મનુષ્ય ચેતનાના ત્રણ સ્તર કયા?

એક વાર, એક આશ્રમમાં જ્ઞાન ગોષ્ઠી ચાલી રહી હતી. શિષ્યો ગુરુને પ્રણામ કરતા હતા અને પોતાની સમસ્યાઓનું નિરાકરણ થઇ જાય તે માટે ગુરુ પાસેથી આશિર્વાદ માંગતા હતા. પરંતુ આ દરમ્યાન ગુરુ સતત મૌન હતા. કોઈ પણ આવીને કોઈ પણ સમસ્યા વિશે વાત કરે તો ગુરુ એક જ ઉત્તર આપતા હતા: તું બહુ જ ભાગ્યશાળી છે.

એક વ્યક્તિ એ કહ્યું” હું પરીક્ષામાં સફળ ન થયો, નાપાસ થઇ ગયો.” 

ગુરુ: તું બહુ જ ભાગ્યશાળી છે.

અન્ય વ્યક્તિ કહે છે: મારી પત્ની મને ત્યજીને જતી રહી.

ગુરુ: તું બહુ જ ભાગ્યશાળી છે.

અન્ય એક અનુયાયી: મારી નોકરી જતી રહી.

ગુરુ: તું બહુ જ ભાગ્યશાળી છે. 

બીજો એક શિષ્ય કહે છે: મારા મિત્રો મારી સાથે વાત કરતા નથી.

ગુરુ: તું બહુ જ ભાગ્યશાળી છે.

ગુરુદેવ સહુને એક જ ઉત્તર આપતા હતા, અને સમસ્યા લઈને આવનાર દરેક વ્યક્તિ ખુબ આનંદ સાથે, પોતાની સમસ્યાનો ઉકેલ મળી ગયા ના સંતોષ સાથે વિદાય લેતા હતા. ઉત્તર એક જ હતો, છતાં દરેકને એ જ અનુભવ થતો હતો કે એ સમય માટે એ જ સૌથી સાચો ઉપાય છે. થોડી વાર પછી એક વ્યક્તિ એ આવીને ગુરુદેવને પ્રણામ કર્યાં અને કહ્યું કે “ગુરુદેવ, હું બહુ જ ભાગ્યશાળી છું, અને આપ મારા જીવનમાં છો તેથી અત્યંત કૃતજ્ઞતા અનુભવું છું.” ગુરુ એ આ સાંભળતાંની સાથે જ, તે વ્યક્તિને એક તમાચો માર્યો અને એ શિષ્ય આંખોમાં આંસુ સાથે કૃતજ્ઞતાના ભાવ સાથે નાચવા લાગ્યો.

એક મુલાકાતી, જે આ બધું જ પહેલે થી જોઈ રહ્યો હતો, તે હવે એકદમ મૂંઝવણમાં મુકાઈ ગયો. ગુરુને પૂછવાની તો તેની હિમ્મત ન ચાલી, એટલે તેણે ગુરુદેવના વરિષ્ઠ શિષ્યને પૂછ્યું, કે આ બધું શું ચાલી રહ્યું છે? મને કઈં જ સમજાતું નથી.” ગુરુદેવના નિકટના, વરિષ્ઠ શિષ્ય એ સમજાવ્યું: કે તમે કોઈ પરીક્ષામાં સફળ નથી થતાં તો તમે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો, વધુ મહેનત કરો છો અને જ્ઞાન પ્રાપ્ત કરો છો. જેની નોકરી જતી રહી છે અને મિત્રો દૂર ચાલ્યા ગયા છે તેમની પાસે હવે પોતાનાં અંતર્જગતમાં નિરીક્ષણ કરવાનો સમય છે, તેઓ સ્વયં સાથે હવે સમય વિતાવી શકશે, “હું કોણ છું?” તે પ્રશ્ન પર તેઓ ચિંતન કરી શકશે. જેની પત્ની ચાલી ગઈ છે, તે વ્યક્તિ પોતે સંબંધોમાં ક્યાં ભૂલ કરી છે તે બાબતે આત્મચિંતન કરીને પોતાનામાં પરિવર્તન લાવી શકશે અને પત્નીનાં કલ્યાણ માટે તે શું કરી શકે તેવું વિચારવાની તક મળશે. આ બધાં કારણ સમજીને તેઓએ પ્રસન્નતાપૂર્વક વિદાય લીધી.

મનુષ્ય ચેતનાના ત્રણ સ્તર છે. પહેલું અને સૌથી નિમ્ન સ્તર છે: જડતા, જ્યાં વ્યક્તિ સંવેદનહીન હોય છે, કઈં જ અનુભવ કરી શકતો નથી.

બીજું સ્તર છે: જ્યાં વ્યક્તિ અનુભવ કરે છે કે જીવન દુઃખ થી ભરેલું છે. બુદ્ધ, વ્યક્તિને ચેતનાના પહેલાં સ્તરથી ચેતનાના બીજાં સ્તર ઉપર લઇ જાય છે. જડતાનાં સ્તર થી દુઃખના અનુભવના સ્તર સુધી લઇ જાય છે. દરેક દુઃખ તમને સચેત અને સજગ બનાવે છે. દુઃખની ઉપસ્થિતિ અને સજગતા થી વૈરાગ્ય અને વિવેક પ્રગટે છે. એટલે જ ઘણી વ્યક્તિઓ જયારે જીવનમાં દુઃખ જુએ છે ત્યારે તેઓ અધ્યાત્મ તરફ વળે છે.

ચેતનાનું ત્રીજું સ્તર છે: પરમાનંદ. જીવન આનંદથી ભરપૂર છે તે અનુભવ ચેતનાનાં ત્રીજા સ્તર થી થતો હોય છે. આ અનુભવ માટે ગુરુ તત્ત્વની ઉપસ્થિતિ અનિવાર્ય છે. ગુરુની ઉપસ્થિતિમાં દુઃખ, પરમ આનંદની સ્થિતિમાં પરિવર્તિત થાય છે.

પરંતુ જે શિષ્ય એ એમ કહ્યું કે હું ધન્યભાગી છું, તેને ગુરુદેવ એ તમાચો કેમ માર્યો?, મુલાકાતી એ પ્રશ્ન કર્યો. વરિષ્ઠ શિષ્ય એ કહ્યું,” કારણ કે, તેણે એમ કહ્યું કે “હું” ધન્યભાગી છું, ત્યારે હજી તે “હુંપણા” ના ભાવમાં હતો, પરંતુ ગુરુના તમાચાથી તેને તરત જ સમજાઈ ગયું કે ધન્યભાગી થવા માટે બે અલગ અલગ અસ્તિત્વની જરૂર રહે છે પરંતુ ગુરુ કહે છે: હું અને તું? બે થયા ચાલ, હવે જાગી જા, અહીં બે છે જ નહીં, સઘળું એક જ છે. માત્ર એક જ બ્રહ્મ બધે વ્યાપ્ત છે. જયારે આ સત્યની અનુભૂતિ થાય છે ત્યારે જીવનમાંથી દુઃખ અદ્રશ્ય થઇ જાય છે.

લોકો માત્ર અસ્તિત્વ ધરાવે છે, જીવન જીવતાં નથી. જીવંતતા વગરનું અસ્તિત્વ એ અજ્ઞાન છે. અને અસ્તિત્વના ભાર વગરનું જીવન એ આત્મસાક્ષાત્કાર છે. શૂન્યતા અને પૂર્ણતા, ધ્યાન અને ઉત્સવ બંને સાથે સાથે જ હોય છે. પરિવર્તન એ બ્રહ્માંડનો નિયમ છે, પરંતુ અમુક પરિવર્તન મનુષ્યનાં મન ઉપર અમીટ છાપ છોડે છે. નકારાત્મક કે સકારાત્મક, પરંતુ આ ઊંડી છાપ આપનાં જીવનને અસર કરે છે, જીવનને ચલાવે છે. આ છાપથી મુક્ત થવું અને એ મુક્ત અવસ્થા માં જીવનનું સંચાલન કરવું એ આત્મજ્ઞાન છે. થોડી ક્ષણો માટે પણ આત્મજ્ઞાનનો આ અનુભવ, ચેતનાના ઉચ્ચ સ્તર પર આપને લઇ જાય છે.

શીખવું અને શીખેલું ભૂલી જવું, ભળી જવું અને અલિપ્ત રહેવું. જીવન આ વિરોધાભાસનું નાજુક સંતુલન છે. આ સૂક્ષ્મ, નાજુક સંતુલન કરતા જો આવડી જાય તો તે આપને હળવા અને તાજા રાખે છે. જયારે વિશાળ દ્રષ્ટિકોણથી આપ જીવનને નિહાળો છો, ત્યારે આપોઆપ જ પ્રકૃતિ અને તેના લય સાથે આપનું પુન: સંધાન થાય છે. પ્રકૃતિને આપ દૂર થી નિહાળતા નથી, પરંતુ આપ સ્વયં પ્રકૃતિની અભિવ્યક્તિ બની જાઓ છો. આપની અંદરની ઉષ્મા અને પ્રેમ ને વ્યક્ત થવા માટે એક સુસંગત વાતાવરણની જ જરૂર છે. આત્માના લય સાથે જોડાઈ જવા થી તમે સર્વત્ર ઉત્સવના વાતાવરણનું સર્જન કરો છો. બસ, કોચલા માંથી બહાર આવો, એક ધ્યેય પોતાના માટે રાખો, એક ધ્યેય સમાજ-માનવતા માટે રાખો અને સુંદર, વૈશ્વિક પરિવર્તનનો ભાગ બનો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)