એવા સત્ય કે જે તમારું જીવન આજે જ બદલી શકે છે

પણે જીવનમાં રોજ સારા ખરાબ અનુભવોમાંથી પસાર થઈએ છીએ. ન ગમતાં માણસો અને ગમતાં માણસોની વચ્ચે જીવ્યાં કરીએ છીએ. સફળતા અને નિષ્ફળતાને વાગોળ્યાં કરીએ છીએ. દરેક મનુષ્ય જીવનમાં લગભગ એકસરખાં પડકાર અનુભવે છે. તે મનની માયાજાળમાં અચૂક ફસાય છે અને પોતાના વિચારો અને માન્યતાઓનો ગુલામ પણ બને છે. ઘણીખરી માન્યતાઓ માત્ર મનમાં જગ્યા રોકે છે, તે માન્યતાથી ક્યારેય કોઈને ફાયદો થતો નથી. ઉલટાનું માન્યતાઓ છોડીને નવા બાળકની જેમ જીવવાથી જીવન સુંદર લાગે છે.

એક વિદ્વાન સાધુએ કહ્યું કે,સર્જન પામેલાનું વિસર્જન નક્કી છે. બીજા અર્થમાં જગતમાં કશું પણ કાયમી નથી. આજની વાતો અને યોજનાઓ લોકો બીજા દિવસે ભૂલી જાય છે. મોટા અકસ્માત કે દુર્ઘટનાઓ પણ થોડા દિવસમાં લોકો ભૂલી જાય છે. દરેક દિવસે માણસ ઘરડો થતો જાય છે. દરેક દિવસે માણસ નવું શીખતો જાય છે, જુનું ભૂલતો જાય છે. આપણે કોઈ કાર્ય કરીએ છીએ, પછી સંજોગો અનેકારણો ભેગા થઈને આપણી પાસે આવે છે, ત્યારે પણ બધું બદલાઈ ચુક્યું હોય છે. પણ જગતના હરપળ બદલાતા સ્વભાવથી એક વાત નિશ્ચિત છે કે તમારું દુઃખ પણ કાયમ દુઃખ રહેવાનું નથી. દુઃખ ત્યારે જ પેદા થશે જયારે આપણે આ સત્યથી વિપરીત ચાલીશું, જેમ કે સુખને કાયમી માનવું. સુખ કાયમી રહેશે કે નહિ? તે માન્યતા પણ તમને દુઃખ આપી શકે છે. કારણ કે કશું પણ કાયમી નથી. દુઃખ પણ નહિ અને કોઈ માન્યતા પણ નહીં.

બીજી વાત એ બુદ્ધિશાળી મુનિએ કહી કે, લાગણીઓ ફક્ત દુઃખ જ લાવે છે. આપણે જરા શાંત મને વિચારીએ કે લાગણીશીલ થવાથી ખરેખર કોઈ ફાયદો ખરો? બીજાની માટે લાગણી જ બતાવવા કરતા, તેની માટે મદદરૂપ થવું જરૂરી છે. લાગણીઓએ માત્ર મનના વમળ છે, ખોટું ચલચિત્ર છે જેની પાછળ કોઈ સત્ય કે સાતત્ય નથી. લાગણીઓ માત્ર તમને ભ્રામક દ્રશ્યોમાં ફસાવે છે અને તમારી હિંમતને ડગાવી મુકે છે. મોટેભાગે જયારે માણસ સત્યનો સામનો નથી કરી શકતો, કોઈ રસ્તો નથી કાઢી શકતો ત્યારે તે લાગણીશીલ બનીને લાગણીવશ ખોટા નિર્ણયોમાં પડી જાય છે. માટે લાગણીઓને બુદ્ધિ વડે ઓળખતા શીખો. લાગણીઓ માત્ર તમને અને તમને જ દુઃખી કરે છે, બીજા માટે તે લાગણીનો પુરાવો શોધવો પણમુશ્કેલ છે, લાગણીના બદલે કોઈને મદદરૂપ થાઓ તે બુદ્ધિનું કાર્ય છે.

કોઈ પણ ચીજનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, આપણું પણ નહી. આ વાત ત્રીજી મહત્વની વાત હતી. તમે તમારું ઘર જયારે જુઓ છો ત્યારે તમે જુઓ કે તેની પાછળ કેટલા બધાનો શ્રમ છુપાયેલો છે. એક એક ઈંટ બનાવનારનો પણ તેમાં ફાળો છે, તેનો પ્લાન બનાવનાર પણ તમારી સાથે જોડાયેલો છે. તમારો આહાર કે કાર્ય પણ અનેક લોકો સાથે સંકળાયેલું છે. તમે પોતે એક નહિ, પણ અનેક લોકોમાં જીવો છો. તમારામાં તમારા પિતા અને માતા બંને વ્યક્ત થઇ રહ્યા છે. તમારાસંતાનમાં તમારો અંશ વ્યક્ત થઇ રહ્યો છે. આમ તમે પણ બધામાં જીવી રહ્યા છો. કોઈ પણ ચીજ હમેશા કાયમ નથી રહેતી, તેનું વિસર્જન થતા તે કઈ બીજું બની જાય છે. પ્રાણી મરી જાય છે, ત્યારે તેના અંગોનું વિસર્જન થઈને ત્યાં થોડા સમય પછી વૃક્ષ બને છે. તોવૃક્ષ ખાઈને અનેક પ્રાણીઓ પણ જીવે છે.આમકોઈ પણ ચીજનું એક સ્વતંત્ર અસ્તિત્વ નથી, બધામાં બધું જ સમાયેલું છે. બધી જ ઘટના કે કાર્યો અનેક લોકો અને અનેક સંજોગોમાંથી બને છે, આમએકની પાછળ અનેક સમાય છે, કશું જ એક માત્ર નથી. બધું બધામાં છે.

મુક્તિએ અમુક સંજોગો કે અમુક સમયે જ મળી શકે તે જરૂરી નથી. બીજા અર્થમાં તમે અત્યારેમુક્ત જ છો, તમે ચાહો ત્યારથી મુક્તિને પામી શકો છો.તમને માત્ર જરૂર છે, સાચા માર્ગદર્શનની. મુક્તિ કે અંતિમ સત્યની પ્રાપ્તિ થવી એ કોઈ જગ્યા નથી. તમારે માત્ર તમારી માન્યતાઓની ગુલામીમાંથી આઝાદ થવાનું છે. વર્તમાનમાં પ્રવેશ કરવાનો છે. તમારું શરીરએ જ તમારું ઘર છે, ત્યાં સ્થિર થવાનું છે.તમે વર્તમાનમાં સ્થિર થાઓ, તમારા શરીરને અનુભવો. તમે માત્ર ને માત્ર નજરની સામે છે તેને અનુભવો. સત્યને સમજો કે સાચા અનુભવ જ મહત્વના છે. મનઘડંત વાતો કે અનુમાનના ગુલામ ન થશો.

કોઈ વિરલ પુરુષ જ વસ્તુ કે ઘટના જેવી છે તેવી જ તેને જોઈ શકે છે. બાકીના લોકો મોટેભાગે તેને પોતાના અનુભવો સાથે સરખાવીને ‘સત્ય’ને ગુમાવે છે. સત્ય જોઈ નથી શકતા પણ પોતાના અનુભવોને જ દોહરાવે છે. જેમ જેમ તમે તમારા જીવનને સાચા અર્થમાં સમજતા થશો તેમ તેમ તમે મનની ભ્રમણાઓમાંથી મુક્ત થશો અને શાંતિ પામશો. જયારે આપણે કોઈ ચીજને મુલવવાનું બંધ કરીએ છીએ ત્યારે મુક્તિ સંભવ બને છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]