નવી દિલ્હીઃ યૂએન સિક્યોરિટી કાઉન્સિલમાં કાશ્મીર પર ચર્ચા કરવામાં નિષ્ફળ રહ્યા બાદ નિરાશ થયેલા ઈમરાન ખાન હવે નવી ચાલ ચાલી રહ્યા છે. ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને કહ્યું છે કે, કાશ્મીરના લોકોના સમર્થનમાં 5 ફેબ્રુઆરીના રોજ નજતા પોતાના ઘરોમાંથી બહાર નિકળે. પાકિસ્તાનમાં 5 ફેબ્રુઆરી કાશ્મીર દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ઈમરાન ખાને મોદી સરકારને ફાસિટ ગણાવતા ટ્વિટ કર્યું છે કે- હું ઈચ્છુ છું કે પાકિસ્તાનીઓ ઘર અને વિદેશોમાં 5 ફેબ્રુઆરીએ 80 લાખ કાશ્મીરીઓના સમર્થનમાં એકજુથતા દેખાડે. જેમને 9 લાખ ભારતીય સૈનિકો દ્વારા દબાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા 6 મહિનાથી મોદીની ફાસિસ્ટ સત્તા દ્વારા તેમને દબાવવામાં આવી રહ્યાં છે. આ અગાઉ પણ અનેકવાર ઈમરાન ખાન પાકિસ્તાનીઓના સમર્થનમાં લોકોને એકત્ર થવાનું આહવાન કરી ચુક્યા છે.
સ્વિત્ઝરલેંડના શહેર દાવોસમાં આયોજીત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન એક વાતચીતમાં ઈમરાન ખાન બરાબરના ભેરવાઈ ગયા હતા. જ્યારે તો કાશ્મીર અને ભારતના મુસલમાનોનો રાગ આલાપી રહ્યાં હતાં તે દરમિયાન જ પત્રકારે તેમને સ્સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, તમે ઉઈગુર મુસલમાનો વિષે એટલે નથી જાણવા માંગતા કારણ કે ચીન સાથે તમારા આર્થિક સંબંધો છે.
કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદથી જ પાકિસ્તાન હેબતાઈ ગયું છે. ઈમરાન ખાન તો યુદ્ધની જેમ ધમકી પણ આપી ચૂક્યા છે, પરંતુ તેઓ કશું કરી શકતા નથી અને હવે વિપક્ષી પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના નિશાના પર છે. તેમની ખુદની પાર્ટી તહરીકે ઈન્સાફ પાકિસ્તાનના કાર્યકર્તાઓ ઈમરાન પર દબાણ કરી રહ્યા છે. ઈમરાનને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પણ તેમને કોઈ જ ભાવ ન આપ્યો. તો નરેન્દ્ર મોદીને સાઉદી અરબનું સૌથી મોટું સન્માન આપીને સન્માનિત કરવામાં આવ્યા. ઈમરાન માત્ર મલેશિયાનું સમર્થન પ્રાપ્ત કરી શક્યા.
નવી દિલ્હીઃ ફાંસીની સજા ટાળવા માટે નિર્ભયાના દોષીતો અને તેમના વકીલો એક બાદ એક ચાલ ચાલી રહ્યા છે. આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દોષીત પક્ષના વકીલ એ.પી.સિંહે દાવો કર્યો કે, જેલમાં દોષિત વિનય શર્માને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ સરકારી પક્ષના વકીલે કહ્યું કે, તિહાડ જેલ મેનેજમેન્ટે દોષિતો સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સમય પર સોંપ્યા છે. કોર્ટે કહ્યું કે, તમામ દસ્તાવેજ સોંપી દેવામાં આવ્યા છે અને કોઈ નવા નિર્દેશની જરુર નથી.
નિર્ભયા કેસના 3 દોષિતો વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુર તરફથી દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. શનિવારે આ અરજી પર સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશને દલીલ કરી કે જેલ અધિકારીઓએ દોષિતોના વકીલોને તમામ આવશ્યક દસ્તાવેજો આપ્યા છે, પરંતુ તે સજા ટાળવા માટે વિવિધ પ્રયુક્તિઓ અપનાવી રહ્યા છે. બીજીબાજુ વિનયના વકીલે કહ્યું હતું કે, મારા અશિલને ધીમુ ઝેર આપવામાં આવી રહ્યું છે. તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો છે, પણ મેડિકલ અહેવાલ ત્યા સુધી આપવામાં આવ્યો નથી.
દોષિતોની અરજીમાં કહેવામાં આવ્યું કે, અનેક વખત વિનંતી કરવામાં આવી હોવા છતાં તિહાર જેલ પ્રશાસને વર્ષ 2012થી 2015 અને 2019-20 દરમિયાન મેડિકલ રેકોર્ડ, દોષિતોના વ્યવહારને લગતા દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા ન હતા, જોકે આ દસ્તાવેજોને આધારે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પિટીશન દાખલ કરવાની છે.
નવી દિલ્હી: ભીમા-કોરેગાંવ કેસમાં અચાનક નવો વળાંક આવ્યો છે અને કેન્દ્ર સરકારે આ કેસ એનઆઈએ(NIA) ને સોંપી દીધો. એક દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2018માં થયેલા ભીમા-કોરેગાંવ મામલાની સમીક્ષાનો નિર્ણય લીધો હતો. જેને લઈને કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર આમને સામને આવી ગયા છે. અત્યાર સુધી આ કેસની તપાસ પૂણે પોલીસ કરતી હતી. પરંતુ તે હવે એનઆઈને સોંપવામાં આવતા મહારાષ્ટ્ર સરકારે તેને અધિકારો પર અતિક્રમણ ગણાવ્યું છે. 31 ડિસેમ્બર 2017ના દિવસે પૂણેમાં એક પરિષદ યોજાઈ હતી. અને પૂણે પોલીસે આરોપ લગાવ્યો છે. તે પરિષદમાં હિંસાની યોજના બનાવવામાં આવી હતી.
હવે કેન્દ્રના આ નિર્ણયની મહારાષ્ટ્ર સરકારે ટીકા કરી છે. કેન્દ્રના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કેસ એનઆઈએ ને સોંપતા પહેલા રાજ્યસરકારને પુછવામાં પણ નથી આવ્યું. દેશમુખે ટ્વીટ કર્યું કે, જ્યારે રાજ્યસરકાર આ મામલાના મુળ સુધી પહોંચવા જઈ રહી હતી ત્યારે અચાનક એનઆઈએ નો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગયા ગુરુવારે જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખએ આ મામલે બેઠક બોલાવી હતી. દેશમુખે આ કેસ અંગે કહ્યું હતું કે, પોલીસને મળેલા પુરાવાના આધાર પર આ મામલાની સંપૂર્ણ જાણકારી મળ્યા પછી જ આ કેસની સમીક્ષા કરાશે અને કોઈ અંતિમ નિર્ણય પર પહોંચશે.
મહત્વનું છે કે, 1 જાન્યુઆરી 2018ના પુણેમાં ભીમા-કોરેગાંવમાં હિંસા થઈ હતી. દલિત સમુદાયના લોકો 250 વર્ષ પહેલા દલિતો અને મરાઠાઓ વચ્ચે થયેલી લડાઈમાં દલિતોને મળેલી જીતની ઉજવણી કરવા માટે દર વર્ષે અહીં એક્ઠા થાય છે. કાર્યક્રમના આયોજકોનો નક્સલિયો સાથે સંબંધ હોવાનો પોલીસે આરોપ લગાવ્યો હતો.
ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 10 એક્ટિવિસ્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપી ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ એનસીપી નેતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરીને ભીમા-કોરેગાંવ હિંસાના આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા તમામ કેસ બંધ કરવાની માંગ કરી હતી.
નવી દિલ્હીઃ નવેમ્બર 2019 માં દેશમાં 14.33 લાખ નોકરીઓ સર્જાઈ છે. જ્યારે ગત મહીને 12.60 લાખ નોકરીઓ ઉભી થઈ હતી. ESIC ના આંકડાઓથી આ જાણકારી મળી છે. આ પહેલા ઓક્ટોબર 2019 માં દેશભરમાં 12.60 લાખ રોજગારીનું સર્જન થયું હતું. NSO ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19 માં ઈએસઆઈસીથી 1.49 કરોડ નવા લોકો જોડાયા હતા. આંકડાઓ અનુસાર સપ્ટેમ્બર 2017 થી નવેમ્બર 2019 ના સમયગાળા દરમિયાન ESIC યોજના સાથે કુલ 3.37 કરોડ લોકો જોડાયા હતા. NSO ના રિપોર્ટ ઈએસઆઈસી, ઈપીએફઓ, પીએફઆરડીએની અલગ-અલગ યોજનાઓ સાથે જોડાનારા લોકો પર આધારિત છે.
એપ્રિલ 2018 થી એનએસઓ નવા આ પ્રકારના આંકડાઓ જાહેર કરી રહ્યું છે. એનએસઓ દ્વારા આમાં સપ્ટેમ્બર 2017 થી શરુ થનારા સમયના આંકડા માટે છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2017 થી માર્ચ 2018 ના સમયગાળામાં ઈએસઆઈસીથી 83.35 લાખ નવા લોકો જોડાયા છે. આ જ પ્રકારે નવેમ્બર 2019 માં ઈપીએફઓ સાથે 11.62 લાખ નવા નોકરિયાત લોકોનું રજિસ્ટ્રેશન થયું. આ પહેલા ઓક્ટોબરમાં આ આંકડો 6.47 લાખ રહ્યો.
નવી દિલ્હી: અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાન અભિનિત બોલીવુડ ફિલ્મ તાન્હાજી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને બે સપ્તાહ પૂર્ણ થયા છે અને બોક્સ ઓફિસના શરુઆતના આંકડાઓને જોતા એવુ અનુમાન છે કે, તાન્હાજીએ ગયા શુક્રવારે 6 કરોડ રૂપિયાની કમાણી કરી હશે. એ હિસાબે ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 203.45 કરોડ રૂપિયાની આસપાર પહોંચ્યું હોવાનું અનુમાન છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર આંકડાઓ નથી મળ્યા.
તાન્હાજી 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર અજય દેવગણની તાન્હાજીએ માત્ર મુંબઈમાં 13 દિવસમાં 88 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહારાષ્ટ્રમાં ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન હજુ પણ ચાલુ છે.
દેશમાં સીએએ અને એનઆરસીને લઈને ચાલી રહેવા વિવાદ છતાં તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજય દેવગણની ફિલ્મ તાન્હાજી: ધ અનસંગ વોરિયરને અગાઉ વિવેચકો મિશ્રિત પ્રતિક્રિયા મળી હતી તેમ છતાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે.
ગુજરાતીઓનું લોકપ્રિય મેગેઝિન ‘ચિત્રલેખા’ તેના 70મા યશસ્વી વર્ષમાં સફર કરી રહ્યું છે અને તેણે રોકાણકારોના માર્ગદર્શન પર અત્યાર સુધીમાં યોજેલા કાર્યક્રમોની હાફ સેન્ચૂરી પણ પૂરી કરી લીધી છે. આ સોનેરી અવસર – ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા માટે ‘ચિત્રલેખા’એ 24 જાન્યુઆરી, 2020ના શુક્રવારે મુંબઈ શેરબજાર (BSE) ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમ હતો આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડ તથા BSEના સહયોગમાં ઈન્વેસ્ટર્સ માર્ગદર્શનનો. એમાં આર્થિક જગતના અવ્વલ દરજ્જાના નિષ્ણાતોએ યોગ્ય મૂડીરોકાણ કરવા વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ તબક્કાવાર બચત અને રોકાણની ફોર્મ્યુલાની સમજ આપી હતી.
ખરેખર, આ ન ચૂકવા જેવો જ સેમિનાર હતો અને એમાં ‘ચિત્રલેખા’નાં ચાહકો-વાચકો તથા ઈન્વેસ્ટરોએ સેંકડોની સંખ્યામાં હાજરી આપીને તકને હાથમાંથી જવા દીધી નહોતી. આ કાર્યક્રમમાં અતિથિ વક્તા તરીકે બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે ચાવીરૂપ સંબોધન કર્યું હતું તો બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સાધુ જ્ઞાનવત્સલદાસ તરફથી ‘પૈસાની પવિત્રતા’ વિશે વિશેષ વક્તવ્ય આપ્યું હતું.
સાધુ જ્ઞાનવત્સલદાસે એમના વક્તવ્યમાં ‘શુદ્ધ પૈસો અને સુરક્ષિત પૈસો’ વિશે પોતાનાં વિચારો પ્રદર્શિત કરીને આર્થિક જગતના મહારથીઓ તથા દર્શકો, સૌને પ્રભાવિત કરી દીધા હતા. એમણે કહ્યું કે, પૈસો પવિત્ર હોય તો જ સુરક્ષિત રહે અને પૈસો પવિત્ર-શુદ્ધ હશે તો તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે. પૈસા માટે ઘેલો પ્રેમ આજના કળીયુગનું એક લક્ષણ છે. પૈસો જરૂરી છે એમાં કોઈ શંકા નથી, પરંતુ ખોટી વૃત્તિ વડે પૈસો મેળવવો એ ખોટુું છે, જોખમી વલણ છે. નૈતિકતાથી, શુદ્ધ વૃત્તિથી મેળવેલા પૈસાના ઘણા લાભ છે. જેમ કે, એ પૈસો તમારી પાસે જ રહેશે, એનાથી પરિવારમાં સંસ્કાર આવે, રોજગારની તકોનું નિર્માણ થાય અને એવો પૈસો પ્રભુસેવામાં વપરાય.
‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એક વાર એક સંદર્ભમાં માત્ર એટલું જ કહેલું કે પૈસાનું ઉચિત રીતે રોકાણ કરવું, સટ્ટો ન કરવો,’ એમ સાધુ જ્ઞાનવત્સલદાસે વધુમાં કહ્યું.
આશિષકુમાર ચૌહાણે મુંબઈ શેરબજારના કદ અને વ્યાપ વિશે જાણકારી આપી હતી. એમણે કહ્યું કે 1875માં સ્થપાયેલી મુંબઈ શેરબજાર સંસ્થા આજે 145 વર્ષ જૂની થઈ છે. એકાદ-બે કંપની સાથે શરૂ કરાયેલી બીએસઈ સંસ્થામાં આજે 5000થી વધારે કંપનીઓ લિસ્ટેડ થઈ છે. દેશનું અર્થતંત્ર આજે 2.2 ટ્રિલિયન ડોલરના કદનું થયું છે અને દેશની આ સંપત્તિમાં બીએસઈનું યોગદાન 25 ટકા જેટલું છે.
ચૌહાણે સ્ટોક (શેર) એટલે શું એ વિશે પણ સમજ આપતા કહ્યું કે, સ્ટોક માર્કેટ એક ભાગીદારીની સંસ્થા છે. પ્રારંભમાં અનલિમિટેડ લાયાબિલિટી હતી, પણ આજે દેશમાં લિમિટેડ લાયાબિલિટીવાળી કંપનીઓનું ચલણ છે. લોકો સાવ અજાણી કંપનીમાં મૂડીરોકાણ કરે છે. સ્ટોક એક્સચેન્જના માધ્યમ દ્વારા એમને ભરોસો રહે છે.
ચૌહાણે વધુમાં કહ્યું કે વિશ્વમાં ‘ઈઝ ઓફ ડુઈંગ’ રેન્કિંગ્સમાં સ્ટોક એક્સચેન્જ રેગ્યૂલેશનમાં ભારતીય શેરબજારનો નંબર ચોથો આવે છે. આ માટે ચૌહાણે ઈન્વેસ્ટરોનો આભાર માન્યો હતો અને કહ્યું કે એમને ખાતરી છે કે ભારત પ્રગતિના પંથે આગળ વધતો જ રહેશે.
છેલ્લા અમુક વર્ષોમાં ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ લોકોના અભિગમમાં શું ફેરફાર આવ્યો છે? એ વિશે રાવે કહ્યું કે ઘણો સરસ ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ લોકો કહેતાં કે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં મૂડીરોકાણ કરવામાં માર્કેટનું જોખમ રહેલું છે, પણ આજે લોકો બોલે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ. છેલ્લા છ વર્ષમાં રોકાણમાં સાત ગણી વૃદ્ધિ જોવા મળી છે. આજે SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન)માં મૂડીરોકાણ કરનારાઓની સંખ્યા ખૂબ વધી છે. રાવે યુવા લોકોને સલાહ આપી કે સેલ્ફી લેવી અને ઈમેજ લેવી એ બેમાં ઘણો ફરક છે. એટલે કે વધારે અભ્યાસ કરીને મૂડીરોકાણ કરવું જોઈએ. બાળકનો જન્મ થાય ત્યારે ઓછામાં ઓછી એક SIP શરૂ કરવી જોઈએ.
બચત અંગે લોકોમાં સમજ કેવી છે? એ વિશે વૈભવ ચુગે કહ્યું કે, બચત અંગે લોકોમાં નવી સમજ આવી છે. માત્ર સેવિંગ્સ કરવાથી કંઈ ન વળે, એનું યોગ્ય રીતે ઈન્વેસ્ટમેન્ટ પણ કરવું જોઈએ એમ લોકો સમજતા થયા છે અને પોતાની સંપત્તિને સંભાળતા થયા છે. નિવૃત્ત લોકો માટે ચુગે એવી સલાહ આપી હતી કે નિવૃત્ત થઈ ગયા બાદ પણ લોકોએ એમનાં સપનાંને જીવતા રાખવા જ જોઈએ અને ફૂગાવાની અસરને ધ્યાનમાં રાખીને મૂડીરોકાણ કરવું જોઈએ. તાકીદની જરૂરિયાત માટે અને લાંબા ગાળાના ફાયદા માટે અલગ અલગ પ્રકારનું મૂડીરોકાણ કરવું જોઈએ. ઈક્વિટીમાં પૈસા ઈન્વેસ્ટ કરવા જોઈએ, કારણ કે એમાં ઊંચા વળતરની આશા રાખી શકાય છે. બજાર તૂટતું હોય છે ખોટા સમાચાર અને અફવાથી અને બજાર વધતું હોય છે કંપનીઓની આવક (કોર્પોરેટ અર્નિંગ્સ) વધવાથી.
ઈન્વેસ્ટમેન્ટમાં રિસ્ક અને રિટર્ન વિશે ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે રોકાણકારોએ એ સમજી લેવું જોઈએ કે મૂડીરોકાણ કરવામાં જોખમોને ધ્યાનમાં લેવા જોઈએ એ વિશે તો હું લોકોને સમજાવતો હોઉં છું, પણ સાથોસાથ એમ પણ કહું છું કે જોખમ લેવાથી જ વળતર મળે. મંદીમાં ઈન્વેસ્ટરોએ કયા ફેરફારો કરવા જોઈએ? એ વિશે મશરૂવાળાએ કહ્યું કે ધ્યેયને અનુલક્ષીને મૂડીરોકાણ કરવું હોય તો મંદી હોય કે તેજી, કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. મૂડીરોકાણ કરવા માટેની યાદી પોતાના ધ્યેયને સામે રાખીને બનાવવી જોઈએ. બાહ્ય સ્થિતિને જોઈને મૂડીરોકાણમાં ફેરફાર કરવા ન જોઈએ.
SIP વિશે જયેશ ચિતલિયાએ કહ્યું કે, પદ્ધતિસરના અને યોગ્ય પ્રકારના મૂડીરોકાણ દ્વારા લાખોપતિ-કરોડપતિ બની શકાય છે એવું હવે લોકો સમજતા થયા છે. મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી પ્રોડક્ટ્સ છે જેમાં ઈન્વેસ્ટ કરી શકાય છે. નીતિપૂર્વક અને સિસ્ટમેટિક રીતે ઈન્વેસ્ટમેન્ટ કરવાથી શુદ્ધ પૈસો પ્રાપ્ત થાય છે. નાના રોકાણકારો માટે મ્યુચ્યુલ ફંડ શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે લોકોને ઈન્વેસ્ટમેન્ટ અંગે કઈ સલાહ આપશો? એવા સવાલના જવાબમાં ચિતલિયાએ કહ્યું કે, પ્રજાસત્તાક દિવસ એ સ્વાતંત્ર્ય દિવસ સાથે જ સંબંધિત છે એટલે લોકોને સલાહ આપીશ કે સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને તમારે નિર્ણય લેવા જોઈએ. બજારની સ્થિતિ નહીં, પણ તમારા પોર્ટફોલિયોની પોઝિશન જોઈને મૂડીરોકાણ કરવું જોઈએ. અર્થાત બજાર કરતાં તમારું વધુ ધ્યાન તમારા સ્ટોક પર હોવું જોઈએ. કંપનીઓના મેનેજમેન્ટ તથા એના ફંડામેન્ટલ્સ પર આધાર રાખવો જોઈએ.
‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટકે સાધુ જ્ઞાનવત્સલદાસ તથા ગૌરવ મશરૂવાળાનું આ પ્રસંગે સ્મૃતિચિન્હ આપીને સમ્માન કર્યું હતું. ગૌરવ મશરૂવાળાએ કહ્યું કે પોતે 2010ની સાલથી ‘ચિત્રલેખા’ના ઈન્વેસ્ટર્સ અવેરનેસ સેમિનારોમાં ભાગ લઈ રહ્યા છે. આ સહયોગ બદલ એમણે ‘ચિત્રલેખા’ના માલિકો મૌલિક કોટક અને મનન કોટક તેમજ માર્કેટિંગ વિભાગના વેન ડિસોઝા અને ગીતા લાલનો આભાર માન્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ આમંત્રિત મહેમાનો – આશિષકુમાર ચૌહાણ અને સાધુ જ્ઞાનવત્સલદાસ, પેનલ ચર્ચાના સહભાગીઓ – ગૌરવ મશરૂવાળા, કે.એસ. રાવ, વૈભવ ચુગ, જયેશ ચિતલિયા અને અમિત ત્રિવેદી તથા ઈન્વેસ્ટરો અને ચિત્રલેખાના પ્રશંસકો-વાચકોનું સ્વાગત કર્યું હતું. ચિત્રલેખા તેના વાચકો તથા ઈન્વેસ્ટર વર્ગના માર્ગદર્શન માટે નિયમિતપણે વિવિધ શહેરોમાં આવા સેમિનારો યોજી રહ્યું છે. આ કાર્યક્રમના સહયોગીઓ ‘નિરાલી’ તથા ‘BSE’નો તેમણે આભાર માન્યો હતો.
કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ અને લેખક મુકેશ જોશીએ કર્યું હતું. ‘ચિત્રલેખા’ને એમણે જીવનનો ધબકાર તરીકે ગણાવ્યું હતું, ‘કારણ કે એ વિવિધ વિષયો પર અલગ અલગ પ્રકારે કાર્યક્રમો યોજીને વાચકો સાથે સંબંધ જાળવી રાખે છે. એમાંય બચત મારફત મૂડીરોકાણ કઈ રીતે વધારી શકાય એ સંદર્ભમાં મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શન અને જનજાગૃતિના કાર્યક્રમો ઉલ્લેખનીય છે,’ એમ તેમણે કહ્યું હતુું.
હાઈ-Tea સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો અને કાર્યક્રમના અંતે ડિનર લઈને સહુ છૂટાં પડ્યાં હતાં.
(સમગ્ર કાર્યક્રમની વધુ તસવીરો જુઓ)
ગૌરવ મશરૂવાળાનું સમ્માન કરતા 'ચિત્રલેખા'ના ચેરમેન મૌલિક કોટક અને વાઈસ-ચેરમેન મનન કોટક
'ચિત્રલેખા'ના માર્કેટિંગ વિભાગના હેડ વેન ડિસોઝા સાથે કે.એસ. રાવ અને જયેશ ચિતલિયા
નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણે કે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગ જિઆંગ આ પાંચ રાજ્યોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી છે. આ પાંચેય રાજ્યોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલાં લીધાં છે. આ વાઈરસને કારણે ચીનમાં કુલ 41 લોકોના મોત થયા છે.
જ્યારે અન્ય 631 લોકો આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. આજથી ચીનમાં તેમના નવા વર્ષની શરૂઆત થવાની છે. પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા 14.5 ડોલર એટલે કે અંદાજિત 1000 કરોડ રૂપિયા માગ્યા છે. મહત્વનું છે કે, હુબેઈ ચીનનું જ રાજ્ય છે અને હુબેઈની રાજધાની વુહાનમાં પણ માર્ગ પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના શહેરવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વુહાનની અંદર રહે.
અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને 700માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના ઘરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે અને ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે…ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ 631 કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં 4000 હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે.
બીજી તરફ અમેરિકાના જ્યારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો ત્યારે ત્યાની સરકારે તે વ્યક્તિના સંપર્કમાં રહેલા અન્ય 16 લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.
અંકારા – તૂર્કીના પૂર્વ ભાગમાં સ્થાનિક સમય મુજબ શુક્રવારે રાતે 8.55 વાગ્યે ભયાનક ભૂકંપ આવતાં ઓછામાં ઓછા 18 જણનાં મરણ થયા છે અને બીજાં 200થી વધારે લોકો ઘાયલ થયા છે.
જમીનદોસ્ત થયેલા મકાનોના કાટમાળમાં ફસાઈ ગયેલા લોકોને ઉગારવા માટેની કામગીરી આજે વહેલી સવારે પણ ચાલુ હતી.
ભૂકંપની તીવ્રતા 6.8ની હતી.
30 જેટલા લોકો લાપત્તા હોવાનો પણ અહેવાલ છે.
ભૂકંપ એટલો તીવ્ર હતો કે પડોશના દેશો ઈરાક, સીરિયા અને લેબેનોનમાં પણ લોકોને આંચકાનો અનુભવ થયો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ ભાગમાં આવેલા ઈલાજિક પ્રાંતના સીવરાઈસ નગરમાં હોવાનું માલૂમ પડ્યું હતું.
આ જ પ્રાંતમાં વધારે નુકસાન થયું છે. ઓછામાં ઓછા 10 મકાન જમીનદોસ્ત થયા છે. ભૂકંપ આવ્યા બાદ અનેક મકાનોમાં શોર્ટ સર્કિટ થવાથી આગ પણ ફાટી નીકળી હતી.
સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
ભૂકંપ આવ્યો એ સમયમાં 15 આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો.
નવી દિલ્હી: ઈરાન-અમેરિકા વચ્ચે શરુ થયેલા ઘર્ષણ વચ્ચે અનેક નવા સવાલો ઉભા થયા છે. હાલમાં જે રીતે ઈઝરાયલે ઈરાનના પરમાણુ બોમ્બ અંગે ચિંતા વ્યક્ત કરી એ સંબંધિત કેટલાક સવાલોની તપાસ જરૂરી છે. આ સ્થિતિમાં મોટા પ્રશ્ન એ છે કે, શું ખરેખર ઈરાન પણ નાઝી જર્મનીના પગલે આગળ વધી રહ્યું છે? શું ઈરાનનો પરમાણુ બોમ્બ યહુદી રાજ્યો માટે ખતરનાક છે? જે રીતે અમેરિકા અને ઈઝરાયલ એકજુથ થઈને દુનિયાના નેતાઓને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનું આહવાન કર્યું એ જોતા આ ચિંતા વાજબી છે. સદામ પછી હવે મધ્ય એશિયામાં ઈરાનનું જાની દુશ્મન ઈરાક નથી રહ્યું. હવે તેની લડાઈ સીધી ઈઝરાયલ સાથે છે.
શીત યુદ્ધ અને ખાડી યુદ્ધ પછી મધ્ય એશિયાના સમીકરણો બદલાયા છે. એ યુગમાં ઈરાન-ઈરાક આંતરિક યુદ્ધમાં વ્યસ્ત રહ્યા. પણ શીત યુદ્ધ અને સદામ હુસેનની સત્તા સમાપ્તિ પછી આ વિસ્તારમાં વ્યૂહાત્મક સ્થિતિ બદલાઈ ગઈ છે. સદામ પછી ઈરાક નબળું પડ્યું અને તે સ્પષ્ટ રીતે શિયા-સુન્ની અને કુર્દ વચ્ચે વહેંચાઈ ગયું છે. આ સ્થિતિમાં મધ્ય એશિયામાં ઈરાનનું સૌથી મોટું વિરોધી ઈઝરાય બની ગયું છે. જેથી અમેરિકા અને ઈઝરાયલની એ ચિંતા પણ વાજબી છે. આ ચિંતમાં વધારો ત્યારે થયો જ્યારે ઈરાન પરમાણુ બોમ્બના નિર્માણકામમાં લાગ્યું.
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુએ તેહરાનની તુલના એક અત્યાચારી સાથે કરી છે. તેમણે કહ્યું કે, વિશ્વને ઈરાનથી સાવચેત રહેવાની જરૂર છે. નેતન્યાહુએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહીનું આહવાન કરતા તેમની તુલના નાઝી જર્મની અને હિટલર સાથે કરી. નેતન્યાહુએ જેરુશલમને રાજ્ય અને સરકારના 40થી વધુ પ્રમુખોને એક્ઠા થવા કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ઈરાન જે રીતે પરમાણુ હથિયાર વિકસિત કરી રહ્યું છે તેનાથી યહુદીની સાથે વિશ્વને પણ ખતરો ઉભો થયો છે. તેમનું એક માત્ર ઉદેશ્ય યહુદી રાજ્યને ખતમ કરવાનો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કટાક્ષ કરતા કહ્યું કે, ઈરાનના પરમાણુ બોમ્બથી વિશ્વને બચાવવાની જવાબદારી સંયુક્ત રાષ્ટ્રના ખંભા પર છે. પુતિને વધુમાં કહ્યું કે, દ્વિતિય વિશ્વયુદ્ધના વિજેતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બની ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિએ રશિયાને વૈશ્વિક પાવર બ્રોકરના રૂપમાં આગળ ધપાવ્યું છે. તેમણે વૈશ્વિક અસ્થિરતાને ખતમ કરવા માટે વિકસિત રાષ્ટ્રોના શિખર સમ્મેલન પર ભાર મૂક્યો.