Home Blog Page 588

આઝમ ખાન જેલમાંથી બહાર આવતાં અખિલેશ કહ્યું, આ બધા માટે ખુશીનો દિવસ

સીતાપુર: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાનની સીતાપુર જેલમાંથી બહાર આવી ગયા છે. જેલમાંથી બહાર આવતા જ સપા સમર્થકો અને તેમના પુત્ર અદીબે તેમનું સ્વાગત કર્યું. આઝમ ખાન જ્યારે કાળાં ચશ્માં અને સફેદ કુર્તા પહેરી સીતાપુર જેલમાંથી બહાર આવ્યા ત્યારે સમર્થકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. આઝમ ખાનને કુલ 72 કેસોમાં જામીન મળી ચૂક્યા છે, જેમાં તાજેતરનો ક્વોલિટી બાર જમીન કબજા કેસ પણ સામેલ છે. તેઓ ઓક્ટોબર 2023થી સીતાપુર જેલમાં બંધ હતા.

અખિલેશ યાદવનું નિવેદન

સમાજવાદી પાર્ટીના મુખ્ય અખિલેશ યાદવે જણાવ્યું હતું કે આઝમ ખાનને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા હતા. આજે આઝમ ખાન જેલમાંથી મુક્ત થયા છે, આજે અમારા બધા માટે ખુશીનો દિવસ છે. અમને આશા છે કે આવતા સમયમાં બધા કેસ સમાપ્ત થશે. અન્ય સમાજવાદી પાર્ટીના નેતાઓ પર લગાવાયેલા ખોટા કેસો પણ સમાપ્ત થશે. અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ, દરેક ખોટા કેસ સપા સરકારમાં પાછા લઈશું.

જેલની બહાર ઉમટ્યા સમર્થકો, ટ્રાફિક જામ

ઘણા કેસોનો સામનો કરી રહેલા આઝમ ખાન લગભગ બે વર્ષની સજા બાદ જામીન પર જેલમાંથી બહાર આવ્યા છે. જિલ્લા પ્રશાસને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીતાપુરમાં ભારતીય ન્યાય સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધિત લાગુ કરી હતી, છતાં મોટી સંખ્યામાં સમર્થકો પોતાના વાહનો સાથે જેલ પાસે પહોંચ્યા. જેને કારણે ટ્રાફિક જામ થયો. ટ્રાફિક પોલીસે પ્રતિબંધનો ભંગ કરીને ભેગા થયેલા અનેક વાહનોના ચલણ કાપ્યાં હતાં.

નગર વિસ્તારમાંના પોલીસ ક્ષેત્રાધિકારી (સી.ઓ.) વિનાયક ભોસલેએ જણાવ્યું: કલમ 163 લાગુ હોવા છતાં અફરાતફરી અને ભીડ થઈ હતી. વાહનોને જેલની પાસે આવવાની મંજૂરી ન હતી, છતાં તેઓ પહોંચી ગયા. આગળની જટિલતાઓથી બચવા માટે કાર્યવાહી કરવી પડી હતી.

બેરોજગારી સૌથી મોટી સમસ્યા, તેનો સીધો સંબંધ મતચોરી સાથે: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે દેશમાં યુવાઓની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે અને તેનો સીધો સંબંધ મતચોરી સાથે છે.તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ સરકાર જનતાનો વિશ્વાસ જીતીને સત્તામાં આવે છે, ત્યારે તેનું પહેલું કર્તવ્ય હોય છે યુવાઓને રોજગાર અને તકો આપવાનું, પરંતુ BJP ઈમાનદારીથી ચૂંટણી જીતતી નથી, તેઓ મતચોરી અને સંસ્થાઓને કેદમાં રાખીને સત્તામાં ટકી રહે છે.

નોકરીઓ ઘટી રહી છે, ભરતી પ્રક્રિયા ધ્વસ્ત

કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે નોકરીઓ ઘટી રહી છે, ભરતી પ્રક્રિયા ધ્વસ્ત થઈ ગઈ છે અને યુવાઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. એટલે જ દરેક પરીક્ષા પેપર લીક અને દરેક ભરતી ભ્રષ્ટાચારની વાર્તાઓ સાથે જોડાયેલી રહે છે.

તેમણે કહ્યું હતું કે દેશનો યુવક મહેનત કરે છે, સપનાં જુએ છે અને પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરે છે. પરંતુ મોદીજી ફક્ત પોતાની PR, સેલિબ્રિટીઝ પાસેથી ગુણગાન કરાવવામાં અને અબજોપતિઓના નફામાં વ્યસ્ત છે. યુવાઓની આશાઓ તોડવી અને તેમને હતાશ કરવી આ સરકારની ઓળખ બની ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારતનો યુવક સમજી ગયો છે કે અસલી લડાઈ ફક્ત નોકરીઓની નથી, પરંતુ મતચોરી સામેની છે. કારણ કે જ્યાં સુધી ચૂંટણી ચોરી થતી રહેશે, ત્યાં સુધી બેરોજગારી અને ભ્રષ્ટાચાર પણ વધતા રહેશે. હવે યુવાઓ ન નોકરીની લૂંટ સહન કરશે, ન મતચોરી. ભારતને બેરોજગારી અને મતચોરીથી મુક્ત કરવું જ હવે સૌથી મોટી દેશભક્તિ છે.

સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમઃ નિવૃત્ત બેન્કર સાથે રૂ. 23 કરોડની છેતરપિંડી

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ અરેસ્ટના ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થતો હોવા છતાં હજુ પણ ઘણા લોકો તેની જાળમાં ફસાઈ જાય છે. હવે દિલ્હીની સૌથી મોટી ડિજિટલ અરેસ્ટનો કેસ સામે આવ્યો છે. એક વ્યક્તિ સાથે 22.92 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સાત સ્તરોમાં 4236 લેવડદેવડ કરવામાં આવી હતી.

આ વાત છે 78 વર્ષના નિવૃત્ત બેંકર નરેશ મલ્હોત્રાની. નરેશ મલ્હોત્રા આ છ અઠવાડિયા દરમિયાન ત્રણ બેંકોમાં ગયા હતા. તેમની તરફથી 22.92 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા અને પછી એ જ પૈસા 21 લેવડદેવડ દ્વારા 16 અલગ-અલગ બેંકોમાં જમા થઈ ગયા.

નરેશ મલ્હોત્રા ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ચૂક્યા હતા. હાલત એવી હતી કે તેમને પોતાના દરેક ખર્ચા માટે છેતરપિંડી કરનારાઓની પરવાનગી લેવી પડતી હતી. આ છેતરબાજો ED અને મુંબઈ પોલીસના અધિકારી કહી રહ્યા હતા. એ પછી નરેશ મલ્હોત્રાને લાગ્યું કે હવે ફરિયાદ તો કરવી જ પડશે, કારણ કે તેઓ પોતાની મહેનતની કમાણીમાંથી 22.92 કરોડ રૂપિયા ગુમાવી ચૂક્યા હતા. તેથી 19 સપ્ટેમ્બરે તેમણે FIR નોંધાવી અને પછી શરૂ થયો ચોરાયેલા પૈસા અને ગુનેગારોને પકડવાનો પ્રયાસ.

આ મામલે ઈન્ટેલિજન્સ ફ્યુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સના સંયુક્ત પોલીસ કમિશનર રજનીશ ગુપ્તા કહે છે કે અમે આ પહેલાં પણ મોટા પાયે પૈસાની લેવડદેવડ જોઈ છે. પરંતુ સમજવાની વાત એ છે કે આવા કેસોમાં જો તરત ફરિયાદ નોંધાય તો જ કંઈ થઈ શકે. નહીં તો આરોપીઓને પકડવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

નરેશ મલ્હોત્રાએ 4 ઑગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ બેંકોમાં કુલ 21 વાર મુલાકાત લીધી. તેમની તરફથી 21 RTGS ટ્રાન્સફર કરવામાં આવ્યા. બધા પૈસા 16 બેંક ખાતાઓમાં પહોંચ્યા અને કુલ રકમ 22.92 કરોડ સુધી પહોંચી. જે બેંકોમાં આ રકમ જમા થઈ, તેમાં YES બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક, યુનિયન બેંક અને એક્સિસ બેંક સામેલ હતા. ખાસ વાત એ રહી કે બધા બેંક ખાતા દેશનાં અલગ-અલગ રાજ્યોમાં હતા. ભલે તે ઉત્તરાખંડ હોય, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ કે તામિલનાડુ. પરંતુ કોઈ પણ બેંક ખાતું નવી દિલ્હીમાં ન હતું. સંયુક્ત કમિશનરના જણાવ્યા મુજબ અત્યાર સુધી ફક્ત 2.67 કરોડ રૂપિયા જ ફ્રીઝ કરી શક્યા છે.

કુમાર સાનુએ ગુંડાઓ દ્વારા મને ધમકી અપાવી, એક્સ વાઈફનો ખુલાસો

ગાયક કુમાર સાનુની એક્સ વાઈફ રીટા ભટ્ટાચાર્યએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણીએ કુમાર સાનુના અફેર વિશે અને છૂટાછેડા પહેલા તેણે તેણીને કેવી રીતે હેરાન કરી હતી તે વિશે વિસ્તૃત વાત કરી છે.

કુમાર સાનુનું નામ આ દિવસોમાં સમાચારમાં છે. “બિગ બોસ 19” ની સ્પર્ધક કુનિકા સદાનંદે ખુલાસો કર્યો કે તે કુમાર સાનુ સાથે સંબંધમાં હતી, ભલે તે પહેલાથી જ પરિણીત હતો. જોકે, જ્યારે તેણે તેની સાથે દગો કર્યો ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. હવે, કુમાર સાનુની એક્સ વાઈફ રીટા ભટ્ટાચાર્યએ પણ કુનિકા વિશે વાત કરી છે, જેમાં કુમાર સાનુના અપમાનજનક વર્તનનો ઉલ્લેખ કર્યો છે.

કુમાર સાનુએ તેની એક્સ વાઈફનો હેરાન કરી હતી

ફિલ્મી વિન્ડો નામના પોડકાસ્ટમાં કુમાર સાનુની એક્સ વાઈફ રીટા ભટ્ટાચાર્યએ ચોંકાવનારા ખુલાસા કર્યા. તે કહે છે, “તે સમયે બધા તેની વાત સાંભળતા હતા, અને લોકો તેની સાથે સમય વિતાવતા હતા. તેના સૌથી શક્તિશાળી ગુંડાઓ મને ધમકી આપતા હતા; તેમાંથી એક કે બે આજે પણ આસપાસ છે. તે ઇચ્છતો હતો કે હું તેને પૈસા વિના છૂટાછેડા આપી દઉં. હું બિલકુલ ડરતી નથી; મને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. પણ કુમાર સાનુએ મારું અને અમારા બાળકોનું જીવન બરબાદ કરી નાખ્યું.”

ગર્ભાવસ્થા દરમિયાન પણ હેરાનગતિ

પોડકાસ્ટમાં કુમાર સાનુની ભૂતપૂર્વ પત્નીએ કહ્યું, “મારી ગર્ભાવસ્થા દરમિયાન કુમાર સાનુ મને કોર્ટમાં લઈ ગયો હતો. તે દરમિયાન તેનું અફેર પણ હતું, જેનો ખુલાસો આજે થયો. અને તે મને કોર્ટમાં ખેંચી ગયો? ​​હું તે સમયે ખૂબ નાની હતી, અને મને એવું લાગતું હતું કે મારી આખી દુનિયા ખતમ થઈ ગઈ છે, અને મારો પરિવાર આઘાતમાં હતો. મને ક્યારેય ખબર નહોતી કે શા માટે. તે મારા પર હસતો અને કોર્ટમાં મારી મજાક ઉડાવતો.”

તેણી આગળ કહે છે, “મને કુમાર સાનુની લવ લાઈફમાં બિલકુલ રસ નથી. પરંતુ તેણી (કુનિકા)એ કહ્યું કે કુમાર સાનુ મારા નાક નીચે બીજું અફેર કરી રહ્યો હતો. મારા મૃત્યુ પહેલાં, હું કુમાર સાનુને મારા ત્રણ બાળકો સાથે પૂછવા માંગુ છું કે મેં શું ખોટું કર્યું?”

છૂટાછેડા અને અફેર પછી કુમાર સાનુના બીજા લગ્ન

તેમની પહેલી પત્ની રીટા ભટ્ટાચાર્યથી છૂટાછેડા લીધા પછી, ગાયક કુમાર સાનુ થોડા વર્ષો સુધી અભિનેત્રી કુનિકા સાથે સંબંધમાં હતા. ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા. કુમાર સાનુએ બાદમાં સલોની નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા.

ચીન પર વાવાઝોડા ‘રગાસા’નું જોખમઃ શાળાઓ બંધ, સેંકડો ફ્લાઇટ્સ રદ

હોંગકોંગ: દક્ષિણ ચીનનાં શહેરોમાં વાવાઝોડા ‘રગાસા’ના જોખમ વચ્ચે જીવન થંભી ગયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાંનું સૌથી ખતરનાક વાવાઝોડામાંનું એક છે, જેણે ફિલિપિન્સમાં પહેલેથી જ 3 લોકોના જીવ લીધા છે અને હજારો લોકોને ઘરવિહોણા કર્યા છે. હોંગકોંગ, શેનઝેન અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને લોકો તોફાનથી બચવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.

હોંગકોંગની ઓબ્ઝર્વેટરીના જણાવ્યા મુજબ આ વાવાઝોડા રગાસાની મહત્તમ ઝડપ 230 કિમી પ્રતિ કલાક છે અને તે 22 કિમી પ્રતિ કલાકની ગતિએ દક્ષિણ ચીન સમુદ્રના ઉત્તર ભાગમાંથી પસાર થઈ રહ્યું છે. ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના શેનઝેન અને શ્વેન કાઉન્ટી વચ્ચે આ બુધવારે એ કિનારે અથડાય એવી શક્યતા છે. હોંગકોંગમાં તોફાન માટે ત્રીજું સૌથી મોટું એલર્ટ (સિગ્નલ નંબર 8) જાહેર થયું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મંગળવાર રાત્રે અથવા બુધવારે સવારે તેને વધુ ઊંચું કરવામાં આવી શકે છે. ચીનની રાષ્ટ્રીય હવામાન એજન્સીએ ચેતવણી આપી છે કે આ તોફાન ગ્વાંગડોંગના કિનારાના વિસ્તારોમાં ભારે વિનાશ વેરી શકે છે.

હોંગકોંગમાં સમુદ્રનું જળસ્તર વધી શકે

આ તોફાનની અસરથી હોંગકોંગમાં બુધવારની સવારે સમુદ્રનું જળસ્તર બે મીટર સુધી વધી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં તે ચારથી પાંચ મીટર સુધી પહોંચી શકે છે.

અનેક વિસ્તારોમાં શાળાઓ બંધ, સૈંકડો ફ્લાઇટ્સ રદ

હોંગકોંગ અને મકાઉમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ગ્વાંગડોંગ પ્રાંતના શેનઝેન અને ફોશાન, અને હૈનાન પ્રાંતના હૈકૌમાં પણ શાળાઓ અને ઓફિસો બંધ કરવાનો આદેશ આપ્યો છે. હોંગકોંગમાં સેંકડો ફ્લાઇટ્સ રદ થઈ છે અને શેનઝેન એરપોર્ટ મંગળવાર રાતથી તમામ ફ્લાઇટ્સ બંધ કરશે. મકાઉ સરકારે ઈમરજન્સી વ્યવસ્થા શરૂ કરી દીધી છે, કારણ કે તોફાન બુધવારની સવારે મકાઉથી 100 કિમી દક્ષિણમાંથી પસાર થશે.

 ફિલિપિન્સ અને તાઈવાનમાં તબાહીનું દ્રશ્ય

આ પહેલાં રગાસાને લીધે ફિલિપિન્સમાં પૂર અને ભૂસ્ખલનમાં 17,500થી વધુ લોકો ઘરવિહોણા થયા છે. તાઈવાનમાં તોફાનની અસરથી છ લોકો ઘાયલ થયા છે, 7000થી વધુ લોકો સ્થળાંતરિત થયા અને 8000થી વધુ ઘરોમાં વીજળી ખોરવાઈ ગઈ છે.

સની દેઓલે ‘જિદ્દી’ થી ડાન્સ ગીતો કરવાની જીદ પકડી!

સની દેઓલ કોઈ ફિલ્મના ગીતમાં ડાન્સ કરવાનું પસંદ કરતો ન હતો પણ ફિલ્મ ‘જિદ્દી’ (1997) થી ડાન્સ ગીતો કરવાની જીદ પકડી હતી. સંગીતકાર જોડી દિલીપ સેન- સમીર સેનના એક ગીત પર સની ડાન્સ કરવા કેવી રીતે ઉત્સાહી બન્યો હતો એની વાત દિલીપ સેને એક મુલાકાતમાં કરી હતી.

નિર્દેશક ગુડ્ડુ ધનોઆ સાથે ફિલ્મ ‘જિદ્દી’ માં સનીએ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે સ્પષ્ટ કહી દીધું હતું કે સંગીતકાર તરીકે દિલીપ સેન- સમીર સેનને લેશો નહીં. એમના ગીતો મારી સમજમાં આવતા નથી. એમના ડાન્સ ગીતો જ વધુ હોય છે અને તમને ખબર છે કે હું ડાન્સ કરતો નથી. ડાન્સ ગીત મારા પર જામશે નહીં.

નિર્માતા બબલુ પચીસીયાએ તો પણ દિલીપ સેન- સમીર સેનને કહ્યું કે અમે હૈદરાબાદ જવાના છે. તમે આવી જજો. દિલીપ સેને કહ્યું કે સની ઈચ્છતો નથી પછી શા માટે તમે અમને બોલાવી રહ્યા છો. બે ગીત તૈયાર કર્યા પછી એ અમને કાઢી મૂકશે તો અમારું ખરાબ દેખાશે. પણ એમણે દિલીપ સેનની કોઈ વાત સાંભળી નહીં. દિલીપ સેને એમની સાથે અગાઉ ફિલ્મો કરી હતી એટલે ના પાડી શક્યા નહીં. સાંજે ૬ વાગે સની શુટિંગના વિરામ વખતે આવવાનો હતો.

દિલીપ સેન- સમીર સેન સાથે ગીતકાર સમીરે બે કલાક પહેલાં તૈયારી શરૂ કરી. બે ગીતની ધૂન તૈયાર થઈ એટલે સમીરે ગીતના મુખડા પણ લખી કાઢ્યા. સની આવ્યો અને પહેલું ગીત ‘કાલે કાલે બાલ’ ડાન્સ ગીત સંભળાવ્યું ત્યારે એ ઊભો થઈ ગયો અને કહ્યું કે મને આ ગીત ચાલશે નહીં. આ ગીતને રદ કરો. દિલીપ સેને કહ્યું કે તમે બેસો તો ખરા! ત્યારે પણ સનીએ કહ્યું કે ના, મને આ ગીત ચાલશે નહીં.

દિલીપ સેને જ્યારે કહ્યું કે આ ગીત તો રવીના ટંડન માટે છે ત્યારે પણ પૂછ્યું કે મારે એની સાથે ડાન્સ કરવાનો છે? પણ કહ્યું કે આ તો ફક્ત રવીનાનું જ ગીત છે ત્યારે એ બેઠો. દિલીપ સેને જ્યારે બીજું ગીત ‘હમ તુમ સે ના કુછ’ ગાયું અને સની ખુશ થઈ ગયો. એણે નિર્માતાને કહ્યું કે બધા આવા જ ગીતો જોઈશે. ગીતો સાથે ફિલ્મ ‘જિદ્દી’ નું તમામ શુટિંગ પૂરું થઈ ગયું.

એ પછી નિર્માતાએ કહ્યું કે મારે સની માટે એક ડાન્સ ગીત જોઈએ જ છે. દિલીપ સેન- સમીર સેને ‘મેરા દિલ લે ગઈ કમ્મો કિધર’ બનાવ્યું. જ્યારે સનીને એ સંભળાવવામાં આવ્યું ત્યારે એ ગીત કરવા તૈયાર થઈ ગયો. નૃત્ય નિર્દેશક ચિન્ની પ્રકાશ હતા. એ બહુ મોટી હસ્તી હતા. એક વખત જે ડાન્સ તૈયાર કરી લે એમાં ફેરફાર કરતાં નહીં. અને સની રિહર્સલ કરતો ન હતો. તેથી કોઈના સૂચનથી ગણેશ આચાર્યને લેવામાં આવ્યા.

ગણેશે સનીને સરળ સ્ટેપ આપીને ડાન્સ કરાવ્યો અને એ ગીત હિટ થઈ ગયું. એ પછી જ્યારે ગુડ્ડુએ બીજી ફિલ્મ ‘સલાખેં’ (૧૯૯૮) શરૂ કરી ત્યારે સનીએ દિલીપ સેન- સમીર સેનને સામેથી ફોન કરીને કહ્યું કે મારા માટે એક ડાન્સ ગીત તૈયાર કરજો. હવે હું ડાન્સ કરી શકું છું. એ ફિલ્મમાં ‘ઓ હસીના’ ગીતમાં સનીએ ડાન્સ કર્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે

 

કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે

 

ઘણા બધા માણસો ભેગા થાય અને કોઈ ચોક્કસ તીર્થસ્થાન કે એક કરતાં વધુ તીર્થોની જાત્રાએ નીકળે એને સંઘ કહેવાય. આ બધા માણસો જુદા જુદા પરિવારોમાંથી અને જુદા જુદા ગામોમાંથી પણ હોય. આમ, છતાં પણ ભક્તિમાર્ગના પ્રવાસીઓ તરીકે બધા એકબીજા સાથે સંપીને આનંદમંગળ કરતાં જાત્રા આગળ વધારે. કોઈ સાજુંમાંદુ થાય, કોઇની નાની મોટી મુશ્કેલી હોય તો તે પણ જાળવી લે.

સંઘનો અર્થ જ સમૂહ અને સામૂહિકશક્તિ. પણ જુદા જુદા વિસ્તારનાં કૂતરાં ભેગાં થઈને આવો સંઘ કાઢે તો? પહેલા તો એકબીજા સામે ભસીભસીને મોરચો માંડે અને વખત આવ્યે એવાં લડે કે લોહીલુહાણ થઈ જાય. કૂતરાંનો આ મૂળભૂત સ્વભાવ છે.

કહેવાય છે કે ‘જાતિ સ્વભાવ ન મુચ્યતે’. કોઈ પણ જાતિનું પશુ/પ્રાણી પોતાનો જાતિગત સ્વભાવ છોડતું નથી. અંદરઅંદર લડવું અને એકબીજા સામે ભસ્યા કરવું કૂતરાંનો જાતિગત સ્વભાવ છે. આ કારણે તેઓ અંદરઅંદર લડીને ખતમ થઈ જાય પણ નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવાની સફળતા પ્રાપ્ત કરી શકે નહીં આ સંદર્ભમાં ‘કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 23/09/2025

૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫