Home Blog Page 620

નેપાળમાં તખતાપલટ? : ઓલી સરકારના નવ મંત્રીઓનાં રાજીનામાં

કાઠમંડુઃ નેપાળમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. નેપાળમાં Gen-Z દેખાવકારોએ બીજા દિવસે પણ હિંસક દેખાવો ચાલુ રાખતાં નેપાળના રાષ્ટ્રપતિ ભવનમાં તોડફોડ કરી છે.  બીજી બાજુ સરકારે સર્વપક્ષી બેઠક બોલાવી છે. આ પહેલાં  કે.પી. ઓલી સરકારના નવ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધાં છે. આ મંત્રીઓએ રાજીનામું આપવાનું કારણ સરકારની નીતિઓ અને સોમવારે સોશિયલ મિડિયા બેનને લઈને થયેલા હિંસક Gen-Z પ્રદર્શન દરમ્યાન થયેલી સરકારી કાર્યવાહી બતાવી છે. બીજી તરફ, નેપાળના બીરગંજમાં નેપાળ સરકારના કાયદા મંત્રી અજયકુમાર ચૌરસિયાના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી છે.

નેપાળમાં રાજીનામું આપનારા મંત્રીઓમાં મુખ્યત્વે કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને માહિતી મંત્રાલય સાથે જોડાયેલાં નામો સામેલ છે. તેમનું કહેવું છે કે સરકારે નાગરિકોની અવાજ દબાવી દીધો છે અને લોકશાહી અધિકારોનું સન્માન નથી કર્યું, જેને કારણે આ પગલું ભરવું પડ્યું. એ સાથે જ ઉપ પ્રધાનમંત્રી પણ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામું એ વાતનો સંકેત આપે છે કે રાજકીય અસંતોષ માત્ર કોંગ્રેસની અંદર જ નહીં, પરંતુ સરકારના ઉચ્ચ સ્તર સુધી ફેલાયો છે.

નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવતાં તેના વિરોધમાં યુવાનોના નેતૃત્વ હેઠળ જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું હતું. આ પ્રદર્શન દરમ્યાન 20 લોકોનાં મોત થયાં છે અને લગભગ 500 લોકો ઘાયલ થયા છે. હિંસક પ્રદર્શનને જોતાં નેપાળ સરકારે મોડી રાત્રે સોશિયલ મિડિયા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો. નેપાળ સરકારના પ્રવક્તા અને માહિતી તથા સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે આ નિર્ણયની જાણકારી મિડિયાને આપી હતી. બીજી તરફ નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન વડા પ્રધાનને પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. જોકે પ્રદર્શનકારીઓ વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામાની માગ કરી રહ્યા છે.

શિલ્પાના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, EOW એ સમન્સ મોકલ્યું

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. આર્થિક ગુના શાખા (EOW) એ તેમને 60.48 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં સમન્સ મોકલ્યા છે. આજે રાજ કુન્દ્રાનો જન્મદિવસ પણ છે. તેમને 15 સપ્ટેમ્બરે પૂછપરછ માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ રાજ કુન્દ્રા 10 સપ્ટેમ્બરે હાજર થવાના હતા. જોકે, તેમણે હાજર થવા માટે વધુ સમય માંગ્યો હતો.

લુકઆઉટ સર્ક્યુલર જારી

EOW એ રાજ કુન્દ્રા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. આ અંતર્ગત તેઓ દેશ છોડી શકશે નહીં. EOW ના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના ઓડિટરને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.

ત્રણ વખત સમન્સ

પ્રારંભિક તપાસ દરમિયાન શેટ્ટી અને કુન્દ્રા બંનેને અગાઉ ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા. બંનેએ કહ્યું હતું કે તેઓ લંડનમાં રહે છે, તેથી તેમણે તેમના વકીલને મોકલ્યા હતા. આ અંગે EOW એ કહ્યું કે વકીલે સંપૂર્ણ માહિતી આપી ન હતી. આ પછી ઔપચારિક FIR નોંધવામાં આવી હતી.

શું છે આખો મામલો?

તમને જણાવી દઈએ કે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં કુન્દ્રા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસના ડિરેક્ટર કહે છે કે 2015 થી 2023 વચ્ચે તેમણે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં 60.48 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે શિલ્પા અને રાજે આ પૈસા કંપનીમાં રોકાણ કરવાને બદલે પોતે ખર્ચ્યા હતા.

શિલ્પાના વકીલની દલીલ

ફરિયાદી દીપક કોઠારીના વકીલ જૈન શ્રોફે કહ્યું કે તેમના ક્લાયન્ટે પુરાવા સાથે પૈસાનું રોકાણ કર્યું હતું. કંપનીએ તેમને ગેરમાર્ગે દોર્યા. તેનાથી વિપરીત શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે ફરિયાદી પોતે કંપનીમાં ભાગીદાર હતો. તેમના પુત્રને ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. જો કંપની નફો કરે, તો તે બંને વચ્ચે વહેંચવામાં આવશે.

બ્રિક્સ બેઠકમાં ભારતે ઉઠાવ્યો અમેરિકી ટેરિફ યુદ્ધનો મુદ્દો

નવી દિલ્હીઃ વિશ્વ વેપાર અને રોકાણ માટે એક સ્થિર માહોલની શોધમાં છે અને જરૂરી છે કે આર્થિક પ્રથાઓ ન્યાયસંગત, પારદર્શક અને સૌના હિતમાં હોવી જોઈએ. મુક્ત, ન્યાયસંગત, પારદર્શક અને નિયમ આધારિત અભિગમના સિદ્ધાંતો પર આધારિત આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલીને જાળવી રાખવી અને તેનું પોષણ કરવું જોઈએ, એમ એમ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું.

બ્રિક્સ નેતાઓની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આજની દુનિયા પણ ચાલતા સંઘર્ષોનું તાત્કાલિક સમાધાન ઇચ્છે છે અને ગ્લોબલ સાઉથે તેના ખાદ્ય, ઊર્જા અને ખાતર સુરક્ષામાં ઘટાડાનો અનુભવ કર્યો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આનો અર્થ એ થાય છે કે વધુ લવચિક, વિશ્વસનીય, અનાવશ્યક રીતે લાંબી ન બનેલી પુરવઠા શ્રેણીઓ ઊભી કરવી. એટલું જ નહીં, ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગનું લોકતંત્રીકરણ કરવું અને વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં તેમના વિકાસને પ્રોત્સાહન આપવું પણ જરૂરી છે. આ દિશામાં થયેલી પ્રગતિ પ્રાદેશિક આત્મનિર્ભરતા તરફ યોગદાન આપશે અને અનિશ્ચિતતાના સમયમાં ચિંતાઓ ઘટાડશે.

તેમણે કહ્યું હતું કે વેપારની પેટર્ન અને બજારની ઉપલબ્ધિ આજની વૈશ્વિક આર્થિક ચર્ચામાં મુખ્ય મુદ્દા છે અને દુનિયાને ટકાઉ વેપારને પ્રોત્સાહન આપવા માટે રચનાત્મક અને સહકારાત્મક અભિગમની જરૂર છે. બ્રિક્સ પોતાના સભ્ય દેશો વચ્ચેના વેપાર પ્રવાહની સમીક્ષા કરીને એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે. જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે, અમારા કેટલાક સૌથી મોટા બ્રિક્સ ભાગીદારો સાથે છે અને અમે ઝડપી ઉકેલ માટે દબાણ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આ સમજણ આજની બેઠકના તારણોનો ભાગ બનશે.

આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલી પર જયશંકરની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જેમાં રશિયન તેલના આયાત પર 25 ટકા દંડ પણ સામેલ છે. અમેરિકા અનેક અન્ય દેશો પર પણ ટેરિફ લગાવી ચૂક્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કાર્યપદ્ધતિમાં અનેક ક્ષેત્રોમાં મોટી ખામીઓ જોવા મળી છે.

સાંસદો આજે ઉપરાષ્ટ્રપતિ ચૂંટશેઃ રાધાકૃષ્ણન અને રેડ્ડી વચ્ચે સીધી ટક્કર

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્યસભાના સભ્યો આજે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન છે, જેમનો સીધો મુકાબલો વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી સાથે છે. આ ચૂંટણી ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈએ સ્વાસ્થ્યનાં કારણોનો હવાલો આપીને અચાનક રાજીનામું આપ્યા પછી થઈ રહી છે.

સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સંસદ ભવનમાં મતદાન ચાલશે, જેમાં કુલ 781 સાંસદ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરીને સંસદ પહોંચ્યા હતા. મતગણતરી સાંજે છ વાગ્યાથી શરૂ થશે અને ત્યાર બાદ તરત જ પરિણામ જાહેર કરવામાં આવશે.

તેલંગાણાની ભારત રાષ્ટ્ર સમિતિ (BRC) અને ઓડિશાની બીજુ જનતા દળ (BJD)એ આ ચૂંટણીમાંથી પોતાને અલગ રાખ્યા છે. બંને પાર્ટીઓએ કોઈ પણ ગઠબંધનને સમર્થન ન આપવાનું એલાન કર્યું છે. રાજ્યસભામાં BRCના ચાર અને BJDના સાત સાંસદ છે, જેમના મત ન પડવાથી મુકાબલાને થોડો વધુ રસપ્રદ બનશે. શિરોમણી અકાલી દળે પંજાબમાં આવેલી પૂર પરિસ્થિતિનું કારણ આપીને મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે, જ્યારે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ખુલ્લેઆમ વિપક્ષી ઉમેદવાર રેડ્ડીને સમર્થન આપ્યું છે। બીજી તરફ, વાયએસઆર કોંગ્રેસ (YSRCP)ના 11 સાંસદ એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણનને સમર્થન આપશે.

જો બધા સાંસદ પાર્ટી લાઇન પ્રમાણે મત આપે તો રાધાકૃષ્ણનને 422 અને રેડ્ડીને 319 મત મળવાની શક્યતા છે, જેના કારણે NDAના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે/. જોકે ગુપ્ત મતદાન હોવાને કારણે ક્રોસ વોટિંગની શક્યતા નકારી શકાય નહીં, જેનાથી પરિણામ પર અસર થઈ શકે છે.

 

૦૯ સપ્ટેમ્બર ૨૦૨૫

ખીલાના જોરે વાછરડું કૂદે

 

ખીલાના જોરે વાછરડું કૂદે

 

 

કોઈ પણ વ્યક્તિ જ્યારે પીઠબળ મોટું હોય ત્યારે એ પોતે ભલે વાછરડા જેવો નાનો કે નિર્બળ હોય પણ એ કૂદકા મારે છે, એટલે કે આક્રમક બને છે.

પોતાની પાછળ કોઈ મોટી મદદ કરનાર અથવા રક્ષણ આપનાર હોય ત્યારે પોતે નબળો દેખાતો હોય તેવો માણસ પણ બીજા સામે લડવા-ઝગડવા અથવા બળિયા સાથે બાથ ભીડવા તૈયાર થાય છે.

આમ ખીલો એટલે કે પીઠબળ અને ખીલાના જોરે કૂદવું એટલે કોઈકની હૂંફે અથવા કોઈના બળના સહારે વર્તન કરવું કે આક્રમક બનવું એવો અર્થ નીકળી શકે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘પગ ઘૂંઘરું બાંધ’ ગીતમાં માત્ર કિશોરકુમારનો અવાજ નથી! 

નિર્દેશક પ્રકાશ મહેરાની ફિલ્મ ‘નમક હલાલ’ (1982) ના લોકપ્રિય ગીત ‘પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી’ માં કિશોરકુમાર સિવાય પણ અન્ય ગાયકનો અવાજ હતો એની ભાગ્યે જ કોઈને ખબર છે કે અંદાજ છે. આજે પણ એવું જ લાગે છે કે એ ગીત માત્ર કિશોરકુમારે જ ગાયું છે. બધી જ જગ્યાએ નામ પણ માત્ર એમનું જ આવે છે. સંગીતકાર બપ્પી લહેરીના પુત્રી રીમા લહેરીએ આ ગીત વિશે કેટલીક રસપ્રદ અને અજાણી વાતો કહી હતી. બપ્પી લહેરીએ ગીતનું સંગીત તૈયાર કરવા માટે બહુ મહેનત કરી હતી. સવા આઠ મિનિટ લાંબુ ગીત બન્યું હતું. એ કારણે રેકોર્ડિંગમાં પણ ત્રણ દિવસ લાગ્યા હતા. એમાં જુદા જુદા ત્રણ પ્રકારના ભાવ આવતા હતા. ઘણા ઝોનરમાં એ ગીત તૈયાર થયું હતું.

શરૂઆતમાં ‘બુઝુર્ગોને ફરમાયા કે’ પંક્તિમાં અવાજમાં અભિનય હતો. એમાં શાસ્ત્રીય શબ્દો ‘સ સ સ ગ ગ રી રી’ આવે છે. એ ઉપરાંત ડિસ્કો ગીત હતું. અને ‘દિલ તો લગતા હૈ’ પંક્તિમાં રોમાન્સ પણ હતો. સંગીત તૈયાર થયા બાદ કિશોરકુમારને ગીત રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે એમને ગીત આપવામાં આવ્યું ત્યારે ઘણા બધા પાનાં જોઈ એ નવાઈ પામ્યા હતા અને બપ્પી લહેરીને પૂછ્યું હતું કે તું મારી પાસે હનુમાન ચાલીસા ગવડાવવાનો છે કે શું? આટલું લાંબુ ગીત બનાવીને તું શું કરી રહ્યો છે? મારે બોરિયા બિસ્તર લાવીને અહીં જ સૂઈ જવું પડશે. હું આટલું લાંબુ ગીત ગાવાનો નથી.

બપ્પીદાએ સમજાવ્યું કે ફિલ્મમાં પરિસ્થિતિ જ એવી છે કે અમિતાભે એમાં આ ગીત કરવાનું છે. બપ્પીદાએ આગ્રહ કર્યો ત્યારે એમણે એ ગીત ગાયું હતું અને એને ગાવામાં ત્રણ દિવસ લાગ્યા હતા. કેમકે અનેક ઝોનરમાં ગીત હોવાથી દરેક અંતરામાં અલગ અલગ ભાવ અને મોડ્યુલેશનની જરૂર પડી હતી. ‘પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી’ ગીતની બીજી વધુ રસપ્રદ વાત એવી છે કે એમાં જે સરગમ છે એ કિશોરકુમારે ગાઈ ન હતી. એને બપ્પીદાના ગુરુ અને શાસ્ત્રીય ગાયક સત્યનારાયણ મિશ્રાએ ગાઈ હતી.

બપ્પીદાને ખબર હતી કે એ બહુ ઝડપી અને શાસ્ત્રીય આલાપ હોવાથી કિશોરકુમાર માટે મુશ્કેલ હતું. સત્યનારાયણનો અવાજ એમાં એવો સામેલ થઈ ગયો કે એવું લાગતું જ નથી કે બીજા કોઈએ ગાયું છે. આખું ગીત કિશોરકુમારે જ ગાયું હોય એમ લાગે છે. એક પંક્તિ ‘સ સ સ ગ ગ રી રી’ ની શરૂઆતમાં કિશોરકુમાર ગાય છે. પણ પછી જે ઝડપી ‘પ પ પ પ પ રે રે સ ની સ ધ‘ ની આવે છે એ સત્યનારાયણે ગાયું હતું. આ ગીત માટે અમિતાભ બચ્ચને પણ એટલી જ મહેનત કરી હતી. ગીતમાં કયા શબ્દો વખતે ચહેરા પર કેવા હાવભાવ લાવવા એ શીખવા અમિતાભ બપ્પીદા પાસે ગયા હતા. રીમા લહેરી પાસે એની એક યાદગાર તસવીર પણ ઉપલબ્ધ છે. જેમાં અમિતાભ હાથમાં ‘પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી થી’ ગીત ગાય છે અને હાર્મોનિયમ લઈ બેઠેલા બપ્પી લહેરી રિહર્સલ કરાવી રહ્યા છે.

 

નેપાળ સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ પાછો ખેંચ્યો

નેપાળ સરકારે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાદવામાં આવેલ પ્રતિબંધ પાછો ખેંચવાની જાહેરાત કરી. યુવાનો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. નેપાળના સંદેશાવ્યવહાર, માહિતી અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગે કટોકટી કેબિનેટ બેઠક બાદ જાહેરાત કરી હતી કે સરકારે સોશિયલ મીડિયા સાઇટ્સ પર લાદવામાં આવેલ પ્રતિબંધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.

વિરોધીઓની માંગણીઓ પૂર્ણ થઈ

ગુરુંગે કહ્યું કે માહિતી મંત્રાલયે સંબંધિત એજન્સીઓને ‘જનરલ ઝેડ’ વિરોધીઓની માંગણી મુજબ સોશિયલ મીડિયા સાઇટ્સ ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ યુવાનો રાજધાની કાઠમંડુમાં સંસદ ભવનની સામે એક વિશાળ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્રણ દિવસ પહેલા, નેપાળ સરકારે ફેસબુક અને એક્સ સહિત 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેઓ નેપાળ સરકાર સાથે નોંધણી કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

નેપાળમાં ફેસબુક અને વોટ્સએપ ફરી શરૂ થયા

મંત્રીએ ‘જનરલ ઝેડ’ વિરોધીઓને તેમનું આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી છે. સોમવારે, કેટલાક વિરોધીઓ સંસદ પરિસરમાં ઘૂસી ગયા ત્યારે વિરોધ હિંસક બન્યો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે પાણીના તોપ, ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કર્યો. દરમિયાન, સોમવાર રાતથી નેપાળમાં ફેસબુક, એક્સ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે.

પંચાંગ 09/09/2025

પંજાબમાં પૂર વચ્ચે સરકારની મોટી જાહેરાત

પૂરને કારણે પંજાબમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પૂરના પાણીમાં ડૂબી જવાથી ખેડૂતોના પાક નાશ પામ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પંજાબની ભગવંત માન સરકારે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ખેડૂતોને વળતર તરીકે પ્રતિ એકર 20,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ અંગેની માહિતી સોમવારે પંજાબના CMO દ્વારા શેર કરવામાં આવી છે.

મુશ્તારકા ખાતાઓમાં સમસ્યાઓ આવશે

પૂરને લઈને સોમવારે પંજાબ સરકારના મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. તેની અધ્યક્ષતા મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતોને લગતા મામલાઓમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. CM ભગવંત માનએ કહ્યું કે પૂરને કારણે જે ખેડૂતોના પાકનો નાશ થયો છે તેમને પ્રતિ એકર 20,000 રૂપિયા વળતર આપવામાં આવશે. આ અત્યાર સુધીનું સૌથી વધુ વળતર છે. તેમણે કહ્યું કે જે લોકો પાસે મુશ્તારકા ખાતા છે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેનું નિરાકરણ પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે પાક વળતર આ ખેડૂતોને ડીસી અથવા પટવારીના માધ્યમથી ચેક દ્વારા સોંપવામાં આવશે.

ખેડૂતો કાંપ વેચી શકશે, સરકારની કોઈ ભૂમિકા રહેશે નહીં

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે પૂરને કારણે ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં કાંપ જમા થયો છે. કેબિનેટે આ અંગે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો આ કાંપ કાઢીને વેચી શકશે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આમાં કોઈપણ રીતે દખલ કરશે નહીં. જો ખેડૂતો તેનો ઉપયોગ પોતાના ઘર બનાવવા અથવા અન્ય કોઈ કામ માટે કરવા માંગતા હોય, તો તેઓ તે સરળતાથી કરી શકે છે. જો ખેડૂતોને આ કામમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે તો સરકાર તેનો ઉકેલ લાવશે.

મૃતકોના પરિવારોને વળતર મળશે

અગાઉ, પંજાબ સરકારે પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારો માટે વળતરની જાહેરાત કરી હતી. સરકારે કહ્યું છે કે પૂરમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલો પણ પ્રકાશમાં આવ્યા છે. આ મૃતકોના પરિવારોને સરકાર દ્વારા વળતર આપવામાં આવશે. મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.