અમદાવાદ: શહેરના દૂધેશ્વર વિસ્તારમાં મોદીની ચાલી અને મહાકાળી મંદિર નજીક આવેલી ધર્મી સોસાયટીમાં ત્રણ માળની જર્જરિત રહેણાંક ઈમારતનો એક હિસ્સો મંગળવારે ધરાશાયી થઈ ગયો હતો. આ અંગે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને કૉલ મળતા જ બચાવ કાર્ય શરૂ કરાયું હતું.
આ ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર સિવાય અન્ય ત્રણ માળ આવેલા હતા. જેના ત્રીજા માળે પતરાંનો શેડ આવેલો હતો, જેમાં તિરાડો પણ પડી ગઈ હતી અને બાંધકામ પણ નબળું પડી ગયું હતું. છેવટે આ ઘટનામાં અગાશી અને સીડીનો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે બીજા માળનો હિસ્સો પણ તૂટ્યો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડે અહીં રહેતા તમામ લોકોને ઝડપથી નીચે ઉતારી દેતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
શાહપુર ફાયર સ્ટેશનના ઓફિસર અનુસાર, અમે જોખમી ઈમારતમાંથી 16 લોકોને તાત્કાલિક બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. આ ઈમારત લાંબા સમયથી નાજુક સ્થિતિમાં હતી. સ્થાનિક સત્તાધિકારીઓને પણ આ જોખમ વિશે સૂચના અપાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઈમારતના બાકીના ભાગનું પણ નિરીક્ષણ કરીને તેને તોડી પાડવાનું કામ શરૂ કરી શકે છે. ખાસ કરીને ચોમાસું બેસી ગયું હોવાથી શહેરની તમામ જૂની ઈમારતોમાં રહેતા લોકોને સ્થાનિક વોર્ડ ઓફિસોમાં જાણ કરવા વિનંતી કરી છે.





ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પછી એમના અંગત અને જાહેર જીવન વિશે ઘણું બધું લખાઇ ચૂક્યું છે. 4 ઓગસ્ટ, 1956ના રોજ બર્માના રંગૂનમાં જન્મ, રાજકોટમાં ઉછેર અને શિક્ષણ, યુવાવસ્થાથી જ સંઘના સંસ્કાર અને ભાજપમાં પ્રવેશ, કટોકટીમાં જેલવાસ, સંઘ પરિવારના જ અંજલિબહેન સાથે પ્રેમલગ્ન. લગભગ પાંચ દાયકાના રાજકીય જાહેરજીવનમાં રાજકોટના મેયર, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, રાજ્યસભાના સભ્ય, પ્રદેશ ભાજપના પ્રમુખ અને છેલ્લે ગુજરાતના મુખ્યમંત્રી એમ સંગઠન-સરકારમાં અનેક જવાબદારીઓ નિભાવી. પંજાબના ભાજપના પ્રભારી પણ રહ્યા. (ચિત્રલેખાઃ 7 માર્ચ, 2016)
પરંતુ એક રાજકીય આગેવાન તરીકે વિજયભાઇ બીજા કરતાં એ બાબતમાં અલગ પડયા કે, કોઇ જ્ઞાતિ-જાતિના પીઠબળ વિના ફક્ત એક સમર્પિત કાર્યકર્તા તરીકે એ મુખ્યમંત્રી જેવા ટોચના હોદ્દા સુધી પહોંચ્યા. નહીં તો આજકાલ કોઇ હોદ્દા માટે પસંદગી કરવાની હોય ત્યારે જ્ઞાતિનું પીઠબળ પહેલાં જોવાય છે, પણ વિજયભાઇ જેની કોઇ વોટબેંક જ નથી એવા સમાજમાંથી આવતા હોવા છતાં મુખ્યમંત્રી બન્યા. ચૂંટણીના રાજકારણમાં એ મત ઊઘરાવી શકે એવો લોકપ્રિય ચહેરો ન બની શક્યા, પણ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું એટલે પક્ષના કાર્યકરો-નેતાઓનો વિશ્વાસ જીતી શક્યા. એ અર્થમાં વિજય રૂપાણી અપવાદ છે કે, જ્ઞાતિવાદના જોરે કે વ્યક્તિગત લોકપ્રિયતાના બળ વિના પણ એ ફક્ત પક્ષ માટે કામ કરતા કરતા પોતાની રાજકીય કારકિર્દી બનાવી શક્યાય. રાજકીય ચડાવ ઉતાર વચ્ચે ય એ કરતા જાળ કરોળીયોની માફક પક્ષ માટે મહેનત કરતા રહ્યા.
મિલનસાર અને સહજ સ્વભાવે આ બાબતમાં એમની મદદ કરી. મુખ્યમંત્રી નહોતો ત્યારે અને હતા ત્યારે પણ પક્ષના નાના કાર્યકર્તાઓને પણ મળતા રહ્યા. એમને મળવાનું કોઇ માટે અઘરું નહોતું. એપોઇન્ટમેન્ટ લેવાની બહુ મોટી ઝંઝટ નહોતી એટલે રાજકીય આગેવાનોમાં દુર્લભ એવી આ ‘ઇઝી એક્સેસ’ ના કારણે એમની આ સરળતાનો પરિચય એમના સંપર્કમાં આવનાર તમામ લોકોને થયો.
અફકોર્સ, છેવટે તો વિજયભાઇ એક રાજકારણી હતા. રાજકીય તેલ જોઇને, એ તેલની ધાર જોઇને ડગલું માંડનાર રાજકારણી. મળે ત્યારે સામેવાળી વ્યક્તિને, ખાસ કરીને મોટાભાગના પત્રકારોને લાગે કે વિજયભાઇએ એમની સાથે પેટછૂટી રાજકીય વાતો કરી છે, પણ હકીકતમાં વિજયભાઇ જેટલું બોલવાનું હોય એટલું જ બોલ્યા હોય! જે સંજોગોમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું એ પછી ય જાહેરમાં ક્યારેય બળાપો કાઢ્યો નહીં, કુશળ રાજકારણીની જેમ રાજકીય રહસ્યો પચાવી રાખવાની કળા એમને સાધ્ય હતી. એ શાણા રાજકારણી જરૂર હતા, પણ લુચ્ચા નહોતા. એ અર્થમાં વિજયભાઇ શાતિર પણ નહોતા કે કિન્નાખોર પણ નહોતા.
પક્ષ પ્રત્યેની વફાદારી એમના રાજકીય જીવનનો સૌથી મોટો ગુણ હતો. સત્તા છોડવી પડે ત્યારે ભલભલા રાજકારણીઓથી પક્ષ વિરુધ્ધ બળાપો નીકળી જતો હોય છે. એમની નારાજગી સીધી કે આડકરતી રીતે છતી થઇ જતી હોય છે, પણ વિજયભાઇ એમાંથી બચી શક્યા. હજુ થોડાક સમય પહેલાં જ ગાંધીનગરસ્થિત એમના નિવાસસ્થાને અનૌપચારિક વાતચીતમાં અમે એમને પૂછ્યું કે, ક્યારેય તમને પક્ષ છોડી દેવાનો કે બળવો કરવાનો વિચાર ન આવ્યો?
વિજયભાઇએ બહુ સરસ જવાબ આપેલો. એમણે કહેલુઃ ‘સંગઠનમાં જિલ્લા-તાલુકા કક્ષાએ કોઇ કાર્યકર્તા પોતાને અન્યાય થયો હોવાની ફરિયાદ કરે કે પક્ષના કોઇ નિર્ણય સામે વિરોધના સૂર બતાવે ત્યારે અમે હંમેશા એમને વ્યક્તિ કરતાં પક્ષ મહાન છે અને પક્ષની શિસ્ત જ સર્વોપરી છે એમ કહીને સમજાવતા આવ્યા છીએ. હવે આજે હું જ એ શિસ્ત તોડું તો ક્યો કાર્યકર્તા મારા બોલવા પર ભરોસો મૂકે?’
કાર્યકર્તાઓનો આ ભરોસો, કાર્યકર્તાઓની આ લાગણી જ તમારા ગયા પછી એમની આંખો છલકાવી ગઇ છે, વિજયભાઇ!






