ભગવાન કૃષ્ણનો પૃથ્વી પર અવતરણ દિન એટલે જન્માષ્ટમી! ભગવાન કહે છે, મારો ક્યારેય નથી જન્મ થયો, નથી મૃત્યુ થયું. હું અજન્મા છું! જે અજન્મા છે, તેમના જન્મનો ઉત્સવ મનાવવો, એ એક અનુપમ ઘટના છે. કૃષ્ણાવતાર પહેલાં, આગળના જન્મમાં તેઓ કપિલ મુનિ હતા, અને એ અવતારમાં તેમણે સાંખ્ય દર્શનનું વિશ્લેષણ કર્યું. કપિલ મુનિએ પોતાની માતાને આત્મજ્ઞાન આપ્યું. એક માતા હંમેશા ઈચ્છે કે પ્રત્યેક જન્મમાં મને આ જ સંતાન મળે, તો આત્મજ્ઞાન તો મળ્યું, પણ મોહ રહી ગયો. જ્ઞાન મેળવ્યું પણ પ્રેમની ઝંખના રહી ગઈ. અને એટલે બીજા જન્મમાં તેઓ માતા યશોદા બન્યા. કપિલ મુનિના સ્વરૂપમાં માતાને માત્ર જ્ઞાન આપ્યું, અને કૃષ્ણના સ્વરૂપમાં જ્ઞાન નહિ, માતા યશોદાને માત્ર પ્રેમ આપ્યો.
માતા યશોદા સાથે કૃષ્ણ એ જ્ઞાનની કોઈ વાત ક્યાં કરી છે! પ્રેમ અને મસ્તીનો સંબંધ જ માતા યશોદા સાથે કૃષ્ણનો રહ્યો છે. જ્ઞાન પ્રેમ અને મસ્તી ત્રણેય એકત્રિત થાય, તે કૃષ્ણ જન્મ છે. કૃષ્ણ એટલે અગાધ આકર્ષણ! સમગ્ર ભાગવત કૃષ્ણના આકર્ષણ અને ભુવન મોહન સ્વરૂપનું જ વર્ણન કરે છે. તેઓ રથમાં પસાર થાય છે, લોકોની દ્રષ્ટિ જાણે ત્યાં સ્થિર થઇ જાય છે. રથ તો પસાર થઇ જાય છે, પણ લોકો ત્યાંથી દ્રષ્ટિ પાછી લઈ શકતાં નથી. ગોપી કહે છે, કૃષ્ણ ગયા પણ મારી દ્રષ્ટિ, મારું ધ્યાન પણ તેમની સાથે લઈ ગયા છે. દ્રષ્ટિ, દ્રષ્ટા અને દ્રશ્ય, આ અગાધ આકર્ષણની ઉપસ્થિતિમાં, એક બની જાય છે.
કૃષ્ણ વ્યક્તિ નથી, શક્તિ છે! કૃષ્ણ પૂર્ણકાલાવતરણ, અર્થાત્ પૂર્ણ અવતાર છે. આ પૂર્ણ અવતાર કૃષ્ણ મારાં હૃદયમાં જ વસે છે, મારાથી બિલકુલ અળગા નથી, એવો અનુભવ એટલે જન્માષ્ટમી ઉત્સવ! ભગવદ્ ગીતામાં પ્રભુ કહે છે: “જે મારામાં પ્રત્યેક જીવનું દર્શન કરે છે અને પ્રત્યેક જીવમાં મને જ નિહાળે છે, તેનાથી હું ક્યારેય અદ્રશ્ય રહેતો નથી અને તે (ભક્ત) મારાથી અત્યંત સમીપ છે.”
આવા પૂર્ણ અવતાર ભગવાન કૃષ્ણનું જીવન નવ રસથી છલોછલ છે. બાળક સમાં તોફાની, આનંદ સ્વરૂપ, યોદ્ધા અને જ્ઞાનનો સ્ત્રોત, કૃષ્ણના આવા અવનવા રંગ છે. એક સાચા મિત્ર અને ગુરુનું અનુપમ સંયોજન છે કૃષ્ણ! અષ્ટમીનો જન્મ હોય, સહજ જ અધ્યાત્મિક અને ભૌતિક બંને સામ્રાજ્યો તેમણે સર કર્યા છે. તેઓ મહાન શિક્ષક છે, અધ્યાત્મિક ગુરુ છે અને એક પ્રખર રાજકારણી પણ છે. એક બાજુ તેઓ યોગેશ્વર કૃષ્ણ છે તો બીજી તરફ નટખટ માખણ ચોર છે. બંને અતિ વચ્ચેનું સંતુલન એ કૃષ્ણ છે. એક વૈરાગી બહારની દુનિયા પરત્વે ઉદાસીન હોય છે અને એક ભૌતિકવાદી, રાજકારણી કે રાજા અંતર્જગત પરત્વે ઉદાસીન હોય છે. પરંતુ કૃષ્ણ, યોગેશ્વર પણ છે અને દ્વારકાધીશ પણ છે.
બલરામ એટલે શક્તિ અને પુરુષાર્થ, જયારે કૃષ્ણ એટલે ગહન વિશ્રામ! બલરામ પૃથ્વીના અનેક ક્ષેત્રોમાં ભ્રમણ કરે છે, કૃષ્ણ સ્થિર છે, સ્મિત કરે છે અને તેમની આસપાસ આખી પૃથ્વી પરિભ્રમણ કરે છે. રાધા પ્રેમ છે, બલરામ શક્તિ છે અને આ બંને સતત કૃષ્ણની સાથે છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં પ્રેમ અને સામર્થ્ય બંને ઉપસ્થિત હોય જ છે.
કૃષ્ણને સમજવા માટે રાધા, અર્જુન કે ઉદ્ધવ બનવું પડે! ત્રણ પ્રકારનાં ભક્તો ભગવાનનો આશ્રય લે છે: પ્રેમી, દુઃખી અને જ્ઞાની! ઉદ્ધવ જ્ઞાની છે, અર્જુન દુઃખી છે અને રાધા પ્રેમમય છે. કોઈની કોઈ સાથે તુલના નથી, ત્રણેય વિશિષ્ટ ભક્તો છે. એ યુગમાં જ નહિ પરંતુ વર્તમાન સમયમાં પણ કૃષ્ણ એટલા જ સુસંગત છે. સંસારમાં ડૂબી પણ ન જવું અને તદ્દન વૈરાગી પણ ન બની રહેવું તે સંતુલનની અદ્ભુત કલા કૃષ્ણ શીખવે છે. એક ક્ષિપ્ત, તનાવગ્રસ્ત તેમ જ અસંતુલિત વ્યક્તિત્વ કઈ રીતે સ્થિર, કેન્દ્રિત અને છતાં ગતિશીલ વ્યક્તિત્વમાં રૂપાંતરણ પામી શકે તે માત્ર કૃષ્ણ જ શીખવી શકે! કૃષ્ણ, ભક્તિ અને યુક્તિનું અનોખું સંયોજન શીખવે છે. તદ્દન વિરોધાભાસી, છતાંય પરસ્પર સુસંગત મૂલ્યો જીવનમાં પ્રગટી ઉઠે તે જ જન્માષ્ટમી-ઉત્સવ!
કૃષ્ણ અર્જુનને કહે છે, “તું મને અતિ પ્રિય છે” અને પછી તરત જ તેઓ કહે છે :” તું મને સમર્પણ કર!” તો સમર્પણની શરૂઆત ધારણાથી થાય છે. પહેલાં ધારણા કરવાની છે કે હું ઈશ્વરને અતિ પ્રિય છું. અને પછી સમર્પણની ઘટના ઘટે છે. સરન્ડર એ કૃત્ય નથી, પરંતુ ધારણા છે. સમર્પણનો વિરોધ એ અજ્ઞાનતા છે, ભ્રાંતિ છે. સમર્પણનો આરંભ ધારણાથી થાય છે અને પછી તે વાસ્તવિકતા બને છે. પરંતુ અંતે એ પણ ભ્રાંતિ છે. કારણ, ત્યાં દ્વૈત છે જ નહિ. કોઈ કોઇથી ભિન્ન નથી, તો કોણ કોને સમર્પણ કરે? ભિન્ન ભિન્ન અસ્તિત્વ જ નથી જ્યાં! તો સમર્પણ પણ અંતે ભ્રાંતિ જ છે.
એટલે જ ગીતામાં ભગવાન કહે છે : જે કોઈ પ્રત્યે આભાર વ્યક્ત નથી કરતો કે જે કોઈનો તીરસ્કાર પણ નથી કરતો તે ભક્ત મને અતિ પ્રિય છે. કોઈ પ્રત્યે આભાર અને અનુગ્રહની લાગણી અનુભવવી, તેનો અર્થ એ કે આપ સર્વશક્તિમાન ઈશ્વરને નકારો છો અને અન્ય વ્યક્તિનો ભિન્ન અસ્તિત્વ તરીકે સ્વીકાર કરો છો. જ્યારે આપ અન્ય વ્યક્તિ પ્રત્યે ઉપકારની લાગણી અનુભવો છો ત્યારે આપ ઈશ્વર અને કર્મના સિધ્ધાંતનો અનાદર કરો છો. એક વ્યક્તિની આપ પ્રશંસા ચોક્કસ કરો પણ આભારી ન બની જાઓ, કારણ આભારની લાગણી પણ અહંકારમાંથી જ જન્મે છે. આપ કૃતજ્ઞ છો, પરંતુ કૃત્ય પરત્વે નહિ, જે ઘટના ઘટી છે તે પરત્વે આપ કૃતજ્ઞ છો! જયારે પ્રત્યેક વ્યક્તિ પ્રભુની કઠપૂતળી સમાન છે, સઘળું જગત પ્રભુની ઈચ્છાને અધીન છે, ત્યારે અન્ય વ્યક્તિને આભાર પ્રદર્શિત કરવો તે અજ્ઞાનતા જ છે. સમગ્ર વિશ્વનું સંચાલન એક જ દૈવી શક્તિ કરે છે, અને આપના પ્રત્યેક કૃત્યનો પ્રકાશ અને સુંદરતા એ તે જ દિવ્ય ચેતના છે.
તો આપ આ વિશ્વમાં બેવડી ભૂમિકા નિભાવો છો: કર્મનિષ્ઠ મનુષ્ય અને છતાંય બધી જ ઘટનાઓથી પર, વિશુદ્ધ બ્રહ્મ, આ સત્ય જાણી લેવું તે જ ઉત્સવ છે! વૈરાગ્ય અને કાર્યનિષ્ઠાનું સંયોજન એટલે જન્માષ્ટમી! આપની ચેતનામાં કૃષ્ણનું આહવાન કરો! “કૃષ્ણ મારાથી બિલકુલ દૂર નથી, મારાથી ભિન્ન નથી. તેઓ મારા અંતરમાં વસે છે” આ ભાવના આપનાં જીવનને કૃષ્ણની ઉપસ્થિતિથી સભર કરશે. આપનાં જીવનમાં કૃષ્ણ-ચેતના છલકતી રહેશે!
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)