ભય થી મુક્ત થવા માટેના ઉપાયો કયાં?

એક નાના ગામમાં, એક વખત બે મિત્રો ઝાડ નીચે બેસીને સુંદર સૂર્યાસ્ત નિહાળી રહ્યા હતા. બન્ને પાક્કા મિત્રો હતા. થોડી વાર પછી એક મિત્ર એ બીજા મિત્રને પૂછ્યું: તું શું કહે છે? હું 5 એકર જમીન લઈને એક વાડી બનાવવાનો વિચાર કરું છું. બીજા મિત્ર એ તરત જ કહ્યું “ના, વાડી ક્યારેય બનાવતો નહીં!” પહેલા મિત્રને નવાઈ લાગી. તેણે પૂછ્યું, કેમ? બીજા મિત્ર એ કહ્યું કે “હું ભેંસ ખરીદવાનો વિચાર કરું છું. પછી મારી ભેંસ તારી વાડીમાં જતી રહે તો આપણી વચ્ચે ગેરસમજ અને ઝગડો થાય. આપણી દોસ્તી તૂટે એ બિલકુલ પોસાય નહીં.” પહેલા મિત્ર એ કહ્યું, “તો પછી તું ભેંસ ખરીદવાનું માંડી વાળ, કેમ કે હું તો વાડી બનાવવાનો જ છું.” બીજા મિત્ર એ દ્રઢતાથી કહ્યું, “ના ભાઈ, મેં નક્કી કરી જ લીધું છે, ભેંસ તો હું ખરીદીશ જ.” પહેલા મિત્ર એ કહ્યું, “તો પછી હું આજુબાજુ તારની વાડ બનાવી દઇશ. પછી તારી ભેંસ કઈ રીતે વાડીમાં આવશે?” બીજા એ કહ્યું, “જો ભાઈ, ભેંસ એ ભેંસ છે, તે ગમે તે રીતે અંદર આવી જાય! પછી કઈં કરી ન શકાય!”

આમ ને આમ ચર્ચા વધી, બન્ને મિત્રો હાથાપાઈ પર આવી ગયા. એકબીજા નાં હાડકાં તોડી નાખે એટલી મારામારી કરી મૂકી. ન વાડી હતી, ન ભેંસ હતી, માત્ર બંનેનાં મન પોતાનાં તરંગો પ્રમાણે દોડ્યાં અને કોઈ કારણ વગર બંનેનાં હાથ પગ ભાંગ્યા!

પ્રિય, ભયમાં પણ આવું જ થાય છે. તમે બેસીને વિચાર્યા કરો છો, ભવિષ્યની ચિંતા કર્યા કરો છો, “શું થશે? શું થશે?” તમે ભવિષ્ય ના વિચારો કરીને ભયભીત થાઓ છો. મન ગૂંચવાઈ જાય છે, ભાગે છે. વર્તમાન ક્ષણ જે રીતે ઘટિત થઈ રહી છે, તેનો અનુભવ કરવા મન અસમર્થ બને છે.

પરમ શક્તિને મન ભૂલી જાય છે. “મારું શું થશે? કાલે શું થશે, પરમ દિવસે શું થશે, આવતા વર્ષે શું થશે, દસ વર્ષ પછી શું થશે?” આ વિચારોમાં તમે ભવિષ્યની સતત યોજના બનાવો છો. અરે, આવતા જન્મ સુધીની યોજના બની જાય છે. પતિ-પત્ની શરૂ શરૂ માં કહે છે સાત જન્મો સુધી અમે પતિ-પત્ની રહીશું અને વાસ્તવમાં તેઓ આ એક જન્મ પણ સાથે રહી શકતાં નથી, પણ યોજના સાત જન્મોની બનાવે છે. તો મન ને આદત છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે ડોલતાં રહેવાની. મન વર્તમાન ક્ષણમાં નથી રહેતું અને સતત ભવિષ્ય વિશે વિચારે છે ત્યારે ભય ઉત્પન્ન થાય છે.

ભય થી મુક્ત થવા માટે ચાર ઉપાય છે:

અવલોકન: ભય લાગે જ્યારે ત્યારે તેનું અવલોકન કરો. શું થાય છે એ જુઓ. હ્રદય માં કોઈ સંવેદન ઉત્પન્ન થાય છે, તે જુઓ. મનમાં ઉદ્ભવતી પ્રત્યેક લાગણીને અનુરૂપ એક લાક્ષણિક સંવેદન શરીરમાં પણ ઉત્પન્ન થાય છે, તેનું નિરીક્ષણ કરો. જ્યારે તમે આ સંવેદનનું અવલોકન કરો છો ત્યારે મનમાં ઉઠેલી ભાવનાનું સંપૂર્ણ રૂપાંતરણ, સંવેદન રૂપે થાય છે. અને તમે એ ભાવનાથી મુક્ત બની જાઓ છો. ભાવના અને તેમાંથી ઉત્પન્ન થતાં સંવેદનનું અવલોકન, આ એક પ્રકારનું ધ્યાન છે. તમે સંવેદનનું નિરીક્ષણ કરો છો, એટલે તે સંવેદન હળવેથી વિલોપ થાય છે અને મન મુક્ત બને છે.

આત્મીયતા: જો અવલોકન કરવાનું થોડું કઠિન લાગે છે, તો આત્મીયતાની ભાવનાનો અનુભવ કરવો એ બીજો ઉપાય છે. ઈશ્વર સાથે આત્મીયભાવ અનુભવો. પોતાના શિક્ષક, પોતાના ગુરુ સાથે આત્મીયભાવ અનુભવો, “ઈશ્વર, ગુરુ મારા પોતાના છે. તેઓ મારી સંભાળ લઈ રહ્યા છે.” તમે પોતાની જાતને દિવ્ય શક્તિને સોંપી દેશો તો ભય નિર્મૂળ થઈ જશે. કોઈ સંભાળ લેવાવાળું છે, પછી ભય શાનો? આ ઉપાય સરળ છે.

સઘળું અનિત્ય છે, એ જાણી લો: જગતમાં સઘળું અનિત્ય છે, અસ્થાયી છે એ જાણી લો. તમારી આસપાસ બધું બહુ જ ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. તમે કશું પકડી રાખી નહીં શકો. વસ્તુઓ આવશે અને જશે, લોકો આવશે અને જશે. તેમના મૂડ બદલાતા રહેશે, લાગણીઓ બદલાતી રહેશે, તમારી સાથેની તેમની વર્તણુંક બદલાતી રહેશે. બધું જ પરિવર્તન પામી રહ્યું છે નિરંતર. તમારી આસપાસ જે કઈં છે તેનાં અસ્થાયી હોવાના ગુણધર્મને જુઓ. આખું જગત સતત બદલાઈ રહ્યું છે. આ જાણશો એટલે તમે દ્રઢ બનશો. ભય નાશ પામશે. જ્યારે તમે છોડી નથી દેતાં, કશું પકડી રાખો છો ત્યારે ભય ઉત્પન્ન થાય છે. પણ જીવન પરિવર્તનશીલ છે, નિરંતર બધું જ બદલાતું રહે છે, તમે કઈં પકડી રાખી શકો એ શક્ય જ નથી, આ સજગતા આવશે એટલે તમારી અંદર જબરદસ્ત ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે, તમે મુક્ત મનથી હસી શકશો.

મનની ઉર્જા ને જાગૃત કરો: શ્વાસ અને મન નો સીધો સંબંધ છે. મન પતંગ છે અને શ્વાસ દોરી છે. શ્વાસોચ્છવાસની લય વડે મનની અગાધ ઉર્જાને જાગૃત કરી શકાય છે. પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા દ્વારા તમારા શરીરના એક એક કોષમાં ઓક્સિજનનું ભરપૂર માત્રામાં સંચારણ થાય છે. શરીરના પ્રત્યેક કોષની શુદ્ધિ થાય છે. મન સ્થિર બને છે, વર્તમાન ક્ષણમાં રહે છે અને ભયનો સંપૂર્ણ નાશ થાય છે.

તમારી આસપાસ દિવ્ય શક્તિ પ્રકાશમાન છે. તેની ઉપસ્થિતિનો અનુભવ કરો. જો કોઈ ઈચ્છા રાખવી હોય તો, દિવ્ય શક્તિની ઉપસ્થિતિનો અનુભવ કરવાની ઈચ્છા રાખો. તમે ક્યારેય અસ્તિત્વનાં ઊંડાણથી આવી ઈચ્છા કરી છે? આ દિવ્ય શક્તિ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે. તમારી જાતને પૂરે પૂરી સમ્મિલિત કરો અને પ્રાર્થના કરતાં રહો. તમે મુક્ત જ છો. તમારી મૂઠી તમે બાંધી રાખી છે, તેને ખોલી દો અને જુઓ કે આખું આકાશ તમારી હથેળીમાં છે. તો, સહજ રહો, પ્રેમમય રહો, સેવા કરો અને જીવનને ઉત્સવ બનાવો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]