નવી દિલ્હી: યુ.એસ. એમ્બેસી અને કોન્સ્યુલેટ્સ ભારતમાં અલ્ટીમેટ ફ્રિસબી નામની રમત લોન્ચ કરવાના છે. આ એક મિક્સ-જેન્ડર રમત છે. જેના દ્વારા જાતીય સમાનતા અને નેતૃત્વ વિકાસને આગળ વધારવામાં સહાયતા મળી શકે છે. દિલ્હી, ગુવાહાટી, હૈદરાબાદ અને ચેન્નાઈમાં 19 થી 24 ઓગસ્ટ દરમિયાન મુંબઈમાં જ્યારે 26 થી 31 ઓગસ્ટ સુધી એક કાર્યક્રમ ચાલવાનો છે. જેના દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારની 100 મહિલા કોચને તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ વર્ષભર ચાલવાનો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવા મહિલાઓને આવશ્યક નેતૃત્વ કૌશલ્યોથી સજ્જ કરીને નેતૃત્વની ભૂમિકામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનો છે.આ કાર્યક્રમમાં કોચ ડેવલપમેન્ટ વર્કશોપ કરવામાં આવશે. સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ અને રમત-ગમત સંકુલોમાં જાતિય સમાનતા અંગેના કોચિંગ સત્રો પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમોમાં વ્યક્તિગત અને વર્ચ્યુઅલ તાલીમના સંયોજનથી દરેક કોચને લાભ મળશે. પરિણામે તેઓ પોતાના ફ્રિસ્બી સત્રોનું નેતૃત્વ કરવા, નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને આ જેન્ડર મિક્ષ રમતને પ્રોત્સાહન આપીને છોકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે સક્ષમ બનાવશે.