આનંદ એ આપણો સ્વભાવ છે

એક વાર માછલીઓની સભા ભરાઈ હતી.તેમનામાંથી કોણે સમુદ્ર જોયો છે તેની ચર્ચા કરવા તેઓ ભેગા થયા હતા. તેમનામાંથી કોઈ એમ ના કહી શક્યું કે તેણે ખરેખર સમુદ્ર જોયો છે.ત્યારે એક માછલીએ કહ્યું,”મને લાગે છે કે મારા પરદાદાએ સમુદ્ર જોયો હતો!”બીજી માછલીએ કહ્યું,”હા હા,મેં પણ એ વિષે સાંભળ્યુ છે.”ત્રીજી માછલી બોલી,”હા, તેના પરદાદાએ ખરેખર સમુદ્ર જોયો હતો.” આથી તેઓએ “એમણે સમુદ્ર જોયો હતો. તેઓ સમુદ્ર સાથે સંકળાયેલા હતા” એમ કહીને પેલી માછલીના પરદાદાની મૂર્તિ સ્થાપીને એક વિશાળ મંદિર બાંધ્યું. જીવનમાં આપણી સુખની શોધ પણ આવી છે.

તમે શેની રાહ જોઈ રહ્યા છો? આનંદ મેળવવાની તૈયારી કરવા કરતાં અત્યારે જ આનંદિત થાવ અને સહજતાથી આનંદિત રહેવાનો સંકલ્પ કરો.તમને ખુશ જોવા ઈશ્વર સર્વ શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે.પરંતુ જેઓ પોતાને મદદ કરે છે તેમને જ ઈશ્વર મદદ કરે છે. માટે,રોજ સંકલ્પ લો “આજે ગમે તે થશે પણ હું તો આનંદમાં જ રહીશ.કશાયને મારા આનંદમાં વિક્ષેપ નહીં નાંખવા દઉં.હું સંતોષી અને આનંદિત રહીશ.”

તમે ત્રણ સ્તરે સુખનો અનુભવ કરી શકો છો. એક છે સમાજમાં, આસપાસના વાતાવરણમાં આનંદ. તમે સુખદ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે કરી શકો છો? જ્યારે તમારી આસપાસના બધા લોકો માત્ર પોતાનો જ વિચાર કરે છે ત્યારે તમને કેવું લાગે છે?શું તમને એવા સમુહમાં રહેવું ગમશે કે જ્યાં વહેંચવાની ભાવના, પોતીકાપણું અને આનંદ નથી?

આનંદનું બીજું સ્તર છે પોતાના મનમાં થતો આનંદ. જ્યારે વ્યક્તિ સ્વીકારની ભાવના કેળવે છે અને જ્ઞાનની દ્રષ્ટિ અપનાવે છે ત્યારે મનમાં આનંદ ઉદ્ભવે છે. ક્યારેક તમારી આસપાસ બધા આનંદમાં હોય છે અને તમે અન્યોને મદદ પણ કરી રહ્યા છો. પરંતુ તમે તમારા મનમાં ખુશ નથી; સંતુષ્ટ નથી.સમર્પણ બીજા સ્તરનો આનંદ આણે છે.

ત્રીજું સ્તર છે ચેતનાને થતો આનંદ. જ્યારે ચેતના દિવ્યતા સાથે એકરૂપ થયેલી હોય છે ત્યારે આ સ્તરનો આનંદ થાય છે. જ્યારે કોઈ દ્વૈત ભાવ નથી,’બે’ નથી,જ્યારે તમે ગહેરા ધ્યાનમાં હોવ છો ત્યારે તમે આ અંતરંગ આનંદ અનુભવો છો.
આ ત્રણે પ્રકારના આનંદ એકબીજા સાથે સંકળાયેલા છે.જ્યારે તમે દિવ્યતા સાથે એકદમ એકરૂપ થયેલા હોવ છો ત્યારે તમે દ્વિતીય અને તૃતિય સ્તરે સંતુષ્ટ જ હોવ છો અને તમે સેવા કર્યા વગર રહી શકતા નથી કારણ કે દરેક વ્યક્તિ તમને તમારી લાગે છે. જ્યારે તમે સેવા કરવાની શરુ કરો છો અને હર સમય તમારો જ વિચાર કરવાનું બંધ કરો છો ત્યારે માનસિક સંતોષ મળે છે. મનને પણ આનંદ તથા વિશ્રાંતીનો અનુભવ થાય છે અને તે આને અનુરુપ વાતાવરણ સર્જે છે.

શાણી વ્યક્તિ ખરાબ સમયમાં પણ ખુશ રહે છે. અને મૂર્ખ સારા સમયમાં પણ નાખુશ રહે છે. આધ્યાત્મિકતા એ આ દુનિયા બહારની કોઈ વસ્તુ નથી. આ આધ્યાત્મિક અને આ સ્થૂળ–એવો ભેદ નથી હોતો.દરેક જગ્યાએ જીવન છે, દરેકમાં ચેતના છે એવી પ્રતીતિ થવી એ આધ્યાત્મિકતાનો આવિર્ભાવ છે.જ્યારે તમે આનંદની પેલે પાર જાવ છો ત્યારે શું થાય છે?મન વિસ્તૃત બને છે છતાં તે અનભિજ્ઞ કે અજાણ નથી હોતું.સામાન્ય રીતે જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે બેધ્યાન બની જાવ છો.જ્યારે તમે નાખુશ હોવ છો ત્યારે તમે ખૂબ કેન્દ્રિત હોવ છો. પરંતુ એક સુંદર સંયોગ છે- ખુશ હોઈએ ત્યારે પણ સાવધ તથા કેન્દ્રિત રહેવું– આધ્યાત્મિક જીવનમાં આવો અનુભવ કરી શકાય છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)