મન વિચલિત થઇ જાય છે?

ઘટનાઓ, પરિસ્થિતિઓ થી મન વિચલિત થઇ જતું હોય છે. આપણે આપણું મન વિચલિત છે તે જાણવા છતાં તેને શાંત કરી શકતાં નથી. કારણ, મન ને, મનના સ્તરથી જ નિયંત્રિત કરી શકાય નહિ. મન ની ગતિવિધિઓ ને સમજવા માટે બ્રહ્માંડ વિષે જાણવું જોઈએ.

બ્રહ્માંડને કઈ રીતે સમજી શકાય? બ્રહ્માંડ ને સમજવા માટે પ્રથમ તો પાંચ મૂળભૂત તત્ત્વો અને તેનાં કાર્ય વિષે જાણવું જોઈએ. આ પાંચ તત્ત્વો છે: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. માત્ર પાંચ તત્ત્વો થી જ સૃષ્ટિનું સર્જન થયું છે. તેનાથી આગળ કોઈ છઠ્ઠું તત્ત્વ નથી. બ્રહ્માંડ પાંચ તત્ત્વોથી બનેલું છે અને એ જ રીતે આપણું શરીર અને આપણું મન પણ આ પાંચ તત્ત્વોથી બનેલાં છે.

બ્રહ્માંડનાં મુખ્ય ઘટક એવાં પાંચ તત્ત્વો, એ આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે જોડાયેલાં છે. આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે: નાક, જીભ, ત્વચા, આંખો અને કાન. તો પૃથ્વી તત્ત્વ ઘ્રાણેંદ્રિય – નાસિકા સાથે,  જળ તત્ત્વ સ્વાદેંદ્રિય-જિહવા સાથે, વાયુ તત્ત્વ સ્પર્શેન્દ્રિય- ત્વચા સાથે, અગ્નિ તત્ત્વ  આકાર અને રૂપ દ્વારા ચક્ષુ- આંખો સાથે અને આકાશ તત્ત્વ શ્રોતેન્દ્રિય-કાન સાથે સંયોજાયેલ છે. પાંચ તત્ત્વો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો એ જ પાંચ પરિમાણ છે.

તો મન! પાંચ સૂક્ષ્મ તત્ત્વોથી બન્યું છે, અને પ્રાકૃતિક નિયમ અનુસાર આ પાંચ તત્ત્વોમાંથી, સમય સમય પર, મન ઉપર કોઈ પણ એક તત્ત્વનું પ્રભુત્વ હોય છે. વારાફરતી આ પાંચ તત્ત્વોમાંથી એક તત્ત્વ પ્રાધાન્ય ધરાવે છે. નિરંતર કોઈ એક તત્ત્વ પ્રભાવી રહેતું નથી. જેમ કે વરસાદ આવે છે, તમે વરસાદને રોકી શકતાં નથી. પવન ફૂંકાય છે, તો તમે પવનને રોકી શકતાં નથી. સૂર્ય પ્રકાશે છે, તમે સૂર્યને પ્રકાશિત થતો રોકી શકતાં નથી. આ બધું સૃષ્ટિમાં થયા કરે છે. અને આ સઘળું તમારાં મન ઉપર પણ સૂક્ષ્મ સ્તરે અસર કરે છે. પાંચ તત્ત્વો વારાફરતી મન ઉપર પ્રભાવી થાય છે અને એ રીતે, તત્ત્વો અનુસાર, જુદા જુદા તરંગો- મૂડ અને સંવેદનો નો મન અનુભવ કરે છે. આ બહુ અમૂલ્ય જ્ઞાન છે.

પાંચ મુખ્ય પ્રકારની સંવેદનાઓનો- મૂડનો મન અનુભવ કરે છે. મન પર જયારે પૃથ્વી તત્ત્વ પ્રભાવી બને છે, ત્યારે મન દ્રઢતાનો અનુભવ કરે છે, ક્યારેક ભાર અને બોજનો અનુભવ પણ કરે છે. જયારે મન ઉપર અગ્નિ તત્ત્વ પ્રભાવી બને છે, ત્યારે મન જ્વરનો, અધીરતા નો અનુભવ કરે છે. ગુસ્સો, રુક્ષતા અને ઈર્ષા આ બધું અગ્નિ તત્ત્વના પ્રભાવથી થાય છે. જયારે વાયુ તત્ત્વ પ્રભાવી હોય છે ત્યારે મન ક્યાંક ભાગી જવાનો વિચાર કરે છે, જતાં રહેવાનો વિચાર કરે છે, ચંચળ બને છે. જયારે જળ તત્વ પ્રભાવી હોય છે ત્યારે મન તરલ બને છે, પ્રવાહી બને છે, કોમળ બને છે. ઐક્ય અને એકરૂપતા નો અનુભવ કરે છે. જયારે આકાશ તત્ત્વ મન પર પ્રભાવી હોય છે ત્યારે મન પ્રેમ અને વિશ્રાંતિ નો અનુભવ કરે છે. એ જ રીતે આકાશ તત્ત્વ પ્રભાવી હોય છે ત્યારે મન ભય અને તણાવ નો પણ અનુભવ કરે છે.

જુદાં જુદાં તત્ત્વો સમયાંતરે મન ઉપર પોતાનું પ્રભુત્વ ધરાવે છે અને જુદી જુદી ભાવનાઓ, સંવેદનાઓ, લાગણી અને કૃત્ય નું સર્જન કરે છે. કોઈ વ્યક્તિ શાંત છે પણ જેવું વાયુ તત્ત્વ પ્રભાવી બનશે કે તે શાંતિથી બેસી નહીં શકે. તે પોતાનાં હાથ કે પગ હલાવશે અથવા તો ઉભા થઈને ચક્કર મારશે. ઘણાં લોકો કારણ વગર, બેઠાં બેઠાં પણ પોતાનાં હાથ-પગ હલાવતાં હોય છે. વાયુ તત્ત્વનાં પ્રાધાન્યને કારણે આવું થતું હોય છે. ક્યારેક તમે શાંતિથી  તમારા રૂમમાં બેઠા છો, પરંતુ કોઈ તમારા રૂમમાં પ્રવેશે છે અને અચાનક જ તમારાં મન પર અગ્નિ તત્ત્વ છવાઈ જાય છે, તમે તમારાં મસ્તિષ્કમાં તીવ્ર ઉષ્ણતાનો અનુભવ કરો છો અને તે વ્યક્તિ પ્રતિ તમારી અંદર ગુસ્સો ઉત્પન્ન થાય છે, તમને બૂમ પાડવાની ઈચ્છા થાય છે. આવું કેમ થયું? તમે તો શાંત જ હતા. પરંતુ જે વ્યક્તિ એ પ્રવેશ કર્યો, તેમના પર એ સમયે અગ્નિ તત્ત્વ પ્રભાવી હતું, તેમનાં પ્રભાવી અગ્નિ તત્ત્વ એ તમારા પર અસર કરી અને તમારાં મન ઉપર પણ અગ્નિ તત્ત્વ પ્રભાવી બની ગયું. તમે ગુસ્સામાં આવી ગયા, અને પછીથી તમને આશ્ચર્ય પણ થયું કે આમ અચાનક મને ગુસ્સો કેમ આવ્યો? પણ તમે અચાનક જ અગ્નિ તત્ત્વની પકડમાં આવી જાઓ છો જે તમે જાણતા નથી. એજ રીતે કોઈ ધ્યાન કરે છે તે રૂમમાં તમે પ્રવેશ કરો છો અને તમે અચાનક જ અવાચક બની જાઓ છો, સંમોહિત થઇ જાઓ છો, તે આકાશ તત્ત્વને કારણે થાય છે.

તો આપણાં મન ઉપર, આપણી ભાવનાઓ ઉપર પાંચ તત્ત્વો સૂક્ષ્મ રીતે અસર કરે છે પરંતુ આપણે આપણી જાતને તે તત્ત્વ સાથે એકરૂપ કરી દઈએ છીએ. તમે ગુસ્સો કર્યો, પણ તમે પછી તેનો પસ્તાવો કરો છો, તમે કહો છો કે મારો સ્વાભાવ ગુસ્સાવાળો છે. તમને ક્યારેક લાગે છે, હું બહુ ભારેપણું અનુભવું છું, મારે આવો અનુભવ ન કરવો જોઈએ. વાસ્તવમાં પાંચ તત્ત્વો તમારાં મન અને શરીર પર અસર કરતાં હોય છે. જો તમે થોડો સમય મૌનમાં રહેશો, પોતાની જાતની સાથે રહેશો તો તમે તત્ત્વો સાથેનાં તમારાં મનનાં સંધાનને સારી રીતે ઓળખી શકશો.

અષ્ટાવક્ર ગીતામાં કહ્યું છે: न पृथ्वी न जलं नाग्निर्न वायुर्द्यौर्न वा भवान्। एषां साक्षिणमात्मानं चिद्रूपं विद्धि मुक्तये॥

તમે આ પાંચ તત્ત્વોમાં થી કોઈ પણ તત્ત્વ નથી. તમે તત્ત્વોથી ભિન્ન છો. અને જાણો કે આ પાંચમાંથી કોઈ પણ તત્ત્વ નિરંતર રહેતું નથી. તમે અવલોકન કરશો તો સમજાશે કે જેટલા સમય પૂરતું એક નિશ્ચિત તત્ત્વને પ્રભાવી થવાનું છે, તેટલા સમય પૂરતું તે રહેશે. પછી તે અદ્રશ્ય થઇ જશે. પણ જો તમે આ સત્યથી અજાણ છો તો કોઈ ચોક્કસ તત્ત્વ લાંબો સમય રહેશે. કારણ તમે તેની સાથે તમારી જાતને એકરૂપ કરશો, અને તે તત્ત્વને વિલીન નહીં થવા દો. આ જ બંધન છે.

વાસ્તવમાં તમને કંઈ જ બાંધતું નથી. ઉલટું તમે પોતે, જે ગતિશીલ છે તેને બાંધો છો. તત્ત્વો તમને નથી બાંધતાં તમે તમારી સાથે તત્ત્વોને બાંધી દો છો. જાણે એક માખી ને તો તમારા રૂમમાં થી ઉડી જવું છે પણ તમે જ તેને પકડી રાખો છો. તમે બારણું બંધ કરી દો છો. એવું કઈંક કે જેને છટકવું છે પણ તમે તેના પર નિયંત્રણ કરો છો, બાંધી રાખો છો. તો તત્વો તમને બાધિત નથી કરતાં, તેઓ તેમના નિશ્ચિત સમયે વિલીન થવાનાં જ હોય છે, પણ તમે પસ્તાવો કરીને કે અન્ય રીતે તમારી જાતને તત્ત્વ સાથે એકરૂપ કરીને તે તત્વને પકડી રાખો છો.

તમે જયારે અનુભવ કરો છો કે તમે માત્ર સાક્ષી જ છો, જે કંઈ બની રહ્યું છે તેના તમે સાક્ષી છો, મનની જુદી જુદી સ્થિતિઓ કાયમી, નિરંતર નથી, આ તમે સમજો છો ત્યારે તમે મુક્ત બનો છો. તમે શુદ્ધ ચૈતન્ય છો, નિર્મલ છો, કોઈ ઘટના કે પરિસ્થિતિ થી નિર્લેપ, જલકમલવત છો, શુદ્ધ આકાશ છો. આ જ્ઞાનમાં જયારે તમે દ્રઢતાપૂર્વક સ્થિત થાઓ છો ત્યારે તમે પૂર્ણતયા મુક્ત બનો છો. અને આ ક્યારે સંભવ થશે? આ જ પળે, વર્તમાન ક્ષણમાં જ મુક્તિ ઘટિત થાય છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]