તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનનો હેતુ શું છે? જીવન–યાત્રા દરમ્યાન તમે તમારા મૂળ સ્વરૂપને શોધી રહ્યાં છો? કે પછી તમારાં મૂળ સ્વરૂપનું તમે સર્જન કરી રહ્યાં છો? જીવન શું છે? શોધ યાત્રા કે સર્જન યાત્રા? વાસ્તવમાં, જીવન એ બંનેનો સમન્વય છે. જયારે તમે કેન્દ્રસ્થ થાઓ છો ત્યારે તમારી શોધ પૂર્ણ થાય છે. અને તૃપ્તિનો અનુભવ થાય છે. તૃપ્તિ શું છે? કોઈ પણ સંજોગો, ઘટનાઓ દરમ્યાન તમારા ચહેરા ઉપરથી હાસ્ય લુપ્તના થાય તે સ્થિતિ એટલે તૃપ્તિ. કંઈ જ મેળવી લેવાની તમને ઉતાવળ નથી. તમને બરાબર ખબર છે કે તમારા માટે જે જરૂરી છે તે આપોઆપ તમને મળી જવાનું છે. દિવ્ય-શક્તિ તમારી સંભાળ લઇ રહી છે. સુરક્ષિતતાની આ ભાવના અને આત્મવિશ્વાસ દર્શાવે છે કે તમે તૃપ્ત છો.
શરૂઆતમાં, આપણે બંધનનો અનુભવ કરીએ છીએ, મુક્તિ મેળવવાની ચાહના રાખીએ છીએ. અને આપણે સમજીએ છીએ કે માત્ર સ્વતંત્રતા જ આપણને મુક્તિ તરફ લઇ જઈ શકે! પરંતુ હું કહું છું કે સ્વતંત્રતા એક સાપેક્ષ વિભાવના છે. તૃપ્તિની સ્થિતિમાં તમે જાણો છો કે બ્રહ્માંડમાં સઘળું પરસ્પર અવલંબિત છે. કશું જ સ્વતંત્ર નથી.
આ સમગ્ર સૃષ્ટિનું, સર્જનનું ઉદગમ બિંદુ શોધવું અસંભવ છે. એક બીજ અંકુરિત થાય છે પરંતુ બીજની અંદર કઈ પ્રક્રિયા થાય છે તે જાણવું શક્ય નથી. એક બાળક ગર્ભમાં આકાર લઇ રહ્યું છે તેને બહારથી જોઈ શકાતું નથી. નદીનો ક્યાંક આરંભ થયો છે પણ તે બિંદુ શોધવું કઠીન છે. આરંભ એક રહસ્ય છે અને એ જ રીતે અંત પણ એક રહસ્ય છે. મૃત્યુ પછી શું થાય છે તે પણ એક રહસ્ય છે. સુક્ષ્મ થી સ્થૂળ અને સ્થૂળથી સુક્ષ્મનું આવર્તન ચાલ્યા કરે છે. અને આ આવર્તન પણ એક રહસ્ય છે. આ રહસ્ય પ્રત્યે જયારે તમે અચંબિત થાઓ છો, આ રહસ્ય જયારે તમારાં મનમાં “ઓહો!” નો વિસ્મયપૂર્ણ ભાવ ઉત્પન્ન કરે છે ત્યારે જીવનમાં યોગની શરૂઆત થાય છે. નાનાં બાળકને જુઓ ને! એક ફુલ તરફ કે તારાઓ તરફ તે કેટલાં આશ્ચર્યથી જુએ છે! આ આશ્ચર્ય જ યોગની ભૂમિકા છે.
જો તમે સજગ થઈને જોશો તો સમજાશે કે પારસ્પરિક અવલંબન એ જ સત્ય છે. આ અવલંબનનો આદર કરો. સ્વતંત્રતાનો વિચાર આપણી સજગતાને ધૂંધળી કરે છે. હા, તમે તમારી ભાવનાઓ અને લાગણીઓની બાબતમાં સ્વતંત્ર છો. અન્યોને કઈ પ્રતિક્રિયા આપવી એ બાબતમાં તમે સ્વતંત્ર છો. પરંતુ અન્યના વ્યવહાર ઉપર તમારું નિયંત્રણ નથી.
તમારાં હૃદયને શુદ્ધ રાખો. તમારાં મનમાં સ્પષ્ટતા રાખો અને તમારાં કાર્યો નિષ્ઠાપૂર્વક કરો. બસ, આટલું કરો ને તમે જોશો કે તૃપ્તિની આ સ્થિતિમાં તમારા સંકલ્પોની પૂર્તિ થશે. તૃપ્તિનો અર્થ નિષ્ક્રિયતા નથી. અસંતોષ દ્વારા પ્રગતિ સાધી શકાય છે, એમ જો કોઈ કહે તો હું એવા દેશોનું ઉદાહરણ આપી શકીશ કે જ્યાં પુષ્કળ અસંતોષ છે અને છતાં દારુણ પરિસ્થિતિ છે.
અસંતોષ ક્યારેય પ્રેરણારૂપ બની ન શકે. તો તૃપ્તિ તમને ક્યારેય નિષ્ક્રિયતા તરફ દોરી જતી નથી. તમે તૃપ્ત અને ગતિશીલ રહી શકો છો. તૃપ્તિ તમને પ્રકૃતિની નજીક લાવે છે. જયારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે પણ આપણે પ્રકૃતિની અત્યંત નિકટ હોઈએ છીએ. આ અનંત તૃપ્તિની પ્રાપ્તિ ધ્યાન દ્વારા થાય છે. અને જેના દ્વારા તમે આનંદ અને પ્રેમ નો સ્ત્રોત બની રહો છો. આખાંય વિશ્વનાં લોકોનાં મન અને હૃદય અધ્યાત્મ દ્વારા લયબદ્ધ બનીને નર્તન કરી ઉઠે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)