PM મનમોહન સિંહના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરાયા

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ PM ડો. મનમોહન સિંહના દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર વખતે PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ હાજર રહ્યા હતા.  

દેશના 14મા PM અને અર્થશાસ્ત્રી ડો. મનમોહન સિંહનું 92 વર્ષની વયે ગુરુવારે દિલ્હીની AIIMSમાં નિધન થયું હતું. સરકારે ભૂતપૂર્વ PM નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. મનમોહનસિંહ દેશના પહેલા શીખ વડા પ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.

જોકે તેમના અંતિમ સંસ્કાર પહેલાં તેમના પાર્થિવ શરીરને કોંગ્રેસના વડા મથકમાં લાવવામાં આવ્યું હતું. અહીં પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓએ તેમના અંત્મ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યાર બાદ તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવ્યું હતું.

AICCથી તેમની અંતિમ યાત્રા શરૂ થઇ હતી. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપવામાં આવી હતી. તેમની અંતિમ વિધિમાં PM મોદી પણ જોડાયા હતા.

તેમને અંતિમ વિદાય આપવા માટે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખ્ખુ, કોંગ્રેસના સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા પણ પહોંચ્યાં હતાં.