Home Blog Page 8

સુપ્રીમ કોર્ટથી જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશનને મોટી રાહત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશનને બે યુવતીઓને જબરદસ્તી સંન્યાસિની બનાવવાના મામલામાં મોટી રાહત આપી છે. CJI ચંદ્રચૂડે બંને સંન્યાસિની સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની મરજીથી ફાઉન્ડેશનમાં રહી રહી છે. જેથી કોર્ટે એ પછી મદ્રાસ હાઇકોર્ટના એ આદેશ પર સ્ટે મૂકી દીધો હતો.

મદ્રાસ હાઇકોર્ટના એ આદેશને પડકાર આપતાં સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, જેમાં કોઇમ્બતુર પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે એ તેમની વિરુદ્ધ બધા કેસોમાં માહિતી એકત્ર કરે અને કોર્ટમાં રજૂ કરે, જોકે ફાઉન્ડેશન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ આદેશ પર સ્ટે લગાવવાની વિનંતી કરતાં કહ્યું હતું કે આશરે 500 પોલીસ અધિકારીઓએ ફાઉન્ડેશનના આશ્રમ પર દરોડા પાડ્યા હતા અને દરેક ખૂણાની તપાસ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી હવે 18 ઓક્ટોબરે કરશે.

આ પહેલાં ફાઉન્ડેશનની વિરુદ્ધ નિવૃત્ત પ્રોફેસર એસ. કામરાજે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી. કામરાજે હાઇકોર્ટમાં દાખલ હેબિયસ કોર્પસ પિટિશનમાં આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીઓ –લતા અને ગીતાને ઇશા ફાઉન્ડેશનના આશ્રમમાં બંધક બનાવીને રાખવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઈશા ફાઉન્ડેશને તેની દીકરીઓનું બ્રેઇનવોશ કર્યું છે, જેને કારણે તેઓ સંન્યાસિની બની ગઈ છે. તેમનો એવો આરોપ પણ છે કે આ સંગઠન લોકોનું બ્રેઇનવોશ કરી રહ્યું છે અને તેમને સાધુ બનાવી રહ્યું છે તેમ જ તેમને તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા દેતું નથી. ત્યાર બાદ હાઇકોર્ટે આશ્રમ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, GMDC ગરબાનું કરાવશે ઉદ્ધાટન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મંગળવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ એસજી હાઈવે ખાતે મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી ગોતા ખાતે વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ભાડજ ખાતે 447 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં તેઓ લોકોને સંબોધન કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ગોતા વેજીટેબલ માર્કેટ બનતા નાના ફેરિયાઓને લાભ થયો છે. નાના બાળકોના અભ્યાસ માટે સ્માર્ટ સ્કુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કરોડોના વિકાસકાર્યો ભેટ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માનું છું.

ગૃહમંત્રી અમિત શાહ સાંજે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ ગૃહમંત્રીના હસ્તે કરાશે. રાત્રે નારણપુરા અને વેજલપુરની સોસાયટીઓમાં ગરબા કાર્યક્રમમાં હાજરી આપશે. બીજા દિવસે સાંજે માણસાના બીલોદરામાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી મોડી સાંજે તેમના વતનમાં માતાજીની આરતી અને દર્શન કરશે.

3 ઓક્ટોબર, 2024ની સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાલ આ બાબતે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં 700 VVIP સહિત 12,000 લોકો હાજર રહેશે. આ બધાની સાથે અમદાવાદ શહેર પોલીસની એક નવી સફર શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવું બિલ્ડિંગ તૈયાર છે. હાઈફાઈ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે. બિલ્ડિંગમાં બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતનાં વાહનો પાર્ક કરી શકાય છે. તો શહેરના મોનિટરિંગ માટે 180ની સિટિંગ કેપેસિટી સાથેનું ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાયું છે. બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે. અલગ અલગ માળ પર વિવિધ સુવિધા સાથે સજ્જ છે. મુલાકાતીઓને એરપોર્ટની માફક અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે. આ બિલ્ડિંગમાં અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરીનો સ્ટાફ ખસેડીને નવી જગ્યા પર કાર્યરત થશે, જે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇઝરાયેલના હુમલામાં હસન નસરસલ્લાના જમાઈ સહિત છનાં મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલની એર સ્ટ્રાઇકમાં હિજબુલ્લા ચીફ હસન નસરલ્લાનો જમાઈ હસન જાફર માર્યો ગયો હતો. ઇઝરાયેલી સેનાએ સિરિયાના દમિશ્ક શહેરની નજીક એક હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હસન જાફર કાસિરનું મોત થયું છે. એના પર અમેરિકાએ 2018માં ગ્લોબલ આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો હતો. એના માથે 10 મિલિયન ડોલર (રૂ. 83 કરોડ)નું ઇનામ હતું.

આ પહેલાં ઇઝરાયેલે હસન જાફર કાસિરના ભાઈ મોહમ્મદ જાફર કાસિરને પણ બેરુતમાં હવાઈ હુમલામાં મારી કાઢ્યો હતો. હવે બીજા મોતથી હિજબુલ્લા કેમ્પમાં હંગામો મચી ગયો છે. આ બંને ભાઈઓ કુખ્યાત આતંકવાદી હતા.

ઇઝરાયેલે બેરુતમાં એક મોટી એર સ્ટ્રાઇક કરીને બોમ્બમારો કર્યો હતો, જેમાં કમસે કમ છ લોકોનાં મોત થયાં હતાં. ઇઝરાયેલે કહ્યું હતું કે બેરુત પર સટિક એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. જેને પગલે બેરુતની અનેક ઇમારતોને ભારે નુકસાન થયું હતું.

લેબનોનના આરોગ્ય અધિકારીઓએ કહ્યું હતું કે કમસે કમ છ લોકો માર્યા ગયા હતા અને સાત જણ ઘાયલ થયા હતા. સુરક્ષા અધિકારીઓના જણાવ્યાનુસાર ત્રણ મિસાઇલોએ દહિયાહના દક્ષિણી ઉપનગરને પણ નિશાન બનાવ્યું હતું, જ્યાં ગયા સપ્તાહે હિજબુલ્લા નેતા હસન નસરલ્લાની હત્યા થઈ હતી. ત્યાં જોરદાર વિસ્ફોટોનો અવાજ થયો હતો. દક્ષિણી ઉપનગરોમાં એક ડઝનથી વધુ ઇઝરાયેલી હુમલા થયા હતા.

દક્ષિણી લેબનનોથી ઇઝરાયેલ તરફ પણ કમસે કમ 240 રોકેટ મારવામાં આવ્યા હતા. એને કારણે ઇઝરાયેલના ચાર વિસ્તારોમાં વોર્નિંગ સાયરન વાગવા માંડી હતી.

 

આ અભિનેત્રીઓનું દેવીઓ રૂપે પડદા પર શાનદાર પ્રદર્શન

શારદીય નવરાત્રિ 3જી ઓક્ટોબર એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે અને આ વખતે નવરાત્રિ પર ખૂબ જ શુભ સંયોગ પણ બની રહ્યો છે. નવરાત્રી 3જી ઓક્ટોબરથી 11મી ઓક્ટોબર સુધી ચાલશે અને 12મીએ દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારતમાં હિંદુ દેવી-દેવતાઓની વાર્તાઓ દર્શાવતી ઘણી આધ્યાત્મિક ટેલિવિઝન સીરિયલો અને ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેટલાક કલાકારો એવા છે જેમણે દેવી શક્તિની ભૂમિકા ખૂબ જ શાનદાર રીતે ભજવી છે અને ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતિ મેળવી છે. નવરાત્રિના અવસર પર જાણીએ ઇન્ડસ્ટ્રીની તે અદ્ભુત અભિનેત્રીઓ વિશે જેમણે દેવીની ભૂમિકા ભજવી છે.

ઈન્દ્રાણી હલદર

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ટીવી અભિનેત્રી ઈન્દ્રાણીએ દૂરદર્શનના ‘મહાલયા’ શોમાં દેવી દુર્ગાની ભૂમિકા ભજવી છે. તેણીએ 2017 માં ઝી બાંગ્લાના ‘મહાલયા’ માં શક્તિશાળી દેવીના છ અવતારોની ભૂમિકા પણ ભજવી હતી. મા દુર્ગાનું ઇન્દ્રાણીનું ચિત્રણ એટલું પ્રભાવશાળી હતું કે આજે પણ જ્યારે આપણે તેને જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે માતા આપણી સામે છે.

મૌની રોય

ગ્લેમરસ અભિનેત્રી મૌની રોય, જે ટીવી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જોરદાર એક્ટિંગથી ધૂમ મચાવી રહી છે. તેણે ‘દેવોં કે દેવ મહાદેવ’માં માતા સતીની ભૂમિકા ભજવી હતી. તેણે 2011 થી 2014 વચ્ચે આ સિરીયલમાં કામ કર્યું હતું. આ ભૂમિકાએ મૌનીને ટીવી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બનાવી હતી.

સોનારિકા ભદૌરિયા

પ્રખ્યાત ટીવી અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ પણ ‘દેવોં કે દેવ મહાદેવ’માં દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલ ભગવાન શિવ પર આધારિત હતી અને સોનારિકાએ તેની પત્નીની ભૂમિકા ભજવી છે. સિરિયલમાં તેની એક્ટિંગને ચાહકોએ ખૂબ વખાણી છે.

આકાંક્ષા પુરી

સીરિયલ ‘વિઘ્નહર્તા ગણેશ’માં આકાંક્ષાએ ભગવાન ગણેશની માતા પાર્વતીની ભૂમિકા ભજવી હતી. આ સીરિયલ ભગવાન ગણેશ, માતા દેવી પાર્વતી, પિતા ભગવાન શિવ અને ભાઈ ભગવાન કાર્તિકેયની જીવનકથાઓની હતી.

દલજીત કૌર

અભિનેત્રીએ ‘મા શક્તિ’ નામની સીરિયલમાં દેવી દુર્ગાની ભૂમિકા ભજવી હતી. જ્યારે તે આ ભૂમિકા ભજવી રહી હતી, ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે આ શો ખૂબ જ શાનદાર રીતે લખવામાં આવ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે આ શો પછી તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે.

પૂજા શર્મા

અભિનેત્રી પૂજા શર્માએ ટીવી સીરિયલ ‘મહાકાલી અંત હી આરંભ હૈ’માં માતા પાર્વતી અને દેવી મહાકાળીની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તે આ પાત્રથી દર્શકોની પ્રિય બની ગઈ હતી.

રતિ પાંડે

અભિનેત્રી રતિ પાંડેએ ‘દેવી આદિ પરાશક્તિ’માં દેવી દુર્ગાની ભૂમિકામાં ખૂબ તાળીઓ જીતી હતી. આજે પણ તે માતા આદિ શક્તિના પાત્ર માટે દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે.

ગુજરાતમાં સાત નવી મેડિકલ કોલેજને મળી મંજૂરી

ગાંધીનગર: ગુજરાતના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટે હવે કદાચ વિદેશ બીજા રાજ્યમાં જવાની જરૂર નહીં પડે. રાજ્યમાં હાલ સુધીમાં જૂની નીતિ અંતર્ગત કુલ પાંચ જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજો કાર્યરત છે. જેનીતિમાં ફેરફાર કરતાં વધું સાત જિલ્લામાં નવી મેડીકલ કોલેજો બનાવવા માટે સરકારે દરવાજા ખોલ્યા છે. નીતિમાં સુધારા-વધારા થતાં આ નવી તકો સર્જાઇ છે.

ગુજરાતના આરોગ્યમંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 2016માં રાજ્યની જિલ્લાસ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ ખોલવા અંગેની નીતિ બનાવવામાં આવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં હાલ બનાસકાંઠા, પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ કાર્યરત છે. હવે બ્રાઉન ફીલ્ડ નીતિમાં સુધારો થવાથી બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર સોમનાથ, ખેડા-નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે.  હોસ્પિટલ ખાતેની બ્લડ બેંક બ્રાઉન ફીલ્ડ મેડીકલ કૉલેજ બનાવ્યા પછી પણ ફરજિયાત ચાલુ રાખવાની રહેશે તથા દર્દીની જરૂરિયાત અને અગ્રતાને ઘ્યાને લઈ તમામને જરૂરીયાત મુજબ નિઃશૂલ્ક બ્લડ પુરૂ પાડવાનુ રહેશે તથા આજુબાજુની સરકારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક બ્લડ આપવું પડશે.

EDએ ક્રિકેટર અઝરુદ્દીનને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા

હૈદરાબાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના નાણાકીય કૌભાંડથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝરુદ્દીનને સમન્સ પાઠવ્યાં છે. તેમને આજે ED ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. આ કેસ રૂ. 20 કરોડની હેરાફેરીનો છે.

ક્રિકેટર અઝરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનમાં ફંડના દુરુપયોગનો આરોપ છે. જેથી EDએ HCAના અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. EDએ તેલંગાણામાં નવ સ્થાનો પર દરોડા પાડ્યા હતા અને અનેક મહત્ત્વના દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતાં.

આ કેસ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં નાણાકીય ગેરરીતિનો છે. તેમની પર આરોપ છે કે અધિકારીઓએ ખાનગી કંપનીઓને ઊંચા દરો પર કોન્ટ્રેક્ટ આપ્યા હતા અને એસોસિયેશનને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.આ કેસમાં EDએ ત્રણ FIR નોંધાવી છે અને વધુ તપાસ જારી છે.

અઝરુદ્દીન સપ્ટેમ્બર, 2019માં HCAના અધ્યદ તરીકે ચૂંટાયો હતો. જૂન, 2021માં તેણે અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું હતું. અઝહરુદ્ધીન વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ એસોસિયેશનના CEO સુનીલ કાંત બોસે કરી છે. જોકે અઝરુદ્ધીને આ આરોપોને નકાર્યા હતા.આ પહેલાં નવેમ્બર, 2023માં સેશન્સ જસ્ટિસ બી. આર. મધુસૂદનમાં ઉપ્પલ પોલીસ દ્વારા નોંધાયેલા ત્રણ અલગ-અલગ ગુનાઇત કેસમાં જામીન આપ્યા હતા. પોલીસે અઝરુદ્દીન અને અન્ય પર ઉપ્પલમાં HCA સ્ટેડિટમ માટે ક્રિકેટ બોલ, જિમ ઉપકરણ અને ફાયરબ્રિગ્રેડ યંત્ર ખરીદતાં સમયે ગેરરીતિ આચરવાનો આરોપ લગાવ્યો હતો.

 

ગુજરાતના આકાશમાં રંગોળી પૂરે છે વીસ લાખ પક્ષીઓ!

અમદાવાદ: આકાશમાં વિહરતા પક્ષીઓને ગણવાનું કામ કેટલું અઘરું છે તે કહેવાની જરૂર નથી, પણ આ અઘરું કામ હમણાં ગુજરાતમાં હાથ ધરાયું અને એના કારણે રાજ્યમાં વીસ લાખ જેટલાં પક્ષીઓ ઉડતા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના વન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24માં ગુજરાતમાં અંદાજે 20 લાખ પક્ષી હોવાનું જાહેર કરાયું છે. રિપોર્ટ અનુસાર દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પ્રજાતિ અને કચ્છમાં સૌથી વધુ 4.56 લાખ પક્ષી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ જિલ્લામાં કુલ 3.65 લાખ પક્ષીઓની ગણતરી કરાઇ છે. તેમાં 3.62 લાખથી વધુ પક્ષી માત્ર નળ સરોવરના છે. નર્મદા જિલ્લો પાણી અને વનરાજીથી ભરપૂર હોવા છતાં પક્ષીઓની સંખ્યા ફક્ત 556 નોંધાઇ છે. યાદ રહે, ગુજરાત તેની ઇકો સિસ્ટમના કારણે પક્ષીઓની વૈવિધ્યતાને આકર્ષે છે અને સ્થાનિક અને યાયાવર-વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતું છે.

Photo By: Gani Sama

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા આ રિપોર્ટ અંગે કહે છે એમ, “કચ્છના મનમોહક રણથી લઈને લીલાછમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધીના લેન્ડસ્કેપ્સના સ્પેક્ટ્રમમાં વિખરાયેલા છે. કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ, સ્થળાંતર ઋતુ દરમિયાન હજારો ગ્રેટર ફ્લેમિંગોના આગમનના સાક્ષી બને છે, જે સફેદ રણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે. પક્ષી-પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનને રાજ્યમાં વિશેષ  પ્રાધાન્ય આપવામાં આવે છે. જેના ભાગ રૂપે નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે ૫૦ હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે.”

રાજ્યમાં ૫૦ હજારથી વધુ પક્ષીઓ ધરાવતાહોટસ્પોટ

હોટસ્પોટ

જિલ્લો

અવલોકન કરાયેલ પક્ષીઓની સંખ્યા

નળ સરોવર અમદાવાદ ૩,૬૨,૬૪૧
તોરણીય-જોડિયા જામનગર ૧,૫૯,૩૩૧
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ કચ્છ ૧,૪૫,૨૦૪
થોળ મહેસાણા ૧,૧૧,૬૧૧
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ બનાસકાંઠા ૧,૦૨,૦૨૦
ઇન્ડિયા-પાકિસ્તાન બોર્ડર રોડ- કચ્છ કચ્છ ૯૦,૨૨૫
બોરીયાબેટ કચ્છ ૮૧,૭૫૧
INS વાલસુરા રોડ- જામનગર જામનગર ૭૩,૬૩૧
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ- જગમલ બેટ ટાવર બનાસકાંઠા ૬૨,૭૧૪

Photo By: Gani Sama

રાજ્યમાં ૫૦ હજારથી વધુ પક્ષીઓ ધરાવતાહોટસ્પોટ

રાજ્ય સરકારના આ રિપોર્ટ અંગે ચિત્રલેખા.કોમ એ કેટલાંક પક્ષીવિદો સાથે વાત કરી અને પક્ષીઓની સંખ્યામાં થયેલાં વધારા પાછળના કારણો જાણવાનો પ્રયત્ન કર્યો તો શું કહ્યું આ પક્ષીવિદોએ?

 

ગની સમા, પક્ષીવિદ, નળસરોવર: નળ સરોવરમાં ચાર વર્ષ પહેલાં પક્ષીઓની 240 પ્રજાતિ જોવા મળતી હતી. જે આજના સમયમાં 327 પ્રજાતિ અહીં જોવા મળે છે. આ માટે છેલ્લાં ત્રણ વર્ષમાં નળ સરોવરના વનઅધિકારીઓએ સારી મહેનત કરી છે. પક્ષીઓ માટેના ખાસ હેબિટાટ તૈયાર કરવામાં આવ્યા છે. પાણીની આવક વધતાં કેટલાંક પ્રકારના ઝાડ કુદરતી રીતે નાશ પામ્યા હતા. મીઠી જાળ અને દેશી બાવળ આ બધાંની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો.

 

જેના પરિણામે નળ સરોવરમાં અત્યારે જંગલોમાં રહેતાં પક્ષીઓ પણ જોવા મળી રહ્યાં છે. અત્યારે નળ સરોવરમાં ફોરેસ્ટ બર્ડ, વોટર બર્ડ અને ગ્રાસલેન્ડ બર્ડ જોવા મળે છે. પક્ષીઓ વધવા પાછળનું કારણ સ્ટ્રિક્ટ પેટ્રોલિંગ, હેબિટાટમાં વધારો અને પક્ષીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે છે.

 

દેવવ્રતસિંહ મોરી, મેમ્બર ઓફ સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાયફ, ગુજરાત સરકાર: ગુજરાતમાં પક્ષીઓની વસ્તી પ્રજાતિઓ, રહેણાંક વર્તણૂંક અને પર્યાવરણીય પરિબળોના આધારે ભિન્નતા દર્શાવે છે. જયારે કેટલીક પ્રજાતિઓમાં વધારો જોવા મળ્યો છે, તો કેટલીક પ્રજાતિઓએ રહેણાંક ગુમાવવાના કારણે, શહેરીકરણ અને આબોહવા પરિવર્તનના કારણે પડકારોનો સામનો કર્યો છે. કુલ મળીને, બર્ડ કોન્ઝર્વેશન સોસાયટી, ગુજરાત તથા ઈ-બર્ડ સિટિઝન સાયન્સ પ્રોજેક્ટ્સ દ્વારા યોજાયેલા મૂલ્યાંકનો પક્ષીઓની વસ્તીમાં થતા ફેરફારોનો વધુ સ્પષ્ટ ચિતાર આપે છે. નિયમિત વસ્તી ગણતરીઓ આ વલણોને વધુ સચોટ રીતે સમજવામાં મદદરૂપ થાય છે.

કેટલીક પ્રજાતિઓ, ખાસ કરીને જે શહેરી અને ઉપશહેરી પરિસ્થિતિઓમાં ફૂલીફાળી શકે છે, જેમ કે મોર (Indian Peafowl), તેમની વસ્તીમાં વધારો થયો છે. આનું કારણ મુખ્યત્વે વન્યજીવન સુરક્ષા અધિનિયમ (Wildlife Protection Act) જેવી કાનૂની રક્ષણની વ્યવસ્થામાં સુધારો અને ગુજરાત વન વિભાગના સંરક્ષણ પ્રયાસો છે. એ ઉપરાંત, નાના કચ્છના રણ જેવા પાનીના વિસ્તારોમાં પાણીના પક્ષીઓ અને ફ્લેમિંગો જેવી પ્રજાતિઓની વસ્તીમાં વધારો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તારોમાં વધારે સારું જળ વ્યવસ્થાપન અને ઘટેલા માનવ પ્રવૃત્તિઓનો લાભ થયો છે. તેમછતાં, અન્ય સંવેદનશીલ પ્રજાતિઓ માટે સતત સંરક્ષણ પ્રયાસો ખૂબ જ જરૂરી છે.

 

વિશાલ ઠાકુર, પક્ષીવિદ, વડોદરા: ગુજરાત એ યુરેશિયા કે સાયબિરિયાથી પક્ષીઓ જે માઈગ્રેશન કરીને આવે છે તેનાં પટ્ટા પર આવેલું રાજ્ય છે. ઈરાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન બધી જ બાજુથી આવતા પક્ષીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન ગુજરાત છે. આપણા રાજ્યમાં બાયોડાયવર્સિટી વધારે છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો અને જો બે કેન્દ્રશાસિત પ્રદેશો ઉમેરવામાં આવે તો 1700 કિલોમીટરનો દરિયા કિનારો છે. ભાલનો વિસ્તાર છે, કચ્છનું સફેદ રણ છે આપણી પાસે. વેટલેન્ડ આપણી પાસે ઘણા છે. આ ઉપરાંત આપણી પાસે ચાર રામસર સાઈટ્સ થોળ, નળ સરોવર, ખીજડિયા અને વઢવાણ પણ છે.

ફ્રેશ વોટર બોડીમાં જે પ્લાન્ટસ ઉગતા હોય છે તે વિદેશથી આવતા ડક્સ તેમજ ઘણી બધી પ્રજાતિના પક્ષીઓ માટે ખુબ જ સારું કામ કરે છે. એક સારું વેજિટેશન પુરૂં પાડે છે. પાણીની અંદર સારું વેજિટેશન હશે તો ફિશિસ પણ હશે, બીજા ઈન્સેક્ટ્સ પણ હશે. વોટર બોડીને સપોર્ટ કરવા માટે બીજી ડાયવર્સિટી પણ હશે. જેનાથી જો તમારી પાસે ફૂડ ઓફ રિસોર્સિસ સારા હોય તો તમારા ત્યાં પક્ષીઓ વધુ માત્રામાં આવવાના જ છે. આપણે ત્યાં નદીઓની કોતરો મોટી સંખ્યામાં છે, જેનાં કારણે પક્ષીઓનું નેસ્ટિંગ પણ મોટાં પ્રમાણમાં થતું હોય છે.

પક્ષીઓ ગુજરાતમાં આવે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે આપણા ત્યાં તેમને સંપૂર્ણ સુરક્ષા મળે છે. પક્ષીઓનું કોચિંગ થાય છે, પણ ખુબ જ નાના પાયે થતું હશે. આપણે ત્યાં જીવદયા અને પક્ષીઓ-પ્રાણીઓ પ્રત્યેની સહાનુભૂતિ મોટાપાયે જોવા મળે છે. ગુજરાતીઓની આ પ્રકારની માનસિક્તા પણ પક્ષીઓના કન્ઝર્વેશનમાં ખુબ જ મોટો ભાગ ભજવે છે.

બહારથી આપણે ત્યાં આવતા પક્ષીઓ માટે વેધર પણ સપોર્ટિવ છે. ઠંડા પ્રદેશમાંથી આવતા પક્ષીઓના શરીરને અનુકૂળ માફકસરનું ટેમ્પરેચર આપણે ત્યાં હોય છે. આમ, ઈકો સિસ્ટમ ખુબ જ સારી હોવાના કારણે પણ પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

સમયનું સુ-સંચાલન આમ થાય

આજે સમાચાર વાંચવામાં આવ્યાઃ સાતેક વર્ષ પહેલાં કોલ્હાપુરમાં પાંત્રીસ વર્ષના એક યુવાને એની માની હત્યા કરેલી. ચાર વર્ષ બાદ, 2021માં નીચલી અદાલતે એને ફાંસીની સજા આપી. તે પછી કેસ બૉમ્બે હાઈ કોર્ટમાં આવ્યો, જેણે મંગળવારે (1 ઑક્ટોબરે) ફાંસી યથાવત્ રાખી. હવે કદાચ આરોપી સુપ્રીમ કોર્ટમાં જશે. એમાં કેટલો સમય જશે, એની આપણને ખબર નથી. બધું મળીને દસ વર્ષ પણ નીકળી જાય.

આ કેસ અથવા એમાં શું બનેલું એની વિગતોમાં ન પડતાં વાત કરવી છે સમયના વેડફાટની. આપણને ક્યારેય એવો વિચાર આવે ખરો કે આપણો મોટા ભાગનો સમય શેમાં શેમાં વીતે છે? અથવા કેવી રીતે વેડફાય છે?

ચોવીસ કલાકનો એક દિવસ ગણીએ તો એમાંથી આઠ કલાક ગયા ઊંઘવામાં. અર્થાત્ ત્રીજા ભાગનો સમય આપણો ઊંઘવામાં જાય છે. બીજા શબ્દોમાં સિત્તેર વર્ષનું માનવઆયુ ગણીએ તો તેમાં લગભગ 23 વર્ષ ઊંઘવામાં જાય છે. આ ઉપરાંત સવારની શૌચ, બ્રશ, સ્નાનાદિક, વગેરે ક્રિયામાં આશરે 90-100 દિવસ ગયા. ટેલિવિઝન, ફિલ્મો જોવાં, મોબાઈલ મચડવો, ફરવા જવું કે હોટેલમાં જવું આ બધાં પાછળ વેડફાતા સમયનો તો ક્યાં કોઈ હિસાબ છે.

ઘણાને મેં એવું કહેતા સાંભળ્યા છે કે, હું તો હજી માંડ ત્રીસનો થયો, મારી પાસે હજુ ઘણો સમય છે. સૉરી. આ લોકો ખોટા છે. કાર્યક્ષમતા અને ટાઈમ મૅનેજમેન્ટના સંદર્ભમાં જોઈએ તો, ટાઈમ આપણી પાસે બહુ જ ઓછો છે. ત્રીસ-ચાલીસ-પચાસ વર્ષ ક્યાં વીતી જશે એની ખબર પણ નહીં પડે.

આપણે જો જીવનને ત્રણ ભાગમાં વહેંચીએ તો પહેલા ભાગમાં આવેઃ સાંસારિક જવાબદારીઓ. બીજા ભાગમાં આવેઃ નિઃસ્વાર્થભાવે કરેલી સેવાપ્રવૃત્તિઓ અને ત્રીજા ભાગમાં આવેઃ ચારિત્ર્યઘડતર.

જીવનની આ ત્રણેય ભૂમિકા ઈમાનદારીથી, સરસ રીતે નિભાવ્યાનો સંતોષ જીવનની અંતિમ ક્ષણે હોય તો જીવ્યું સાર્થકઃ જીવનમાં પુરુષાર્થ કરીને સફળ વ્યવસાયી બન્યા અથવા નોકરીમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા, બધી જ સાંસારિક જવાબદારીઓ નિભાવી, પરિવારને સુખી રાખ્યો, જરૂરિયાતમંદોને બનતી સહાય કરી, જીવન એવું જીવી ગયા કે બીજા માટે પ્રેરણા રૂપ બન્યા.

સમયના સુસંચાલન ઉપરાંત કઠોર પરિશ્રમ પણ એટલો જ જરૂરી છે. જીવનમાં ટોચ પર પહોંચવા લિફ્ટ નથી. એમાં દાદરા જ ચડવા પડે. પુરુષાર્થ કરવો એ આ સૃષ્ટિનો નિયમ છે. પશુ-પક્ષી પણ પુરુષાર્થ કરે છે.

-પણ આપણે માણસની વાત કરીએ. આપણને ખાવાપીવાની ઝાઝી ચિંતા નથી. એ તો વરસભર મળી રહે છે. આપણી દૌડ છે પ્રસિદ્ધિની, પૈસાની, મોભાની. ગરીબ કે તવંગર, એક યા બીજા કારણસર બધાએ દોડવું તો પડે જ છે. પરિશ્રમ સંસારનો નિયમ છે. યથાર્થ પુરુષાર્થ નહીં કરો તો તમને જીવન જીવ્યાનો સંતોષ નહીં મળે. ઈશ્વરે આપણને સૌને ઊર્જા આપી છે. એ ઊર્જાનો યોગ્ય વપરાશ કરવો.

-અને કઠોર પરિશ્રમની સાથે જરૂરી છે કાર્યક્ષમતા, વર્ક એફિશિયન્સી. સમયનું સુસંચાલન. કેમ કે એફિશિયન્સી વિનાના પરિશ્રમનો કોઈ અર્થ નથી.

દરરોજ સવારે ઊઠીને પહેલું કામ કાગળ પર આખા દિવસ દરમિયાન કરવાનાં કામોની યાદી બનાવો. યાદી બનાવ્યા બાદ કયું કામ કેટલું મહત્વનું છે એ પ્રમાણે પ્રાથમિકતા નક્કી કરો.

આના ફાયદા છે. દેશદુનિયાના મૅનેજમેન્ટ ગુરુઓ કહે છે કે સવારના પહોરમાં આવું કામનું લિસ્ટ બનાવવાથી કાર્યક્ષમતા વધે છે. એફિશિયન્સી નહીં હોય તો અલર્ટનેસ નહીં આવે. મનમાં ને વિચાર્યા કરશો તો કામની ટાળંટાળ થયા કરશે.

યાદ રહે, બીજી બધી ચીજો તમે ખોઈ નાખશો તો કદાચ પૈસા આપીને એ પાછી મેળવી શકશો, ખરીદી શકશો, પણ સમય નહીં મળે. વીતેલો સમય ક્યારેય પાછો નહીં આવે. અત્યારે જે ક્ષણે, જે સમયે તમે આ વાંચી રહ્યા છો એ ક્ષણ, એ સમય ક્યારેય પાછાં નહીં આવે. એટલે તમે તમારો સમય બહુ સમજીવિચારીને ખર્ચજો.

ગીરમાં શિયાળના ટોળા જોવા હોય તો દેવાળિયા પાર્ક જવુ પડે

સામાન્ય રીતે જંગલમાં એક કે બે શિયાળ સાથે જોવા મળે. કયારેક બચ્ચા સાથે હોય તો ત્રણ-ચાર, પણ એક સાથે 8-10 કે 12 શિયાળ ટોળામાં જોવા મળે તો? શિયાળને એક પરિવારની જેમ ટોળામાં જોવા હોય તો ગીરના દેવાળિયા સફારી પાર્કમાં જીપ્સી સફારી કરવી પડે.

ચોમાસામાં અહીં અદભૂત રીતે 8-10 કે 12 શિયાળ એક સાથે ફરતા અથવા ઝાડ નીચે બેઠેલા જોવા મળે.

શિયાળ માટે આ રીતે ટોળામાં સાથે રહેવુ એ અસામાન્ય વર્તણૂક છે. પણ ખબર નહીં દર ચોમાસે આ રીતે 10/12 શિયાળ દેવાળિયામાં સાથે જોવા મળી જ જાય છે.