આત્મબળમાં વૃદ્ધિ કરવાનો સાચો રસ્તો કયો છે?

એક સિંહ એ પોતાનાં માથાં પર લેબલ લગાવ્યું ” હું ઘેટું છું” અને તેણે બધે ફરવાનું શરુ કર્યું. બધાં એ સમજાવ્યું, “તું સિંહ છે ભાઈ, ઘેટું નથી” સિંહ કોઈની વાત માનવા તૈયાર જ નહતો કહે કે “ના, મને ખબર છે ને, હું ઘેટું છું.” તમે પણ ક્યાંક આવું તો નથી કરતાં? જો તમે જ પોતાની જાત પર “નિર્બળ” એવું લેબલ લગાવશો તો બહારથી કોઈ જ વ્યક્તિ તમારામાં જોશ અને જોમ પ્રેરી નહીં શકે. જો તમે પોતે જ એવું માનો છો કે “મારામાં આત્મવિશ્વાસનો અભાવ છે”, તો પૃથ્વી પર કોઈ કહેતાં કોઈ તમારામાં આત્મવિશ્વાસ ભરી નહીં શકે.

જયારે તમે બાળક હતાં, ત્યારે તમે કેટલી બધી વખત આ સાંભળ્યું છે: તને ક્યારેય કંઈ જ નહીં આવડે! તું લાયક જ નથી!” અને તમે એવું માનવાનું શરુ કરી દીધું કે “આ તો મને ન જ આવડે. હું હોશિયાર નથી.” વાસ્તવમાં બાળકને નકારાત્મક લેબલ લગાવવાની આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિમાં, પુરાતન સમયમાં, વિવિધ સ્ત્રોતો દ્વારા બાળકને કહેવામાં આવતું કે “તું મહાન છે, તું ઈશ્વરનો અંશ છે, તું પ્રેમ, સત્ય અને સૌંદર્ય છે.” આ યથાર્થ જ્ઞાન બાળપણમાં મળવું જરૂરી છે, નહિ કે “તું નકામો છે, તું દોષી છે, તું પાપી છે”! આ પ્રકારની નકારાત્મકતા બાળકમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. આપણે કહેવું જોઈએ, ” તું દિવ્ય છે, તું જેવો પણ છે, વિશ્વ, પ્રકૃતિ અને ઈશ્વર તને ખૂબ ચાહે છે. તારામાં કોઈ નિર્બળતા છે તો તેના પર થોડું ધ્યાન આપ, અને તું ચોક્કસ એ નિર્બળતાને દૂર કરી શકીશ.”

જયારે પણ તમને લાગે છે, “ઓહ, હું આ નહીં કરી શકું” તો તમે નહીં જ કરી શકો. પરંતુ જયારે તમે કહો છો કે “હું આ કરી શકીશ. હું આ કરીશ ” ત્યારે તમે અદભુત ઉર્જા, જોશ, ઉત્સાહ અને ઉમંગથી ભરાઈ જાઓ છો. જો તમને સિગારેટની આદત છે અને તમે કહો છો કે “હું સિગારેટ કદાપિ નહિ છોડી શકું ” તો સાચે જ તમે સિગારેટ નહીં છોડી શકો. પરંતુ જો તમે કહો છો ” ગમે તે થાય, સિગારેટને તો હું હાથ નહીં જ લગાવું!” અને જુઓ કે શું થાય છે. તમે નિર્બળ નથી. તમે ચોક્કસ સકારાત્મક પરિણામ મેળવશો. તમે સિંહ છો. હા, તમે કાલ ને કાલ તમને જોઈતું પરિણામ નહીં મેળવી શકો. ધૈર્ય રાખવું પડશે. પણ એક વખત આત્મબળનો સંચાર થવો આવશ્યક છે. પછી કશું જ અશક્ય નથી. આત્મબળ કઈ રીતે વધારી શકાય?

આત્મબળ વધારવા માટે નિઃશંકપણે અધ્યાત્મનો જ આધાર લેવો પડશે. અન્ય કોઈ ઉપાય નથી. બહારની દુનિયાને જોયા કરશો તો આત્મબળ નહીં વધે. કોઈ ને કોઈ તમારાથી બહેતર હશે જ. અન્ય લોકોની કુશળતા જોઈને આત્મબળ ઘટી જતું હોય છે. અને હુંસાતુંસી શરુ થાય છે. અન્યને પાછળ પાડી દેવાની ચેષ્ટામાં તમે સ્વયં પાછળ રહી જાઓ છો. તો દુનિયામાં જુદાં જુદાં ઉદાહરણ જોઈને આત્મબળ વધી જશે તેવું ન માનો. કોઈ નિર્બળ વ્યક્તિ એ કઈંક મોટું કાર્ય કરી બતાવ્યું તો તેને જોઈને તમે વિચારો છો કે તેનાથી થાય તો મારાથી પણ થાય, મારો આત્મવિશ્વાસ આ ઉદાહરણથી વધી ગયો છે, તો જાણો કે તે રીતે ક્યારેય આત્મવિશ્વાસ ઉત્પન્ન થતો નથી. હા, તત્કાલીન, થોડા સમય માટે એવું લાગે કે તમારામાં આત્મવિશ્વાસનું પ્રેરણાદાયી સિંચન થઇ રહ્યું છે. પરંતુ આ ભાવના ક્ષણિક છે. આ રીતે આત્મબળમાં વૃદ્ધિ નથી થતી.

જયારે તમે અંતર્મુખી થાઓ છો ત્યારે આત્મબળ વધે છે. જયારે તમે કહો છો કે મારે કશું જ જોઈતું નથી, ત્યારે તમારાં આત્મબળમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય છે. જેને કંઈ જ નથી જોઈતું તે શહેનશાહ છે. અહીં તમે કહેશો કે એક સન્યાસી આવું કહી શકે. સંસારમાં રહીને મારે કશું જ નથી જોઈતું એમ કઈ રીતે કહી શકાય? પરિવાર માટે અન્ન-ભોજન-વસ્ત્ર-આવાસની વ્યવસ્થા કરવાની હોય, બિલ ભરવાનાં હોય! તો કંઈ જ નથી જોઈતું એનો અર્થ એવો નથી કે કંઈ કરવાનું નથી. પોતાએ જે કરવાનાં છે તે કાર્યો કરતાં જવાનું છે, પણ એક શ્રદ્ધા સાથે કે મને આવશ્યક બધું જ મળી રહેશે. મારી જરૂરિયાતો પૂરી કરવા માટે દિવ્ય શક્તિ છે, જે નિરંતર મારી સાથે છે. બસ, ઈચ્છાઓને હૃદયનાં ઊંડાણમાં વસવા ન દો. હૃદયનાં ઊંડાણમાં વસી ગયેલી ઈચ્છાઓ દુઃખ આપશે. વાદળની જેમ ઈચ્છાઓ આવતી રહેશે, દિવ્ય શક્તિ તેને પૂર્ણ કરતી રહેશે. પણ આત્મનિષ્ઠામાં, આત્મબળમાં વૃદ્ધિ કરવા તમારે વારંવાર એ કહેવું જોશે, મને કંઈ જ જોઈતું નથી. હું મારું કર્તવ્ય નિભાવીશ. મારે જે કંઈ કરવાનું છે તે કરતો રહીશ. અને આ સઘળું યુક્તિપૂર્વક કરવાનું છે. મૂર્ખતાથી નહીં કે અહંકારથી પણ નહીં!

ઘણી વાર લોકો કહે છે, મને કંઈ જ જોઈતું નથી, પરંતુ આવું તેઓ ઘમંડથી કહે છે, અહંકારથી કહે છે. ઘમંડથી કહેવું કે મારે કંઈ નથી જોઈતું અને એ જ વાત પ્રસન્નતાથી કહેવી, એ બંનેમાં બહુ જ ફેર છે. વાત તો એક જ છે, પરંતુ ભાવ અલગ છે. તો પ્રસન્નતાપૂર્વક કહો, મારી કોઈ જરૂરિયાત નથી, મારે કંઈ જોઈતું નથી. કારણ અંતર્જગતમાં માત્ર ને માત્ર ભાવનું પ્રાધાન્ય છે. જયારે બાહ્ય જગત કર્મ પ્રધાન છે. બહારનાં જગતમાં તમારી ભાવનાઓનું મૂલ્ય નથી. જગત તો પૂછશે તમે કર્યું શું? તમે માત્ર ભાવ પ્રધાન છો, કહો છો કે મને સહુ માટે બહુ જ પ્રેમ છે. મારાં મનમાં ઈશ્વર પ્રતિ ઊંડું સમર્પણ છે. પરંતુ જગતને તમારો પ્રેમ, તમારો ભાવ નથી જોઈતો, જગત કહેશે તમારો પ્રેમભાવ તમારી પાસે જ રાખો. જે પ્રેમ સદ્કાર્યો કરવાની પ્રેરણા નથી આપતો, તે પ્રેમનું શું કામ? “હું બહુ જ પ્રેમાળ છું, બધાને પ્રેમ કરું છું, પણ કોઈ માટે કંઈ કરીશ નહીં! તો આ પ્રેમ નથી, વંચના છે. જે પ્રેમ તમને કર્મ માટે પ્રવૃત્ત નથી કરતો તે પ્રેમ, પ્રેમ નથી. તમે પોતાની જાતને અને દુનિયાને બંનેને છેતરો છો. એ જ રીતે, ભાવ વગરનું કર્મ પણ કોઈ કામનું નથી. તમે કર્મ કાર્ય કરો છો પરંતુ હૃદય રુક્ષ છે, કોમળતાનો અભાવ છે તો તમે ઈશ્વરની સમીપ જઈ શકતાં નથી. અધ્યાત્મમાં ભાવનું સર્વોચ્ચ સ્થાન છે. સદ્કાર્યો પણ જો તમે શુદ્ધ, કોમળ ભાવથી નથી કરી રહયાં તો આત્મ ઉન્નતિ શક્ય નથી.

આત્મબળની વૃદ્ધિ માટે ભાવપૂર્ણ કર્મ કરતાં રહો. “હું કઈ રીતે વધુ ને વધુ ઉપયોગી બનું?” આ પ્રશ્નની સાથે નિરંતર રહો. વારંવાર પોતાની જાતનું, પોતાની વર્તણુંકનું કે વિચારોનું એનાલિસિસ ન કરો. હું રુક્ષ છું, ઉદાર છું, ક્રોધી છું, કે પ્રેમાળ છું આ બધું વારંવાર ન વિચારો. કારણ આવું એનાલિસિસ કરવાથી બે શક્યતાઓ રહે છે, એક તો તમને લાગે છે કે તમે સાચા છો પરંતુ બીજાં લોકો યોગ્ય રીતે કામ કરતાં નથી, અથવા તમને સમજી શકતાં નથી. આ રીતે તમે બધાં પર ગુસ્સો કરો છો અને અંતે દુઃખી થાઓ છો. અથવા તો બીજી શક્યતામાં તમને લાગે છે કે તમે બરાબર નથી કર્યું. તમે અપરાધભાવ – ગિલ્ટ અનુભવો છો. અને આ સંજોગોમાં પણ તમે દુઃખી થાઓ છો. એક દુઃખી વ્યક્તિનું આત્મબળ કઈ રીતે દ્રઢ હોય? તો એનાલિસિસ છોડી દો. સહજ અને સરળ રહો. સહજતા તમારામાં આત્મનિષ્ઠાનું સ્ફુરણ કરે છે. “મારે કંઈ જોઈતું નથી” એ ભાવ સાથે કર્મ કરતાં રહો. પ્રસન્ન રહો અને ઉપયોગી બનો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]