Home Blog Page 7

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : NEET વિરોધ વચ્ચે શિક્ષણ સચિવને હટાવાયા

નવી દિલ્હી: નીટ વિવાદ વચ્ચે કેન્દ્રીય વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) દ્વારા 1994ની બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી નરેશપાલ ગંગવારની શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગ (Department of Higher Education)ના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વિનીત જોશીનું સ્થાન લેશે, જેમની બદલી પંચાયતી રાજ વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગમાં આવ્યા પહેલા ગંગવાર પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત, તેઓ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે પ્રદૂષણ નિયંત્રણ અને જોખમી પદાર્થોના વ્યવસ્થાપનની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી.

શિક્ષણનો બહોળો અનુભવ

નરેશપાલ ગંગવાર શૈક્ષણિક રીતે ટેકનિકલ અને આર્થિક ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. તેમણે યુનિવર્સિટી ઓફ રૂરકીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં B.Tech, IIT દિલ્હીમાંથી કોમ્યુનિકેશન અને રડાર એન્જિનિયરિંગમાં M.Tech તથા રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં M.A. કર્યું છે. લાંબા વહીવટી કરિયરમાં તેમણે રાજસ્થાન સરકારમાં શાળા શિક્ષણ, ઊર્જા, કૃષિ, ઉદ્યોગ અને માહિતી ટેકનોલોજી જેવા અનેક મહત્ત્વના વિભાગોમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સિવાય, તેમણે જયપુર ડિસ્કોમના ચેરમેન અને રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના CMD તરીકે પણ સેવાઓ આપી છે. 2010થી 2014 દરમિયાન નેશનલ સોલર મિશનના પ્રારંભિક તબક્કામાં રાજસ્થાનની સોલર એનર્જી પોલિસી ઘડવામાં તેમણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

‘અનશન પૂરું થયું, આંદોલન નહીં!’, અભિજિત દીપકેની જાહેરાત

નવી દિલ્હી: 26 દિવસથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ પોતાના પારણાં કરી લીધા છે. સોનમ વાંગચુકના અનશન વિરામ બાદ તરત જ અભિજિત દીપકેએ સ્પષ્ટ કરી દીધું છે, તેમનું આંદોલન પૂરું થયું નથી અને શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી આ લડાઈ ચાલુ જ રહેશે.

અભિજિત દીપકેનું નિવેદન

સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ અભિજિત દીપકેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોનમ વાંગચુકના ત્યાગની પ્રશંસા કરવાની સાથે આંદોલન ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સરકારનું આશ્વાસન 

સોનમ વાંગચુકને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સરકાર તરફથી તેમની સાથે મુલાકાત કરી હતી.

હોસ્પિટલમાં થયેલી ચર્ચા દરમિયાન સરકારે વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવવાની ખાતરી આપી હતી. સરકારે આશ્વાસન આપ્યું છે કે દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓ અને 20 જુલાઈના રોજ સંસદ માર્ચમાં સામેલ લોકો સામે નોંધાયેલા કેસો પર સકારાત્મક વિચારણા કરીને રાહત આપવામાં આવશે.

પીડિત પરિવારો માટે વળતરની ખાતરી

કેન્દ્રીય મંત્રીઓ સાથેની મુલાકાતમાં બે અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

  • સંસદમાં ચર્ચા: સંસદમાં પ્રશ્નપત્ર લીક અને સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં સુધારા કરવા અંગે ગંભીરતાથી ચર્ચા કરાવવામાં આવશે.
  • પીડિતોને વળતર: NEET પેપર લીકના વિવાદના કારણે માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પીડિત પરિવારોને યોગ્ય આર્થિક વળતર આપવાના પ્રસ્તાવ પર પણ સરકાર સકારાત્મક વિચારણા કરી રહી છે.

અનશન સમેટ્યા બાદ સોનમ વાંગચુકે શું કહ્યું?

અનશનના અંત અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા સોનમ વાંગચુકે જણાવ્યું, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, જીતેન્દ્ર સિંહ અને લેહ-લદ્દાખ એપેક્સ બોડીના નેતાઓની સત્તાવાર હાજરીમાં તેમણે 26 દિવસ બાદ ભૂખ હડતાલ સમેટી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર સાથે થયેલી લાંબી અને ગંભીર ચર્ચા, મળેલા સકારાત્મક આશ્વાસનો અને દેશમાં કોઈપણ પ્રકારની હિંસક કે અપ્રિય પરિસ્થિતિ ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોનમ વાંગચુકના અનશન સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાને ટ્વીટ/સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સોનમ વાંગચુક ડોક્ટરોની સલાહનું સંપૂર્ણ પાલન કરે અને વહેલી તકે પૂર્ણપણે સ્વસ્થ થઈ જાય. તેમણે વાંગચુકના ઉત્તમ સ્વાસ્થ્ય માટે કામના પણ કરી હતી.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૪ જુલાઈ ૨૦૨૬

Chitralekha Gujarati – 03 August, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે અડધી રાત્રે PM મોદીનો વિડીયો સંદેશ

વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે અડધી રાત્રે એક વિડિયો સંદેશ જારી કરીને દેશના યુવાનો અને તેમના વાલીઓને આશ્વાસન આપ્યું છે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે પેપર લીક સામે આગામી કેબિનેટ બેઠકમાં અત્યંત કડક પગલાં લેવામાં આવશે. PM મોદીએ કહ્યું કે પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી, પરંતુ આ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે અત્યંત પીડાસ્પદ બાબત છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે સંસદમાંથી વહેલી તકે પેપર લીક વિરોધી બિલ પસાર કરાવવાનો મજબૂત પ્રયાસ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા આ વિડિયો સંદેશમાં PM મોદીએ કહ્યું, “મિત્રો, હું જાણું છું કે પેપર લીક એ કોઈ સામાન્ય વિષય નથી. તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે ખૂબ જ દુઃખદાયક છે. તેથી જ છેલ્લા અઢી મહિનામાં પેપર લીકની ઘટનાઓ સામે આવ્યા બાદ અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે. ગુનેગારોને પકડી લેવામાં આવ્યા છે અને તેઓ જેલના સળિયા પાછળ છે. આપણી સૌથી મોટી જવાબદારી એ હતી કે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડવું ન જોઈએ. તાત્કાલિક પરીક્ષા યોજવી ખૂબ જરૂરી હતી. સરકારે પોતાની પૂરી શક્તિનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સમયમાં તેનું આયોજન કર્યું. હમણાં પાંચ-છ દિવસ પહેલા 19મી તારીખે પરિણામો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.”

ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાનો મુસદ્દો તૈયાર

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું, “દેશભરમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓની ખુશીના સમાચાર આવી રહ્યા છે, પરંતુ આપણે ત્યાં જ સંતોષ માનીને બેસી રહેનારા લોકો નથી. તેથી જ મેં આજે સંબંધિત વિભાગોને ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આજે વિભાગોએ સતત મહેનત કરીને મોડી રાત્રે મને મુસદ્દો (ડ્રાફ્ટ) પણ સોંપી દીધો છે.”

તેમણે માહિતી આપી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને અત્યંત કડક સજાની જોગવાઈ ધરાવતા આ મુસદ્દા પર કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કેબિનેટના સાથી મંત્રીઓના સૂચનો બાદ તેને આખરી ઓપ આપવામાં આવશે. સોમવારથી સંસદનું બીજું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે, ત્યારે સરકારની પ્રાથમિકતા રહેશે કે આ બિલને સંસદમાંથી વહેલામાં વહેલી તકે પસાર કરાવવામાં આવે.

સોનમ વાંગચુકે 26 દિવસ બાદ અનશન તોડ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો મેસેજ જારી કરવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર તુરંત જ એક્શન મોડમાં જોવા મળી રહી છે. મોડી રાત્રે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી (PMO) ડૉ. જિતેન્દ્ર સિંહ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને કેન્દ્રીય મંત્રીઓ સાથેની મહત્વપૂર્ણ મુલાકાત બાદ સોનમ વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. નીટ (NEET) પેપર લીક અને પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં 26 દિવસથી અનશન પર બેઠેલા પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે પોતાનું અનશન પાછું ખેંચી લીધું છે. બંને મંત્રીઓએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર કોઈ પણ પ્રકારની દંડાત્મક કે કાનૂની કાર્યવાહી ન કરવા, પીડિત પરિવારોને યોગ્ય વળતર આપવા અને સંસદમાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવાનું મજબૂત આશ્વાસન આપ્યું છે.

PM મોદીની સોશિયલ મીડિયા પર અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને સોનમ વાંગચુકને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ લખ્યું, હું સોનમજીને વિનંતી કરું છું કે તેઓ તબીબોની સલાહ મુજબ પોતાની દિનચર્યા રાખે અને વહેલામાં વહેલી તકે પોતાનું જૂનું વજન ફરીથી પ્રાપ્ત કરે.” આ સાથે જ તેમણે ઈશ્વરને પ્રાર્થના કરતા કહ્યું કે સોનમ વાંગચુક ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થાય. પ્રધાનમંત્રીના આ સંદેશને આંદોલન વચ્ચે સરકારના અત્યંત સકારાત્મક વલણ તરીકે જોવામાં આવી રહ્યો છે.

65 સાંસદોની અપીલ અને લાંબી વાટાઘાટો

આ અગાઉ સોનમ વાંગચુકે પોતે ટ્વિટ કરીને ઉપવાસ તોડવાની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ડૉ. જિતેન્દ્ર સિંહ અને લેહ એપેક્સ બોડીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમણે પોતાનું અનશન સમાપ્ત કર્યું છે. વાંગચુકના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ રાજકીય પક્ષોના લગભગ 65 જેટલા સાંસદોએ તેમને રૂબરૂ મળીને અથવા પત્ર મોકલીને અનશન છોડવાની અપીલ કરી હતી. દેશમાં કોઈ પણ પ્રકારની સંભવિત હિંસાની આશંકાને ટાળવા અને વિવિધ શરતો પર થયેલી લાંબી વાટાઘાટો બાદ તેમણે આ ઉપવાસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે.

મેદાંતા હોસ્પિટલમાં મહત્વની બેઠક

દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે બંને કેન્દ્રીય મંત્રીઓ તેમની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ વાંગચુકના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી અને વિદ્યાર્થીઓના મુદ્દાઓ પર સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. વાંગચુકે સરકાર સમક્ષ માંગ રાખી હતી કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામે કોઈ પણ પોલીસ કે કાનૂની કાર્યવાહી કરવામાં ન આવે, પીડિત પરિવારોને આર્થિક વળતર આપવામાં આવે અને સંસદમાં આ ગંભીર મુદ્દા પર નક્કર ચર્ચા થાય.

સંસદીય ચર્ચા અને સુરક્ષાના આશ્વાસન પર અનશનનો અંત

કેન્દ્રીય મંત્રીઓ તરફથી મળેલા સકારાત્મક આશ્વાસન બાદ સોનમ વાંગચુકે પોતાનું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. જે.પી. નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે સરકાર સંસદમાં પેપર લીકના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવા તૈયાર છે અને વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ પ્રાથમિકતાના ધોરણે લાવવામાં આવશે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા મુજબ, નિષ્ણાત તબીબોની ટીમ વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે અને તેમના તમામ વાઈટલ પેરામીટર્સ હાલમાં સ્થિર છે.

પંચાંગ 24/07/2026

મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ: ગુજરાતના 18 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો મિજાજ અત્યંત આક્રમક બન્યો છે અને મેઘરાજાએ રાજ્યભરમાં પોતાનો વિકરાળ પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે આજે સવારે જાહેર કરેલા નાઉકાસ્ટ બુલેટિન હેઠળ આગામી કલાકોમાં રાજ્યભરમાં અતિભારેથી અતિભીષણ વરસાદની ચેતવણી આપી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના 18 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

18 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’

હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદની પૂરતી શક્યતાઓ છે. જે 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં:

સૌરાષ્ટ્ર: જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર.

મધ્ય અને ઉત્તર ગુજરાત: અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર.

દક્ષિણ ગુજરાત: ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીનો સમાવેશ થાય છે.

આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત બાકીના તમામ જિલ્લાઓમાં પણ મુસળધાર વરસાદની ભીતિ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ઉમરગામમાં 11 ઇંચ ખાબક્યો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં વહેલી સવારથી જ ધીમી ધારે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, ગઈકાલે ૨૨ જુલાઈના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૨૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૧૧ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

27 જુલાઈ સુધી કેવો રહેશે વરસાદનો મિજાજ?

હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૭ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આ તીવ્રતા યથાવત રહેશે:

૨૩ જુલાઈ (ગુરુવાર): મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ; જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ રહેશે.

૨૫ જુલાઈ: સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ દર્શાવાયું છે.

૨૬ અને ૨૭ જુલાઈ: અમરેલી, ભાવનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

વહીવટી તંત્ર અને હવામાન વિભાગની એલર્ટ એડવાઇઝરી

વરસાદના સતત વધી રહેલા જોખમને પગલે હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસને નાગરિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરતી સંભાવના હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. આ સાથે જ દરિયામાં ભયાનક કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને પોતાના પાક તથા પશુઓની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

સરકારનું મોટી કાર્યવાહી,અશ્લીલ કન્ટેન્વાળી 50 OTT એપ્સ પર પ્રતિબંધ

સરકારે ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે અને પોર્નોગ્રાફિક સામગ્રી ધરાવતી 50 OTT એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને લોકસભામાં આ જાહેરાત કરી.

ભારત સરકારે 50 OTT એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે યુઝર્સને પોર્નોગ્રાફિક સામગ્રી પીરસતી હતી. ગયા વર્ષે, સરકારે ALT, Ullu અને Desiflix જેવી એપ્લિકેશનો સહિત પોર્નોગ્રાફિક સામગ્રી ધરાવતી 25 એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષના ફેબ્રુઆરીમાં, સરકારે પોર્નોગ્રાફિક સામગ્રી પ્રદર્શિત કરવા બદલ પાંચ વધુ એપ્લિકેશનો પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ (ન્યૂઝ ઓન એર) અનુસાર, કેન્દ્રીય પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને લોકસભામાં એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી પ્રદર્શિત થવાને કારણે 50 એપ્સને અક્ષમ કરવામાં આવી છે. સરકાર સતત આવી એપ્સ પર નજર રાખે છે અને જરૂર પડ્યે પગલાં લે છે.

વાંધાજનક સામગ્રીને કારણે કાર્યવાહી

લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે IT (ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) 2021 એક્ટ હેઠળ આ એપ્સ સામે કાર્યવાહી કરી છે. આ 50 પ્રતિબંધિત OTT પ્લેટફોર્મ પર પ્રદર્શિત સામગ્રી ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 294 અને મહિલાઓના અભદ્ર પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) કાયદાની કલમ 4નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. તેના આધારે, સરકારે આ એપ્સની ઍક્સેસને અવરોધિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

જોકે, સરકારે સ્પષ્ટ કર્યું નથી કે કઈ 50 OTT એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે આઇટી નિયમોમાં તાજેતરના ફેરફારોને પગલે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અન્ય મધ્યસ્થીઓને કોર્ટનો આદેશ અથવા સરકાર અથવા તેની અધિકૃત એજન્સી તરફથી માહિતી મળ્યાના ત્રણ કલાકની અંદર ગેરકાયદેસર સામગ્રીને દૂર કરવા અને તેની ઍક્સેસને અવરોધિત કરવા ફરજિયાત છે.

પ્રતિબંધિત એપ્લિકેશનો પર વાંધાજનક સામગ્રી મોટા પ્રમાણમાં પ્રદર્શિત થઈ રહી હતી. આ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ ફિલ્મો અને શો અશ્લીલ પ્રકૃતિના હોવાનું જાણવા મળ્યું હતું. એપ્લિકેશનો પર પ્રદર્શિત સામગ્રીનો ઉપયોગ ટ્રાફિક અને સબ્સ્ક્રિપ્શન દ્વારા આવક મેળવવા માટે થઈ રહ્યો હતો. સરકારે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને આ એપ્લિકેશનોની જાહેર ઍક્સેસને અવરોધિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ગૂગલ અને એપલને પણ તેમના એપ્લિકેશન સ્ટોર્સ અથવા માર્કેટપ્લેસમાંથી આ એપ્લિકેશનો દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.