Home Blog Page 562

અમદાવાદ : દશેરા નિમિત્તે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરાયું

રામ, લક્ષ્મણ, હનુમાન, રાવણ સહિત રામાયણના પાત્રોની સવારીની સમગ્ર વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. વિજયા દશમીના વિજય સ્વરૂપે દશમાથા વાળા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ દહન પહેલાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સાબરમતી રેલવે કોલોનીના ફૂટબોલ ગ્રાઉન્ડમાં રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

એક વિજય દશમી આ પણ…

વિજયાદશમીના પવિત્ર પર્વની સૌને શુભેચ્છા. આજે ઠેર ઠેર રાવણદહન થશે. જો કે વિજયાદશમી એ ખરેખર તો આપણામાં રહેલાં દૂષણોના દહનનું પર્વ છે, દંભ-દેખાડો-દુષ્ટતાના દહનનો તહેવાર છે.

માનવસૃષ્ટિની રચના થઈ તે પછી સમયાંતરે માનવીની વ્યાખ્યા થતી રહી છે. જેમ કે એરિસ્ટોટલે કહ્યું કે મૅન ઈઝ અ સોશિયલ એનિમલ અર્થાત્ માણસ તો સામાજિક પ્રાણી છે. તો કોઈએ કહ્યું કે મૅન ઈઝ અ રેશનલ એનિમલ અર્થાત્ માણસ બુદ્ધિશાળી પ્રાણી છે… તો એવું પણ સંભળાય છે કે મૅન ઈઝ અ મ્યુઝિકલ એનિમલઃ માણસ સંગીતમય પ્રાણી છે.

મનુષ્યની આવી કેટલીયે જુદી જુદી વ્યાખ્યાઓ વિશ્વમાં થઈ છે. એ બધીના મૂળમાં માણસમાં રહેલા જુદા જુદા સ્વભાવ છે. એ સ્વભાવના અનુભવથી લોકો માણસને ઓળખતા આવ્યા છે, ઓળખાવતા આવ્યા છે, માટે આવી અનેક ઓળખાણોના સરવાળા રૂપે કહેવું હોય તો એટલું જ કહી શકાય કે માનવી મૂળ તો સ્વભાવયુક્ત પ્રાણી છે.

જાતજાતના ને ભાતભાતના સ્વભાવોનું ઘર એટલે માણસ પોતે. મધ જેવા મીઠા ને મરચાં જેવા તીખા સ્વભાવ એમાંથી તમને મળે. તૂરા ને બૂરા, ખારા ને ખોરા સ્વભાવ ને પણ મળી આવે તો નવાઈ નહીં પામવાની. એ તમને યાદ પણ કરશે ને તમારી સામે ફરિયાદ પણ કરશે. એ લાગણીઓ પણ વ્યક્ત કરશે ને માગણીઓ પણ મૂકશે. એ નિંદા માટે પણ મોં ખોલી શકે છે ને પ્રશંસા માટે પણ. એ મારવા માટે પણ હાથ લંબાવી જાણે છે ને તારવા માટે પણ.

યુગ અને જમાનાની ઓળખાણ પણ મનુષ્યના સ્વભાવ ઉપરથી કરવામાં આવે છે. ઈજિપ્તના પિરામિડોનું ઐતિહાસિક સંશોધન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરતાં કેટલાક એવા અવશેષો મળી આવ્યા, જેના પર કંઈક લખેલું હતું. પ્રાચીન લિપિના નિષ્ણાતોએ હજારો વર્ષો પૂર્વેના એ લખાણને વાંચ્યું તો તેમાં એક જગ્યાએ લખેલું હતું કે ‘અત્યારે જમાનો બગડી ગયો છે. વર્ષો પહેલાંનો જમાનો ખૂબ સારો હતો.’

આશ્ચર્યની વાત તો એ છે કે આજથી હજારો વર્ષ પૂર્વે લોકો જે બોલતા હતા એવાં જ વિધાનો આજે પણ લોકો બોલે છે. અર્થાત્ કદાચ પ્રવૃત્તિઓ બદલાઈ હશે, પણ વૃત્તિ તો એની એ જ છે. હા, સ્વભાવ કે પ્રકૃતિ એ અનાદિકાળથી આપણી સાથે જ છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગ્રંથમાં સમજાવે છે કે “મનુષ્યજીવે જે પૂર્વજન્મને વિશે કર્મ કર્યાં છે તે કર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એકરસ થઈ ગયાં છે. જેમ લોઢાને વિશે અગ્નિપ્રવેશ થઈ જાય, તેમ પરિપક્વપણાને પામીને જીવ સાથે મળી રહ્યાં એવાં જે કર્મ તેને જ સ્વભાવ કહીએ અને તેને જ વાસના તથા પ્રકૃતિ કહીએ.”

આમ, કોટિકલ્પથી આ સ્વભાવ માણસમાં લોહીની જેમ વણાઈ ગયા છે. ગંભીરતાપૂર્વક વિચારીએ તો જણાઈ આવશે વિશ્વનાં ભયાનક યુદ્ધો, પારિવારિક સંબંધોમાં તિરાડ, વ્યાવસાયિક સ્થળોમાં પક્ષપાત, શાસનમાં પડ્યુંત્ર વગેરેનાં મૂળ તો કામ, ક્રોધ, માન, મોહ, ઈર્ષ્યા જેવા માણસના સ્વભાવો જ છે. હા, દ્વિતીય વિશ્વયુદ્ધની પાછળ હિટલરનો અહંકાર હતો તો પાણિપતની પડતી માટે ભારતીય રાજાના શંકાળુ અને ક્રોધી સ્વભાવ જવાબદાર હતા. રાવણના કામદોષે રામાયણ સરજ્યું તો મહાભારતના સંગ્રામમાં દુર્યોધનનો ઈર્ષ્યાળુ સ્વભાવ જવાબદાર હતો. સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ સ્વભાવો આપણામાંથી દૂર નથી થતા ત્યાં સુધી સુખમય જીવનની કલ્પના અશક્ય છે.

આવા મહાભયાનક શત્રુને દૂર કરવાનો ઉપાય બતાવતાં ‘વચનામૃત’ જણાવે છેઃ “…માટે જે સ્વભાવે પોતાને ફજીત કર્યો હોય તે સ્વભાવ સાથે સીધું દ્ઢ વેર બાંધીને તેનું મૂળ ઊખડી જાય એવો ઉપાય કરવો. અને જ્યારે હરિની અને હરિભક્તની જેની ઉપર દયા થાય ત્યારે પોતાના શત્રુ- કામ, ક્રોધ, લોભાદિકનું બળ ઘટી જાય છે. માટે સ્વભાવ સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે છે.”

ટૂંકમાં અત્યાર સુધી આપણે સ્વભાવોને મિત્ર માનીને પંપાળતા રહ્યા, જેના પરિણામે તે વધુ ગાઢ બનતા ગયા, પરંતુ જો શાશ્વત સુખ અને શાંતિ તરફ વળવું હોય તો સ્વભાવો સાથે વેર બાંધવું જ રહ્યું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ભારત વિ. વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ મેચઃ ભારતનો સ્કોર બે વિકેટે 112

અમદાવાદઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી મેચ આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પહેલી ઇનિંગમાં ટી ટાઇમ પહેલાં 44.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મોહમ્મદ સિરાજે ચાર, જસપ્રીત બુમરાહે ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધુ રન જસ્ટિન ગ્રીવ્સે 32 બનાવ્યા હતા. શાઈ હોપે 26 અને રોસ્ટન ચેઝે 24 રન બનાવ્યા હતા. બ્રેન્ડન કિંગે 13, એલિક અથાનાઝેએ 12 રન, ખૈરી પિયરે 11 રન, જ્હોન કેમ્પબેલ અને જોમેલ વોરિકને 8-8 રન બનાવ્યા હતા. જાયડન સીલ્સ છ રને નોટઆઉટ રહ્યો હતો.ભારતીય કપ્તાન શુભમન ગિલ સતત છઠ્ઠો ટોસ હાર્યો  હતો. એ પછી ભારત વતી પહેલી ઇનિંગ્સમાં યશસ્વી જયસ્વાલે 36 અને સાંઇ સુદર્શને સાત રન બનાવ્યા હતા. રમતને અંતે કેએલ રાહુલ 53 રન અને શુભમન ગિલ 18 રને દાવમાં છે.  

ભારતની પ્લેઇંગ ઇલેવનયશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, સાય સુદર્શન, શુભમન ગિલ (કપ્તાન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, નીતીશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વેસ્ટ ઇન્ડિઝ પ્લેઇંગ ઇલેવન

તેગનરાયન ચંદ્રપોલ, જ્હોન કેમ્પબેલ, એલિક અથાનાઝે, બ્રેન્ડન કિંગ, શાઈ હોપ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ (કપ્તાન), જસ્ટિન ગ્રીવ્સ, જોમેલ વોરિકન, ખૈરી પિયર, જોહાન લેન, જાયડન સીલ્સ.

દશેરાએ શહેરમાં ફાફડા-જલેબી માટે મોટી કતારો લાગી

અમદાવાદઃ આ વર્ષે નવરાત્રિમાં વરસાદી માહોલ વચ્ચે રાસ-ગરબાની રમઝટ થઈ હતી. હવે દશેરા  પર્વની ઉજવણી માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. એમાંય  ફાફડા-જલેબી પ્રિય પ્રજા એની લિજ્જતને માણવા વહેલી સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી.

નવરાત્રિના છેલ્લા નોરતે આમ તો મોડી રાતથી જ શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ફાફડા-જલેબીની મોજ શરૂ થઈ જાય છે. જોકે આ વર્ષે પણ પૂર્વ ને પશ્ચિમ અમદાવાદની ફરસાણની દુકાનોની બહાર ફાફડા-જલેબી બનાવતા મોટા મંડપ જોવા મળ્યા હતા. આ સાથે કરિયાણાની દુકાન, જ્વેલર્સ, મેડિકલ સ્ટોર્સ, કટલરી સ્ટોર્સ, મોબાઈલ સ્ટોર્સ જેવા અનેક વેપારીઓની દુકાનોની બહારની ખુલ્લી જગ્યાઓમાં પણ ફાફડા-જલેબી અને ચોળાફળી બનાવતા કારીગરોના મંડપ જોવા મળ્યા હતા. આટલા વિશાળ પ્રમાણમાં ફાફડા-જલેબી બનાવવાના વેચવાના મંડપ લાગ્યા, છતાંય વિજયા દશમીની વહેલી સવારથી જ ફાફડા-જલેબી માટે લોકોની કતારો લાગી.

મોંઘા મટીરિયલ્સ, ભાવવધારા સાથે 600થી 800 રૂપિયે કિલોગ્રામ ફાફડા-જલેબીનું વેચાણ થયું હતું. લાંબી કતારો જોઈ કેટલાક લોકોએ ગુણવત્તાની દરકાર કર્યા વગર જ્યાંથી મળે ત્યાંથી ફાફડા-જલેબી, ચોળાફળી મેળવી જ્યાફત માણી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ભાજપનાં MP કંગના રણોતે રાહુલ ગાંધીને કહ્યું, ‘કલંક’

નવી દિલ્હીઃ ભાજપનાં સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એક કલંક ગણાવ્યા છે. સાંસદ કંગનાએ આક્ષેપ મૂક્યો છે કે રાહુલ ગાંધી દરેક જગ્યાએ જઈને ભારતને બદનામ કરે છે.

કંગના રણૌત શું બોલ્યાં?

રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કંગનાએ કહ્યું હતું કે તેઓ એક કલંક છે. બધાને ખબર છે કે તેઓ દરેક જગ્યાએ દેશને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, દેશની ટીકા કરે છે. જો તેઓ દેશની ટીકા કરે છે, કહે છે કે અહીંના લોકો ઝઘડાળુ છે, અહીંના લોકો ઈમાનદાર નથી, તો આ બધાથી તેઓ બતાવવા માગે છે કે ભારતના લોકો નાસમજ છે. જો તેઓ આ જ કહેવા માગે છે, તો એ કારણે હું તેમને કલંક કહું છું. તેઓ હંમેશાં દેશને શર્મનાક સ્થિતિમાં મૂકે છે. દેશને પણ તેમના પર શરમ આવે છે.

હકીકતમાં, કંગના રણૌત દિલ્હીમાં ખાદી મુદ્દે વાત કરી રહ્યાં હતાં. એ દરમિયાન કંગનાએ કહ્યું  હતું કે તમે જોઈ શકો છો કે મેં ખાદીની સાડી અને ખાદીનો બ્લાઉઝ પહેર્યો છે. આપણા સ્વદેશી કપડાં અને ફેબ્રિકની આજે આખી દુનિયામાં ભારે માગ છે. જેમ વડાપ્રધાન કહે છે, દુર્ભાગ્યવશ આપણે ચીજવસ્તુઓ માટે બીજા દેશો પર આધાર રાખવો પડે છે, તેથી હવે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવાનો સમય છે. આ પ્રયાસમાં ભલે અમે ખાદીનાં કપડાં ખરીદીએ છીએ, પરંતુ વડા પ્રધાને ‘મન કી વાત’ કાર્યક્રમમાં એક અપીલ કરી હતી, જેમાં તેમણે ખાસ કરીને કહ્યું હતું કે બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવા આવવું જોઈએ. તેથી, તેમના શબ્દોનો માન રાખતાં, અમે આજે અહીં આવ્યા છીએ.

બંદૂકની અણીએ રાષ્ટ્રગીત માટે ઊભા કરવું દુર્ભાગ્યપૂર્ણઃ મહેબૂબા મુફ્તીનો આરોપ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)નાં વડાં મહેબૂબા મુફ્તીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં લોકોને ‘બંદૂકના બળે’ રાષ્ટ્રગાન માટે ઊભા થવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમણે ભાજપ પર આવા આક્ષેપ કરીને મોટો વિવાદ ઊભો કર્યો છે.

તેમણે કહ્યું હતું કે લોકો રાષ્ટ્રગાન દરમિયાન ઊભા નથી થતાં એ સરકારની નિષ્ફળતા છે. રાજ્યના 30 સપ્ટેમ્બર)ની સાંજે TRC ફૂટબોલ મેદાનમાં રાષ્ટ્રગાન વગાડતી વખતે બેઠેલા ડઝનો યુવકોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

મહેબૂબા મુફ્તીએ શહેરના બગાટ વિસ્તારમાં કહ્યું  હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ બંદૂકના બળે રાષ્ટ્રગાન માટે ઊભા થવા મજબૂર કરે છે. મને મારું વિદ્યાર્થી જીવન યાદ છે, જ્યારે પણ રાષ્ટ્રગાન વાગતું, અમે તેના સન્માનમાં ઊભા થતા હતા. કોઈ જબરદસ્તી નહોતી થતી. આ તેમની નિષ્ફળતા છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મંગળવારની સાંજે શ્રીનગરમાં યોજાયેલા પોલીસ શહીદ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 15 દર્શકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, કારણ કે તેઓ કથિત રીતે રાષ્ટ્રગાન દરમિયાન ઊભા રહ્યા નહોતા.

તેમનો દાવો છે કે દર્શકોને રાષ્ટ્રગાન શરૂ થયું તેનું ધ્યાન જ ન રહ્યું. પોલીસ શહીદ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ, જેમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પણ હાજર રહ્યા હતા, શ્રીનગરના ટી.આર.સી. સ્થિત સિન્થેટિક ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાઈ હતી.

રાષ્ટ્રગાન દરમિયાન ઊભા રહેવાના પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971 રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ધ્વજનો જાણીબૂજીને અનાદર કરવા પર પ્રતિબંધ મૂકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

AIએ છીનવી સેંકડો કર્મચારીઓની નોકરી

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની ગૂગલે ફરી એક વાર પોતાના સેંકડો કર્મચારીઓને છટણી કરી છે. આ છટણી એવા સમયે થઈ છે, જ્યારે ગૂગલ ખર્ચ ઘટાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વધુ ધ્યાન આપી રહી છે. કંપનીએ તેના ક્લાઉડ યુનિટમાં ડિઝાઇન સંબંધિત પદો પર કામ કરતા 100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

છટણીની સૌથી વધુ અસર ક્વોન્ટિટેટિવ યુઝર એક્સપિરિયન્સ રિસર્ચ અને પ્લેટફોર્મ એન્ડ સર્વિસ એક્સપિરીયન્સ ટીમો પર પડી છે. આ ટીમો મુખ્યત્વે યુઝર્સના વર્તનને સમજવા, સર્વે અને ડેટા રિસર્ચ કરવા અને તેને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સામેલ કરવાનું કામ કરતી હતી. ગૂગલે કેટલીક પરિસ્થિતિઓમાં તો પોતાની ક્લાઉડ ડિઝાઇન ટીમોને અડધી સુધી ઘટાડી દીધી છે. સૌથી વધુ છટણી અમેરિકા સ્થિત કર્મચારીઓમાં થઈ છે. ગૂગલે છટણીમાં આવનાર કર્મચારીઓને ડિસેમ્બર સુધી નવી નોકરી શોધવા માટે સમય આપ્યો છે.

શા માટે થઈ રહી છે છટણી?

ગૂગલે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે કંપની ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તરફ આગળ વધી રહી છે. વર્ષ 2025ની શરૂઆતથી જ કંપનીએ અમેરિકામાં સ્થિત તેના અનેક યુનિટ્સમાં કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ પેકેજ ઓફર કર્યું છે.

નાની-નાની ટીમોને સંભાળતા મેનેજર્સની છટણી કરવામાં આવી રહી છે. કર્મચારીઓને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના કામકાજમાં AIને વધુ ઊંડાઈથી સામેલ કરે. ગૂગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં HR, હાર્ડવેર, એડ્સ, સર્ચ, ફાઇનાન્સ અને કોમર્સ જેવી અનેક ડિવિઝન્સમાં છટણી અને બાયઆઉટ્સ કર્યા છે.

 સુંદર પિચાઈએ આપ્યો હતો સંકેત

કંપનીના CEO સુંદર પિચાઈએ અનેક વખત કર્મચારીઓને ચેતવણી આપી છે કે જેમ-જેમ અમે સ્કેલ અપ કરી રહ્યા છીએ, અમને પહેલાં કરતાં વધુ કાર્યક્ષમ બનવાની જરૂર છે. તેમના નિવેદનમાંથી સ્પષ્ટ થાય છે કે આ છટણી કંપનીની લાંબા ગાળાની સ્ટ્રેટેજીનો એક ભાગ છે.

ગૂગલ એકમાત્ર એવી ટેક કંપની નથી જે છટણી કરી રહી છે. તે પહેલાં માઈક્રોસોફ્ટે જુલાઈમાં 9000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. તેવી જ રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટા, 2023થી જ અનેક તબક્કામાં છટણી કરી રહી છે. ભારતમાં TCSએ પણ તાજેતરમાં આશરે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય કર્યો છે, જે તેની કુલ કર્મચારી સંખ્યાનો લગભગ બે ટકા છે.

સંભલમાં ગેરકાયદે મસ્જિદ પર ચલાવાયું બુલડોઝર, પોલીસ દળ તહેનાત

સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ બુલડોઝર એક્શન અસમોલી થાણા વિસ્તારમાં આવેલા રાયા બુઝુર્ગ ગામે થયું છે. પોલીસ, વહીવટી તંત્રનો દાવો છે કે આ કાર્યવાહી તળાવ પર થયેલા ગેરકાયદે બાંધકામ (મસ્જિદ) વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.

સંભલના SP કે.કે. બિશ્નોઇએ જણાવ્યું હતું કે અહીં તેમને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 30 દિવસ બાદ પણ જ્યારે તેમના દ્વારા એને તોડવામાં આવ્યું નહીં તો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવશે. આ ગેરકાયદે બાંધકામ હતું. તેમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. અહીં પોલીસની સંપૂર્ણ વ્યવસ્થા છે. અહીં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઘણું મોટું ક્ષેત્ર છે. આ જગ્યા પરનું બાંધકામ અનેક વીઘા જમીન પર કરવામાં આવ્યું હતું.

ગુરુવારે તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદ અને એક મેરેજ હોમને ધરાશાયી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર અનુસાર આ બાંધકામ સરકારી તળાવની જમીન પર ગેરકાયદે રીતે કરવામાં આવ્યું હતું. કાયદો-વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે. આ કાર્યવાહી દરમિયાન પેરામિલિટરી ફોર્સ અને પોલીસની અનેક કંપનીઓ સ્થળ પર હાજર રાખવામાં આવી છે.

મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ આપી

પોરબંદરઃ CM  ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર કીર્તિમંદિરમાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયા હતા. તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે. વડા પ્રધાન મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર ‘વોકલ ફોર લોકલ’થી આત્મસાત્ કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ પ્રેરણા આપી છે.

વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવતાં અને મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવનું ચિત્ર ઊપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે વિશ્વમાં પૂજાય છે.

બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વડા પ્રધાને જાતે જ હાથમાં ઝાડુ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે. વડા પ્રધાને વોકલ ફોર લોકલનો સંકલ્પ કર્યો છે અને સ્વદેશી ચળવળ થકી ખાદીના ઉત્પાદન અને વેચાણ થકી ચારથી પાંચ ગણો વધારો થયો છે મોટા પાયે રોજગારીનું પણ નિર્માણ થયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

CMએ બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા QR કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવનકવન વિશે આંગળીઓના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી.

જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પોરબંદરની ભૂમિ પ્રખ્યાત છે – એક ચક્રધારી મોહન એટલે ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાથી અને અને બીજા મોહન એટલે ચરખાધારી રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની ભૂમિથી.

પ્રાર્થનાસભાના સમાપન બાદ CMએ પરિસરના ‘સંગ્રહસ્થાન’ ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા ‘પરિવારના મોભીનો વૈભવી ઈતિહાસ’ QR કોડનું અનાવરણ કર્યું હતું. આ QR કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમ જ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે.

મૌલિકભાઈ અને ગાયન વૃંદ દ્વારા ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ….’ સહિતના ભક્તિ ભજનની સરવાણીના માધ્યમથી બાપુને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી એ કર્યું હતું. સર્વધર્મ પ્રાર્થનાસભામાં ભાગવતાચાર્ય  રમેશભાઈ ઓઝા જિલ્લા પંચાયત પ્રમુખ  પરબતભાઈ પરમાર, ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા  સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સેના, સરકારે પહેલગામનો પૂરી તાકાતથી જવાબ આપ્યોઃ સંઘપ્રમુખ

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે પોતાનો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. વિજયાદશમીના દિવસે 1925માં સંઘની સ્થાપના થઈ હતી અને ત્યારથી સંઘ વિજયાદશમી ઉત્સવ ઊજવતો આવ્યો છે. આ વર્ષ સંઘનું શતાબ્દી વર્ષ છે અને 2025 વિજયાદશમીથી 2026 વિજયાદશમી સુધી સંઘ શતાબ્દી વર્ષ ઊજવશે. નાગપુરના રેશમબાગના મેદાનમાં 21,000 સ્વયંસેવકોની હાજરીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.

RSSપ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ પ્રસંગે વિચારો રજૂ કર્યા હતા. તેમણે પાડોશી દેશોમાં તાજેતરમાં થયેલા હિંસક પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે હિંસાથી પરિસ્થિતિ બદલાતી નથી, માત્ર થોડા સમય માટે ઊથલપાથલ થાય છે. બદલાવ તો લોકશાહી માર્ગોથી જ આવે છે. રાષ્ટ્રપિતાને યાદ કરતાં સંઘપ્રમુખે કહ્યું કે તેમણે સંપ્રદાયવાદ સામે સમાજની રક્ષા કરી. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધીજીનું યોગદાન અવિસ્મરણીય છે.તેમણે કહ્યું હતું કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને પછી નેપાળમાં ઊથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક પ્રશાસન જનતાપ્રતિ સંવેદનશીલ નથી હોતું અને જનતાની માગણીઓનો વિચાર કર્યા વગર કાર્ય કરે છે. અસંતોષ રહે છે, પરંતુ આ રીતે અસંતોષ વ્યક્ત થવો કોઈના લાભનો નથી. હિંસા અને વિનાશને ડૉ. આંબેડકરે અરાજકતા કહી છે.

તેમણે કહ્યું હતું કે વ્યક્તિ અને વ્યક્તિત્વ નિર્માણથી સમાજમાં સુધારો થશે અને સમાજથી રાષ્ટ્ર તથા વિશ્વ નિર્માણ આગળ વધશે. દુનિયામાં પરિવાર અને સમાજની વ્યવસ્થા ખલેલમાં પડી ગઈ છે. માત્ર ભારતમાં એ હજી બચેલી છે, એને જાળવી રાખવી પડશે.તેમણે કહ્યું હતું કે પહેલગામમાં સરહદ પારથી આવેલા આતંકીઓએ હુમલો કર્યો. 26 ભારતીયોની તેમની ધાર્મિક ઓળખ પૂછીને હત્યા કરવામાં આવી. જેને કારણે દેશમાં દુખની લહેર ફેલાઈ. પરંતુ સેના અને સરકારે જોરદાર જવાબ આપ્યો. સેનાનું શૌર્ય અને સમાજની એકતાનું ઉદાહરણ સ્થાપિત થયું.

હિંદુ સમાજે એકજૂટ રહેવું પડશે

હિંદુ સમાજને એકજૂટ રહેવું પડશે. હિંદુ સમાજને જવાબદાર અને જવાબદેહી બનવું પડશે. આપણને હિંદુ રાષ્ટ્ર બનાવવું પડશે. હિંદુ સમાજે દુનિયાને ઘણું આપ્યું છે. ભારત પ્રાચીન હિંદુ રાષ્ટ્ર છે. મજબૂત હિંદુ સમાજ સુરક્ષાની ખાતરી છે. જે બીજાં ધર્મોએ નથી આપ્યું, એ હિંદુએ આપ્યું છે.