Home Blog Page 969

ગોંડલમાં રાજકીય ઘમસાણ, સમર્થકો વચ્ચે ઘર્ષણ બાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા વચ્ચેનો શાબ્દિક વિવાદ 27 એપ્રિલ, 2025ના રોજ હિંસક ઘર્ષણમાં ફેરવાયો. અલ્પેશ કથિરિયા, જીગીશા પટેલ અને ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલ પહોંચ્યા ત્યારે આશાપુરા ચોકડી નજીક ગણેશ જાડેજાના સમર્થકોએ તેમના કાફલા પર હુમલો કર્યો. ટોળાએ કાફલાની ચાર-પાંચ કારના કાચ તોડી નાખ્યા અને પથ્થરબાજી કરી, જેના કારણે પરિસ્થિતિ તંગ બની. પોલીસે બંદોબસ્ત છતાં ઘટનાને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી, પરંતુ આખરે મામલો શાંત થયો.

ઘટના બાદ બંને પક્ષોએ ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદો નોંધાવી. ગણેશ જાડેજાના સમર્થકો સામે કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટીંગની કલમો હેઠળ ફરિયાદ થઈ, જ્યારે અલ્પેશ કથિરિયાના કાફલાની કારમાં તોડફોડ અને હુમલાની ફરિયાદ નોંધાઈ. પોલીસે પીન્ટુ સાવલિયા, નિલેશ ચાવડા, પુષ્પરાજ વાળા, અજીતસિંહ ઝાલા, કરણસિંહ પઢિયાર, કીર્તિરાજસિંહ ઝાલા, હિતેશ રાઠોડ, અરમાન ખોખર, રોહિત રાઠોડ અને માનવ વાઘેલાની ધરપકડ કરી. બ્રેજા કારના ચાલક વિરુદ્ધ પણ યુવકો પર કાર ચડાવવાનો આરોપ હેઠળ ફરિયાદ થઈ.

અલ્પેશ કથિરિયાએ આક્ષેપ કર્યો કે ગોંડલમાં કાયદો-વ્યવસ્થા અમુક વ્યક્તિઓના ઈશારે નાચે છે, અને તેમની હાજરીને કારણે હુમલા થયા. તેમણે કહ્યું, “ગોંડલમાં કોઈ આવે તો તેના પરિવાર, ગાડી કે માણસોને નુકસાન થાય, આ મિર્ઝાપુર જેવું વાતાવરણ છે.” સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશના પડકાર બાદ આ મુલાકાતનું આયોજન થયું હતું, જેના માટે કડક બંદોબસ્તનો દાવો હોવા છતાં હિંસા થઈ. આ ઘટનાએ ગોંડલના રાજકીય અને સામાજિક વાતાવરણમાં તીવ્ર તણાવ સર્જ્યો છે.

સોશિયલ મિડિયા, OTT પર નહીં દેખાય અશ્લીલ કન્ટેન્ટઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને OTT અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર શેર થતા કે દર્શાવાતી અશ્લીલ સામગ્રી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એક જાહેર હિત અરજીની સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને  એમેઝોન પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ, ULLU, ALTT  જેવા OTT પ્લેટફોર્મ્સ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, X (ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ થતી અશ્લીલ સામગ્રી પર નિયંત્રણ મૂકવા માટે યોગ્ય પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ પ્લેટફોર્મ્સ પર તીખી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ઓવર ધ ટોપ (OTT) અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સની પણ સામાજિક જવાબદારી છે કે જ્યારે બેન્ચ એના પર દેખાડાતી અશ્લીલ સામગ્રી અંગે સુનાવણી ચાલી રહી હતી. કોર્ટમાં જાહેર હિતની અરજીમાં આવા અશ્લીલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે કેન્દ્ર સરકારને યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી જાહેર હિત અરજીમાં એ પણ માગ કરવામાં આવી હતી કે નેશનલ કન્ટેન્ટ કંટ્રોલ ઓથોરિટી (NCC) દ્વારા આ પ્લેટફોર્મ્સ પર સ્ટ્રીમ થતી સામગ્રીનું મોનિટરિંગ કરે અને નિયમન કરવું જોઈએ, જેથી OTT અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ દ્વારા અશ્લીલતા ના ફેલાય.

કેન્દ્રએ રજૂ કર્યા નિયમો
કેન્દ્ર સરકારે આ મુદ્દે ઘણા નિયમો રજૂ કર્યા છે અને ભવિષ્યમાં તેને વધુ કડક બનાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. કેન્દ્ર સરકારની દલીલને સ્વીકારી કોર્ટે જણાવ્યું હતું કે તે કાર્યપાલિકા અને ન્યાયપાલિકા બંનેના માર્ગમાંથી દૂર રહેવા માગે છે.

ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો, ફ્રાન્સ સાથે થશે રાફેલ ફાઇટર જેટની ડીલ

પહલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલા નિર્દય હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ પરિસ્થિતિમાં ભારતીય નૌકાદળ પોતાની તાકાત વધારવા માટે આજે ફ્રાન્સ સાથે મહત્વનો સંરક્ષણ સોદો કરશે. નવી દિલ્હીમાં ફ્રેન્ચ કંપની ડસો એવિએશન, બંને દેશોના સંરક્ષણ અધિકારીઓ અને સુરક્ષા સચિવની હાજરીમાં 63,887 કરોડ રૂપિયાની રાફેલ ફાઇટર જેટ ડીલ પર હસ્તાક્ષર થશે. આ સોદો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ કરાર છે. આ ડીલમાં 22 સિંગલ-સીટ અને 4 ટ્વીન-સીટ રાફેલ-એમ જેટ સહિત કુલ 26 વિમાનો મળશે, જેની ડિલિવરી 2029થી શરૂ થશે અને 2031 સુધીમાં પૂર્ણ થશે.

આ સોદામાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂ તાલીમ, વિમાનોની જાળવણી અને પાંચ વર્ષ માટે લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ છે. હાલ ભારતીય વાયુસેના 36 રાફેલ જેટનો ઉપયોગ કરે છે, અને આ નવા વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે. રાફેલની મલ્ટિ-રોલ ક્ષમતા તેને એર-ટુ-એર, એર-ટુ-લેન્ડ અને દરિયાઇ હુમલાઓ માટે અસરકારક બનાવે છે. તે 1,912 કિ.મી./કલાકની ઝડપે ઉડે છે, 18,000 મીટર ઊંચાઈ એક મિનિટમાં મેળવે છે, અને 3,700 કિ.મી.ની ફેરી રેન્જ ધરાવે છે. અદ્યતન એવિઓનિક્સ, હવામાં ઇંધણ ભરવાની સુવિધા અને સાંકડી જગ્યામાં ઉતરાણની ક્ષમતા તેને વિશિષ્ટ બનાવે છે.

આ ડીલ ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુની 27 એપ્રિલની મુલાકાત દરમિયાન થવાની હતી, પરંતુ હુમલાને કારણે તે મુલતવી રાખવામાં આવી. હવે 28 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બંને દેશોના સંરક્ષણ મંત્રીઓની હાજરીમાં સોદો થશે. આ રાફેલ જેટ ભારતીય નૌકાદળની શક્તિમાં નોંધપાત્ર વધારો કરશે, ખાસ કરીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી પ્રભુતા અને પાકિસ્તાનના આતંકવાદી ખતરાઓ સામે. ચીન અને પાકિસ્તાન પાસે આવા અદ્યતન ફાઇટર જેટ નથી, જે ભારતને વ્યૂહાત્મક લાભ આપશે.

પહેલગામ હુમલાને કારણે સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

પહેલગામ હુમલાથી આખું બોલિવૂડ શોકમાં છે. હુમલા બાદ ઘણા કલાકારોએ તેમના કોન્સર્ટ રદ કર્યા છે. આ ક્રમમાં અભિનેતા સલમાન ખાને એક મોટું પગલું ભર્યું છે. પહેલગામ હુમલાને કારણે સલમાન ખાને યુકેનો પ્રવાસ રદ કર્યો છે.

સલમાન ખાન 4 અને 5 મેના રોજ યુનાઇટેડ કિંગડમની મુલાકાતે જવાનો હતો. તે ‘ધ બિગ બોલીવુડ વન’ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. હવે સલમાન ખાને કહ્યું છે કે તેણે પહેલગામ હુમલાને કારણે તેને મુલતવી રાખ્યું છે. માધુરી દીક્ષિત, વરુણ ધવન, ટાઇગર શ્રોફ, કૃતિ સેનન અને દિશા પટણી જેવા સ્ટાર્સ સલમાન ખાન સાથે જવાના હતા. સલમાન ખાને કહ્યું છે કે શોની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સલમાન ખાને પોસ્ટર શેર કર્યું
સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે ‘ધ બિગ બોલિવૂડ વન’નું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં માધુરી દીક્ષિત, વરુણ ધવન, ટાઇગર શ્રોફ, કૃતિ સેનન, દિશા પટણી અને સુનીલ ગ્રોવર જોવા મળી રહ્યા છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ‘કાશ્મીરમાં થયેલી હૃદયદ્રાવક ઘટના અને શોકને કારણે, અમે ધ બોલીવુડ બિગ વન શો મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.’ આ 4 અને 5 મેના રોજ થવાનું હતું.

સલમાન ખાને ચાહકોની માફી માંગી
સલમાને આગળ લખ્યું, ‘જોકે અમે જાણીએ છીએ કે અમારા ચાહકો આ પ્રદર્શનની રાહ જોઈ રહ્યા છે, તેમ છતાં અમને લાગે છે કે આ દુઃખના સમયમાં થોભવું શ્રેષ્ઠ છે. આનાથી થતી કોઈપણ અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને તમારી સમજણ અને સમર્થનની પ્રશંસા કરીએ છીએ. શોની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.’

પહેલાથી જ મુલતવી રાખેલા કાર્યક્રમો
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં લગભગ 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
પહેલગામ હુમલા બાદ, ગાયકો અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે તેમના કાર્યક્રમો રદ કર્યા છે. શ્રેયા ઘોષાલે સુરતમાં પોતાનો કોન્સર્ટ રદ કરવાની જાહેરાત કરી. અરિજિત સિંહે 27 એપ્રિલ, રવિવારના રોજ ચેન્નાઈમાં યોજાવાનો તેમનો કોન્સર્ટ રદ કર્યો છે.

આતંકવાદી હુમલામાં આતંકવાદીઓને મદદ કરાનારાઓની થઈ ઓળખ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. 27 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર ચાર આતંકવાદીઓને 10થી વધુ મદદગારો સંપર્કમાં હતા.  ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા મુખ્ય શંકાસ્પદ તરીકે 15 સ્થાનિક કાશ્મીરી ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) ની ઓળખ કરવામાં આવી છે.

આ સાથે પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરનારા ત્રણ મુખ્ય શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે જણની શોધ હજુ ચાલુ છે. અહેવાલો અનુસાર સંસાધનોની વ્યવસ્થા કરવા ઉપરાંત તેમને પાકિસ્તાનથી હથિયારોનો સામાન પણ મળ્યો હતો. અહેવાલો અનુસાર હુમલા પહેલાં અને પછી આ પાંચેય લોકો ઘટનાસ્થળની આસપાસ હતા. તેમના ફોન આ વિસ્તારમાં સક્રિય હતા.

ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા એક ચેટ પણ સામે આવી, જેમાં અટકાયતમાં લેવાયેલા ત્રણ મુખ્ય શંકાસ્પદો એકબીજા સાથે પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ અને તેમને કેવી રીતે મદદ કરવી તે વિશે વાત કરી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં પાંચેયની ભૂમિકા દર્શાવતા પૂરતા પુરાવા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બૈસરન ખીણનાં જંગલોમાં ભાગી ગયેલા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. નજીકના વિસ્તારો અને જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ વિશે હજુ સુધી કોઈ પુરાવા મળ્યો નથી, પરંતુ એવી શંકા છે કે તેઓ હજુ પણ ગાઢ જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે. દક્ષિણ કાશ્મીરમાં સક્રિય અન્ય OGWs ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ વિસ્તારમાં જોવા મળતા પાકિસ્તાની આતંકવાદીઓની ઓળખ અને તેમના સંભવિત છુપાયેલા સ્થળો વિશે માહિતી મેળવી શકાય.

અમદાવાદમાં બાંગ્લાદેશીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપવાની શરૂઆત

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ હુમલામાં 26 ભારતીય નાગરિકો, જેમાં ગુજરાતના ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, માર્યા ગયા હતા. આ ઘટનાને પગલે ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ગુજરાતમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારોમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. સોમવારે ફરી એકવાર ચુસ્ત બંદોબસ્ત સાથે ટોરેન્ટ પાવરની ટીમે આ વિસ્તારોમાં ગેરકાયદે વીજ જોડાણો કાપવાની કામગીરી શરૂ કરી, જેથી ગેરકાયદે વસવાટ કરનારાઓ પર દબાણ વધે.

ગુજરાત પોલીસે ગેરકાયદે ઘૂસણખોરો, ખાસ કરીને બાંગ્લાદેશીઓ, સામે ઓપરેશન ઝડપી બનાવ્યું છે. અમદાવાદના ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર અને ફૂલગીરીના છાપરાઓમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેમાંથી ઘણા રોજગાર માટે આવ્યા છે. આ વિસ્તારોમાં રહેતા કેટલાક પરિવારોના બાળકોનો જન્મ ગુજરાતમાં થયો હોવા છતાં, તેમની પાસે રેશનકાર્ડ, આધારકાર્ડ કે જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો નથી. આ કારણે તેઓ શંકાના ઘેરામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બે દિવસમાં પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા ચેતવણી આપી છે, નહીં તો કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા ચાર બાંગ્લાદેશીઓમાંથી બે પર અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરવાની શંકા છે, અને તેમની ગતિવિધિઓની જોઇન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે ઊંડી તપાસ ચાલી રહી છે. આ લોકો બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં વસવાટ કરતા હતા. અગાઉ આવા ઘૂસણખોરો ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. સરકારે ગેરકાયદે રહેનારાઓને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

આમિર ખાન ગર્લફ્રેન્ડ ગૌરી સાથે એક્સ વાઈફના ઘરે પહોંચ્યો, પુત્ર જુનૈદ પણ સાથે જોવા મળ્યો

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. આમિરે તાજેતરમાં જ કબૂલાત કરી હતી કે તેના જીવનમાં ત્રીજી વખત પ્રેમ પ્રવેશ્યો છે. આમિરે તેના જન્મદિવસ પર દુનિયાને ગૌરી સ્પ્રેટની તેના જીવનમાં હાજરીની પુષ્ટિ કરી હતી, ત્યારબાદ તે સતત ગૌરી સાથે જોવા મળે છે. આ દરમિયાન આમિર ખાનનો એક નવો વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં સુપરસ્ટાર ફરી એકવાર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે જોવા મળે છે અને ખાસ વાત એ છે કે આ દરમિયાન સુપરસ્ટારનો મોટો દીકરો જુનૈદ પણ તેની સાથે જોવા મળ્યો હતો.

આમિર ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પૂર્વ પત્ની રીના દત્તાના ઘરે પહોંચ્યો
આ વીડિયોમાં આમિર ખાન તેની ભૂતપૂર્વ પત્ની રીના દત્તાના ઘરની બહાર ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ અને પુત્ર જુનૈદ ખાન સાથે જોવા મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી ઇન્ટરનેટ યુઝર્સ પણ તેના પર પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શક્યા નહીં. ઘણા યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી. કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે કેટલાકે કહ્યું કે સુપરસ્ટારના પરિવારને તેના નવા સંબંધથી કોઈ સમસ્યા નથી, તેથી જ તે તેના પુત્ર સાથે તેની ભૂતપૂર્વ પત્નીના ઘરે આવ્યો છે.

આમિર-ગૌરીના વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા
આમિર ખાનને તેની ભૂતપૂર્વ પત્ની રીના દત્તાના ઘરની બહાર ગર્લફ્રેન્ડ ગૌરી સાથે જોઈને એક યુઝરે ટિપ્પણી કરી,’કેટલો અનોખો પરિવાર.’ બીજાએ લખ્યું – ‘આમિર ખાન, કૃપા કરીને હવે રોકાઈ જાઓ.’ વિડિઓનું કોમેન્ટ બોક્સ આવી કોમેન્ટ્સથી ભરેલું છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે આમિર ખાન ગૌરી સાથે જોવા મળ્યો હોય. તાજેતરમાં, આમિર ખાન પણ તેની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે શિખર ધવનના ઘરે ગયો હતો. આ દરમિયાન પણ જુનૈદ આમિર અને ગૌરી સાથે જોવા મળ્યો હતો.

આમિરે તેના જન્મદિવસ પર સંબંધની પુષ્ટિ કરી
તમને જણાવી દઈએ કે, આમિર ખાને ગયા મહિને તેના જન્મદિવસ નિમિત્તે તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે પોતાના 60મા જન્મદિવસ પર પોતાના સંબંધની પુષ્ટિ કરી અને ખુલાસો કર્યો કે તે ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો છે. બંને પહેલી વાર મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. ગૌરીને તેના જન્મદિવસ પર મીડિયા સાથે પરિચય કરાવતી વખતે તેણે કહ્યું- ‘મને લાગ્યું કે આ તમારા બધા સાથે તેનો પરિચય કરાવવાની એક સારી તક છે. પછી આપણે છુપાવવાની પણ જરૂર નહીં પડે. તે બેંગ્લોરની છે અને અમે એકબીજાને 25 વર્ષથી ઓળખીએ છીએ. તે મુંબઈમાં હતી અને અમે આકસ્મિક રીતે મળ્યા. અમે સંપર્કમાં રહ્યા અને હવે અમે સાથે છીએ. આ બધું આકસ્મિક રીતે જાતે જ બન્યું.’

NCC કેમ્પમાં 159 વિદ્યાર્થીઓને નમાજ માટે કરાયા મજબૂરઃ FIR નોંધાયો

નવી દિલ્હીઃ છત્તીસગઢના બિલાસપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક NCC કેમ્પ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને બળજબરીથી નમાજ અદા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થી ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય યુનિવર્સિટીના હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ૮ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ૭ શિક્ષકો સામેલ છે.

મામલો શું છે?
આ મામલો કોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવતરાઈ ગામનો છે. અહીં ૨૬ માર્ચથી પહેલી એપ્રિલ વચ્ચે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૫૯ વિદ્યાર્થીઓ હાજર હતા. આ તમામ વિદ્યાર્થીઓને નમાજ અદા કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના પૈકી ફક્ત ૪ વિદ્યાર્થીઓ જ મુસ્લિમ ધર્મના હતા. પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધી છે.

જેમના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમાં પ્રોફેસર દિલીપ ઝા, ડો. મધુલિકા સિંહ, ડો. જ્યોતિ વર્મા, ડો. નીરજ કુમારી, ડૉ. પ્રશાંત વૈષ્ણવ, ડૉ. સૂર્યભાણ સિંહ, ડો. વસંત કુમાર અને ટીમ કોર લીડર તેમ જ વિદ્યાર્થી આયુષ્માન ચૌધરીનો સમાવેશ થાય છે.આ મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.


પહેલગામ હુમલાની જેમ વધી શકે છે મામલો
આ મામલો કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને પગલે વધુ વિકટ સ્વરૂપ ધારણ કરી શકે છે. પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો અને હુમલાથી પહેલા પ્રવાસીઓને કલમા પઢવા માટે કહ્યું હતું. જેમણે કલમા પઢી લીધું તેમને છોડવામાં આવ્યા હતા અને બાકીનાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. આ હુમલામાં ૨7 લોકોનાં મોત થયાં હતાં.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ઉનાળાનો કહેર વરતાય રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી સમયમાં તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી પણ વ્યક્ત કરી છે. આ વચ્ચે રવિવારે 27 માર્ચના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર કરી ગયો છે. જ્યારે આજે 28 માર્ચના રોજ અમદાવાદ, ભુજ તથા રાજકોટમાં  44 ડિગ્રી આસપાસ ગરમીનો પારો નોંધાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાનું અનુમાન છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હિટવેવનો ખતરો નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભેજયુક્ત હવાને કારણે અસહ્ય વાતાવરણ રહેશે. સુરતમાં 37 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી અને દ્વારકામાં 33 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે 27 એપ્રિલના અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 44.4, સુરેન્દ્રનગરમાં 44.3, ભુજમાં 43.8, અમરેલીમાં 43.5, ડીસામાં 42.3, ગાંધીનગરમાં 40.8, વડોદરામાં 40.2, નલિયામાં 38.4, ભાવનગરમાં 37.2, કંડલામાં 36.7, જામનગરમાં 35.6, પોરબંદરમાં 35, સુરતમાં 34.2, ઓખામાં 32.8, દ્વારકામાં 32.5, વેરાવળમાં 32.4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો.

રાજકોટમાં ગરમીનો પારો સતત ઊંચો રહેતાં આરોગ્ય વિભાગે નાગરિકોને સાવધાની રાખવા સૂચન કર્યું છે. બપોરે બિનજરૂરી બહાર નીકળવું ટાળવું, ટોપી, ગોગલ્સ અને રૂમાલનો ઉપયોગ કરવો, અને દર કલાકે પાણી, છાશ કે નારિયળ પાણી પીવું જરૂરી છે. કાર્બોનેટેડ પીણાં ટાળીને લીંબુપાણી જેવાં પ્રાકૃતિક પીણા પસંદ કરવા. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ વિશેષ કાળજી રાખવી. હીટ સ્ટ્રોકનાં લક્ષણો દેખાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. બહાર કામ કરતા લોકોએ બપોરે આરામ કરી સવાર કે સાંજે કામ કરવું જોઈએ.

ગરમીમાં સ્વાસ્થ્ય જાળવવા માટે પોષણ પર ધ્યાન આપવું જરૂરી છે. ઉનાળામાં ખોરાક ઝડપથી બગડે છે, તેથી વાસી ખોરાક ટાળવો. ઘરે બનાવેલો તાજો, સાદો ખોરાક લેવો, અને દૂધની વસ્તુઓ કે ગ્રેવીવાળા ખોરાકથી દૂર રહેવું, કારણ કે તેમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. તાજા ફળો અને શાકભાજીને પ્રાધાન્ય આપવું, અને બગડે તેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જરૂરી છે.

‘લોકો વિક્કી કૌશલને જોવા થિયેટરોમાં નહોતા ગયા’,’છાવા’ની સફળતા પર મહેશ માંજરેકરે શું કહ્યું?

લક્ષ્મણ ઉતેકર દિગ્દર્શિત વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’એ તાજેતરમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર જ સફળ રહી નથી, પરંતુ દર્શકોમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં, ગર્વની ભાવના પણ જગાડી છે. વિક્કી કૌશલ, રશ્મિકા મંદાન્ના, અક્ષય ખન્ના અને આશુતોષ રાણા અભિનીત આ ફિલ્મ મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત એક ઐતિહાસિક એક્શન ડ્રામા છે, જેણે વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાની કમાણી કરીને અનેક રેકોર્ડ તોડ્યા છે. અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકરે પણ ‘છાવા’ની ઐતિહાસિક સફળતા પર પ્રતિક્રિયા આપી.

મહેશ માંજરેકરે છાવાની સફળતા વિશે વાત કરી હતી
મિર્ચી મરાઠી સાથેની વાતચીતમાં, મહેશ માંજરેકરે ‘છાવા’ની જંગી સફળતા પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અભિનેતાના મતે ‘છાવા’ની સફળતાનો શ્રેય વિક્કી કૌશલને નહીં પરંતુ વિકીએ ભજવેલા પાત્રને જાય છે. મહેશ માંજરેકરના મતે મરાઠા યોદ્ધા સંભાજી મહારાજના પાત્રને કારણે આ ફિલ્મ આટલી બધી સફળતા મેળવી શકી છે.

છાવાની સફળતાનું કારણ વિક્કી કૌશલ નથી: મહેશ માંજરેકર
મહેશ માંજરેકરે કહ્યું,’વિકી કૌશલ ખૂબ જ તેજસ્વી અભિનેતા છે.તેમની ફિલ્મ ‘છાવા’ એ 800 કરોડ રૂપિયાની કમાણી કરી. પણ વિકી કૌશલ એમ ન કહી શકે કે લોકો તેને જોવા માટે થિયેટરોમાં આવ્યા હતા. જો એવું હોત, તો લોકો તેમની છેલ્લી પાંચ ફિલ્મો પણ જોવા માટે થિયેટરોમાં આવ્યા હોત. દર્શકો અહીં સંભાજી મહારાજના પાત્રને જોવા જઈ રહ્યા હતા. તેમની પાછલી ફિલ્મોએ આટલો સારો દેખાવ કર્યો ન હતો.’

ફિલ્મની સફળતામાં મહારાષ્ટ્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી: મહેશ માંજરેકર
આ સાથે મહેશ માંજરેકરે એ પણ ભાર મૂક્યો કે મહારાષ્ટ્ર જ હતું જેણે ફિલ્મની ઐતિહાસિક યાત્રાને ખરેખર આગળ ધપાવી. તેમણે વધુમાં ઉમેર્યું, “મારા મહારાષ્ટ્રે હિન્દી ફિલ્મ ઉદ્યોગને બચાવ્યો છે, આ યાદ રાખો. આજે, છાવા સારું કરી રહ્યું છે અને 80% શ્રેય મહારાષ્ટ્રને જાય છે. હકીકતમાં, 90% શ્રેય પુણે અને આસપાસના વિસ્તારોને જાય છે. મહારાષ્ટ્ર જ એકમાત્ર રાજ્ય છે જે આ ઉદ્યોગને બચાવી શકે છે.”

કલેક્શન 800 કરોડને પાર
‘છાવા’ ની વાત કરીએ તો, લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ બ્લોકબસ્ટર ફિલ્મમાં, વિક્કી કૌશલે સંભાજી મહારાજની શક્તિશાળી ભૂમિકા ભજવી હતી અને રશ્મિકા મંદાન્નાએ તેમની પત્ની યેસુબાઈ ભોસલેની ભૂમિકા પણ ભજવી હતી. આ ઉપરાંત ફિલ્મમાં અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને દિવ્યા દત્તા જેવા કલાકારોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.