્ધિ થાકી જાય છે ત્યારે તમે કોઈ ઉકેલ લાવી શકો એની શક્યતા ઓછી હોય છે. માટે જ પ્રાર્થના કરો, ધ્યાન કરો અને શ્રધ્ધા સાથે આગળ વધો. શ્રધ્ધા તમને સ્થિરતા, સમતોલન, શાંતિ અને પ્રેમ આપે છે.
ઉજવણી કરવાનો વિચાર આવકારદાયક છે- જ્યારે તમે સમસ્યામાં સપડાયા હોવ છો ત્યારે કોઈ ઉજવણીમાં સામેલ થવું સારું છે. તમારા જીવનના ઘણા આયામો છે.જો તમારા વ્યવસાયિક જીવનમાં સમસ્યાઓ હોય તો તમારા અંગત જીવનની સારી બાબતોની ઉજવણી કરો અને અંગત જીવનમાં સમસ્યાઓ હોય તો વ્યવસાયિક જીવનની. જ્યારે તમે સમસ્યાને તમારા મનમાંથી કાઢી નાંખો છો અને ઉજવણી કરો છો ત્યારે સમય જતાં ઉકેલ નીકળતો હોય છે.
સમસ્યાઓ અને પડકારો જીવનમાં રોમાંચ ઉમેરે છે અને તમારામાંથી શ્રેષ્ઠ બહાર લાવે છે. તેમાંથી શીખ મેળવો અને તેમનાથી મોટા થાવ.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)