શું તમે નકારાત્મક વિચારો અને ચિંતા થી ઘેરાઈ ગયા છો? તો આટલું કરો…

વ્યસ્ત થઈ જાઓ:

તમને જેવો નેગેટિવ વિચાર આવે કે તરતજ વ્યસ્ત થઈ જાઓ, તમે જો ખાલી બેસી રહેશો તો તમને વધુ અને વધુ વિચાર આવ્યા કરશે.

તમારા શરીરનો રક્ત પ્રવાહ સુધારો:

જો તમારા મસ્તિષ્કમાં વિચારોનો અત્યંત ભરાવો થઈ જાય, જમીન પર સૂઈ જાવ અને ગબડવા માંડો તમને શરીરમાં રક્તપ્રવાહનો સુધારો અનુભવવા મળશે. રક્તપ્રવાહમાં સુધારો થતા જ મનને શાંતિ મળશે. આ કારણ થી જ शयाना प्रदक्षिणाम (જમીન પર ગબડીને ભક્તિ કરવાની રીત ) આ અનુભવ કરો અને મનમાં થતા ફેરફાર અનુભવો.

નેગટીવ વિચારો સાથે હાથ મેળવો:

તમે જો નેગેટિવ વિચારોનો વિરોધ કરી અને તેમને ધકેલવાનો પ્રયત્ન કરશો તો તેઓ તમને ભૂતની જેમ વળગશે. તમારા નેગેટિવ વિચારો સાથે હાથ મેળવો, તેને કહો કે અહીં આવીને મારી પાસે બેસો, હું તમને છોડીશ નહીં અને તમે જોઈ શકશો કે તેઓ તરત જ અદ્રશ્ય થઈ જાય છે. વિચારો તમારાથી ડરી જાય છે. જો તમે નેગટીવ વિચારો થી ભયભીત થશો તો તેઓ તમને નિયંત્રિત કરશે. પરંતુ તમે તેની સાથે હાથ મેળવશો તો તેઓ અદ્રશ્ય થઈ જશે.

પ્રાણાયામ અને ધ્યાન કરો:

આ બંને એકદમ અસરકારક છે. અને તમારા મનને તાત્કાલિક શાંતિ આપે છે. આંતરડાની સફાઈ ઉપર ધ્યાન આપો. જો તમારા પર અસંખ્ય નેગેટિવ વિચારોનો મારો થાય તો જાણી લેજો કે તમારા આંતરડાની હલચલમાં ખરાબી છે. તરત જ શંખ પ્રક્ષાલન (આંતરડાની સફાઈ) કરો. તે ખુબજ મદદરૂપ થશે.

વ્યાયામ કરો: ઊભા થાઓ, કસરત કરો, ગાઓ, નાચો, યોગ કરો, ધ્યાન, પ્રાણાયામ આ સઘળું મદદરૂપ થશે.

તમારા વિચારોના સાક્ષી બનો :

તમે વિચારોને અટકાવી શકતા નથી કે વિચાર આવે તે પહેલા તેને જાણી શકતા નથી. અને વિચાર આવ્યાની સાથે તરતજ ચાલ્યો પણ જાય છે. તમે જો વિચારના સાક્ષી બનો તો તે એકદમ વહી જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે. પરંતુ તમે જો એને પકડી રાખીને વાગોળ્યા કરો તો એ તમારી સાથે જ રહે છે. વિચારો આવે અને જાય, પરંતુ વિચારોનું મૂળ આત્મા છે. અને આત્મા એટલે તમે પોતે. તમે આકાશ જેવા છો જ્યારે વિચારો વાદળ જેવા છે. વિચારોની સમજણ માટેનું આ સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે. વાદળો આવે અને જાય પરંતુ શું તેઓ આકાશની વિશાળતાને વિક્ષોભિત કરી શકે છે? ના જરાય નહીં. આથી તમે જ્યારે વાદળો થી ઉપર ઊડો છો, તમે જ્યારે વાદળ થી આગળ જાઓ છો ત્યારે તમે જુઓ છો કે આકાશ અસ્પૃશ્ય છે. તે સમાન છે, અપરિવર્તનશીલ છે. વિચારો જ છે કે જે ફર્યા કરે છે. આ વસ્તુ ધ્યાનમાં તમે જ્યારે સાક્ષીભાવ કેળવો છો ત્યારે પ્રત્યક્ષ થાય છે.

આપણે વિચારો સાથે વળગણ રાખવો જોઈએ નહીં. તે ફક્ત મૂર્ખાઈ છે. સારા કે ખરાબ વિચારો આવે છે અને જાય છે તમે આનાથી ખૂબ દૂર અને બહાર છો. આને વિહંગમ માર્ગ કહે છે. જેનો અર્થ એટલોજ કે વિચારોને ઉદભવતા નિહાળી ને પણ તમારે તો આ વિચારો સાથે કશીજ લેવા દેવા નથી.

શિવસૂત્રમાં સુંદર સમજ આપી છે: 

ज्ञानाधिष्ठानं मातृका| –  

જ્ઞાન ના મૂળ સુધી પહોંચવાનો માર્ગ શાંતિ છે:

તમારા મનની જુદી જુદી અવધારણાઓ, વિચારો અને ચિંતાનું એકદમ સંભાળપૂર્વક અવલોકન કરો તથા તેમની વચ્ચેનો ભેદ પારખો. ત્યાર પછી ફક્ત એક જ વિચારનું અવલોકન કરો, ત્યારબાદ એક વાક્ય અને ત્યાર બાદ એક શબ્દ. ત્યાર પછી પસંદ કરેલ શબ્દને અક્ષરોમાં વિભાજિત કરો અને દરેક અક્ષરને સંભાળ પૂર્વક જુઓ. તમે જ્યારે આ પ્રક્રિયા કરશો ત્યારે તમારી ચિંતાઓ અદ્રશ્ય થઈ જશે. આ ઘટના માટેનો પ્રયત્ન એક અઠવાડીયા સુધી ચાલુ રાખશો તો તમને સમજાઈ જશે કે “શબ્દો વચ્ચેની શાંતિ પર જ્યારે આપણી પકડ આવે છે ત્યારે ચિંતા અદ્રશ્ય થાય છે. જ્યારે કોઈ સ્થળે ધ્વનિ કે શબ્દનું અસ્તિત્વ હોતું નથી ત્યારે તે સ્થળે ચિંતાનું અસ્તિત્વ પણ હોતું નથી. કારણકે શબ્દો ચિંતાનું મૂળભૂત કારણ છે. તેનાથી પર થઈ જવું એટ્લે શાંતિની પ્રાપ્તિ.

જ્ઞાન થી ઉચ્ચ જ્ઞાન તરફ સ્થળાંતર:

મંત્ર એટલે કે પવિત્ર ધ્વનિની સંસ્કૃતમાં વ્યાખ્યા “मननात्त् त्रायते इति मंत्र:| મંત્ર એટ્લે જેનું સતત પુનરાવર્તન તમારા મનનું બધી ચિંતા થી શુધ્ધિકરણ કરી અને તમને રક્ષણ આપે છે. જ્ઞાન બંધન છે અને શબ્દ વગર જ્ઞાનની પ્રાપ્તિ અશક્ય છે. આપણે કઈ વસ્તુની ચિંતા કરીએ છીએ કે નથી કરતાં તે જાણવા માટે ભાષાની જરૂર પડે છે. જ્યારે આપણે શબ્દોનું વિભાજન કરીશું ત્યારે આપણે ચિંતા થી મુક્ત થઈ જઈશું. વાક્યોને પકડી રાખવાથી પણ મનુષ્ય ચિંતિત થાય છે. ધારો કે તમારા મનમાં ચિંતા છે કે, “મારો દીકરો બેરોજગાર છે”. હવે શાંતિ થી બેસીને વાક્યના દરેક શબ્દને છૂટો પાડો, જેમકે મા-રો-દી-ક-રો-બે-રો-જ-ગા-ર-છે. ચિંતાની તીવ્રતા એકદમ ઘટી જશે. અને તમે જેવી તેની તીવ્રતા ઘટાડશો કે તરતજ મન કે જે વાક્યમાં ફસાયેલું છે તે ચિંતાને છોડી ચિંતનશીલ બને છે. તો જો ચિંતા ઉપર ધ્યાન આપ્યા કરશો અને તેને દૂર કરવા માટે પ્રયત્ન કરશો તો શક્ય નહીં બને. ચિંતા ઉપર તમારું નિયંત્રણ લાવો, તેના મૂળ સુધી જાઓ, શબ્દ અને અર્થને આખી પ્રક્રિયામાંથી દૂર કરો અને સ્વયંમાં વિશ્રામ કરો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)