Home Blog Page 724

સોનુ નિગમના જન્મદિવસ પર શંકર મહાદેવનની પોસ્ટ તો જુઓ

30 જુલાઈ 1973ના રોજ હરિયાણાના ફરીદાબાદમાં જન્મેલા સોનુ નિગમ આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે તેમના મિત્ર અને ગાયક શંકર મહાદેવને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર બંનેની એક ખાસ તસવીર શેર કરી છે અને એક ભાવનાત્મક નોટ પણ લખી છે.

(Photo:IANS)

શંકર મહાદેવને આજે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને સોનુ નિગમનો એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં બંને એકબીજાને ગળે લગાવીને હસતા જોવા મળે છે. આ ફોટો સાથે શંકરે સોનુને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી અને કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિવસની શુભકામનાઓ પ્રિય ભાઈ સોનુ નિગમ. આ અદ્ભુત મિત્રતા અને અમે બનાવેલા અને સાથે મળીને કરીશું તે બધા અદ્ભુત સંગીત માટે શુભકામનાઓ.’

શંકર મહાદેવનની આ ખાસ પોસ્ટ પર, ચાહકો સોનુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘હેપ્પી બર્થડે સર જી’, બીજા ચાહકે લખ્યું, ‘હેપ્પી બર્થડે સોનુ સર, લવ યુ’, બીજા ચાહકે લખ્યું, ‘એક ફ્રેમમાં બે દિગ્ગજ’, બીજા ચાહકે લખ્યું,’બંને મારા પ્રિય છે’, બીજા ચાહકે લખ્યું,’ખૂબ જ સરસ પોસ્ટ’. સોનુ નિગમે આ પોસ્ટ પર શંકર મહાદેવનનો આભાર માન્યો અને ટિપ્પણીમાં લખ્યું, ‘ખૂબ ખૂબ આભાર.’

સોનુ નિગમની કારકિર્દી

સોનુ નિગમને ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી સફળ ગાયકોમાંના એક માનવામાં આવે છે. સોનુ નિગમ હિન્દી અને કન્નડ ભાષાની ફિલ્મોમાં ગાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનુએ તેની સમગ્ર ગાયકી કારકિર્દીમાં 32 થી વધુ ભાષાઓમાં 6,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. સોનુ નિગમના પ્રખ્યાત ગીતો જે પ્રેક્ષકો વારંવાર સાંભળે છે, જેવા કે “સંદેસે આતે હૈં” (બોર્ડર), “બોલે ચૂડિયાં” (કભી ખુશી કભી ગમ), “સતરંગી રે” (દિલ સે), “યે દિલ દિવાના” (પરદેસ), “અભી મુજ મેં કહીં” અને “કલ હો ના હો”.

સુરક્ષા તપાસમાં એર ઈન્ડિયાનાં વિમાનોમાં મળી 100 ખામીઓઃ DGCA

નવી દિલ્હીઃ જો તમે પણ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરવાનું પસંદ કરો છો તો આ ખબર તમારું મન ચિંતાથી ભરી દેશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA) દ્વારા એર ઈન્ડિયા સાથે સંબંધિત ઘણી ખામીઓનો ખુલાસો થયો છે. પાઇલટો અને કેબિન ક્રૂની તાલીમ, આરામ અને ડ્યુટીના નિયમો તેમ જ ઉડાન ભરવી અને ઉતરવા સંબંધિત માપદંડોમાં આશરે 100 પ્રકારની ખામીઓ મળી છે, એમ અહેવાલ કહે છે.

DGCA દ્વારા આ ખુલાસો તાજેતરમાં કરાયેલા ઓડિટ પછી થયો છે, જે મુસાફરોની સુરક્ષા માટે ગંભીર ચિંતાનું કારણ છે. DGCAની રિપોર્ટમાં સાત ખામીઓને ‘લેવલ-1’ના રૂપમાં વર્ણવી છે, અર્થાત્ આ ખામીઓ અત્યંત ગંભીર છે અને તરત સુધારવાની જરૂર છે. બાકી 44 ખામીઓ 23 ઓગસ્ટ સુધી સુધારવાની સૂચના આપવામાં આવી છે. જોકે આ ખામીઓની સંપૂર્ણ યાદી હજુ જાહેર કરવામાં આવી નથી.

એર ઈન્ડિયાએ ખામીઓ સ્વીકારી

એર ઈન્ડિયાએ એક નિવેદન દ્વારા આ ઓડિટનાં પરિણામોને સ્વીકાર્યાં છે. કંપનીએ જણાવ્યું હતું કે તે નિર્ધારિત સમયમર્યાદાની અંદર DGCAને પોતાનો જવાબ આપશે. આ ઓડિટ એવા સમયે થયું છે જ્યારે 12 જૂનની વિમાન દુર્ઘટના પછી નિયામક સંસ્થા એરલાઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

DGCA દ્વારા ચાર કારણ બતાવો નોટિસ

એર ઈન્ડિયાના ગુરુગ્રામ સ્થિત મુખ્ય મથકમાં આ ઓડિટ 1થી 4 જુલાઈ વચ્ચે કરવામાં આવી હતી, જેમાં ફ્લાઇટ ઓપરેશન, શેડ્યુલિંગ, સ્ટાફની ડ્યુટી અને તાલીમ સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી. આ તપાસ પછી DGCAએ 23 જુલાઈએ એર ઈન્ડિયાને ચાર “કારણ બતાવો” નોટિસ મોકલી હતી. આ નોટિસ ખાસ કરીને કેબિન ક્રૂની ડ્યુટી અને આરામ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આપવામાં આવી હતી. આ પહેલા 21 જૂને DGCAએ શેડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત ત્રણ અધિકારીઓને બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો.

કાન ખોલીને સાંભળો, PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી : જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે કોંગ્રેસ પર પ્રહારો કર્યા અને કહ્યું કે કેટલાક લોકો ઇતિહાસથી ડરે છે. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા પછી સ્થગિત કરાયેલ સિંધુ જળ સંધિ અંગે આ મજાક ઉડાવી. ઓપરેશન સિંદૂર અંગે વિપક્ષ ઘણી વખત સરકાર પર આરોપ લગાવી રહ્યું છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર કરાવ્યો છે, જોકે ભારત સરકાર આ આરોપોને નકારી રહી છે.

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, હું તેમને કહેવા માંગુ છું, તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ. 22 એપ્રિલથી 16 જૂન સુધી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે એક પણ ફોન કોલ થયો નથી. ઇતિહાસનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું, કેટલાક લોકો ઇતિહાસ ભૂલી જવા માંગે છે. કદાચ તે તેમને અનુકૂળ ન હોય. તેઓ ફક્ત તે જ બાબતો યાદ રાખવા માંગે છે જે તેમના મનને ખુશ કરે છે.

નેહરુની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા

જયશંકરે 1960માં સંસદમાં જવાહરલાલ નેહરુના નિવેદનને યાદ કર્યું. તેમણે કહ્યું, 30 નવેમ્બર, 1960ના રોજ નેહરુએ કહ્યું હતું કે સંસદે પાણીની માત્રા કે પૈસાની લેવડદેવડનો નિર્ણય લેવો જોઈએ નહીં. લોકોએ તેનો વિરોધ કર્યો હતો. નેહરુએ કહ્યું હતું કે આ સંધિ પાકિસ્તાની પંજાબના હિતમાં છે. પરંતુ તેમણે કાશ્મીર, પંજાબ, રાજસ્થાન કે ગુજરાતના ખેડૂતો વિશે એક પણ શબ્દ બોલ્યો નહીં. વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સંધિ તે સમયની ખોટી નીતિઓનું પરિણામ હતી. તેમણે કોંગ્રેસની વિચારસરણી પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે તે ઇતિહાસમાંથી પાઠ શીખવા તૈયાર નથી.

મોરબીના રાજાએ કર્યો હતો આ મહાદેવનો જીર્ણોધ્ધાર

સાબરમતી નદી, અરવલ્લીના ડુંગરોમાંથી ઉદ્ભવીને ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ અને ખંભાતના અખાત સુધી 371 કિલોમીટરની યાત્રા કરે છે. પૌરાણિક શિવ સાથે જોડાયેલી આ નદીના કિનારે કુંભેશ્વર, ધોળેશ્વર, કોટેશ્વર, દુધેશ્વર, વાડજ-કાશ્મીરા મહાદેવ, વિક્ટોરિયા ગાર્ડન પાસે પૌરાણિક મહાદેવ, ગ્યાસપુર સોમનાથ મહાદેવ અને હાંસોલના મહાદેવ જેવાં અસંખ્ય મંદિરો આવેલાં છે. રાજા-રજવાડાઓ અને સાધુ-સંતો દ્વારા સ્થાપિત આ મંદિરો ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

ગાંધીનગરના કોબા ખાતે સાબરમતી નદીના કિનારે ઊંચાઈ પર આવેલું કુંભેશ્વર મહાદેવ મંદિર જે એક પૌરાણિક તપોભૂમિ છે. ચોસઠ પગથિયાં અને સંતોની સમાધિ ધરાવતા આ સદીઓ જૂના મંદિરના જીર્ણોદ્ધાર માટે મોરબીના રાજા લખધીરજી મહારાજ અને અમદાવાદના ઉદ્યોગપતિ શેઠ નંદલાલ બોડીવાલાએ યોગદાન આપ્યું. માન્યતા છે કે ગાંધીનગર-અમદાવાદનાં પાંચ પ્રસિદ્ધ મહાદેવ મંદિરો એકસાથે બંધાયાં. પાંડવ કાળથી જાણીતા આ મંદિરનો જીર્ણોદ્ધાર યોગેશભાઈ નાઈ જેવા કાર્યકરો નવા સ્વરૂપે કરી રહ્યા છે. શ્રાવણ મહિનામાં ચોમાસાની ઋતુ દરમિયાન આ મંદિર ભક્તોને મહાદેવના સાન્નિધ્યમાં પવિત્ર ઊર્જા પ્રદાન કરે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

પહેલગામ હુમલોઃ UNએ સૌપ્રથમ વાર TRFને જવાબદાર ઠેરવ્યું

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા માટે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) જવાબદાર છે. TRFએ હુમલા પછી બે વખત દાવો કર્યો હતો, એમ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સેન્શન્સ મોનિટરિંગ ટીમે બુધવારે વૈશ્વિક આતંકી સંગઠનો અંગે રિપોર્ટ જાહેર કર્યો હતો. TRFએ હુમલાવાળા દિવસે એટલે કે 22 એપ્રિલે ઘટનાસ્થળના ફોટો પણ પ્રકાશિત કર્યા હતા. બીજા દિવસે ફરીથી જવાબદારી લીધી, પરંતુ 26 એપ્રિલે અચાનક પોતાનો દાવો પાછો ખેંચી લીધો. આ પછી TRF તરફથી કોઈ નિવેદન આવ્યું નહોતું.

સંયુક્ત રાષ્ટ્રનો આ 36મો રિપોર્ટ ISIS, અલ કાયદા અને સંબંધિત સંગઠનો પર આધારિત છે. અહેવાલ મુજબ- એક સભ્ય દેશે જણાવ્યું હતું કે આ હુમલો પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબા (LeT)ની મદદ વિના શક્ય ન હતો. TRF અને LeT વચ્ચે સાંકળ છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે પહેલગામ વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ છે અને આતંકી સંગઠનો આ તણાવનો લાભ લેવા ફરી પ્રયાસ કરી શકે છે. પહેલગામની બાયસરન ઘાટીમાં 22 એપ્રિલે આતંકીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં એક નેપાળી નાગરિક સહિત કુલ 26 લોકો (હિન્દુઓ)નાં મોત થયાં હતાં.

TRFને અમેરિકાએ આતંકી સંગઠન જાહેર કર્યું છે

18 જુલાઈએ અમેરિકાએ TRFને વિદેશી આતંકી સંગઠન (FTO) અને ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકી (SDGT) તરીકે જાહેર કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ જાણકારી આપી હતી.

“TRFએ ભારતીય સુરક્ષા દળો પર અનેક હુમલાની જવાબદારી લીધી છે, જેમાં 2024નો હુમલો પણ સામેલ છે. અમેરિકી સરકારનો આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પહેલગામ હુમલાના દોષીઓને ન્યાય આપવા માટેના પ્રયાસોનો ભાગ છે. આ પગલું બતાવે છે કે ટ્રમ્પ સરકાર દેશની સુરક્ષા માટે ગંભીર છે અને આતંકવાદ સામે મજબૂતીથી ઊભી છે.

મુંબઈ: કાંદિવલી ખાતે આયોજિત ‘ભણે નરસૈંયો’ કાર્યક્રમમાં જામ્યો ભક્તિનો રંગ

મુંબઈના કાંદિવલી ખાતે 26 જુલાઈએ કળા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં કાર્યરત સંવિત્તિનું અનોખું રચનાત્મક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરસિંહ મહેતાના જીવનની સંઘર્ષમય વાતો અને રસપ્રદ પદોએ શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતાં.

આદિ કવિ નરસિંહ મહેતાના જીવન-કવન આધારિત “ભણે નરસૈંયો” કાર્યક્રમમાં સાહિત્ય, કળા, સંગીત અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સમાજમાં સાહિત્ય માટેની જાગ્રુતિ લાવવાના લક્ષ્ય સાથે કામ કરતી સંસ્થા સંવિત્તિએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. સંવિત્તિએ આ વખતે દસ વર્ષ બાદ ભક્તકવિ નરસિંહ મહેતાના જીવન તેમ જ કવન ઉપર આધારિત તેમના પદોની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી, જેને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો હતો.

સંવિત્તિ સંસ્થાના સ્થાપક સભ્ય કીર્તિભાઈ શાહે શ્રોતાઓનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું. આ સાથે જ તેમણે ડૉ. વિજય પંડયા, ચિત્રકાર અતુલ ડોડિયા, વૈજ્ઞાનિક જે.જે.રાવલ, ડૉ. પંકજ જોશી, વગેરે જેવા અનેક મહાનુભાવોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે હાજર ડૉ.દિનકર જોષીનો તેમણે ખાસ આભાર વ્યકત કર્યો હતો.

નરસિંહ મહેતાના પદો ગાઈને સંગીતયુક્ત ભક્તિમય વાતાવરણ સર્જનાર ગાયક કલાકારોમાં વરિષ્ઠ ગાયક મહેશ શાહ, જાણીતા ગાયિકા શ્રધ્ધા શ્રીધરાણી, તોરલ ગોરડિયા, મૈધીશ વૈદ્ય, આયુષ ઉપાધ્યાય, ગાયિકા ભાવિ ભટ્ટ ઉપાધ્યાય, ભાવનાબેન મહેતાનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂઆત તોરલ ગોરડિયાએ અતિ પ્રસિદ્ધ પદ ‘જાગને જાદવા’ થી કરી હતી. તેમણે અન્ય એક પદ ‘ભોળી રે ભરવાડણ’ ગાયુ હતું. સૂરીલી ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણીએ ‘નિરખને ગગનમાં’ અને ‘ભૂતળ ભક્તિ’ એ પદો ગાઈને ખૂબ જ અલૌકિક વાતાવરણ ઊભુ કરી દીધું હતું. ભાવના મહેતાએ ખૂબ જ પ્રચલિત રાસ ‘નાગર નંદજીના લાલ’ તેમ જ મહાત્મા ગાંધીજીનું અતિ પ્રિય અને કાયમ લોકજીભે રહેતું ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાયુ હતુ. આયુષ ઉપાધ્યાયે મેહુલો ગાજે, જે ગમ્યું જગતગુરુ, જાગીને જોઉં તો જગત, મૈધીશ વૈધે રામ સભામાં,સુખ દુઃખ મનમાં, ગાયિકા ભાવિ ભટ્ટ ઉપાધ્યાયે પોતાના બુલંદ અવાજની ધારામાં ‘હૂંડી’ અને ‘આજની ઘડી રળિયામણી’ જેવા પદો ગાઈને શ્રોતાઓને આનંદના સાગરમાં તરતા કરી દીધા હતા.

કાર્યક્રમના સંચાલનની જવાબદારી અમૃત બારોટ દ્વારા નિભાવવામાં આવી હતી. તેમણે ખૂબ જ નોખી શૈલીમાં નરસિંહ મહેતાના જીવનકવનને વર્ણવ્યું હતું. સંવિત્તિના સ્થાપક સભ્ય મયુર દવે અને સ્થાપક સભ્ય સંજય ગોહિલે પણ કાર્યક્રમ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી. રિધમિસ્ટ અને તબલાંવાદક કીર્તિ શાહે વાદ્યવૃંદનું સુંદર સંચાલન કર્યું હતું. કાર્યક્રમના સમાપનમાં સંવિત્તિના સભ્ય જયેશ ચિતલિયાએ શ્રોતઆઓનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે આજે આપણને નરસૈંયાએ ભણાવ્યા, હવે આપણે તેને યાદ કરીએ, યાદ પછી તેનું મનન કરીએ અને મનન બાદ જીવનમાં તેનો અમલ કરીએ. નરસિંહ તો કૃષ્ણ સુધી પહોંચ્યા, આપણે નરસિંહ સુધી પહોંચીએ તો પણ જીવન સાર્થક થઈ શકે.

કલાકારો તબલા વાદક કીર્તિ શાહ ઉપરાંત કીબોર્ડ ઉપર ભાવેશ દવે તેમ જ નીલેશ શાહ, પરક્યુસનીસ્ટ વૈભવ દોશી, ઓડિઓ આર્ટિસ્ટ પ્રમિત છેડા, વાંસળી વાદક પાર્થ વ્યાસ, સંગીત સાધક અશોક મિસ્ત્રી સહિતના કલાકારોએ કાર્યક્રમમાં રંગ રાખ્યો હતો.આ પ્રસંગે કાંદિવલી એજયુકેશન સોસાયટીના ટ્રસ્ટી વિનોદ શાહ, બીજલ દત્તાણી સહિત શ્રી લોહાણા મહાજનવાડીનાં ટ્રસ્ટી મંડળનાં સભ્યો ઉપરાંત અનંતરાય મહેતા, વસંત શાહ, વિનિત શુકલ, વગેરે જેવા અનેક અગ્રણી નાગરિકો અને રસિકજનો હાજર રહ્યા હતા. કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રએ પણ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામમાં શ્રી મુંબઈ હાલાઈ લોહાણા મિત્ર મંડળે પણ સહયોગ આપ્યો હતો.

(અહેવાલ: સોનલ કાંટાવાલા)

બિહાર મતદાર યાદી 1 ઓગસ્ટે પબ્લિશ થશે

બિહાર મતદાર યાદી 2025 1 ઓગસ્ટે પ્રકાશિત થશે. આ પછી મતદાર યાદી તમામ રાજકીય પક્ષોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પછી દાવાઓ અને વાંધાઓના નિકાલની પ્રક્રિયા 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં જોવા મળતા તમામ માન્ય મતદારોના નામ યાદીમાં સામેલ કરવામાં આવશે. 30 સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે.

ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો અને સામાન્ય મતદારોને જણાવ્યું છે કે જો તેમને 1 ઓગસ્ટે પ્રકાશિત થનારી ડ્રાફ્ટ મતદાર યાદી અંગે કોઈ વાંધો હોય અથવા કોઈનું નામ ભૂલથી ઉમેરવામાં આવ્યું હોય અથવા દૂર કરવામાં આવ્યું હોય, તો તેઓ 1 સપ્ટેમ્બર સુધીમાં તેમના વિધાનસભા મતવિસ્તારના સંબંધિત મતદાર નોંધણી અધિકારી (ERO) પાસે ફોર્મ ભરીને વાંધો નોંધાવી શકે છે. તેને સુધારી લેવામાં આવશે.

જિલ્લા મેજિસ્ટ્રેટે શું કહ્યું?

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે મતદાર યાદી પ્રકાશિત થયા પછી, રાજકીય પક્ષોને તેની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કોઈ મતદારનું નામ ખૂટે છે, તો તેઓ દાવો કરી શકે છે. જો કોઈનું નામ ખોટી રીતે નોંધાયેલું હોય, તો તેઓ વાંધો નોંધાવી શકે છે. દાવાઓ અને વાંધાઓનો ઉકેલ 26 ઓગસ્ટ સુધીમાં લાવવામાં આવશે. જેમના નામ મતદાર યાદીમાં નોંધાયેલા નથી તેઓ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે.

ગીરની આઇકોનિક જય-વીરુ જોડીની ચિરવિદાય

ગીર: એકાદ મહિના પહેલાં વીરુના અને સોમવારે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરિણામ મેળવી શક્યા નહીં.અત્યંત ભારે હ્રદય સાથે વન્યજીવપ્રેમી પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વિરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય-વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.”

ગીરના હ્રદયમાં, જય-વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.

તેમની રહસ્યમયી ડણક દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાનાં પ્રતિક સમા સ્તુતિગાન ये दोस्ती…हम नहीं तोडेंगे, छोडेंगे दर मगर, तेरा साथ न छोडेंगे…ને પ્રતિબિંબિત કરતી હતી. જો તમે ગીરમાં ગયા હોય અને જય-વીરુને ન જોયા હોય તો તમે જંગલના આત્માને ચૂકી ગયા કહેવાય “गिर में जय-वीरु को नहीं देखा तो कुछ नहीं देखा”.

ગીર હંમેશા દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે.

ગુજરાત ATS દ્વારા પકડાયેલી શમા પરવીન કોણ છે ?

ગુજરાત ATS એ ભારતીય ઉપખંડમાં અલ કાયદાના એક મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ટીમે શમા પરવીન સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા હતા અને ગઝવા-એ-હિંદના કાવતરામાં સામેલ હતા. તેમની પાસેથી ષડયંત્ર સંબંધિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે. ATS દ્વારા બેંગલુરુથી ધરપકડ કરાયેલી શમા પરવીન આ મોડ્યુલની માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે.

ATS લાંબા સમયથી આ કેસની તપાસ કરી રહી છે. ટીમે આ સંદર્ભમાં ઘણી જગ્યાએ દરોડા પણ પાડ્યા છે. 23 જુલાઈના રોજ, અલ કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે બધાએ કહ્યું કે તેઓ શમા પરવીન છે.

એક અઠવાડિયાની સઘન તપાસ બાદ, ATS એ આખરે બેંગલુરુથી શમા પરવીનની ધરપકડ કરી છે. તેની પાસેથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, નકશા, મોબાઇલ નંબર, સ્થાનની માહિતી મળી આવી છે. તે પાકિસ્તાની લોકો સાથે સીધી સંપર્કમાં હતી. ગુજરાતના ગૃહમંત્રીના જણાવ્યા મુજબ, મહિલા ખૂબ જ ટ્રેન્ડી છે.

શમા પરવીન કોણ છે?

ગુજરાત ATS અનુસાર, શમા પરવીન 30 વર્ષની છે અને બેંગલુરુની રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા ઘણા મહિનાઓથી પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતી. AQIS ની વિચારધારાનો પ્રચાર કરવા માટે શમા દિલ્હી અને ઉત્તર ભારતમાં જૂથો સાથે જોડાયેલી હતી.

ગુજરાત ATS અનુસાર, શમા પરવીન આ સમગ્ર મોડ્યુલની મુખ્ય કાવતરાખોર હતી અને લોકોને કટ્ટરપંથી બનાવીને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરતી હતી. શમા ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામગ્રી શેર કરતી હતી જેમાં વીડિયો, ભાષણો અને આતંકવાદને પ્રોત્સાહન આપતી પોસ્ટનો સમાવેશ થતો હતો.

તપાસમાં ગુજરાત ATSને શું મળ્યું?

ગુજરાત ATSને શમા પરવીન પાસેથી પાકિસ્તાન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો, નકશા, મોબાઇલ નંબર, સ્થાનની માહિતી મળી છે. ધરપકડ કરાયેલા આ પાંચ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ સંગઠિત રીતે ઓનલાઈન આતંકવાદી મોડ્યુલ ચલાવી રહ્યા હતા. આ કેસમાં પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલર્સ વિશે પણ માહિતી સામે આવી છે.

ગુજરાત ATS એ તમામ આરોપીઓ સામે UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કેસ નોંધ્યો છે. લેપટોપ, મોબાઇલ, હાર્ડ ડિસ્ક, AQIS સંબંધિત ડિજિટલ સાહિત્ય, એન્ક્રિપ્ટેડ ચેટ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ડિજિટલ ફોરેન્સિક ટીમ શમા પાસેથી આ ડેટાની તપાસ કરી રહી છે, જેથી તેમના અન્ય નેટવર્ક સભ્યો શોધી શકાય.

આ રીતે આખો કેસ બહાર આવ્યો

ATS ને Instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ વિશે માહિતી મળી હતી. 10 જૂનના રોજ, ગુજરાત ATS ના ડેપ્યુટી SP હર્ષ ઉપાધ્યાયને ચેતવણી મળી હતી કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં ઇસ્લામિક ખિલાફતનો પ્રચાર કરી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે AQIS ને પ્રોત્સાહન આપતા આ એકાઉન્ટ્સ ચોક્કસ લોકો સાથે જોડાયેલા હતા. તેમના દ્વારા, ચાર આરોપીઓનું નેટવર્ક પ્રકાશમાં આવ્યું છે.

જાપાનમાં 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળે જવા સલાહ

નવી દિલ્હીઃ રશિયાના કામચાટકામાં બુધવારે સવારે 8.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેના થોડા સમય બાદ જ રશિયાના કુરીલ દ્વીપ સમૂહ અને જાપાનના મોટા ઉત્તરીય દ્વીપ હોક્કાઇડોના કાંઠાવાળા વિસ્તારોમાં સુનામી આવી હતી.

કયાં-કયાં સ્થાનો પર સુનામીનો ખતરો છે?
રશિયા, જાપાન, અમેરિકા, કેનેડા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ન્યુ ઝીલેન્ડ, ચીન, ફિલિપિન્સ, તાઇવાન અને ઇન્ડોનેશિયામાં સુનામીનો ખતરો છે. કોસ્ટલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. તાઇવાન અને ઇન્ડોનેશિયામાં પણ રશિયામાં આવેલા ભૂકંપને કારણે લોકો દહેશતમાં છે, કારણ કે અહીં પણ વહીવટી તંત્ર તરફથી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે।

અમેરિકામાં શું અસર?
અમેરિકા પર સુનામીનો અસર લગભગ 10 કરોડ લોકોને થઈ શકે છે. સુનામીની દહેશત અમેરિકાનાં નવ રાજ્યોમાં જોવા મળી રહી છે. હવાઈમાં 15 લાખની વસ્તી છે, જ્યારે અલાસ્કામાં સાડાસાત લાખ લોકો રહે છે. સુનામીની લહેરોનો અસર અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયા પર પણ પડી શકે છે, જ્યાં કુલ વસ્તી 3.90 કરોડ જેટલી છે. તેમ જ વોશિંગ્ટન, ઓરેગોન, ટેક્સાસ, ન્યુ મેક્સિકો, એરિઝોના અને લુસિયાના જેવાં રાજ્યોમાં પણ સુનામી લહેરોના કહેરનો ડર છે.

જાપાનમાં હાલત કેવી છે?

જાપાનના તટીય વિસ્તારોમાં સુનામીની લહેરો ટકરાઈ રહી છે. પ્રેસિફિક મહાસાગરમાં ઊંચી-ઉંચી લહેરો ઊભી થવાની શક્યતા છે, જેને પગલે જાપાનના કોસ્ટલ એરિયાઓ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 20 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવામાં આવ્યા છે. જાપાનના હવામાન વિભાગે પૂર્વીય તટ માટે સુનામીની ચેતવણી આપી છે. હોક્કાઈડોથી લઈને ક્યોશુ સુધી એલર્ટ જારી કરવામાં આવ્યો છે. લોકોને તટના વિસ્તારો ખાલી કરવા અને સમુદ્રથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે.