સૌંદર્યના ત્રણ સ્તર હોય છે– દર્શાવવું,વ્યક્ત કરવું અને પ્રગટ કરવું. આધ્યાત્મિકતા એ છે જે સૌંદર્યને દર્શાવે છે અથવા સૌમ્ય રીતે વ્યક્ત કરે છે;આ એનું સૂક્ષ્મ પાસું છે.કળા સૌંદર્યને વ્યક્ત કરે છે.વિજ્ઞાન પણ સૌંદર્યમાં ભાગ ભજવે છે, કારણ કે વિજ્ઞાન સૌંદર્યને પ્રગટ કરે છે.અને આ તમામ પાસાને કુદરતમાં શોધવાના હોય છે.
શું તમે સર્જનના દરેક પ્રકારમાં , કુદરતના દરેક પાસામાં સૌંદર્ય નિહાળ્યું છે?સર્જનમાં સૌંદર્ય છે,સર્જનના સંચાલનમાં સૌંદર્ય છે અને સર્જનના નાશમાં સૌંદર્ય છે. પરિવર્તનમાં પણ સૌંદર્ય હોય છે.તમે હરહંમેશ કુદરતમાં તે જોઈ શકો છો.વસંતનું પોતાનું એક સૌંદર્ય છે;ગ્રીષ્મ મધ્યે બધું લીલુંછમ હોય છે,પાનખરમાં બધા પાન ખરી પડે છે અને છતાં નયનરમ્ય લાગે છે!વર્ષા ઋતુમાં પાણીના ધોધ ખૂબ સુંદર લાગે છે.
વર્ષો સુધી આ ધોધને જાળવવા, અને યુગોથી,એક ચોક્કસ પ્રક્રિયાની જરૂર પડે છે.વાદળોએ ઉપર જવું પડે છે અને તેમણે વિશાળ સરોવરો પર વરસવું પડે છે, અને એ વિશાળ સરોવરોએ વહેવું પડે છે; ત્યારે જ નાયગ્રાનો ધોધ હંમેશ માટે રહી શકે છે.નહીંતર જો પાણી માત્ર એક વાર વહી જાય અને વહેવા માટે વધારે પાણી રહેતું નથી કે વરસાદ પડતો નથી,તો આખું સૌંદર્ય નષ્ટ થઈ જાય છે!તમે જોઈ શકશો કે સૌંદર્યની નીચે વધારે ગહેરું સૌંદર્ય હોય છે,આ સૌંદર્યને સતત જાળવી રાખતો એક નિયમ.લાકડાના એક મૃત ટૂકડામાં પણ તેના સૌંદર્યની છાપ કંડારાયેલી હોય છે– તેના જનીનોમાં,તેના કણોમાં કે તે પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે.
તમે લાગણીઓમાં પણ સૌંદર્ય જોઈ શકો છો.કુદરતી રીતે વ્યક્ત થતી બધી લાગણીઓની કદર થતી હોય છે. જ્યારે વ્યક્તિ એકદમ સહજ હોય છે, એટલે કે કુદરત અને આસપાસના વાતાવરણ સાથે સુમેળમાં હોય છે ત્યારે સૌથી સુંદર દેખાય છે.બાળકોને જુઓ; તેઓ હંમેશા સહજ હોય છે અને માટે કેટલા સુંદર દેખાય છે.તેઓ જ્યારે રડે છે ત્યારે તેમના રડવામાં કંઈક સૌંદર્ય હોય છે.જ્યારે તેઓ હસે છે,સ્મિત કરે છે ત્યારે તેમાં સૌંદર્ય હોય છે. તેઓ ગુસ્સે થાય છે ત્યારે પણ તેમાં સૌંદર્ય હોય છે.
પરંતુ યાદ રાખો કે લોકોની જે અભિવ્યક્તિ હોય છે તેના કરતાં પણ ગહેરાઈમાં જે સૌંદર્ય હોય છે તે તમારે જોવું જોઈએ.માણસની જે અભિવ્યક્તિ હોય છે તે તેને સંપૂર્ણપણે વ્યક્ત નથી કરતી હોતી.દરેક જીવમાં પુષ્કળ અવ્યક્ત પ્રેમ હોય છે.માત્ર આ હકીકત સમજી લેવાથી તમારો દ્રષ્ટિકોણ વિસ્તૃત થાય છે.તેથી હવે કોઈ શું બોલે છે કે કરે છે તેનાથી તમે ક્યારેય અટવાઈ જતા નથી.વ્યક્તિ જે બોલે છે તે નગણ્ય હોય છે,જેમ કે ભેટની વસ્તુ પર વીંટાળેલો કાગળ કે રીબીન.જો તમને રીબીન નથી ગમતી તો તેને કાઢી નાંખો અને અંદર શું છે તે જુઓ.કોઈ ખોખું ખાલી નથી હોતું. ઈશ્વરના હ્રદયમાં બધાને માટે જગ્યા છે.જ્યારે ઈશુ ખ્રીસ્તે કહ્યું કે,’ મારા પિતાના ઘરમાં ઘણા રુમ છે’ ત્યારે તેમનો કહેવાનો અર્થ આ જ હતો.
ઈશ્વર સૌંદર્યપૂર્ણ છે અને સૌંદર્ય એ દિવ્યતા છે.ઈશ્વર અને જ્ઞાની માણસોના માર્ગ હંમેશા પરોક્ષ રહ્યા છે. સંસ્કૃતમાં એક કહેવત છે,’પરોક્ષ પ્રિય હી વૈ દેવાહા:’ એટલે કે ભગવાનને પરોક્ષ રીતો પસંદ છે.
ક્યારેક પ્રત્યક્ષ રીતે વ્યક્ત કરવાની જરૂર હોય છે,ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ જાગૃત નથી હોતી તેના માટે.જે વ્યક્તિ જાગૃત છે તે ઈશારો જ કરે છે અને એ પરોક્ષ અભિવ્યક્તિ વધુ રોમાંચક લાગે છે.દરેક બાબતના પોતાના યોગ્ય સ્થળ અને સમય હોય છે.સંપૂર્ણ રીતે પ્રગટ થવું એ હ્રદયની રીત નથી.સંપૂર્ણ પ્રાગટ્ય ઉશ્કેરણી કરે છે;અપ્રગટ સૌંદર્ય આહ્વાન કરે છે.માટે જ આ કુદરત સમસ્ત સર્જનને રાત્રિ દરમ્યાન પોતાનામાં છુપાવી દે છે અને બીજા દિવસે સવારે એને છતું કરે છે.
જીવન વગર કોઈ સૌંદર્ય નથી. શરીર સુંદર લાગે છે કારણ કે તેમાં જીવ છે.સમસ્ત સર્જન–વૃક્ષો,પક્ષીઓ, પ્રાણીઓ, ખડકો અને નદીઓ જીવનથી ભરપૂર છે. અને જીવન એ તો આ પૃથ્વીનું, આ વિશ્વનું સૌંદર્ય છે.જીવન એટલે માત્ર જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ નહીં કે જે પ્રાણવાયુ પર નભે છે.હું જ્યારે જીવન એમ કહું છું ત્યારે મારો કહેવાનો અર્થ ચેતના હોય છે, જે દૂર સુદૂર સુધી વ્યાપેલી છે;એવી કોઈ જગ્યા નથી જ્યાં એનું અસ્તિત્વ નથી. ઈશ્વર કે જેના વગર ઘાસનું એક તણખલું પણ ખસી ના શકે તેમણે આપણને કેટલી બધી ક્ષભતા અને ઊર્જા, કેટલા સૌંદર્ય અને સંપત્તિ આપ્યા છે. સૌંદર્ય બધે જ વ્યાપ્ત છે. તમારે માત્ર તમારી આંખો ખોલીને જે વાસ્તવિકતા વ્યાપ્ત છે તેને જોવાની જરૂર છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)