આપણું જીવન ત્રણ ગુણો દ્વારા સંચાલિત છે: સત્વ, રજસ અને તમસ. જ્યારે સત્વ વધે ત્યારે જીવનમાં સજગતા, જ્ઞાન, બુદ્ધિ , પ્રસન્નતા, આનંદ, સમતા, શાંતિ આ બધુ જ વધે છે. રજસ ગુણ વધે ત્યારે અશાંતિ, ઇચ્છા અને તૃષ્ણા વધે છે. તે પોતાની સાથે અમુક અંશે દુઃખ પણ લાવે છે. જ્યારે તમો ગુણ વધે છે, ત્યારે ઉદાસી, ઊંઘ, આળસ, નીરસતા આવે છે.

જ્ઞાની વ્યક્તિ આ ગુણોથી પ્રભાવિત થતો નથી. એ પોતાની જાતને આ ગુણોથી પરે જોઈ અને સમજી શકે કે મનની શુદ્ધતા અને ત્રણ ગુણોનું મહત્વ છે કે આ ફક્ત મનની સ્થિતિઓને અસર કરી શકે છે. તેથી, તેણે પોતાનું મન શુદ્ધ કરવાનું છે. આત્માના શુદ્ધ અસ્તિત્વને સમજવા માટે પહેલા મનનું શુદ્ધિકરણ જરૂરી છે.
જેમ આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે સ્નાન કરીએ છીએ અથવા ગંદા કપડાં ધોઈએ છીએ, તેવી જ રીતે મનનું શુદ્ધિકરણ પણ જરૂરી છે. કોઈ એવું નહીં વિચારે કે સ્નાન ફક્ત ત્યારે જ કરવું જોઈએ જ્યારે શરીર ખૂબ ગંદુ હોય. તે એક નિયમિત ક્રિયા છે. ભલે આપણું શરીર શુદ્ધ હોય કે અશુદ્ધ, આપણે દરરોજ સ્નાન કરીએ છીએ. જો તમારા હાથ પર કાદવ કે ડામર લાગે, તો શું તમે બેસીને રડશો? ના, તમારે તરત જ સાબુથી હાથ ધોવા પડશે. જો ગંદકી વધારે હોય, તો તમારે તેને ઘસીને સાફ કરવી પડશે. તેવી જ રીતે, મનની અશુદ્ધિઓ નિયમિતપણે દૂર કરવી જરૂરી છે.

મન પણ શરીર જેવું જ છે, જેને શુદ્ધ રાખવું જરૂરી છે. તે માટે ધ્યાન મદદરૂપ થાય છે, કારણ કે તે મનને શુદ્ધ અને સંતુલિત રાખવામાં મદદ કરે છે. સુખ અને દુઃખ ની લાગણી મનમાં નિરંતર ઉઠતી રહે છે, પરંતુ આ લાગણીઓ ક્ષણિક ઉઠે છે અને વિલીન થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ થોડીવાર બેસીને ધ્યાન, પ્રાણાયામ, ભજન કે પ્રાર્થના કરે છે, તો મનની શુદ્ધતાનો અનુભવ કરી શકાય છે. ધ્યાન દ્વારા વ્યક્તિ ભૂતકાળના ક્રોધ અને ભૂતકાળની ઘટનાઓથી મુક્ત થઈ શકે છે. ધ્યાનનો અર્થ છે – વર્તમાન ક્ષણને પૂર્ણપણે સ્વીકારવી અને દરેક ક્ષણને ઊંડાણપૂર્વક જીવવી.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)




