Home Blog Page 919

ICC એ WTC માટે ‘બમ્પર’ ઈનામી રકમની જાહેરાત કરી

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા, ICC એ ઇનામી રકમની જાહેરાત કરી છે, જેમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. WTC 2023-25 ​​ફાઇનલ માટે કુલ ઇનામની રકમ US$5.76 મિલિયન છે, જે અગાઉના કરતા બમણાથી વધુ છે. ચેમ્પિયન ટીમને હવે US$3.6 મિલિયન (રૂ. 30.78 કરોડ) ની ઇનામી રકમ મળશે, જે 2021 અને 2023 બંનેમાં આપવામાં આવેલી US$1.6 મિલિયનથી વધુ છે, જ્યારે રનર્સ-અપ ટીમને US$800,000 થી વધુ US$2.16 મિલિયન (રૂ. 18.46 કરોડ) મળશે.

WTC ફાઇનલ 11 જૂનથી શરૂ થશે

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઇનલ મેચ 11 જૂનથી 15 જૂન દરમિયાન રમાશે. ICC એ મેચ માટે ઉત્સાહ વધારવા માટે એક પ્રમોશનલ વિડીયો પણ બહાર પાડ્યો છે, જેમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા, ઝડપી બોલર કાગીસો રબાડા, સ્ટાર બેટ્સમેન એડન માર્કરામ, ઓસ્ટ્રેલિયાના ચમત્કારિક સ્ટીવ સ્મિથ અને ઓપનર ટ્રેવિસ હેડ ઉપરાંત ભૂતપૂર્વ ક્રિકેટરો શોન પોલોક, ડેલ સ્ટેન, મેથ્યુ હેડન, મેલ જોન્સ, નાસિર હુસૈન, શોએબ અખ્તર અને રવિ શાસ્ત્રીનો સમાવેશ થાય છે.

પ્રોટીઝ ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી

દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી અને લોર્ડ્સમાં યોજાનારી ફાઇનલમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની. તેણે પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે શ્રેણી જીતીને અને ભારત સામેની ઘરઆંગણે શ્રેણી ડ્રો કરીને આ સિદ્ધિ મેળવી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત સામે 3-1થી જીત મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તેમના મજબૂત અભિયાનમાં પાકિસ્તાનને તેમના ઘરઆંગણે ૩-૦થી હરાવવું અને ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામે શ્રેણી જીતવાનો સમાવેશ થાય છે.

 

સેનાએ મ્યાનમાર બોર્ડરે 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ મણિપુરના ચંદેલ જિલ્લામાં કાલે આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સેના પર કેટલાક હથિયારધારી ઉગ્રવાદીએ ફાયરિંગ શરૂ કર્યું હતું, જેથી આસામ રાઇફલ્સે  તેનો જવાબ આપ્યો હતો, જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઉગ્રવાદીઓએ સેના પર પહેલાં ફાયરિંગ કર્યું હતું, જેથી આસામ રાઇફલ્સના જવાનોએ ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા.

આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલ અથડામણ મામલે સેનાના પૂર્વીય કમાન્ડે X પર એક પોસ્ટ શેર કરીને વિગતો આપી હતી. X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ભારત-મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લાના ખેગજોય તહસિલના ન્યુ સમતાલ ગામ નજીક સશસ્ત્ર કેડર્સની હિલચાલ વિશે ખાસ ગુપ્ત માહિતી મળી હતી. તેના પર કાર્યવાહી કરવામાં આવતાં 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

મણિપુરના ચંદેલ જિલ્લામાં આ કાર્યવાહી અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સ્પિયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મે 2025એ એક કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ કેડરોએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. સેનાના જવાનોએ જવાબી કાર્યવાહી દરમિયાન સંયમ અને વ્યૂહરચના સાથે ફાયરિંગ કર્યું હતું, જેમાં 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં, પરંતુ ઉગ્રવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક માલસામાન પણ મળી આવ્યો હતો.

જોલેન્ડ રાજ્ય બનાવવાનું સપનું

ભારત-મ્યાનમાર સરહદવાળા વિસ્તારમાં ઉગ્રવાદી સંગઠનો દ્વારા લાંબા સમયથી ‘જોલેન્ડ’ રાજ્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે તાજેતરમાં ભારત સરકારે અને ભારતીય સેના દ્વારા મ્યાનમારને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સેના અને સરકારે મ્યાનમાર સરહદને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે અને ફ્રી મૂવમેન્ટને પણ ખતમ કરી દીધી છે. જેના કારણે ‘જોલેન્ડ’ રાજ્ય બનવાનાં સપનાં તૂટી ગયાં છે. વળી, આ નિર્ણયનો છેલ્લા કેટલાય દિવસોથી નાગા અને કુકી જનજાતિઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને સેના દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

 

સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન શરૂ, મેયર સહિતના પદાધિકારીઓ સફાઈમાં જોડાયા

અમદાવાદ મહાનગરપાલિકાએ 15 મે, 2025થી સાબરમતી નદીની સફાઈ માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો પ્રારંભ ગાંધી આશ્રમ પાસેના રિવરફ્રન્ટ વિસ્તારથી થયો, જેમાં મેયર પ્રતિભા જૈન, મનપા કમિશનર, ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓએ ભાગ લીધો. સફાઈ દરમિયાન નદીમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, કચરો અને અન્ય ગંદકી દૂર કરવામાં આવી.

મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, સાબરમતી નદીને સ્વચ્છ રાખવી એ નાગરિકોની સામૂહિક જવાબદારી છે. આ અભિયાન 5 જૂન સુધી ચાલશે અને પાંચ તબક્કામાં પૂર્ણ થશે. રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સફાઈ કાર્ય શરૂ થયું છે, જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ છે. નદીમાં ગટરનું ગંદું પાણી છોડતા ત્રણ કનેક્શન શોધી કાઢવામાં આવ્યા છે, જેને બંધ કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આવા ગેરકાયદેસર કનેક્શન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે.

આ અભિયાનનો હેતુ નદીને પ્રદૂષણમુક્ત કરી, તેની પવિત્રતા અને સૌંદર્ય જાળવવાનો છે. સ્થાનિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી આ કાર્યને વેગ મળશે.

તસવીરોમાં જુઓ અજય દેવગનની પુત્ર સાથે બોન્ડિંગ

ગત રોજ એટલે કે બુધવારે સાંજે મુંબઈમાં ફિલ્મ ‘કરાટે કિડ લિજેન્ડ’ના હિન્દી ટ્રેલરના લોન્ચ સંબંધિત એક કાર્યક્રમ યોજાયો હતો. આમાં અજય દેવગણે પોતાના પુત્ર યુગ સાથે એન્ટ્રી કરી. લોન્ચ ઇવેન્ટમાં કેટલાક બાળકો કરાટે ડ્રેસ પહેરેલા જોવા મળ્યા હતા અને કરાટે એક્શન પણ કરતા જોવા મળ્યા હતા. આ જ કાર્યક્રમમાં અજય દેવગણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન મુદ્દા વિશે પણ વાત કરી.

અજય દેવગણે ફિલ્મ ‘કરાટે કિડ લિજેન્ડ’માં જેકી ચાનના પાત્ર મિસ્ટર હાનને પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે યુગ દેવગને લી ફોંગને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની વાર્તા એક બાળકના કરાટે ચેમ્પિયન બનવાની છે. આ ફિલ્મમાં કરાટે ચેમ્પિયન બનવા પાછળનો ભાવનાત્મક ખૂણો પણ શામેલ છે. હોલીવુડ ફિલ્મ ‘કરાટે કિડ લિજેન્ડ’ 30 મે, 2025 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(તમામ તસવીર: દીપક ધૂરી)

બસમાં આગ લાગતાં પાંચ જણ જીવતા ભૂંજાયા

લખનૌઃ ઉત્તર પ્રદેશના લખનૌમાં એક બસમાં અચાનક આગ લાગતાં તેમાં સવાર બે બાળકો સહિત પાંચ મુસાફરો જીવતા ભૂંજાયા છે. આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, પરંતુ લખનૌ પહોંચતાં અચાનક તેમાં આગ લાગી હતી. બસમાં લગભગ 80 લોકો સવાર હતા.

મોહનલાલગંજ નજીક કિસાન પથ પર સવારે એક બસમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું  હતું કે  બસમાં આગ લાગતાં ઈમરજન્સી ગેટ લોક થઈ ગયો હતો. જેને લીધે પાછળ બેઠેલા લોકો આગમાં ફસાયા હતા. તેઓ બહાર નીકળવામાં નિષ્ફળ રહેતાં આગની ઝપટમાં આવી ગયા હતાં. આ ઘટનામાં બે બાળકો, બે મહિલા અને એક પુરુષ સહિત કુલ પાંચ લોકોનાં મોત થયાં છે.

જોકે આ બસમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે બસમાં પાંચ-પાંચ કિગ્રાનાં સાત ગેસ સિલિન્ડર હતાં. જોકે કોઈ સિલિન્ડર ફાટ્યો નથી. પોલીસે આગ લાગવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસમાં આગ લાગતાં જ બસ ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવી ભાગી ગયા હતા. બસમાં સવાર મુસાફરોએ પોતાની જાતમહેનતે બસના કાચ તોડી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યાર બાદ આગની જ્વાળાઓમાં બસ લપેટાઈ હતી.

World Family Day: આ બૉલિવૂડ ફિલ્મ્સ સમજાવે છે પરિવારનું મહત્વ

જો પરિવાર સાથે હોય, તો વ્યક્તિ મુશ્કેલ સમયને સરળતાથી પાર કરી શકે છે; પરિવારનો પ્રેમ મળ્યા પછી જીવન ખુશીઓથી ભરેલું બની જાય છે. આપણી હિન્દી ફિલ્મો દ્વારા આ જ બાબતો અને પરિવારના મહત્વને મોટા પડદા પર સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (World Family Day) નિમિત્તે અમે તમને કેટલીક હિટ,લોકપ્રિય કૌટુંબિક ડ્રામા ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ. તમે ફેમિલી ડે પર તમારા પરિવાર સાથે આ જોઈ અને માણી શકો છો.

હમ સાથ સાથ હૈ

વર્ષ 1999માં રિલીઝ થયેલી સૂરજ બડજાત્યા દ્વારા નિર્દેશિત હમ સાથ સાથ હૈ એક હિટ ફેમિલી ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ કૌટુંબિક પ્રેમ અને એકતાના મહત્વને સમજાવે છે. આ ફિલ્મની વાર્તા ત્રણ ભાઈઓ વચ્ચેના અતૂટ સંબંધ પર આધારિત હતી. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં સલમાન ખાન, મોહનીશ બહલ, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, કરિશ્મા કપૂર, તબ્બુ, આલોક નાથ, રીમા લાગુ, નીલમ કોઠારી જેવા પ્રખ્યાત કલાકારો હતા.

ખોસલા કા ઘોંસલા

ખોસલા કા ઘોંસલા (2006) એક કોમેડી ફિલ્મ હતી, પરંતુ દિબાકર બેનર્જી દિગ્દર્શિત આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ કૌટુંબિક બંધન અદ્ભુત હતું. આ ફિલ્મની વાર્તા દિલ્હીમાં રહેતા એક મધ્યમ વર્ગના વ્યક્તિ કિશોર ખોસલા (અનુપમ ખેર) ની છે. ફિલ્મની વાર્તા એ છે કે કેવી રીતે અનુપમ ખેરનું પાત્ર અને તેનો પરિવાર બિલ્ડર ખુરાના (બોમન ઈરાની) ના ચુંગાલમાંથી તેમની જમીન છોડાવે છે. આ ફિલ્મમાં પરવીન દબાસ, વિનય પાઠક, રણવીર શોરી અને તારા શર્મા જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. બાદમાં, આ ફિલ્મ તમિલ અને કન્નડ ભાષાઓમાં પણ રિમેક કરવામાં આવી.

કભી ખુશી કભી ગમ

કરણ જોહર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ (2001)’ ની વાર્તા, એ પણ કહે છે કે પરિવારના સભ્યો વચ્ચે ગમે તેટલું અંતર આવે, તેમનો પરસ્પર પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. આ ફિલ્મ ઉદ્યોગપતિ યશવર્ધન રાયચંદ (અમિતાભ બચ્ચન) ની આસપાસ ફરે છે જે પોતાના દત્તક પુત્ર રાહુલને પોતાનાથી દૂર રાખે છે કારણ કે તે તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરે છે. પિતા અને પુત્ર ઘણા વર્ષોથી એકબીજાથી દૂર રહે છે. પાછળથી, રાહુલ (શાહરુખ)નો ભાઈ રોહન (ઋત્વિક રોશન) પરિવારને નજીક લાવે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઋતિક રોશન ઉપરાંત જયા બચ્ચન, કાજોલ, કરીના કપૂર જેવી અભિનેત્રીઓ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી.

હમ આપકે હૈ કૌનફિલ્મ ‘હમ

આપકે હૈ કૌન (1994)’ પણ પરિવાર માટે બલિદાનની વાર્તા દર્શાવે છે. સૂરજ બડજાત્યાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત, સલમાન ખાન, રેણુકા શહાણે, મોહનીશ બહલ, અનુપમ ખેર, આલોક નાથ, રીમા લાગુ જેવા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મના ગીતો આજે પણ ખૂબ પ્રખ્યાત છે.

પ્રેમ રતન ધન પાયો

ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો (2015)’નું નિર્દેશન પણ સૂરજ બડજાત્યાએ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતો. ફિલ્મની વાર્તા ભાઈ અને બહેનના અતૂટ સંબંધ પર આધારિત હતી. આ ફિલ્મ સલમાનનું પાત્ર પ્રેમ કેવી રીતે તૂટેલા પરિવારને એક કરે છે તેની વાર્તા પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર, અનુપમ ખેર, સ્વરા ભાસ્કર, આશિકા ભાટિયા અને નીલ નીતિન મુકેશ જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળ્યા હતા.

કમોસમી વરસાદનો કહેર યથાવત્, આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. બુધવારે સાબરકાંઠા, ડાંગ, વલસાડ, દાહોદ અને બોટાદ જેવા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. આજે, 15 મે, 2025ના રોજ પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જારી કરાયું છે.

બુધવારે દાહોદ તાલુકામાં 0.75 ઈંચ, ઝાલોદમાં 0.71 ઈંચ, ડાંગના આહવા તાલુકામાં 0.12 ઈંચ, વધઈમાં 0.28 ઈંચ, સુબીરમાં 0.4 ઈંચ, બોટાદના ગઢડા તાલુકામાં 0.16 ઈંચ અને રાણપુરમાં 0.4 ઈંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ અને વડોદરામાં ગાજવીજ સાથે હળવા ઝાપટાંની આગાહી કરી છે. ગઈકાલે પ્રબળ રહેલી ટ્રોફ સિસ્ટમ આજે નબળી પડી છે, પરંતુ ઉપરી હવાની ચક્રાકાર ગતિને કારણે વરસાદની શક્યતા છે.

આ માવઠાના માહોલમાં ખેડૂતોને તેમની કૃષિપેદાશો ઢાંકીને યાર્ડમાં લાવવા અને સાચવવા સૂચના અપાઈ છે. બીજી તરફ, વલસાડ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ઓછો થતાં તાપમાનમાં વધારો થયો છે. રાજકોટમાં 40.6°C, સુરેન્દ્રનગરમાં 40.8°C અને કંડલામાં 40°C નોંધાયું. આગામી ચાર દિવસમાં તાપમાન 4°C સુધી વધી શકે છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈમોશનલ કેમ થઈ ગયા ટોમ ક્રુઝ?

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025નો બીજો દિવસ હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ અને તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’નો રહ્યો. બીજા દિવસે જ્યારે ટોમ ક્રૂઝ કાન્સના રેડ કાર્પેટ પર પહોંચ્યા ત્યારે લોકોનો ઉત્સાહ ઘણો વધી ગયો. આ પછી,’મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’નું પ્રીમિયર થયું. કાન્સમાં આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.’મિશન ઇમ્પોસિબલ:ફાઇનલ રેકનિંગ’ ને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને લોકો લાંબા સમય સુધી ફિલ્મને તાળીઓથી વધાવતા રહ્યા. આ જોઈને ટોમ ક્રૂઝ ભાવુક થઈ ગયા.

ટોમ ક્રૂઝે લોકોનો આભાર માન્યો

કાન્સમાં ‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’ ને મળેલા પ્રતિસાદથી ફિલ્મની આખી ટીમ અત્યંત ખુશ અને ભાવુક હતી. મિશન ઇમ્પોસિબલ ફ્રેન્ચાઇઝીના છેલ્લા ભાગ સાથે તેને અલવિદા કહેતી વખતે ટોમ ક્રૂઝ ભાવુક થઈ ગયા. ટોમ ક્રુઝે પ્રેક્ષકોનો તેમના જબરદસ્ત સમર્થન બદલ આભાર માન્યો. આ પ્રસંગે હોલીવુડ સ્ટારે કહ્યું,”આ પ્રતિક્રિયા છે જે આપણને આ કરવા માટે મજબૂર કરે છે. તમે જ અમને આ કરવા માટે મજબૂર કરો છો. મોટા પડદાનો અનુભવ જ આપણને આ કરવા માટે મજબૂર કરે છે.”

‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મેકક્વારીએ કહ્યું,”અહીં આવવા અને અમને ટેકો આપવા બદલ આપ સૌનો આભાર. હું આ અસાધારણ અને અદ્ભુત કલાકારોનો આભાર માનવા માંગુ છું. જ્યારે હું તમને કહું છું કે તેઓ કેટલા અસાધારણ છે, ત્યારે તે ફક્ત દરરોજ કામ પર આવવા બદલ નહોતું. આ ફિલ્મ મહામારી અને બે ઉદ્યોગ હડતાળ દરમિયાન બનાવવામાં આવી હતી. આ બંને ફિલ્મો સાત વર્ષના સમયગાળામાં ભારે મુશ્કેલીઓ વચ્ચે બનાવવામાં આવી હતી. અહીં ઉભા રહેલા આ બધા લોકોની મહેનત વિના આ ફિલ્મ શક્ય ન હોત.આ દુનિયાના સૌથી અસાધારણ કલાકારો છે.” ફિલ્મના પ્રીમિયર દરમિયાન ફિલ્મની આખી કાસ્ટ જોવા મળી હતી.

આ ફિલ્મ ભારતમાં 17 મેના રોજ રિલીઝ થશે
‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’ ભારતમાં 17 મેના રોજ રિલીઝ થઈ રહી છે, જે વિશ્વભરમાં રિલીઝ થવાના છ દિવસ પહેલા છે. આ ફિલ્મ માટે ટોમે પોતાના સ્ટંટનું સ્તર અપગ્રેડ કર્યું છે. ભારતમાં દર્શકોનો ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ એ વાત પરથી અંદાજી શકાય છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ માત્ર 24 કલાકમાં 11,000 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ. અત્યાર સુધીમાં ફિલ્મની કુલ 45 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે.

કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી મુદ્દે મંત્રીને ‘સુપ્રીમ’ ફટકાર

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહના કર્નલ સોફિયા કુરૈશી વિશેના વિવાદાસ્પદ નિવેદનને લઈને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશ પર કોઈ સ્ટે નહીં મૂકે. CJI બી.આર. ગવઈએ વિજય શાહને ફટકાર લગાવતાં કહ્યું હતું કે તમે કેવાં પ્રકારનો નિવેદન આપી રહ્યા છો? તમે મંત્રી છો. મંત્રી થઈને આવા શબ્દોનો ઉપયોગ કરો છો? શું આ મંત્રીને શોભે છે?

કોર્ટએ કહ્યું હતું કે કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પાસેથી આવા પ્રકારનાં નિવેદનોની અપેક્ષા રાખી શકાય નહીં. જ્યારે દેશ આવી નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે જવાબદારી ભરેલા પદે રહેલી વ્યક્તિએ આવું બોલવું યોગ્ય નથી.

CJIએ વધુમાં પૂછ્યું: શું તમે જાણો છેને તમે કોણ છો?  એના પર વિજય શાહના વકીલે જવાબ આપ્યો હતો કે તેમના અસીલે માફી માગી લીધી છે. મિડિયા દ્વારા તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને તેને અતિશય ઓવર હાઈપ કરવામાં આવ્યું છે. વકીલે એ પણ કહ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા આદેશ આપતાં પહેલાં અમારી વાત નહોતી સાંભળી.

તમે હાઇકોર્ટ સમક્ષ કેમ ન ગયા? એમ CJIએ સવાલ કરતાં કહ્યું હતું કે અમે આ મામલે આવતી કાલે સુનાવણી કરીશું, 24 કલાકમાં કંઈ બગડવાનું નથી. એમ કહીને કોર્ટે વિજય શાહ સામે થયેલી FIR પર સ્ટે લગાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી.

મધ્ય પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ કર્નલ સોફિયા કુરૈશી અંગેના વિવાદાસ્પદ નિવેદન પછી મહુ તાલુકાના માનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ કાર્યવાહી મધ્ય પ્રદેશ હાઇકોર્ટના સ્પષ્ટ આદેશને આધારે કરવામાં આવી છે.

રખિયાલમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી, હાઉસિંગ બોર્ડની જગ્યા ખાલી

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 15 મે, 2025ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી શરૂ થઈ. મોરારજી ચોક નજીક આવેલા કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાનાઓ, દુકાનો અને નમાઝ માટેની જગ્યા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી, જેને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી. આ કામગીરી માટે 385થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2008માં પણ આ જગ્યા પર ડિમોલિશન થયું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી ગેરકાયદેસર બાંધકામો થયાં. 1960ની મિલ મજૂરો માટેની સ્કીમ હેઠળ આ જગ્યા પર કોમન પ્લોટ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેના પર શેડ અને કારખાનાઓ ઊભા થયા. ચંડોળા તળાવની જેમ, રખિયાલના આ બાંધકામોમાં પણ ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા, જેના કારણે વીજ પુરવઠા અંગે સવાલો ઊભા થયા છે.

ડિમોલિશન દરમિયાન આસપાસના લોકો ટોળે વળ્યા હતા. હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, આ જગ્યાને ખાલી કરીને ગેરકાયદેસર દબાણો હટાવવાનો હેતુ છે. આ કાર્યવાહીથી રખિયાલમાં કાયદેસર જગ્યાનો ઉપયોગ ફરી શક્ય બનશે.