દક્ષિણ કશ્મીરસ્થિત પવિત્ર બાબા અમરનાથની ગુફા માટેની વાર્ષિક અમરનાથ યાત્રાનો આરંભ થઈ ગયો છે. ગયા વર્ષે અમરનાથના યાત્રાળુઓની એક સુરક્ષાવિહોણી બસ પર કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાંથી બોધપાઠ લઈને કેન્દ્ર સરકારે આ વખતે સુરક્ષા વ્યવસ્થાની બાબતમાં અનેક મોટા નિર્ણયો લીધા છે. આ વર્ષે અમરનાથ યાત્રાના રૂટ પર હાઈટેક નિરીક્ષણ અને ચાંપતી દેખરેખ રાખવામાં આવી રહ્યાં છે.
60-દિવસની આ યાત્રા કશ્મીરમાં પહાડો પરની વિશાળ ગુફામાં કુદરતી રીતે નિર્માણ થતા બરફનાં શિવલિંગ અને પવિત્ર ગુફા-મંદિરને અર્પણ કરાય છે.
કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) દ્વારા યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓને રક્ષણ આપવા માટે એક સ્પેશિયલ મોટરસાઈકલ સ્ક્વોડ તૈયાર કરવામાં છે. આ સ્ક્વોડ એક તરફ યાત્રાના રૂટ પર યાત્રીઓને સલામતી પૂરી પાડશે અને બીજી બાજુ એમનો ઉપયોગ યાત્રીઓ માટે નાની એમ્બ્યુલન્સીસ તરીકે પણ કરવામાં આવશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય હાઈવે પર સંવેદનશીલ સ્થાનો પર સીઆરપીએફ દ્વારા એવી 10 મોટરસાઈકલ એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી છે, જેમાં મોટરસાઈકલની પાછળ એક ખુરશી મૂકવામાં આવી છે. એમાં દરદીને બેસાડવામાં આવશે. સાથોસાથ, મોટરસાઈકલમાં પ્રાથમિક ઉપચારની કિટ પણ હોય છે. દરદીને ગ્લુકોઝ ચડાવવાની પણ વ્યવસ્થા છે.
આ મોટરસાઈકલ ચલાવનાર તમામ ચાલક સીઆરપીએફના ફાર્માસિસ્ટ છે. એ ચાલક જ બીમાર કે ઘાયલ થયેલા શ્રદ્ધાળુનો ઉપચાર કરશે. આ એમ્બ્યુલન્સીસનો ઉપયોગ ત્યારે કરી શકાશે જ્યારે અમરનાથ યાત્રાના રૂટ પર ભેખડો ધસી પડે અને યાત્રાળુઓ ફસાઈ જાય. યાત્રા દરમિયાન કોઈને આરોગ્ય સંબંધિત તકલીફ ઊભી થાય તો એ સ્થિતિમાં પણ આ મોટરસાઈકલ એમ્બ્યુલન્સીસ કામ લાગશે.
ઉગ્રવાદીઓ તરફથી હુમલાનો ભય વધી ગયો હોવાને કારણે સરકારે રેડિયો ફ્રીક્વન્સી (RF) ટેગ સાથે અમરનાથ યાત્રીઓને લઈ જતા દરેક વાહન પર નિરીક્ષણ રાખવાનો નિર્ણય લીધો છે. અમરનાથની યાત્રાએ જનાર તમામ વાહનો પર સલામતીની દ્રષ્ટિએ ચાંપતી નજર રાખવા માટે એની પર RF ટેગ મૂકવામાં આવ્યું છે.
આ RF ટેગ વાહનો સાથે જોડાયેલા પ્રત્યેક ઓબ્જેક્ટને ઓટોમેટિકલી ઓળખી કાઢે છે અને એને ટ્રેક કરી શકાય એવા ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સનો ઉપયોગ કરે છે.
જમ્મુ અને કશ્મીર પોલીસ, અર્ધલશ્કરી દળો અને ભારતીય સેના વચ્ચે વધારે સારું સંકલન બની રહે એ માટે એક જોઈન્ટ કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.
આ વખતની અમરનાથ યાત્રા માટે બહુ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. યાત્રાના સમગ્ર રૂટ પર અતિરિક્ત 22,500 અર્ધલશ્કરી દળોના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ 40 હજાર જવાનો ચોકીપહેરો ભરી રહ્યા છે. આમાં જમ્મુ-કશ્મીર પોલીસ, અર્ધલશ્કરી દળો, નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ અને ભારતીય સેનાનાં જવાનોનો સમાવેશ થાય છે.
યાત્રીઓની હિલચાલ પર ટ્રેક રાખવા માટે સેટેલાઈટ્સનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઠેકઠેકાણે જેમર્સ, સીસીટીવી કેમેરા, બુલેટપ્રૂફ બંકર્સ મૂકવામાં આવ્યા છે, ડોગ સ્ક્વોડ્સ તેમજ ક્વિક રીએક્શન ટીમ્સ ગોઠવી દેવામાં આવી છે.
ડોપલર રડાર દર બે કલાકે હવામાન વિશે અપડેટ આપે છે.
સુરક્ષા એજન્સીઓના અંદાજ મુજબ કશ્મીર ખીણ વિસ્તારમાં 200 જેટલા સક્રિય ત્રાસવાદીઓ છે અને તાજેતરના ટ્રેન્ડ પરથી જોવા મળ્યું છે કે ત્રાસવાદીઓ એમના હુમલામાં વધારે નિષ્ઠુર બન્યા છે.
આ વખતની અમરનાથ યાત્રા માટે લગભગ બે લાખ જેટલા લોકોએ નામ નોંધાવ્યા છે. ગયા વર્ષે 2 લાખ 60 હજાર લોકોએ પવિત્ર અમરનાથ ગુફામાં બરફનાં શિવલિંગના દર્શન કર્યા હતા.