Home Blog Page 968

દક્ષિણ વઝીરિસ્તાનમાં શાંતિ સમિતિની ઓફિસ પર બોમ્બ હુમલો

28 એપ્રિલ, 2025ના રોજ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના દક્ષિણ વઝીરિસ્તાનના વાના શહેરમાં શાંતિ સમિતિની ઓફિસ બહાર થયેલા ભયંકર બોંબ વિસ્ફોટમાં 7 લોકો માર્યા ગયા અને 16 લોકો ઘાયલ થયા. સ્થાનિક પોલીસ અધિકારી ઉસ્માન વઝીરે જણાવ્યું કે, આ હુમલો સરકાર સમર્થિત શાંતિ સમિતિની ઓફિસને નિશાન બનાવીને કરાયો, જે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)નો વિરોધ કરે છે અને સ્થાનિક વિવાદોનું નિરાકરણ લાવે છે. વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે ઓફિસની ઇમારતનો એક ભાગ ધ્વસ્ત થયો, અને કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા. ઘટનાની જાણ થતાં પોલીસ, રેસ્ક્યૂ ટીમો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી, ઘાયલોને વાનાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સાત લોકોના મોતની પુષ્ટિ થઈ.

આ હુમલો એક દિવસ પહેલા પાકિસ્તાની સેનાના મોટા ઓપરેશન બાદ થયો, જેમાં ઉત્તર વઝીરિસ્તાનમાં અફઘાનિસ્તાનથી ઘૂસણખોરી કરતા 54 TTP આતંકવાદીઓ માર્યા ગયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં પાક-અફઘાન સરહદ પર સેનાએ 71 આતંકવાદીઓને ઠાર કરી, હથિયારો, ગોળાબારૂદ અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કર્યો. હાલમાં કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ TTP પર શંકા વ્યક્ત કરાઈ છે, કારણ કે આ સંગઠન સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવવા માટે કુખ્યાત છે. પોલીસે તપાસ શરૂ કરી છે, અને વઝીરિસ્તાનમાં સુરક્ષા વધારી દેવાઈ છે.

આ ઘટનાએ ખૈબર પખ્તૂનખ્વાની અશાંત સ્થિતિને ફરી ઉજાગર કરી છે, જ્યાં TTP અને અન્ય આતંકવાદી જૂથો સતત હુમલા કરે છે. 2023માં પેશાવરની મસ્જિદમાં TTPની શાખ જમાત-ઉલ-અહરારે કરેલા આત્મઘાતી હુમલામાં 84 લોકો માર્યા ગયા હતા. વઝીરિસ્તાન, જે એક સમયે TTPનો ગઢ હતો, ત્યાં આવા હુમલાઓથી સ્થાનિક લોકો ભયના માહોલમાં જીવે છે. TTPના અફઘાન તાલિબાન સાથેના સંબંધો અને સરહદી વિસ્તારોમાં આશ્રયસ્થાનો પાકિસ્તાન સમક્ષ મોટો પડકાર ઊભો કરે છે. સરહદી વિસ્તારોમાં સેનાની હાજરી વધારી દેવાઈ છે, અને વધુ હુમલાઓ રોકવા સઘન પગલાં લેવાઈ રહ્યાં છે.

સિંધુ જળ સંધિ પર વર્લ્ડ બેન્કે પાકિસ્તાનની બંધ કરી બોલતી

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ તરત જ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. એ પછી પાકિસ્તાન ચિંતિત થઈ ગયું છે અને કહેવા લાગ્યું કે આ યુદ્ધની સ્થિતિ છે અને આ માટે વિશ્વ બેંકને અપીલ કરવાની વાત શરૂ કરી હતા, પણ વિશ્વ બેંકે આ બાબતે પ્રતિક્રિયા આપી છે.

વર્લ્ડ બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકે મર્યાદિત વ્યાખ્યાયિત કામો માટે કરેલી સંધિ પર હસ્તાક્ષર કરી છે અને અમે ટ્રીટીના સભ્ય દેશો દ્વારા લેવામાં આવેલા સંધિ સંબંધિત સાર્વભૌમ નિર્ણયો પર અમારો અભિપ્રાય વ્યક્ત નથી કરતા.

હવે ભારત સંધિનું પાલન કરવા માટે બંધાયેલ નથી

આ સંધિ સસ્પેન્ડ થયા પછી પાકિસ્તાનને કેટલું નુકસાન થશે? આ સંદર્ભમાં કેન્દ્રીય જળ પંચના ભૂતપૂર્વ વડા કુશવિંદર વોહરા કહ્યું હતું કે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા પછી  ભારત પાકિસ્તાન સાથે માહિતી શેર કરવા માટે બંધાયેલું નથી.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી આપણે સિંધુ જળ સંધિ હેઠળ કેટલીક બાબતો પર બંધાયેલા હતા, પરંતુ સૌપ્રથમ જાણવું મહત્વનું છે કે આ સંધિ હેઠળ કઈ નદીઓ આવરી લેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આ સંધિમાં છ નદીઓ છે. જેમા રાવી, બિયાસ અને સતલજ, તેનું બધું પાણી ભારત માટે છે. આ ઉપરાંત સિંધુ, ઝેલમ અને ચિનાબનું મોટા ભાગનું પાણી પાકિસ્તાન માટે છે.

પાકિસ્તાનને કેટલું નુકસાન થશે?

તેમણે કહ્યું કે આ સંધિ 1960માં થઈ હતી. જેમાં કેટલીક જવાબદારીઓ હતી, પરંતુ સંધિ સસ્પેન્ડ થયા પછી હવે કોઈ જવાબદારી નથી. ભારત અને પાકિસ્તાન કમિશન વચ્ચે કોઈ બેઠક થશે નહીં. આ ઉપરાંત પાકિસ્તાનથી પણ લોકો અહીં કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે જોવા માટે આવતા હતા, હવે તેની પણ જરૂર રહેશે નહીં.

તેમણે વધુમાં કહ્યું કે હવે ચોમાસામાં  ભારત સિંધુ નદીમાં પૂરની પરિસ્થિતિ અંગે પાકિસ્તાનને કોઈ અપડેટ આપશે નહીં. મને લાગે છે કે જ્યાં સુધી આ સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે, ત્યાં સુધી પાકિસ્તાનને સમસ્યાઓનો સામનો કરવો પડશે.

ચીન બાદ વધુ એક દેશ પાકિસ્તાનની મદદે આવ્યો

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામના બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા, જેમાં બે વિદેશી અને એક નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાની પ્રોક્સી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પાકિસ્તાને સતત ચોથી રાતથી લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર નાના હથિયારો વડે ગોળીબાર કર્યો, જેનો ભારતીય સૈન્ય દ્વારા મજબૂત જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી, વેપાર બંધ કર્યો અને અટારી-વાઘા બોર્ડર બંધ કરી દીધી, જેનાથી દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડ વધુ ઊંડી થઈ.

પાકિસ્તાને પોતાની સૈન્ય તૈયારીઓ તેજ કરી છે. પાકિસ્તાન વાયુસેના (PAF) દ્વારા પેન્સી, સ્કાર્ડુ અને સ્વાત ખાતેના એરબેઝ સક્રિય કરાયા છે, જ્યાં F-16, J-10C અને JF-17 થંડર ફાઇટર જેટ તૈનાત કરી કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂ કરાયું છે. ચીને પાકિસ્તાનને PL-15 લાંબા અંતરની એર-ટુ-એર મિસાઇલ્સ અને ડ્રોન જેવા સંરક્ષણ સાધનો પૂરા પાડ્યા છે, જે JF-17 બ્લોક III જેટમાં સંકલિત છે. આ ઉપરાંત, તુર્કીએ પણ પાકિસ્તાનને સમર્થન આપ્યું, જેમાં કરાચી અને ઇસ્લામાબાદમાં C-130 હર્ક્યુલસ વિમાનો દ્વારા લશ્કરી સાધનોનું હસ્તાંતરણ થયું. તુર્કી અને પાકિસ્તાની સૂત્રોએ આ ટ્રાન્સફરની પુષ્ટિ કરી, જોકે શિપમેન્ટની વિગતો ગુપ્ત રાખવામાં આવી. આ પગલું ચીન, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના વધતા લશ્કરી સહયોગનો ભાગ છે, જે દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજનીતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે.

ભારતે આ હુમલાને “પુલવામા 2” ગણાવી કડક જવાબની ચેતવણી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે “આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે,” જ્યારે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે “ભારત આતંકવાદ સામે ઝૂકશે નહીં.” ભારતીય વાયુસેનાએ ‘અક્રમણ’ નામની સૈન્ય કવાયત યોજી, જેમાં સુ-30 MKI અને રાફેલ જેટ સાથે ડીપ-સ્ટ્રાઇક મિશનની પ્રેક્ટિસ કરાઈ. સુરક્ષા દળોએ પહલગામમાં 15,000થી વધુ સૈનિકો અને MI-17 હેલિકોપ્ટર તૈનાત કર્યા, જોકે આતંકવાદીઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. ભારતની આ આક્રમક તૈયારીઓથી પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ છે, અને PoKમાં ઇમરજન્સી જાહેર કરી સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરાઈ છે. આ તણાવ યુદ્ધમાં પરિણમે તો પરિણામો ગંભીર હોઈ શકે છે.

જ્યારે શાહરૂખ ખાને જણાવ્યું યુવાન રહેવાનું રહસ્ય…

શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’માં પોતાની ફિટનેસથી બધાને ચોંકાવી દીધા હતા. શાહરૂખ ખાન હાલમાં 59 વર્ષનો છે, પરંતુ તે હજુ પણ ફિટ દેખાય છે. શાહરૂખ ખાને એક વાર જણાવ્યું હતું કે તે હજુ પણ ફિટ અને યુવાન કેમ છે. તેણે કહ્યું કે તે શું ખાય છે અને શું નહીં.

શાહરૂખ શું ખાય છે?
ઘણા વર્ષો પહેલા આરજે દેવાંગના સાથેની વાતચીતમાં, શાહરૂખ ખાને તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. શાહરુખે કહ્યું હતું કે, ‘હું હંમેશા કુદરતી ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું દિવસમાં બે વાર ચોક્કસ ખાઉં છું, બપોરે અને સાંજે. આ સિવાય હું કંઈ ખાતો નથી. મને વાનગી પસંદ નથી. મારા ભોજનમાં સામાન્ય રીતે સ્પ્રાઉટ્સ, શેકેલા ચિકન, બ્રોકોલી અને મસૂરનો સમાવેશ થાય છે. હું ઘણા સમયથી આ જ ખોરાક ખાઉં છું.’

શાહરૂખ ખાને કહ્યું,’જો હું કોઈના ઘરે ખાવા જાઉં છું, તો તેઓ મને જે ખવડાવે છે તે હું પ્રેમથી ખાઉં છું. પછી ભલે તે બિરયાની હોય, રોટલી હોય, પરાઠા હોય, ઘીમાં રાંધેલું ભોજન હોય કે લસ્સી. જ્યારે હું બીજાઓ સાથે ખાઉં છું, ત્યારે હું મારી જાતને રોકતો નથી.

ઘણા લોકો જાણે છે કે શાહરૂખ ખાનને રાત્રે કામ કરવાનું ગમે છે. તેને રાત્રે શૂટિંગ કરવાનું ગમે છે. તેમણે કહ્યું,’હું ઘણીવાર સવારે 5 વાગ્યે ઉંઘું છું, જ્યારે લોકો પોતાનો દિવસ શરૂ કરે છે. શૂટિંગના દિવસોમાં, હું સવારે 9-10 વાગ્યે ઉઠી જાઉં છું. હું રાત્રે મોડો આવું છું. ક્યારેક 2 વાગ્યા સુધી. આ પછી હું સ્નાન કરું છું અને કસરત કરું છું. પછી હું સૂવા જાવ છું.’

શાહરુખ ખાન વર્ક ફ્રન્ટ
શાહરૂખ ખાનના કામ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં સંજય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. એવું કહેવાય છે કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને સુહાના ખાન છે. આ પહેલા તે જવાન, પઠાણ અને ડંકીમાં જોવા મળ્યો હતો.

વડોદરામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસની કડક કાર્યવાહી

વડોદરા શહેરમાં પોલીસે સતત ત્રીજા દિવસે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને શોધવા માટે વ્યાપક અભિયાન ચલાવ્યું છે. છેલ્લા 72 કલાકમાં 15 પોલીસ ટીમોએ તાંદલજા, આજવા રોડ, નવા યાર્ડ, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા અને ફતેગંજ જેવા વિસ્તારોમાં 1700 શંકાસ્પદ લોકોની તપાસ કરી. આ દરમિયાન 9 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી બાંગ્લાદેશના દસ્તાવેજો મળી આવ્યા. પોલીસ કમિશનર નરસિંહ કોમરે જણાવ્યું કે આ દસ્તાવેજોની ચકાસણી માટે અલગ ટીમો રચાઈ છે, જે આ લોકોના આગમનનો રૂટ, સમય અને સંબંધીઓની માહિતી એકત્ર કરશે.

અભિયાન દરમિયાન 66 શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ થઈ, જેમની પાસેથી પશ્ચિમ બંગાળની સરહદી વિસ્તારોના દસ્તાવેજો મળ્યા. આ દસ્તાવેજોની સત્યતા ચકાસવા વડોદરા પોલીસની એક ટીમ ટૂંક સમયમાં બંગાળના વિવિધ વિસ્તારોમાં તપાસ માટે રવાના થશે. આ શખ્સોની રાષ્ટ્રીયતા નક્કી થાય ત્યાં સુધી તેઓને પોલીસ સ્ટેશનોમાં તપાસ માટે લઈ જવાય છે, અને રાષ્ટ્રીયતા સાબિત થતાં જવા દેવાય છે. આ કામગીરી એકતાનગર અને અન્ય વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં ગેરકાયદે રહેતા લોકોની શંકા છે.

પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે. વડોદરામાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી કેટલાક ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા, જ્યારે કેટલીક મહિલાઓ હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર હોવાની આશંકા છે. પોલીસ હવે આ ઘૂસણખોરોના નેટવર્ક અને બનાવટી દસ્તાવેજોના સ્ત્રોતની ઊંડી તપાસ કરી રહી છે. આ અભિયાન આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે, જેમાં રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં પણ ચેકિંગ ચાલુ છે.

રાજ્યનાં શહેરોમાં પહેલગામ હુમલા મુદ્દે વેપારીઓનું બંધ

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયાં છે એને પગલે રાજ્યમાં પણ ઠેર-ઠેર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાયા છે. એટલું જ નહીં પરંતુ લોકોએ આતંકવાદ સામે વિરોધ પ્રદર્શનો કર્યાં છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વેપારીઓ, સ્થાનિક અને યુવાનો ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરીને આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહીની માગણી કરી રહ્યા છે.

રાજ્યમાં માણસા માર્કેટયાર્ડ, મુખ્ય બજાર, સરદાર પટેલ શોપિંગ સેન્ટર સહિતનાં બજારો બંધ રહ્યાં હતાં. તેની સાથે સાથે પાલનપુરમાં સંતો-મહંતો અને હિંદુ સંગઠનોના કાર્યકરો શ્રદ્ધાંજલિ આપી અને પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યો હતો. પાલનપુરમાં બંધના એલાન સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે લક્ષ્મણ ટેકરી હોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી.

વડોદરાના આસપાસના તમામ દુકાનદારોએ બંધ પાળીને પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યાં હતાં. આ સાથે મહીસાગર જિલ્લાનું સંતરામપુર શહેરમાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. છોટા ઉદેપુરમાં પણ વેપારીઓએ પોતાના બજારો બંધ રાખીને એલાનનું પાલન કર્યું અને આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો હતો. છોટા ઉદેપુર નગરના તમામ વિસ્તારોમાં બંધનું ચુસ્ત પાલન જોવા મળ્યું હતું.

ખાસ વાત એ પણ છે કે અહીં લોકોએ આતંકવાદ સામે વિરોધ નોંધાવ્યો અને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે માગ કરી હતી. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં લોકો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

પહેલગામ હુમલા બાદ અભિનેતા અતુલ કુલકર્ણીએ ઉઠાવ્યું આ પગલું

તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હુમલા બાદ ઘણા બોલિવૂડ સ્ટાર્સે હુમલાની નિંદા કરી અને હુમલાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેતા અતુલ કુલકર્ણીએ કંઈક અલગ જ કર્યું. જેની સોશિયલ મીડિયા યુઝર્સ પ્રશંસા કરી રહ્યા છે.

અતુલ કુલકર્ણીએ ફોટા શેર કર્યા
ખરેખર, પહેલગામ હુમલા પછી અતુલ કુલકર્ણી કાશ્મીર પહોંચી ગયા હતા. તે પહેલગામ પણ પહોંચ્યા. તેમણે લોકોને કાશ્મીર આવવા અપીલ કરી. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. તેમણે લખ્યું,’આ ફ્લાઇટ્સ ભરી ભરીને જાય છે. આપણે આ ફરીથી ભરવાની જરૂર છે. આતંકને હરાવવો જ પડશે. ચાલો, કાશ્મીર જઈએ, હું આવ્યો છું, તમારે પણ આવવું જોઈએ. આવવું જરૂરી છે.’

લોકોને અભિનેતાનું કામ ગમ્યું
ઘણા યુઝર્સ અતુલ કુલકર્ણીના આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘આ જ ખરી દેશભક્તિ છે, ફક્ત જોવાને બદલે તમારા લોકો સાથે ઉભા રહેવું વધુ સારું છે.’ બીજા એક યુઝરે ટિપ્પણી કરી, ‘કેટલો અદ્ભુત સંકેત, ચાલો કાશ્મીર જઈએ અને આતંકવાદીઓનું મનોબળ તોડી નાખીએ.’ બીજા એક યુઝરે કહ્યું છે કે, ‘અમને તમારા પર ગર્વ છે દાદા.’ બીજા એક યુઝરે લખ્યું છે ‘ખૂબ સરસ સાહેબ.’ ઘણા યુઝર્સે તેમની પ્રશંસા કરી અને કહ્યું કે તે ‘ખૂબ જ સારી પહેલ’ હતી.

આ કારણે અભિનેતા કાશ્મીર પહોંચ્યા
પહેલગામ હુમલા પર બોલતા અતુલ કુલકર્ણીએ ANI ને કહ્યું હતું કે, ’22 તારીખે જે બન્યું તે ખૂબ જ દુઃખદ ઘટના હતી, તે ન બનવું જોઈતું હતું. આખો દેશ ખૂબ જ દુઃખી છે. જ્યારે મેં તેના વિશે વાંચ્યું, ત્યારે હું વિચારતો હતો કે, દર વખતે જ્યારે આવું કંઈક થાય છે, ત્યારે આપણે શું કરીએ? આપણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ છીએ, મિત્રો સાથે વાત કરીએ છીએ, કંઈક લખીએ છીએ, પણ પછી મેં વિચાર્યું કે હું ખરેખર શું કરી શકું? પછી મને યાદ આવ્યું કે મેં વાંચ્યું હતું કે કાશ્મીર માટે 90 ટકા બુકિંગ રદ કરવામાં આવ્યા હતા. પછી મેં વિચાર્યું, આતંકવાદીઓ આવું કરીને શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? તેઓ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ‘કાશ્મીર ન આવો.’ મેં વિચાર્યું કે આપણે જવાબ આપવો જોઈએ કે આપણે કાશ્મીર આવીશું કારણ કે કાશ્મીર આપણું છે. હું મુંબઈમાં બેસીને આ સંદેશ આપી શક્યો નહીં, તેથી મેં કાશ્મીરની યાત્રા કરી.’

રિલાયન્સની આગેવાની હેઠળ સેન્સેક્સ 1000 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે રિલાયન્સ અને ડિફેન્સ શેરોની આગેવાની હેઠળ ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ સુધર્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં લેવાલી થઈ હતી. ડિફેન્સ, ઓઇલ-ગેસ, PSE, ફાર્મા, એનર્જી, અને બેન્કિંગ શેરોમાં લેવાલી થઈ. નિફ્ટી પણ 24,300ને પાર થયો હતો. રિલાયન્સમાં પાંચ ટકાથી વધુની તેજી થઈ હતી.

મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડ. લિએ ચોથા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યાં હતાં. કંપનીનો ચોથા ત્રિમાસિક ગાળામાં 2.4 ટકા વધીને રૂ. 19.07 કરોડ રહ્યો હતો, જ્યારે કંપનીની આવક વાર્ષિક ધોરણે 8.8 ટકા વધીને 2.88 લાખ કરોડ રહી હતી. ડિજિટલ, રિટેલ અને ઓઇલ ટુ કેમિકલ બિઝનેસની કંપનીની આવકમાં નોંધપાત્ર સુધારો થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધતા ટેન્શનને કારમે ડિફેન્સ શેરોમાં તેજી થઈ હતી. ડિફેન્સ ઇન્ડેક્સ 4.5 ટકા સુધર્યો હતો. જેમાં પારસ ડિફેન્સ 12.6 ટકા વધી 1177.70, ગાર્ડન રિય શિપબિલ્ડર્સ 10 ટકા, ડેટા પેટર્ન્સ ઇન્ડિયા 9 ટકા, કોચિન શિપયાર્ડ સાત ટકા, ભારત ડાઇનેમિક સાત ટકા અને મઝગાવ ડોક શિપબિલ્ડર્સ 6.5 ટકા વધ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સ 1006 પોઇન્ટ વધી 80,218ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 289 પોઇન્ટ ઊછળી 24,329એ પહોંચ્યો હતો. નિફ્ટી બેન્ક 769 પોઇન્ટ ઊછળી 55,433 અને મિડકેપ ઇન્ડેક્સ 870 પોઇન્ટ ઊછળી 54,440ના મથાળે બંધ થયો હતો.

BSE પર કુલ 4206 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 2096 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 1766 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 150 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 98 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 35 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 325 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 157 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.

BCCIએ કેમ રિષભ પંત સહિત આખી LSG ટીમને દંડ ફટકાર્યો

27 એપ્રિલ, 2025ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની 45મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે 54 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા, જેમાં રયાન રિકેલ્ટનના 58 અને સૂર્યકુમાર યાદવના 54 રન મહત્વના રહ્યા. લખનઉની ટીમ જવાબમાં 20 ઓવરમાં માત્ર 161 રન જ બનાવી શકી, જેમાં આયુષ બદોનીના 35 રન સૌથી વધુ રહ્યા. આ જીત સાથે મુંબઈએ સિઝનની પાંચમી જીત નોંધાવી, જ્યારે લખનઉ 10 મેચમાં 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, નેટ રન રેટ -0.325 રહ્યો.

મેચ બાદ લખનઉના કેપ્ટન રિષભ પંતને વધુ એક ઝટકો લાગ્યો. BCCIએ સ્લો ઓવર રેટને કારણે પંત પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, કારણ કે આ સિઝનમાં લખનઉનું આ બીજું ઉલ્લંઘન હતું. આ ઉપરાંત, ટીમના બાકી ખેલાડીઓ, જેમાં ઈમ્પેક્ટ પ્લેયરનો પણ સમાવેશ થાય છે, તેમને 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો. IPLના નિવેદન મુજબ, આ દંડ આચારસંહિતાની કલમ 2.22 હેઠળ ન્યૂનતમ ઓવર-રેટ ઉલ્લંઘન માટે લાગુ કરાયો.

આ હાર અને દંડથી લખનઉની ટીમ માટે પ્લેઓફની રેસ વધુ પડકારજનક બની છે. રિષભ પંતની આગેવાની હેઠળ ટીમે આ સિઝનમાં ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું, પરંતુ સ્લો ઓવર રેટ જેવી ભૂલો ટીમની પ્રગતિને અસર કરી રહી છે. મુંબઈ સામેની આ મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં લખનઉનું પ્રદર્શન નબળું રહ્યું, જેના કારણે ટીમે મોટો આંચકો સહન કરવો પડ્યો. હવે આગામી મેચોમાં લખનઉને વધુ શિસ્ત અને રણનીતિ સાથે રમવું પડશે.

USની યુનિવર્સિટીમાં થયેલા ગોળીબારમાં એકનું મોત, છ અન્ય ઘાયલ

નવી દિલ્હીઃ અમેરિકાના ઉત્તર કેરોલિનાની એક યુનિવર્સિટીમાં થયેલી ગોળીબારની ઘટનાથી હડકંપ મચી ગયો હતો, જેમાં એક યુવાનનું મોત થયું હતું અને છ અન્ય લોકો ઘાયલ થયા હતા, જેને કારણે રવિવારે કોલેજ કેમ્પસ બંધ કરવો પડ્યું હતું એમ યુનિવર્સિટીએ આ માહિતી આપી હતી.

કોલેજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ગોળીબારની આ ઘટના ‘એલિઝાબેથ સિટી સ્ટેટ યુનિવર્સિટી’ના કેમ્પસમાં એક ઉત્સવ પછી થઈ હતી. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનામાં 24 વર્ષીય યુવાનનું મોત થયું હતું, જે કોલેજનો વિદ્યાર્થી ન હતો અને તેની ઓળખ હજી જાહેર કરવામાં આવી નથી. આ ઉત્સવની ચહલપહલ દરમિયાન ગોળીબારની ઘટના બની હતી જેમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકો ઘાયલ થયા હતા, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ભાગદોડને કારણે ઈજા પામ્યા હતા.

આ યુનિવર્સિટીના આખા કેમ્પસમાં સુરક્ષા વધારવામાં આવી હતી. યુનિવર્સિટીએ એ નિવેદનમાં જણાવ્યું હતું કે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. શૈક્ષણિક સંસ્થાએ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી આ ઘટનાથી ખૂબ દુઃખી છે. યુનિવર્સિટીએ સાવચેતીરૂપે આખા કેમ્પસમાં પેટ્રોલિંગ વધાર્યું છે. રવિવારે પછી કેમ્પસના મધ્યમાં વિદ્યાર્થીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.