ઘણી વખત તમે સ્ફૂર્તિનો અભાવ અનુભવો છો, ખરું ને? તમારી દિનચર્યા દરમ્યાન તમને લાગે છે કે જાણે તમારી અંદરની સંચિત ઉર્જા ઓછી થઇ રહી છે. જયારે ઉર્જા ઓછી લાગે છે ત્યારે તમારું મન પણ થોડું ઉદાસ અને ઉત્સાહ વિહીન થઇ જાય છે. તમે આવો અનુભવ કર્યો જ હશે. તમને આશ્ચર્ય થાય છે કે અરે, કોઈ પણ દેખીતાં કારણ વગર મન ઉદાસ કેમ થઇ ગયું? કોઈ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા કેમ નથી થતી? આવું ઘણી વાર થતું હોય છે. વિના કારણે મનમાં ઉદાસી અને નિરાશા શા માટે છવાઈ જાય છે?
એક કારણ છે, સમય. દરેક વ્યક્તિનાં જીવનમાં એક ચોક્કસ અંતરાલ સમયાંતરે આવતો હોય છે, એ સમય દરમ્યાન કોઈ પણ કારણ વગર તમે ઉદાસ થઇ જાઓ છો. કાળ-સમય, એ પહેલું કારણ છે.
બીજું કારણ છે, ઈચ્છાઓ. તમારું મન વધુ પડતી ઇચ્છાઓથી ઘેરાઈ જાય છે, વધુ પડતી મહત્વકાંક્ષાઓ તમારાં મન ઉપર કબ્જો લઇ લે છે, એ સમયે મન ઉદાસ થવા લાગે છે. કારણ વધુ પડતી યોજનાઓ, સતત વિચારોથી મન થાકી જાય છે. તેની ઉર્જા, ઈચ્છાઓ અને સપનાં વિશે વધુ પડતું વિચારવામાં ખર્ચ થઇ જાય છે. અંતતઃ મન ઉદાસ અને હતાશ થઇ જાય છે. એટલે જ હતાશા- ડિપ્રેશનને દૂર કરવા માટે વૈરાગ્ય બહુ જ આવશ્યક છે. જો તમારામાં વૈરાગ્ય છે તો તમે ક્યારેય ઉદાસ નહીં થાઓ. તો, વધુ પડતી મહત્વકાંક્ષા અને ઈચ્છાઓ, ડિપ્રેશનનું બીજું કારણ છે.
ત્રીજુ કારણ છે, શરીરની દુર્બળતા. જયારે તમે બીમાર છો, તમારું શરીર નબળું થઇ ગયું છે ત્યારે પણ તમારું મન ઉત્સાહ ખોઈ બેસે છે. મન, શરીરની જીવન શક્તિ, ઉર્જા અને શરીરમાં પરિભ્રમણ કરી રહેલ જુદાં જુદાં પ્રવાહી સાથે સંયોજાય છે, અને શરીરની પ્રાણ ઉર્જા ઓછી હોય છે ત્યારે મનની પ્રાણ ઉર્જામાં પણ ઘટાડો થાય છે અને તે ઉદાસીનો અનુભવ કરે છે. કોઈ રોગની ઉપસ્થિતિમાં આવું બને છે, અથવા તો અયોગ્ય ભોજન પણ ડિપ્રેશન લાવે છે. તમારી શરીર પ્રણાલીને જે ભોજન ઉપયુક્ત નથી, તે જો તમે લો છો અથવા વધુ પડતું ખાઓ છો ત્યારે તમે નિરાશાનો અનુભવ કરો છો. પછી આ એક દુષ્ચક્ર બની જાય છે. ખોરાકને કારણે તમે ડિપ્રેશનનો અનુભવ કરો છો, અને ડિપ્રેશનને કારણે તમે વધુ ખોરાક લો છો. જે વધુ નિરાશા લાવે છે.
આ દુષ્ચક્રમાંથી બહાર આવવું કઠિન થઇ પડે છે. તો, થોડી પણ નિરાશા તમે અનુભવો ત્યારે ભોજન પર ધ્યાન આપો. થોડા દિવસો માટે વધુ પડતું ભોજન ન કરો. હળવો ખોરાક, ફળો અને લીલાં શાકભાજી ખાઓ. અને તમે તરત જ ઉર્જાના વહેતા પ્રવાહનો અનુભવ કરશો. વધુ પડતા ઉપવાસ ન કરશો. એ પણ તમારી ઉર્જાને ઓછી કરે છે. ઉપવાસ પણ નિયત માત્રામાં જ કરો. હળવો અને સુપાચ્ય ખોરાક તમારાં મનની ઉર્જામાં વધારો કરે છે. યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, યોગ્ય ભોજન કરવાથી તમે ડીપ્રેશનમાંથી બહાર આવી શકો છો. ભોજન અને દિનચર્યા માટે આયુર્વેદ ચિકિત્સકની સલાહ લઇ શકો છો.
ચોથું કારણ છે, નિષ્ક્રિયતા. જો તમે વધુ પડતા સક્રિય છો, તો તમે ડિપ્રેશનમાં આવી શકો છો, એ જ રીતે, પ્રવૃત્તિનો સદંતર અભાવ પણ તમને ડિપ્રેશનમાં લાવે છે. તમે બિલકુલ કંઈ જ નથી કરતાં અથવા તો સ્વાર્થી બનીને માત્ર પોતાના માટે જ કામ કરો છો તો એ સંજોગોમાં પણ તમારું મન ઉદાસ થતું હોય છે. જો તમે સેવાનો અભિગમ નથી કેળવ્યો તો ડિપ્રેશન ચોક્કસ આવી શકે છે. એટલે જ પુરાતન સમયમાં આશ્રમ પ્રથા હતી. આશ્રમમાં રહેનાર સહુ કોઈ સેવામાં પ્રવૃત્ત રહેતા હતાં. તમે પણ સ્લમ વિસ્તારોમાં જઈને લોકોને મદદ કરો. ઘરને સ્વચ્છ રાખો. ઝાડ-પાનને પાણી પાઓ. આવી કોઈ પણ સેવા પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ, વ્યસ્ત રહો ડિપ્રેશન દૂર થઇ જશે. તો વધુ પડતી પ્રવૃત્તિ કે પ્રવૃત્તિનો સદંતર અભાવ આ બંને સ્થિતિ મનને ડિપ્રેશનમાં લાવે છે. મધ્ય માર્ગ અપનાવો, ધ્યાનમાં બેસીને વિશ્રામ મેળવો અને ફરીથી પ્રવૃત્તિમાં જોડાઈ જાઓ. મને શું મળશે, મને શું મળશે એ એક જ વિચારથી બધાં કાર્યો ન કરો. નિઃસ્વાર્થ સેવા માટે પણ સમય ફાળવો. વિશ્વમાં જેની જરૂર છે તે કાર્ય કરો. વર્તમાન સમય અને સ્થળ માટે જે આવશ્યક છે તે કરવું એ સેવા છે. સેવાથી તમારાં મનની ઉર્જામાં અપ્રત્યાશિત વધારો થાય છે.
પાંચમું કારણ છે, કલા પ્રવૃત્તિનો અભાવ. જયારે તમે ગાઓ છો, વાદન કરો છો, નૃત્ય કરો છો કે વૈદિક મંત્રોચ્ચારનું શ્રવણ કરો છો ત્યારે તમે તમારી માનસિક સ્થિતિ સુંદર, સહજ અને હળવાશપૂર્ણ હોય છે. તો કલા શીખો અને સાહિત્ય, સંગીત, કલા અને વૈદિક ગાનની પ્રવૃત્તિમાં ભાગ લો. પરંતુ અહીં પણ મધ્ય માર્ગ જરૂરી છે. આખો વખત પૂજામાં બેસીને મંત્રોચ્ચાર જ સાંભળ્યા કરવા એ પણ અયોગ્ય છે. આખો દિવસ, હંમેશા જ માત્ર ધ્યાન જ કર્યા કરવું એ સાચો માર્ગ નથી. એ રીતે તમે તમારો સમય વેડફો છો, અને ધ્યાનમાં ગહન ઉતરી શકતાં નથી.
ભગવદ્દ ગીતામાં કહ્યું છે તેમ : युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दू:खहा।। પ્રવૃત્તિ અને વિશ્રામ, બંને વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. યોગ્ય માત્રામાં ભોજન, યોગ્ય માત્રામાં પ્રવૃત્તિ અને યોગ્ય માત્રામાં સેવા, આ સંયોજન જીવનમાં અત્યંત આવશ્યક છે. જયારે તમે આ ત્રણેયનું સંતુલન કરતાં શીખી જાઓ છો ત્યારે ઉદાસી નિર્મૂળ થઇ જાય છે. યોગ ઘટિત થાય છે. તમે ઉત્સાહ અને સ્ફૂર્તિથી છલકાઓ છો. હસતાં રહો છો. સાક્ષાત ચૈતન્ય તમારા થકી પ્રકટ થાય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)