આજે આ ખરતો તારો આપણે સાથે જોતા હોત તો?

આલાપ,

ક્યારેક આખી રાતની ઊંઘ પછી પણ સવાર ભારે ભારે લાગતી હોય છે અને ક્યારેક આખી રાતનાં જાગરણ પછી પણ સવાર ખુશનુમાં અને તાજગીસભર લાગતી હોય છે. શરીરના થાક અને શરીરની તાજગી મનના થાક અને મનની તાજગી પર જ આધારિત હોતી હશે એવું જ ને?

મોડી રાતે બાલ્કનીમાં બેસીને તારા ઘર તરફ સતત ઝળહળતી લાઈટો જોવાની તો વર્ષોથી મને આદત થઈ ગઈ છે. આજે પણ બાલ્કનીમાં બેસીને એ ઘેરી લાલ લાઈટ જોયા કરતી હતી પરંતુ આજે એ લાઈટે હ્ર્દયમાં ઢબૂરીને સુવરાવેલી કેટલીય યાદોને જગાડી દીધી.એ લાલ લાઈટના તેજમાં એક તારો ખરતો દેખાયો બસ, પછી તો શું? આખી ય રાત એ ખરતા તારા સાથે જોડાયેલી યાદોમાં જ વીતી ગઈ.


એ દિવસે સાંજ ઢળી રહી હતી. ગામની છેવાડે આવેલા મહાદેવના મંદિરે દર્શન કરીને મંદિરના પગથિયે બેસી ત્યાંથી આખું ગામ જોઇ રહેલ આપણે જાણે કે સહજીવનમાં ચરણ માંડી ચુક્યા હોઈએ એવું અનુભવી રહ્યા. ધીમે ધીમે ઘેરો થતો જતો અંધકાર અને એકબીજાનો સહવાસ અલગ સૃષ્ટિ રચી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક તારો ખર્યો અને આપણે બન્નેએ આંખ બંધ કરી લીધી. થોડીક ક્ષણો પછી મારી આંખ ખુલતાં જ તું મને પ્રશ્નાર્થભાવે જોઈ રહ્યો હતો. હું તારી આંખોમાં લખેલો સવાલ વાંચી ગયેલી અને કહેલું, “આલાપ, મેં તને નથી પૂછ્યું કે ખરતા તારાને જોઈને તેં શું વિશ માંગી અને તારે પણ મને આ સવાલ ન કરવો જોઈએ.” તે જૂઠો ગુસ્સો કરતાં મારા હાથથી તારો હાથ છોડાવી લીધેલો. આ વાત આમતો બહુ નાની હતી પણ મારુ હૃદય એક ધબકાર ચુકી ગયું હતું.આજે આ ખરતા તારાને જોઈને એ સાંજની યાદોમાં સવાર ક્યાં થઈ ગયું એ ખબર જ ન પડી. આજે વિચાર આવે કે, ધારો કે આજે આ ખરતો તારો આપણે સાથે જોતા હોત તો??… તો હું તને જણાવત એ દિવસે મેં માંગેલી વિશ વિશે. પણ,સમય ક્યાં કોઈનો થયો છે? તું ગયો, જાણેકે ખરતા તારા પાસે મેં માંગેલી વિશ પુરી કરવા જ ગયો હોય એમ ગયો. અને હવે આજે તું અહીં નથી ત્યારે થાય છે કે તારી પ્રગતિ,તારી તરક્કીની એ વિશમાં ક્યાંય છુટા પડવાનું તો મેં નહતું માંગ્યું. આજે પણ ખરતા તારાને જોઈને આંખ બંધ થઈ જ ગઈ. વિશ માંગી જ લેવાઈ અનાયાસે, પણ આજે મેં તારું સુખ માંગ્યું છે. તરક્કી તો તું કરી ચુક્યો છે એ જાણું છું પણ સુખી છે ? તારું સુખ આજે પણ મારી આસપાસ હશે તો આ વિશ પણ પુરી થશે અને તું આવીશ મારી પાસે ફરીથી એકસાથે તૂટતા તારાને જોઈને વિશ માંગવા નહિ,મારા એકાંત સમયના તૂટતા તારાને જોઈને મેં માંગેલી વિશ બનીને.

આજનો દિવસ આખી રાતનાં જાગરણ પછી પણ તાજગીસભર છે કેમ કે આજે ફરી એક આશ જીવંત બની છે.

-સારંગી.
(નીતા સોજીત્રા)