મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના માનહાનિ કેસમાં બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે ફરિયાદી દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલી માનહાનિની અરજીમાં “બિનજરૂરી રીતે વિલંબ” કરવામાં આવ્યો છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે રાહુલ ગાંધીને ઝડપી સુનાવણીનો કાયદેસરનો અધિકાર છે. આ ઉપરાંત કોર્ટે બિનજરૂરી રીતે કેસને લંબાવવા મુદ્દે તેમજ કોંગ્રેસ નેતાની ઝડપી સુનાવણી માંગમાં અડચણ ઉભી કરવા મામલે આરએસએસના કાર્યકર્તાની ઝાટકણી કાઢી છે. જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય બંધારણની કલમ 21 દરેક માટે ઝડપી સુનાવણીના અધિકારની ખાતરી આપે છે. તેમણે રાહુલ ગાંધીની અરજીને મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની મંજૂરી આપતી વખતે મુક્ત અને ન્યાયી સુનાવણીના મહત્વની નોંધ લીધી હતી. કોર્ટે RSS કાર્યકર રાજેશ કુંટે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ચાલી રહેલા ફોજદારી માનહાનિના કેસમાં નવા અને વધારાના દસ્તાવેજો સબમિટ કરવાની મંજૂરી આપી છે. રાહુલ ગાંધીની અરજી પરનો આદેશ 12 જુલાઈએ આપવામાં આવ્યો હતો. જો કે તેની વિગતવાર નકલ હવે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
2014માં રાજેશ કુંટેએ ભિવંડી મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન મહાત્મા ગાંધીની હત્યા માટે RSSને જવાબદાર ગણાવતા ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો કર્યા હતા.