Home Blog Page 85

Met Gala 2026: અતરંગી અંદાજમાં રેડ કાર્પેટ પર ચમક્યા સિતારાઓ

ફેશન જગતનું સૌથી મોટું પ્લેટફોર્મ, મેટ ગાલા 2026 (Met Gala 2026) દર વર્ષે તેના અનોખા થીમ્સ અને અતરંગી દેખાવ માટે જાણીતું છે. મેટ ગાલા 2026 માં રેડ કાર્પેટ પર ઘણી ભારતીય અને હોલીવુડ હસ્તીઓ અનોખા અંદાજમાં જોવા મળી હતી. તેમના પોશાક અદભુત અને ચોંકાવી દે એવા હતા.

અમેરિકન રેપર કાર્ડી બી

મેટ ગાલા 2026 રેડ કાર્પેટ લુક્સ

સોમવાર 4 મે ના રોજ ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે મેટ ગાલા 2026 રેડ કાર્પેટે દુનિયાનું ધ્યાન ખેંચ્યું. ઘણા સ્ટાર્સે એવા પ્રભાવશાળી ફેશન લુક્સ રજૂ કર્યા કે બધા જોઈને દંગ રહી ગયા.

સિંગર સેમ સ્મિથ

ઈશા અંબાણી

મેટ ગાલા 2026 રેડ કાર્પેટ પર, ઈશા અંબાણી સોનેરી સાડીમાં કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી ન હતી. તેની સાડી ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેણીએ આ લુકને મેંગો બેગ સાથે સુંદર બનાવ્યો હતો.

એન હેથવેએ રેડ કાર્પેટ પર સૌ કોઈને આકર્ષિત કર્યા. તેના મિકાડો બોલ ગાઉનમાં કવિ જોન કીટ્સની કવિતા “Ode on a Grecian Urn” થી પ્રેરિત હાથથી દોરવામાં આવેલ મોટિફ હતું.

પોપ સ્ટાર રીહાન્નાના ડ્રેસમાં ગોલ્ડન અને સિલ્વરનું અદભુત મિશ્રણ જોવા મળ્યું. તે આ મેઇસન માર્ગીલા ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જે કિંમતી સ્ટોનથી પણ જડિત હતો.

બેયોન્સે રેડ કાર્પેટ પર ઓલિવિયર રૂસ્ટીંગ ગાઉનમાં દેખાઈ હતી, જેમાં હાડપિંજર જેવો આકાર હતો. તેણીએ તેને પીછાવાળા કેપ સાથે પેર બનાવી હતી.

મેટ ગાલા 2026 માં રેડ કાર્પેટ પર કરણ જોહર સૌથી સ્ટાઇલિશ સેલિબ્રિટીઓમાંના એક હતા. કરણ વિન્ટેજ જેકેટમાં જોવા મળ્યો હતો, જેમાં રાજા રવિ વર્માના ચિત્રોને હાથથી બનાવવામાં આવ્યા છે.

કિમ કાર્દશિયન

ફ્રેન્ચ રાઈટર

હેઇદી ક્લુમ

અનન્યા બિરલા

પશ્ચિમ બંગાળમાં નવી સરકારનો શપથ ગ્રહણ નવ મેએ યોજાશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં નવી સરકારના ગઠનની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે અને શપથ ગ્રહણની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. ભાજપના રાજ્યાધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે રાજ્યના નવા મુખ્ય મંત્રીનો શપથ ગ્રહણ સમારોહ નવ મેએ યોજવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના નવા મુખ્ય મંત્રીનો શપથ ગ્રહણ સમારોહ નવ મેએ થશે. ભાજપાધ્યક્ષે જણાવ્યું હતું કે નવ મેએ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ છે.

ભાજપની ઐતિહાસિક જીત બાદ હવે સૌની નજર એ પર છે કે પાર્ટી મુખ્ય મંત્રી તરીકે કોને જવાબદારી સોંપે છે. પાર્ટી નેતૃત્વ અને વિધાનસભ્યો વચ્ચે બેઠકનો દોર ચાલુ છે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે.

તેમણે બંગાળમાં તોડફોડની ઘટનાઓ પર કહ્યું હતું કે કેટલાંક સ્થળોએ લોકોએ ભાજપનો ધ્વજ લઈને તોડફોડ કરી હતી. અમે તેની નિંદા કરીએ છીએ. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે જો કોઈ આવું કરશે તો અમને તેને પાર્ટીમાંથી બહાર કરવાની ફરજ પડશે. પશ્ચિમ બંગાળને લઈને દેશમાં ઉજવણી થઈ હતી. હવે અમારી સામે ખૂબ મોટા પડકારો છે. અમે તે સાથે આગળ વધી રહ્યા છીએ. અમે અમારા કાર્યકર્તાઓને કહેવા માગીએ છીએ કે શાંતિ રાખે અને કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચાડે.

મોદીએ પહેલેથી જ સંકેત આપ્યો હતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ તારીખનો સંકેત પહેલેથી જ પોતાના અંતિમ ચૂંટણી ભાષણમાં આપી દીધો હતો. બેરાકપુરની રેલીમાં તેમણે કહ્યું હતું હતું કે  ચોથી મેનાં પરિણામો બાદ હું ફરી બંગાળ આવીશ અને ભાજપના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપીશ.

બંગાળમાં ભાજપની જીત પર પીએમ મોદીની પ્રતિક્રિયા

સોમવારે ઐતિહાસિક જનમત સામે આવ્યા બાદ PM મોદીએ નવી દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં રવીન્દ્રનાથ ટાગોરના આદર્શોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપનો સંકલ્પ એવું બંગાળ બનાવવાનો છે જ્યાં મન ભયમુક્ત હોય અને મસ્તક ઊંચું રહે, જે ગુરુદેવ ટાગોરની અમર પંક્તિઓની ભાવનાને દર્શાવે છે.

મમતા દીદીનો ગઢ ધરાશાયી કરનાર શુભેન્દુ અધિકારી કોણ છે?

શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં ભાજપના સૌથી અગ્રણી નેતાઓમાંના એક છે. તેમણે 2026ની વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકો જીતી છે, નંદીગ્રામ અને ભવાનીપુર. તેમણે ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવ્યા. અગાઉ તેમણે 2021માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતાં.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે અને તૃણમૂલ કોંગ્રેસનો પરાજય થયો છે. પરિણામ બાદ સૌથી વધુ ચર્ચાસ્પદ વ્યક્તિત્વ પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષના નેતા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીનું છે.

શુભેન્દુ અધિકારી એ નેતા છે જેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમના ગૃહ મતવિસ્તાર ભવાનીપુરથી હરાવ્યા હતા. હવે, શુભેન્દુ અધિકારીનું નામ પણ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદની રેસમાં ઉભરી રહ્યું છે. તો જાણીએ શુભેન્દુ અધિકારી અને તેમની રાજકીય કારકિર્દી વિશે.

શુભેન્દુ અધિકારી કોણ છે?

શુભેન્દુ અધિકારી અપરિણીત છે. તેમનો જન્મ 15 ડિસેમ્બર, 1970 ના રોજ પૂર્વ મેદિનીપુરના કાંઠીમાં થયો હતો. તેમનો પરિવાર પણ રાજકારણમાં સામેલ હતો. તેમના પિતા શિશિર અધિકારી પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક જાણીતું નામ હતા.શુભેન્દુ અધિકારી તેમના પિતાથી પ્રભાવિત હતા.

તેમણે 1989 માં કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1995 માં તેઓ કાંઠી નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. 1998 માં જ્યારે ટીએમસીની શરૂઆત થઈ, ત્યારે શુભેન્દુ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. ધીમે ધીમે, તેમણે રાજકારણમાં પગપેસારો કર્યો અને એટલા મજબૂત બન્યા કે તેમણે 2014 માં મોદી લહેર છતાં તેમની લોકસભા બેઠક જીતી લીધી. મમતા બેનર્જીએ પણ તેમની તાકાતનો સ્વીકાર કર્યો અને તેમને પરિવહન અને સિંચાઈ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો આપ્યા.

શુભેન્દુ અધિકારીએ પણ ટીએમસી છોડી દીધી અને 2020 માં ભાજપમાં જોડાયા

2020 માં, શુભેન્દુ અધિકારી ટીએમસીથી મોહભંગ થયા અને ડિસેમ્બર 2020 માં તૃણમૂલ કોંગ્રેસ અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું, મેદિનીપુરમાં અમિત શાહની રેલીમાં ભાજપમાં જોડાયા. ત્યારબાદ, 2021 ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવ્યા. આ જીતે તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના ટોચના નેતાઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા. બાદમાં, ભાજપે તેમને વિપક્ષના નેતા પણ નિયુક્ત કર્યા.

હવે, 2026 ની વિધાનસભા ચૂંટણીમાં શુભેન્દુએ બે બેઠકો (નંદીગ્રામ અને ભવાનીપુર) પરથી ચૂંટણી લડી અને બંને બેઠકો જીતી. તેમણે ભવાનીપુર બેઠક પરથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા. મમતાએ ભવાનીપુરથી જ વિધાનસભા ચૂંટણી લડી હતી.

ઈરાનને દુનિયાના નકશામાંથી મિટાવી દઈશું : ટ્રમ્પની ચેતવણી

વોશિંગ્ટનઃ અમેરિકા 28 ફેબ્રુઆરીથી ઈરાન સાથે સંઘર્ષમાં છે. આ યુદ્ધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ સતત નવા-નવા દાવા કરતા જોવા મળ્યા છે. એ દરમિયાન અમેરિકા અંદરથી એવી માહિતી સામે આવી છે કે લાંબા સમયથી ચાલતા આ યુદ્ધને કારણે ટ્રમ્પની છબિને આંચકો લાગ્યો છે. ઓપિનિયન પોલ્સમાં યુદ્ધ અને ટ્રમ્પ પ્રત્યે અમેરિકન જનતાના ઘટતા સમર્થનની વાત કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલા એક સમિટ દરમિયાન ટ્રમ્પે આ પોલ્સને સંપૂર્ણ રીતે ‘ફેક’ ગણાવ્યા હતા. એ સાથે જ તેમણે ઈરાનને ચેતવણી આપી છે કે જો તેણે અમેરિકન જહાજો પર હુમલો કર્યો તો તેને વિશ્વના નકશામાંથી મિટાવી નાખવામાં આવશે.

સર્વેના પ્રશ્નો જ ખોટા છે

ટ્રમ્પે યુદ્ધના સમર્થનમાં ઓછા મત દર્શાવતા આંકડાઓની તીવ્ર ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને બતાવવામાં આવતા પોલ્સ ખોટા છે, જેમાં માત્ર 32 ટકા લોકો યુદ્ધના પક્ષમાં બતાવવામાં આવ્યા છે. ટ્રમ્પે દલીલ કરી કે પોલ કરનારાઓએ આ પ્રશ્ન પૂછવો જોઈએ કે શું ઈરાનને પરમાણુ હથિયારો બનાવવા દેવા જોઈએ? તેમણે ઉમેર્યું હતું કે ભલે તેઓ જાતે યુદ્ધ પસંદ કરતા નથી, પરંતુ આજની અમેરિકન સેના દુનિયાની સૌથી આધુનિક અને શક્તિશાળી સેનામાંથી એક છે.

પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ હોર્મુઝમાં ઈરાનને મોટું નુકસાન

ટ્રમ્પે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જણાવ્યું કે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ અંતર્ગત અમેરિકન સેનાએ ઈરાનને મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકન સેનાએ ઈરાનની સાત નાની અને ઝડપી બોટ્સને સમુદ્રમાં ડુબાડી દીધી છે. ઈરાન દ્વારા દક્ષિણ કોરિયાના કાર્ગો જહાજને નિશાન બનાવ્યા પછી ટ્રમ્પે સિયોલને પણ આ મિશનમાં જોડાવાની સલાહ આપી છે. અમેરિકન મિડિયા રિપોર્ટ્સ મુજબ હોર્મુઝ જલડમરુમધ્યમાં અમેરિકન નેવી જહાજોને ‘એસ્કોર્ટ’ કરવા કરતાં ‘ગાઈડ’ કરવાની ભૂમિકા ભજવવામાં આવશે.

તહેરાનના વલણમાં નરમાઈ અને વાતચીતની આશા?

તણાવ વચ્ચે એક નવી કૂટનીતિક હલચલ પણ જોવા મળી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે વાતચીતની મેજ પર તહેરાન હવે પહેલાં કરતાં વધુ ‘લચીલું’ દેખાઈ રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે તેઓ સંઘર્ષને રોકવા માટે અમેરિકાના કાઉન્ટર-પ્રપોઝલનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

ભાજપ નેતા સુવેંદુ અધિકારીના નિવેદન પર વિવાદ

કોલકાતાઃ આ વખતે મેં લગભગ 10,000 મતોથી ચૂંટણી જીતી છે. નંદીગ્રામના હિંદુ લોકોએ મને ફરીથી જિતાડ્યો છે. ત્યાં મુસ્લિમ મત સંપૂર્ણ રીતે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ગયો છે. હું નંદીગ્રામના હિંદુઓ માટે કામ કરીશ. TMCનો અંત આવશે. 24 કલાકમાં આ પાર્ટી સમાપ્ત થઈ જશે. આ ભ્રષ્ટ અને પરિવારવાદી પાર્ટી છે, જેની કોઈ વિચારધારા નથી. અમે તે કામ કરીશું જેની જાહેરાત ગૃહ મંત્રી અમિત શાહે મેનિફેસ્ટોમાં કરી હતી અને જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર વિશ્વાસપૂર્વક પુનરાવર્તન કર્યું છે. અમે તેને પૂર્ણ કરીશું, એમ ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યું હતું.

TMCનો આરોપ — ભાજપના ‘ગુંડાઓ’ દ્વારા ઓફિસોમાં તોડફોડ

પશ્ચિમ બંગાળમાં ભાજપ કાર્યકરો દ્વારા જીતની ઉજવણી દરમિયાન આગજની અને તોડફોડની છૂટક ઘટનાઓ સામે આવી છે. અનેક વિસ્તારોમાં તૃણમૂલ કોંગ્રેસના ઓફિસોને નિશાન બનાવવામાં આવી હતી. TMCએ આ હુમલાઓની નિંદા કરતાં ભાજપ સમર્થકો પર હિંસાનો આરોપ મૂક્યો અને સત્તામાં આવ્યા બાદ ભાજપ ગંદું રાજકારણ  કરી રહ્યો છે, એવો પાર્ટીએ આરોપ લગાવ્યો છે.

સરકારી ઓફિસોમાંથી ફાઇલો ન હટાવવી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ સરકાર રચાવાની તૈયારી ચાલી રહી છે. એ દરમિયાન સોમવારે ચીફ સેક્રેટરી દ્વારા આદેશ આપવામાં આવ્યો કે સચિવાલય નવન્ન ભવન સહિત કોઈ પણ સરકારી ઓફિસમાંથી મહત્વપૂર્ણ ફાઇલો અથવા દસ્તાવેજો ન હટાવાય અને ન જ તેમાં કોઈ છેડછાડ થાય. આ આદેશ બાદ રાજ્ય સચિવાલય અને અન્ય મહત્વપૂર્ણ વહીવટી ઓફિસો બહાર કેન્દ્રીય દળો અને બંગાળ પોલીસને તહેનાત કરવામાં આવી છે. સખત દેખરેખ રાખવામાં આવી રહી છે કે કોઈ દસ્તાવેજ બહાર ન જાય. આવનજાવન કરતા કર્મચારીઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

કિશોરદાએ ‘મુસાફિર’ ગીતને ગતિ આપી!

કિશોરકુમાર માત્ર શબ્દોના સૂર જ નહોતા પકડતા પણ એની પાછળની પરિસ્થિતિને પોતાના અવાજમાં લાવી શકતા હતા. ગુલઝાર અને કિશોરકુમાર વચ્ચેના અનેક કિસ્સાઓમાંથી એક એવો કિસ્સો છે જે તેમની વચ્ચેની પરસ્પર સમજ અને કિશોરદાની અદભૂત કલ્પનાશક્તિને દર્શાવે છે.

આ કિસ્સો ફિલ્મ ‘પરિચય’ (1972) ના સુપરહિટ ગીત ‘મુસાફિર હૂં યારો…’ ના રેકોર્ડિંગ સમયનો છે. ગુલઝાર જણાવે છે કે આ ગીતના રેકોર્ડિંગમાં એક એવી ઘટના ઘટી જેણે ગીતના આખા મૂડને બદલી નાખ્યો હતો. જ્યારે પંચમ દા (આર.ડી. બર્મન) એ આ ગીતની ધૂન તૈયાર કરી અને ગુલઝારે શબ્દો લખ્યા ત્યારે કિશોરકુમાર સ્ટુડિયોમાં આવ્યા.

‘મુસાફિર હૂં યારો, ના ઘર હૈ ના ઠિકાના…’ ગીતનું રેકોર્ડિંગ શરૂ થાય તે પહેલાં કિશોરદાએ અચાનક પંચમદા અને ગુલઝારને પૂછ્યું, ‘આ મુસાફર ચાલીને જાય છે કે ગાડીમાં?’ ગુલઝાર થોડા નવાઈ પામ્યા અને કહ્યું, ‘તે રસ્તા પર ભટકે છે, તે ચાલી રહ્યો છે અથવા કદાચ કોઈ સવારીમાં છે પણ તે સતત ગતિમાં છે.’ કિશોરદાએ તરત જ કહ્યું, ‘જો તે મુસાફર છે તો તેના અવાજમાં ગતિ સંભળાવી જોઈએ.’ પછી તેમણે ગુલઝારને એક અનોખી વિનંતી કરી. તેમણે કહ્યું કે તેઓ આ ગીત માઈક સામે સ્થિર ઉભા રહીને નહીં ગાય.

રેકોર્ડિંગ દરમિયાન કિશોરકુમાર ખરેખર માઈકની આસપાસ ધીમે-ધીમે ગોળ ફરવા લાગ્યા! તેઓ ગાતા જતા હતા અને માઈકની નજીક આવતા અને દૂર જતા હતા. પંચમદા આ જોઈને હસવા લાગ્યા. પણ જ્યારે તેમણે રેકોર્ડિંગ સાંભળ્યું ત્યારે તેઓ દંગ રહી ગયા. કિશોરદાના આ રીતે ચાલતા-ચાલતા ગાવાથી અવાજમાં એક કુદરતી ‘ફેડ-ઈન’ અને ‘ફેડ-આઉટ’ જેવી અસર પેદા થઈ. ગીત સાંભળતી વખતે એવું જ લાગે છે કે જાણે કોઈ માણસ રસ્તા પર ચાલતો-ચાલતો ગાઈ રહ્યો છે અને આપણી પાસેથી પસાર થઈ રહ્યો છે.

ગુલઝાર કહે છે કે, ‘એક લેખક તરીકે મેં માત્ર ‘મુસાફિર’ શબ્દ લખ્યો હતો પણ કિશોરકુમારે પોતાના અવાજ અને પોતાની હરકતથી એ મુસાફરને જીવંત કરી દીધો. ટેકનિકલ રીતે તે સમયે આવી ઈફેક્ટ્સ લાવવી મુશ્કેલ હતી પણ કિશોરદાએ તેને સાવ સરળ બનાવી દીધી હતી. કિશોરકુમારે જ્યારે આ ગીત ગાયું ત્યારે તેમણે ‘ઠિકાના’ શબ્દ પર જે રીતે ભાર મૂક્યો હતો તે ગુલઝારને એટલું ગમ્યું કે તેમણે કહ્યું હતું, ‘કિશોર, તેં મારા શબ્દોને અર્થ આપી દીધો.’ તમે ગીતને ધ્યાનથી સાંભળશો તો તેમાં ઘોડાના ડાબલાનો એક લયબદ્ધ અવાજ સંભળાય છે.

પંચમદાએ આ અવાજને સંગીત સાથે એવી રીતે વણી લીધો હતો કે તે ગીતનો જ એક ભાગ બની ગયો. સામાન્ય રીતે કિશોરદા ગીતો ખૂબ ઝડપથી રેકોર્ડ કરી લેતા પણ આ ગીત માટે તેમણે અને પંચમદાએ ઘણો સમય લીધો હતો. તેઓ ગીતના અંતરામાં આવતી હરકતોને પરફેક્ટ કરવા માંગતા હતા. આ ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે નિર્દેશક તરીકે ગુલઝારે જીતેન્દ્રને ખાસ સૂચના આપી હતી કે, ‘તમારે આ ગીતમાં ક્યાંય પણ અભિનય નથી કરવાનો. આ ગીતને અનુભવવાનું છે.’ એ જ કારણ છે કે આ ગીતમાં જીતેન્દ્રનો ચહેરો એકદમ શાંત દેખાય છે. જે કિશોરદાના ઠરેલ અવાજ સાથે એકદમ મેળ ખાય છે.

આ ગીતની સૌથી રોચક વાત એ છે કે તેની ધૂન કોઈ સ્ટુડિયોમાં નહીં પણ હોસ્પિટલના રૂમમાં બની હતી. આર.ડી. બર્મન (પંચમદા) ને હ્રદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુલઝાર તેમને મળવા ગયા ત્યારે પંચમદા કંટાળી રહ્યા હતા. તેમણે ગુલઝારને કહ્યું, ‘કંઈક લખીને લાવો. મારે ધૂન બનાવવી છે.’ ગુલઝારે આ ગીતના શબ્દો આપ્યા અને પંચમદાએ હોસ્પિટલના ટેબલ પર ઠપકારા મારીને આ અમર ધૂન તૈયાર કરી હતી.

 

પંચાંગ 05/05/2026

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૫ મે ૨૦૨૬

પશ્ચિમ બંગાળમાં ઈતિહાસ રચાયો: 37 વર્ષ બાદ ભાજપનું પ્રથમવાર શાસન

પશ્ચિમ બંગાળમાં ભાજપ 208 બેઠકો પર જીત અથવા લીડ સાથે પૂર્ણ બહુમતી મેળવી રહ્યું છે, જે 147ના જાદુઈ આંકડા કરતા ઘણો વધારે છે. બીજી તરફ, સત્તાધારી TMC માત્ર 79 બેઠકો પર સમેટાઈ ગઈ છે. ભવાનીપુરની હાઈ-પ્રોફાઈલ બેઠક પર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોના અંતરથી હરાવ્યા છે. આ ચૂંટણીમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક 92.47% મતદાન નોંધાયું હતું, જેણે પરિવર્તનની લહેરને મહોર મારી દીધી છે.

આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની લડાઈ નહોતી, પરંતુ મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પરનો જનમત હતો. ભ્રષ્ટાચારના આરોપો, ભરતી કૌભાંડો અને જનતામાં રહેલી નારાજગી ભાજપ માટે સત્તાનો માર્ગ મોકળો કરનાર સાબિત થયા છે. ભાજપે જે રીતે બંગાળમાં પાયાના સ્તરે મહેનત કરી, તેનું ફળ આજે 200થી વધુ બેઠકો સાથે મળ્યું છે. આ જીત સાથે પશ્ચિમ બંગાળમાં ‘કમળ’ ખીલી ગયું છે અને એક નવા યુગની શરૂઆત થઈ છે.

બંગાળમાં આ વખતે બે તબક્કામાં થયેલા મતદાનમાં કુલ 92.47% મતદાન નોંધાયું હતું. સ્વાતંત્ર્ય પછીનું આ અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે. અગાઉ 2011માં જ્યારે મમતા બેનર્જીએ 34 વર્ષના ડાબેરી શાસનનો અંત લાવ્યો હતો ત્યારે 84% મતદાન થયું હતું. આ વખતે જનતાએ ઘરની બહાર નીકળીને જે રીતે મતદાન કર્યું છે, તેણે સ્પષ્ટ કર્યું કે બંગાળી જનતા પરિવર્તન માટે આતુર હતી.

ભવાનીપુર: ભાજપના શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા.

અન્ય મહત્વની બેઠકો: નંદીગ્રામ, સિંગુર, ખડગપુર સદર અને સિલીગુડીમાં પણ ભાજપે મજબૂત પકડ જાળવી રાખી છે.

ભાજપ હવે બંગાળમાં પ્રથમવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે, જ્યારે આસામમાં પણ સતત ત્રીજી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ પરિણામો આગામી 2029ની લોકસભા ચૂંટણી માટે ભાજપનો પાયો વધુ મજબૂત કરશે.