શ્રી શ્રી રવિશંકરજી: સહજ બનો

સહજ બનવું એટલે પોતાનો, અન્યોનો અને તમારી આસપાસની બધી વસ્તુઓ જેમ છે એમ સ્વીકાર કરવો. એક બોજા તરીકે નહીં પરંતુ એક સમજણ સાથે કે આ આમ જ છે.જ્યારે તમને એવો વિચાર આવે કે એવું લાગે કે આ આમ ના હોવું જોઈએ અથવા આ પેલી રીતનું હોવું જોઈતું હતું ત્યારે તમે તમારી સીમાના સંપર્કમાં પહોંચી હોવ છો;સહજ અને અનુકૂળ નહીં લાગવાની સીમા.

દરેક વખતે જ્યારે તમે દુખી કે વ્યથિત હોવ છો,ત્યારે તમે તમારી પોતાની સીમાના સંપર્કમાં આવી ગયા હોવ છો! સીમા તમારા વ્યાકુળ થવાનું મૂળ કારણ હોય છે કારણ કે તે એક મર્યાદા બાંધી દે છે. તમે જોયું છે કે જ્યાં સુધી તમે તમારી સીમાની સંપર્કમાં નથી આવતા ત્યાં સુધી શાંત,ખુશ અને સ્વસ્થ હોવ છો? જે ક્ષણે તમે તેના સંપર્કમાં આવો છો કે મન ચકરાવે ચઢે છે અને તમે તમારા કેન્દ્રથી વિસ્થાપિત થઈ જાવ છો.એ ક્ષણે તમારે માત્ર કૃતજ્ઞ થવું જોઈએ અને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આખી પરિસ્થિતિને બસ એક પ્રાર્થનામાં ફેરવી દો. પ્રાર્થના કરો કે શાંતિ રહે,માત્ર તમારામાં નહીં પણ બધામાં. એ જ ક્ષણથી તમે મુસ્કુરાવા લાગશો. પરિસ્થિતિ ગમે તેટલી નિરાશાજનક કેમ ના હોય,તમે તેમાંથી પસાર થઈ જશો, ગાઈને-નાચીને તેમાંથી નીકળી જશો!આ પ્રેમ છે.

હિંદીમાં પ્રેમ અઢી અક્ષરથી લખાય છે. આ વિશે એક કહેવત છે કે “ગુરુ કોણ છે,પંડિત કોણ છે,શાણી વ્યક્તિ કોણ છે?એ નહીં કે જેણે અનેક ગ્રંથો ભણ્યા છે, પણ એ કે જેણે આ અઢી અક્ષરો ભણ્યા છે.”અને આ અઢી અક્ષરો આ ક્ષણમાં જ છે.

જ્યારે પણ સીમાનું ઉલ્લંઘન થાય છે ત્યારે થોડો ડર ઉત્પન્ન થાય છે. ડર અણગમો પેદા કરે છે. આ અણગમો તમને તમારી સીમામાં પાછા ધકેલી દે છે. તમે પોતાની જાતને સીમામાં રાખવા માટે બહાના આગળ ધરો છો,પોતાનો બચાવ કરો છો. જ્યારે તમે પોતાની જાતને આમ બચાવવા પ્રયત્ન કરો છો ત્યારે એ ખૂબ તનાવપૂર્ણ હોય છે. દરેક વખતે જ્યારે તમે પોતાની સ્થિતિનો બચાવ કરવા પ્રયત્ન કરો છો ત્યારે એ તમને વધુ ને વધુ કમજોર બનાવે છે. બધા બચાવને બાજુએ મૂકી દો. જ્યારે તમે સંપૂર્ણપણે બચાવોથી મુક્ત થાવ છો ત્યારે તમે મજબૂત બનશો.

જ્યારે તમે નિર્દોષ હોવ છો ત્યારે તમને તમારી ભૂલનું ભાન થાય છે! જે કોઈ ભૂલ થઈ હોય,પણ પોતાની જાતને પાપી ના સમજશો કારણ કે વર્તમાન ક્ષણમાં તમે ફરી નવા,શુધ્ધ અને સ્પષ્ટ છો.ભૂલો ભૂતકાળમાં થઈ હતી, જે જતો રહ્યો છે. જ્યારે આ જ્ઞાન થાય છે ત્યારે તમે ફરીથી પરિપૂર્ણ થાવ છો. ભૂતકાળમાંથી શીખો અને ભૂલી જાવ અને સર્જનાત્મક ઉત્સાહથી આગળ વધો.કઠોર સમય તમારામાંથી શ્રેષ્ઠ બહાર લાવે છે. સમય જ્યારે સાટુ વાળીને આપે છે ત્યારે દુનિયાનું શ્રેષ્ઠ આપે છે.જીવન આ બન્નેનું સંયોજન છે. ઘણીવાર મા ગુસ્સે થઈને પોતાના બાળકોને વઢે છે. પછીથી તેમને બહુ અફસોસ થાય છે. જાગૃતિના અભાવે ગુસ્સો આવે છે! પોતાની ચેતના,સત્ય અને કુશળતાઓ વિશેની સભાનતા તમારામાનું શ્રેષ્ઠ બહાર લાવી શકે છે. માટે, ભૂલો કરવાથી ડરતા નહીં. પરંતુ એની એ જ ભૂલો કરવી નહીં. તમારે તમારી ભૂલોમાં પણ મૌલિક થવું પડે!

ઘણી વાર તમે ચોકસાઈ માટે અસ્વસ્થ થવાને લીધે ગુસ્સો કરો છો કે વ્યથિત થઈ જાવ છો. જો તમે સંપૂર્ણતા/ક્ષતિહીનતાના અતિશય આગ્રહી છો તો તમે એક ગુસ્સાવાળી વ્યક્તિ હોવાના જ. અજ્ઞાનતાની અવસ્થામાં અપૂર્ણતા કુદરતી છે અને સંપૂર્ણતા માટે પ્રયત્ન કરવો પડે છે. જ્ઞાન કે પ્રબુદ્ધતાની અવસ્થામાં અપૂર્ણતા માટે પ્રયત્ન કરવો પડે છે, સંપૂર્ણતા ફરજીયાત હોય છે અને તેને ટાળી શકાતી નથી!સંપૂર્ણતા એટલે સંપૂર્ણપણે જવાબદારી લેવી અને સંપૂર્ણ જવાબદારી એટલે એમ માનવું કે આખી દુનિયામાં તમે એક માત્ર જવાબદાર વ્યક્તિ છો. જ્યારે તમે એમ માનો છો કે બીજાઓ જવાબદાર છે ત્યારે તમારી જવાબદારી લેવાની ઉત્કટતા ઓછી થઈ જાય છે. જ્યારે તમે સંપૂર્ણ વૈરાગ્યની અવસ્થામાં હોવ છો ત્યારે તમે ઉત્કૃષ્ટ રીતે ક્ષુલ્લક બાબતોનું પણ ધ્યાન રાખી શકો છો. સંપૂર્ણતા એ એક જ્ઞાની વ્યક્તિનો મૂળ સ્વભાવ હોય છે. જયારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે સંપૂર્ણતાનો આગ્રહ નથી રાખતા. જો તમે સંપૂર્ણતા ઈચ્છી રહ્યા છો તો તમે ખુશીના સ્રોતથી દૂર છો. ખુશી એટલે એવી સમજણ કે જ્ઞાનથી છુટકારો નથી હોતો. ઉપરછલ્લેથી દુનિયા અપૂર્ણ દેખાય છે, પરંતુ અંદરખાને બધું સંપૂર્ણ છે. સંપૂર્ણતા છુપાયેલી હોય છે; અપૂર્ણતા દેખાડો કરે છે.

જ્ઞાની વ્યક્તિઓ કોઈ બાબતને ઉપરછલ્લેથી નહીં જોતા, ઊંડા ઉતરશે. વસ્તુઓ અસ્પષ્ટ નથી હોતી, તમારી દ્રષ્ટિ અસ્પષ્ટ હોય છે. ચેતનાની પરિપૂર્ણ અવસ્થામાં અનેક પ્રક્રિયાઓ થતી હોય છે, અને છતાં ચેતના સંપૂર્ણ, ક્ષતિરહીત રહે છે.આ બાબતની અત્યારે પ્રતીતિ કરો અને સહજ બનો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)