બાળક જેવા બનો

કેટલીક વાર લોકોને કોઈ નિરાશા થઈ હોય ત્યારે આધ્યાત્મિક માર્ગ પર આવે છે. બધાને માટે આવું નથી હોતું, પરંતુ સામાન્ય રીતે આમ થતું હોય છે. પણ હકીકત એ છે કે દરેક બાળક આધ્યાત્મિક જ્ઞાન સાથે જન્મતું હોય છે અને જેમ જેમ તે મોટું થાય છે તેમ તેમ તે ગુમાવતું જાય છે. યોગી એટલે ફરીથી બાળક બનવું. પોતાના શુધ્ધ અંતર સાથે સંપર્કમાં આવવું. આ એટલું સરળ છે.તમારે યોગ શિક્ષકની જરૂર નથી.બાળક જન્મે છે ત્યારથી શરુ કરીને તે ૩ વર્ષનું થાય ત્યાં સુધી તેને જોશો તો તે તમને બધું શિખવાડી દેશે.પરંતુ એ ત્રણ વર્ષ દરમ્યાન તમારે તેનું દરરોજ અવલોકન કરવું પડે.તે જે રીતે શ્વાસ લે છે, જે રીતે મુસ્કુરાય છે.તેમને દરેકની સાથે પોતાનાપણું લાગે છે.આપણે બાળકોને અસહજ બનાવી દઈએ છીએ અને તેમનું સ્વાભાવિકપણું બગાડી દઈએ છીએ.એવા જવલ્લે કિસ્સા જોવા મળે છે કે જેમાં મા હતાશ હોય અને તેની અસર બાળક પર પડે છે.સામાન્ય રીતે ૯૦% સમયમાં બાળકો યોગીના લક્ષણો દર્શાવે છે.

દરેકમાં બાળક જેવા ગુણો હોય છે.બાલિશ નહીં પણ બાળક જેવા. યોગી વ્યક્તિમાં આવું આપોઆપ થતું હોય છે.જીવનમાં સહજપણું હોય છે.દરેક વ્યક્તિ તેમને પોતાની લાગે છે.અહંકાર કે વ્યક્તિની પોતાની કોઈ ઓળખ હોય તે નામશેષ થઈ જાય છે.એક બાળક મુસ્કુરાય છે,રડે છે અને શરીરના દરેક કોષમાંથી પ્રેમ છલકાવે છે.પ્રેમના વિષય પર તમે અનેક પુસ્તકો વાંચી શકો છો અને લખી શકો છો.પરંતુ જો તમારા સ્પંદનોમાં પ્રેમની અભિવ્યક્તિ ના હોય તો આ બધું કંઈ કામનું નથી.ઘરે તમારો કુતરો કે બાળક એક નજરથી જ તમને પૂરા હ્રદયપૂર્વકનો પ્રેમ શું છે તે કહી દે છે અને ત્યારે તમને પ્રેમનો ખરો અહેસાસ થાય છે. આમ પ્રેમ મોજુદગીમાં વર્તાય છે.અને જ્યારે મોજુદગી પ્રેમને અભિવ્યક્ત કરતી હોય ત્યારે શબ્દોની જરૂર નથી પડતી. આ એક યોગીની નિશાની છે-તે પોતાની મોજુદગીથી અભિવ્યક્તિ કરે છે.
માટે જ બાળક એક સાધુ કરતાં ચડિયાતું છે.

એક તપસ્વીને અહંકાર હોઈ શકે છે કે,”મેં આખી દુનિયા ત્યજી દીધી છે.”પરંતુ એક બાળકે તો દુનિયા ગ્રહણ જ નથી કરી હોતી, પછી ત્યજવાની ક્યાં વાત?જો તમે ૩ વર્ષના બાળકને તેને શું જોઈએ છે એવું પૂછશો તો તે તમારી સામે જોશે અને કંઈ નહીં બોલે.ઈચ્છા થવી એટલે આનંદ માટેની ખેવના,આનંદરુપ હોવું એવું નહીં.જ્યારે તમે આનંદિત હોવ છો ત્યારે કોઈ ઈચ્છા જન્મતી નથી. એક બાળક તરીકે આપણે આનંદની એ અવસ્થામાં હતા. આપણી ક્રિયાઓ આનંદની અભિવ્યક્તિ હતી.અને માટે જ એક યોગી ક્યારેય કોઈને માટે પણ અપશબ્દો બોલતા કે ઈચ્છતા નથી.એક બાળક તરીકે તમારી આ જ વૃત્તિ હતી.બહુ બહુ તો તમે ગુસ્સે થયા હશો,પણ ક્યારેય અપશબ્દો નહીં બોલ્યા હોવ. તમે માત્ર તમારો હાથ હલાવી અણગમો વ્યક્ત કર્યો હશે અને ક્યારેક માને ધક્કો મારવાનું પસંદ કર્યું હશે.તેઓ બસ આટલું જ કરે છે. દરેક શબ્દ આપણા તંત્ર પર કંઈક અસર ઉત્પન્ન કરે છે.

એક વાર એક ભક્તે એક સ્વામીજીને પૂછ્યું,”ભગવાનનું નામ લેવાથી, ગાવાથી કે જપવાથી શું વળે? હું ગધેડો કે બીજું કંઈ પણ બોલી શંકુ છું.”સ્વામીજી કંઈ ના બોલ્યા. બીજા દિવસે તેઓ પેલા ભક્તને વઢવા માંડ્યા અને કહ્યું,”તમારા પિતા ગધેડો છે.” અને તેમને ભાંડવાનું ચાલુ રાખ્યું. તરત એ ભક્ત ખુબ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા,”આવું બોલવાની તમારી હિંમત કેવી રીતે થઈ?”તેમનું બ્લડપ્રેશર વધી ગયું.પછી સ્વામીજીએ કહ્યું,”જ્યારે મેં કહ્યું કે તમારા પિતા ગધેડો છે ત્યારે એ એક શબ્દની તમારા પર આટલી બધી અસર થઈ. તો તમને કેમ એવું લાગે છે કે સારા શબ્દોની કોઈ અસર ના થાય?”આમ, શબ્દનું મુલ્ય હોય છે. ધારો કે ભૂલથી તમારા મોંમાથી કોઈ ખરાબ શબ્દો નીકળી ગયા તો તમે કહી દો “એ નિષ્ફળ જાવ”. અને એ વ્યક્તિ માટે પ્રાર્થના કરો. એક બાળક જેવા બનો.તેઓ કોઈની સામે કોઈ દ્વેષ રાખતા નથી. યોગ આપણને તે સ્થિતિમાં પાછા લાવે છે. જ્યારે તમારું મન યોગમય થયું હોય,પોતાના અંતર સાથે જોડાયું હોય ત્યારે તમે સકારાત્મક બની જાવ છો. યુક્ત એટલે જે વૈશ્વિક ચેતના સાથે જોડાયું છે. તમારે સંકળાવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી, તમે આનો જ હિસ્સો છો એવું અનુભવો.

જ્ઞાન આપણી મોજુદગીની સફાઈ માટે છે,માત્ર આપણા શબ્દોની નહીં. તે તમને અંદરથી ખુશ કરે છે. એક યોગી અને એક બાળક બહુ બૌધિક જ્ઞાન ના જાણતા હોય. પરંતુ તેઓ એક તપસ્વી કરતાં, નિષ્ણાંત કરતાં કે જે વ્યક્તિ પુષ્કળ કામ કરે છે તેના કરતાં ચઢીયાતા છે કારણ કે તેઓ મોજુદગી તથા ઈશ્વર સાથે જોડાયેલા છે. અને જો તમે આ સમજો છો તો તમે સૌથી મહાન છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)