જીવનમાં, શ્રદ્ધા આપનું એકમાત્ર કવચ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

શ્રદ્ધા એક એવું તત્ત્વ છે જે આપણા સહુની ભીતર ઉપસ્થિત છે. જ્યારે આપ જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનો અનુભવ કરો છો, ત્યારે આપ કેટલા સ્થિર અને શાંત રહી શકો છો તેનો આધાર, આપની અંદર કેટલી શ્રદ્ધા પ્રવર્તે છે, તેના ઉપર રહેલો છે. જો આપની અંદર શ્રદ્ધાનો અભાવ છે અને આપ ભયભીત થાઓ છો તો એ સંજોગોમાં આપ અનાજનાં ફોતરાંની જેમ હવામાં વિખરાઈ જશો. આપ ક્યાંય ટકી નહીં શકો, આપની પાસે એવું કંઈ જ નહીં હોય જેનો આપ આધાર લઈ શકો! આવું બને છે ત્યારે લોકો તેમનું મૂલ્ય ખોઈ બેસે છે.

પરંતુ જો આપની અંદર શ્રદ્ધા છે તો આપ અનાજના નક્કર દાણાની જેમ ભૂમિ ઉપર સ્થિર રહેશો. જ્યારે આપ શાંત છો અને આપની અંદર શ્રદ્ધા છે કે બધું સારું જ થશે ત્યારે વાસ્તવમાં બધા સંજોગો સ્થિર-સકારાત્મક થવા માંડે છે.

ઈશ્વરને આપની પાસે માત્ર એક જ અપેક્ષા છે: આપની અંદર અડગ અને દ્રઢ શ્રદ્ધાની ઉપસ્થિતિ! જો આપની શ્રદ્ધા વારંવાર ડગમગે છે અથવા આપ કઠિન પરિસ્થિતિમાં શ્રદ્ધા જાળવી શકતા નથી તો ફોતરાંની જેમ હવામાં વિખરાઈ જવાનું નિશ્ચિત છે.

જીવનમાં કેટલી બધી ઘટનાઓ ઘટે છે! અનેક પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે! શું આપ આ બધા સંજોગોમાં શાંત અને સ્થિર રહી શકો છો? જગતમાં આપનું કર્તવ્ય, સમત્વ જાળવી રાખવાનું છે. જગતમાં બધું જ મધુર નથી. પણ જો આપ અડગ શ્રદ્ધા ધરાવો છો, ફોતરાં થી આવૃત્ત, એક ઘનીભૂત- નક્કર અનાજના દાણાની જેમ દ્રઢ છો, તો આપની પ્રગતિ નિશ્ચિત છે.

શ્રદ્ધાનો અભાવ એ સહુ થી મોટું દુઃખ છે. શ્રદ્ધા થી તાત્કાલિક જ આપ વિશ્રામનો અનુભવ કરો છો. તર્ક આપને સ્થિરતા અને શાણપણ આપે છે પરંતુ ચમત્કાર તો શ્રદ્ધા દ્વારા જ સંભવે છે. શ્રદ્ધા આપને સીમાઓથી પરે લઈ જાય છે. શ્રદ્ધા દ્વારા આપ પ્રકૃતિનાં નિયમોને પણ અતિક્રમી જાઓ છો, પરંતુ આપની શ્રદ્ધા શુદ્ધ હોવી જોઈએ!

પ્રસન્ન રહેવાનો, પ્રેમમય રહેવાનો સંકલ્પ કરો! આજે જ નિર્ણય કરો કે “ કંઈ પણ બનશે, હું સ્થિર રહીશ. હું શાંત રહીશ.” શ્રદ્ધા રાખો કે “ઈશ્વરનું સુરક્ષા કવચ મારી આસપાસ છે. કંઈ પણ થઈ જશે પણ હું નિર્બળ નહીં બનું, ઈશ્વર હંમેશા, નિરંતર મારો હાથ પકડી રાખશે.” ઉપર ઉઠવા માટે આટલું પર્યાપ્ત છે. શ્રદ્ધા આપની અણમોલ સંપત્તિ છે. લોકો ભૌતિક જગતમાં તેમની શ્રદ્ધા રાખે છે પરંતુ જગત તો એક પરપોટા જેવું છે. લોકો પોતાની જાતમાં શ્રદ્ધા રાખે છે, પરંતુ પોતે કોણ છે એ વિશે તેમને કંઈ જ જાણ નથી. લોકો કહે છે કે તેમને ઈશ્વરમાં શ્રદ્ધા છે પરંતુ ઈશ્વર કોણ છે તે પણ તેઓ જાણતાં નથી!

તો આપના મનને બધી જ પરિસ્થિતિઓમાં શાંત રાખો. બાકી બધી સંભાળ સ્વત: લેવાઈ જશે. આપનું સમત્વ જાળવી રાખો. આપને માત્ર આટલું જ કરવાનું છે.

પરંતુ જો આપ કંઈ જ પ્રયત્ન નહીં કરો તો કશું ઘટિત નહીં થાય! પ્રયાસ તો કરવો પડશે! માત્ર એક પગલું આગળ ભરવું પડશે. શાંત અને સ્થિર રહો. જ્યારે આપ ખરેખર કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો અને ત્યારે પણ આપ હસી શકવા માટે સમર્થ છો, તો નિશ્ચિતપણે માની લો કે ઈશ્વરનું સુરક્ષા કવચ આપની ભીતર જ છે! વિશ્વ પ્રેમમય છે. સહુની અંદર પ્રેમનો પ્રકાશ છે. બસ, આપ સ્વયંની અંદર એ પ્રેમને જુઓ!

આપે વિશ્વને ક્યારેય પ્રેમના દૃષ્ટિકોણથી નિહાળ્યું છે? જ્યારે આપ લોકોના સમૂહનો એક ભાગ છો ત્યારે ક્યારેય આપે લોકોની ભીડને જોઈ ને વિચાર્યું છે કે ઓહ, શું આ જ પ્રેમ છે? ફક્ત એક વાર આ રીતે વિચારો. આપની આસપાસ જુઓ અને પ્રત્યેકની અંદર વ્યાપ્ત પ્રેમનો અનુભવ કરો. વિશ્વમાં પ્રતિદિન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રત્યેક દિવસ એક ઉત્સવ છે.

 

વ્યક્તિ એ આ જગતમાં માત્ર પ્રસન્નતાની પ્રાપ્તિ માટેની જ ઝંખના રાખવી જોઈએ! બાકી બધા જ કાર્યોમાં ઉતાર-ચડાવ આવશે. તે સહજ જ છે. શરીર છે તો શરદી, ખાંસી, જ્વર કે અન્ય રોગો થશે પરંતુ થોડા સમયમાં શરીર પૂર્વવત્ સ્વસ્થ થઈ જ જતું હોય છે. તો એ જ રીતે, આપની અંદર સદૈવ પ્રસન્નતાનો વાસ રહે તે જુઓ. આ જ પુરુષાર્થ છે.

જો પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ અને અટલ છે તો બાકી બધું આપમેળે થશે. જેમ એક ખેડૂત લણણી કરે છે ત્યારે અનાજને મોટી ચાળણીમાં રાખે છે. એક ઊંચા પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને તે ચાળણી હલાવે છે, ત્યારે અનાજના ફોતરાં હવામાં ઉડી જાય છે અને દાણા ત્યાં જ સ્થિર રહે છે. આ દાણાને એકત્ર કરવામાં આવે છે. તેમને ફરીથી વાવવામાં આવે છે અથવા અન્યત્ર ઉપયોગ કરવામાં આવે છે. જે રીતે અનાજના દાણા ભૂમિ ઉપર સ્થિર અને દ્રઢ રહે છે તે જ રીતે આપણાં જીવનમાં પણ હંમેશા શ્રદ્ધા દ્રઢ રહે, બાકી બધું આપમેળે જ યથા સ્થાને ગોઠવાતું જશે!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)