Home Blog Page 5011

પહેલીવાર કોરોનાની ચેતવણી આપનાર ડોક્ટરને જ “કોરોના” ભરખી ગયો

બેજિંગઃ ચીનમાં કોરોના કોરોના વાયરસે અનેક લોકોના જીવને ભરખી લીધો છે. અત્યાર સુધીમાં કુલ 550 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.  કોરોના વાયરસને લઈને સૌથી પહેલા વિશ્વને ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું નિધન થઈ ગયું છે. ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાયરસના સંક્રમણને કારણે થયું છે. જ્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસના સમાચાર છૂપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ડોક્ટર લી વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી એક વિડીયો પોસ્ટ કરીને કોરોના વાયરસને લઈને લોકોને ચેતવ્યા હતા.

ત્યારબાદ ચીનના સ્થાનીક સ્વાસ્થ્ય વિભાગે 34 વર્ષીય ડોક્ટર લી વેનલિયાન્ગની પૂછપરછ કરી હતી. એટલું જ નહીં, વુહાન પોલીસે  ડોક્ટર લી વેનલિયાન્ગને નોટિસ પણ પાઠવી હતી અને તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવવાના આરોપી બનાવવામાં આવ્યા હતા. કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ  ડોક્ટર લી વેનલિયાન્ગએ 12 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેઓ એક દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા.

ડોક્ટર લી વેનલિયાન્ગે પાછલા વર્ષે 30 ડિસેમ્બે એક ચેટ ગ્રુપમાં પોતાના સાથી ડોક્ટરોને સંદેશ મોકલ્યો હતો અને આ વાયરસના ખતરા વિશે જણાવ્યું હતું.  ડોક્ટર લી વેનલિયાન્ગે પોતાના સાથી ડોક્ટરોને ચેતવણી આપી હતી કે તે આ વાયરસથી બચવા માટે ખાસ પ્રકારના કપડા પહેરે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વારસનો વ્યાપ ધારણા કરતા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધી સત્તાવાર રીતે કુલ ૫૬૩નાં મોત થયાં છે અને ૨૮,૦૧૮થી વધુ લોકોને ચેપ લાગતા પ્રભાવિત થયા છે. બુધવારે એક જ દિવસમાં ૭૩ લોકો કોરોનાને ભરખી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા મુજબ દેશના ૩૧ પ્રાંતમાં ૩,૬૯૪ નવા કેસ નોંધાયા છે.

બુધવારે જે ૭૩નાં મોત થયાં તેમાં ૭૦ તો હુબેઈ પ્રાંતના વુહાનના જ છે જ્યારે ટિયાનજિન, હેઈલોંગજિયાંગ અને ગુઈઝોઉમાં એક – એકનાં મોત થયા છે. કોરોનાના નવા ૩,૬૯૪ કેસમાંથી ૨,૯૮૭ એકલા હુબેઈ પ્રાંતના છે. બુધવારે કોરોનાથી સંક્રમિત ૬૪૦ દર્દીઓની હાલત ગંભીર હતી જ્યારે ૩,૮૫૯ લોકોની તબિયત ખૂબ જ ગંભીર હતી. કોરોના એક વ્યકિત બીજી વ્યકિતના સંપર્કમાં આવતા ફેલાતો હોવાથી ૨.૮૨ લોકોને તેની અસર થઈ હોવાનું જાણવા મળે છે જેમાંથી ૧.૮૬ લાખ લોકોને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ભાજપના પ્રવક્તાએ કહ્યુંઃ માફી માંગે તેજ પ્રતાપ યાદવ

પટણાઃ ભાજપે ગુરુવારના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પર આરજેડી નેતા તેજ પ્રતાપ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને મહિલા વિરોધી ગણાવતા નિશાન આધ્યું. તેજ પ્રતાપે બન્ને નેતાઓના નામ પાછળથી કુમાર હટાવી કુમારી લગાવવા માટે કહ્યું હતું. આરજેડી નેતા લાલૂ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપ અહીંયા સીએએ, એનઆરસી અને એનપીઆરની વિરોધ રેલીમાં નીતિશ કુમારની આગેવાની વળા જેડીયૂ અને ભાજપની ટીકા કરીને વિવાદોમાં આવ્યા હતા. નીતિશે જૂલાઈ 2017 માં આરજેડી સાથે સંબંધ તોડીને રાજ્યમાં ભાજપ સાથે સરકાર બનાવી લીધી હતી.

યાદવે અહીંયા કહ્યું કે, મારા પિતાએ તેમનું નામ પલટૂરામ રાખ્યું, એટલા માટે હું કહું છું કે નીતિશ કુમાર હવે નીતિશ કુમારી છે અને ભગવા ઝંડા વાળા સુશીલ કુમાર મોદી હવે સુશીલ કુમારી મોદી છે. તેમનામાં અમારી સામે આવવાની હિંમત નથી એટલે તેઓ પોતાના ઘરમાં બંગડીઓ પહેરીને બેઠા છે.

આરજેડીની આ રેલી મસૌઢીમાં બુધવારે રાત્રે થઈ હતી અને સ્થાનિક ટીવી ચેનલો દ્વારા આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો. તેજ પ્રતાપની ટિપ્પણીઓથી ગુસ્સે ભરાયેલા ભાજપના પ્રવક્તા આનંદે આરજેડી નેતાને માફી માંગવા કહ્યું છે.

તેમણે યાદવને તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા ઘરેલૂ હિંસાના આરોપોની યાદ અપાવી, આનંદે કહ્યું કે, તો શું તેજ પ્રતાપ એ કહેવા માંગે છે કે જેમના નામની સાથે કુમારી લાગેલું હોય છે અને જે બંગડીઓ પહેરે છે, શું તેઓ સન્માનનો હક નથી ધરાવતી? તેમની ફાલતુ ટિપ્પણીઓ અને તેના પર તેમના પ્રશંસકોની મળેલી દાદ એ વાતનું પ્રમાણ છે કે, આરજેડીમાં ગેરસમજો ઉંડે સુધી મૂળીયા જમાવીને બેઠી છે. તેમણે કહ્યું કે, આરજેડીની મહિલા વિરોધી ટિપ્પણીઓ તેમની પત્ની દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને સાચા સાબિત કરે છે. તેમણે યાદવને મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી પાસેથી માફી માંગવાની માંગ કરી.

રણજીત બચ્ચન હત્યા: પત્નીની ધરપકડથી સત્ય બહાર આવ્યું

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની રાજધાનીના હજરતગંજ વિસ્તારમાં વિશ્વ હિન્દુ મહાસભાના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ રણજીત શ્રીવાસ્તવ બચ્ચનની હત્યા મામલે પોલીસે ગુરુવારે તેમની પત્ની સ્મૃતિ વર્મા સ, હિત તેમનો પ્રેમી તેમજ મુખ્ય આરોપી દીપેન્દ્ર અને કાર ડ્રાઈવર સંજીતની ધરપકડ કરી છે. આ સાથે જ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે. પોલીસ આયુક્ત સુજીત કુમાર પાંડેયએ પત્રકારોને જણાવ્યું કે, રણજીતને દીપેન્દ્રના પિતરાઇ ભાઇ જિતેન્દ્રએ ગોળી મારી હતી, જે હાલ ફરાર છે. ફરાર જિતેન્દ્ર પર 50 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. સ્મૃતિ જવાહર ભવનમાં ટ્રેઝરી જૂનિયર કારકુન તરીકે કામ કરે છે.

સ્મૃતિના પ્રેમી દીપેન્દ્રએ રણજીત બચ્ચનની હત્યા માટે તેમને ઉશ્કેરી હતી. સ્મૃતિની ધરપરડ લખનૌના વિકાસ નગર સ્થિત તેમના નિવાસસ્થાન પરથી કરવામાં આવી. પોલીસ આયુક્તે જણાવ્યું કે, રણજીતની બીજી પત્ની સ્મૃતિનો પ્રેમી દીપેન્દ્ર જ રણજીતનો હત્યારો છે. આ ષડયંત્રમાં સ્મૃતિ પણ સામેલ છે, કારણ કે, તે રણજીતથી છૂટકારો મેળવીને પ્રેમી દીપેન્દ્ર સાથે રહેવા માગતી હતી. આ અગાઉ, રણજીતના સસરાપક્ષ વાળાએ જણાવ્યું હતું કે, તેમના જમાઈ એક જ ઘરમાં પત્ની અને પ્રેમિકા બન્ને ને રાખતા હતા. ગેરકાયદે સંબંધોને લઈને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. રણજીત તેમની પ્રથમ પત્નીને પણ અવારનવાર ધમકાવતો હતો જેનાથી કંટાળીને તેમની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

ઘટના દરમ્યાન ઘાયલ સંબંધી આદિત્યના જણાવ્યા અનુસાર, રણજીત હત્યાના એક દિવસ પહેલા તેમના એક ઓળખીતા અભિષેક પટેલ અને તેમની પત્ની જ્યોતિ પટેલ સાથે ગોરખપુરથી નિકળ્યા હતા. રણજીતે ફેબ્રુઆરી 2015માં પોતાને અવિવાહિત ગણાવીને આર્ય સમાજ મંદિરમાં વિકાસનગર સેક્ટર-2 નિવાસી સ્મૃતિ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી સ્મૃતિને ખબર પડી કે રણજીત પહેલાથી જ મેરીડ છે અને કાલિંદી તેમની પ્રથમ પત્ની છે. ત્યારપછી બન્ને વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ હતી. જો કે, આ દરમ્યાન સ્મૃતિ ગર્ભવતી થઈ ગઈ હતી અને તેમણે એક બાળકને જન્મ પણ આપ્યો.

અમદાવાદની ખાઉગલીએ નામ બદલ્યુંઃ આજથી હેપ્પી સ્ટ્રીટ

અમદાવાદઃ શહેરના પૉશ વિસ્તાર લો-ગાર્ડનનું સૌથી જૂના માર્ગ પરનું જ ફૂડ બજાર એક નવા જ રંગ અને રુપમાં તૈયાર થઇ ગયું છે. અમદાવાદ હવે હેરિટેજ સિટી છે. જેમાં શહેરની મધ્યમાં માણેકચોકમાં વર્ષોથી રાત્રે ખાણીપીણીનું બજાર ભરાય છે.

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ખાઉગલી એટલે કે હેપ્પી સ્ટ્રીટનું ઉદઘાટન કરશે.

જ્યારે સાબરમતી નદી ઓળંગી પશ્ચિમ વિસ્તારમાં આવો તો વર્ષોથી લૉ ગાર્ડન વિસ્તારમાં ગાર્ડન અને ઠાકોર ભાઇ દેસાઇ હોલની ગલીમાં ફૂટપાથ પર જ ખાણીપીણી બજાર ભરાતું હતું. હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી માણેકચોક, લાલ દરવાજા અને લૉ ગાર્ડનના નામે શહેરની બહાર પણ ઘણાં બજારો ખુલી ગયા છે.

જો કે કેટલાક સમયથી લૉ ગાર્ડન નું ખાણી પીણી બજાર બંધ છે. દબાણની ફરિયાદો અને માર્ગ પર જ ઉભરતી ભીડના કારણે અમદાવાદ મહાનગર પાલિકાએ આ બજાર પર બુલડોઝરો ફેરવી નાખ્યા હતા. થોડા વર્ષો પહેલાં પણ લો ગાર્ડનની ખાઉ ગલી પરના દબાણો હટાવાયા હતા.

જેને ફરી ચાલુ થયા બાદ થોડો વર્ષો ચાલ્યા, ત્યારબાદ બુલડોઝરો ફેરવી નેસ્તેનાબુદ કરી દેવાયું. માર્ગ જ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુદા જુદા પાસાઓનું મુલ્યાંકન કર્યા બાદ અહીં હેપ્પી સ્ટ્રીટ લૉ ગાર્ડનના નામે માર્ગ તૈયાર કર્યો છે.

કેટલાક લોકોને નવી તૈયાર થઇ ગયેલી હેપ્પી સ્ટ્રીટમાં ખાણી પીણીનો વેપાર ચાલુ કરવાની મંજુરી અપાઇ છે. ટૂંક જ સમય માં આ ખાઉ ગલી હેપ્પી સ્ટીટ લૉ ગાર્ડન ચાલુ થઇ જશે.. પણ. સૌથી મહત્વની વાત એ છે કે માર્ગોના મોકળાશ માટે તોડી પડાયેલી આ ખાઉ ગલી લૉ ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટમાં પહેલાં કરતાં ટ્રાફિક નિયમન સારી રીતે થશે કે કેમ?

(પ્રજ્ઞેશ વ્યાસ)

આ મહિલા કોરાકારી ઓલિમ્પિક મશાલ રિલે કરશે

એથેન્સઃ ગ્રીક ઓલિમ્પિક શૂટિંગ ચેમ્પિયન એન્ના કોરાકારી ઓલિમ્પિક મશાલ રિલે કરનારી સૌ પ્રથમ મહિલા બનશે એમ હેલેનિક ઓલિમ્પિક કમિટી (એચઓસી)એ જાહેર કર્યું હતું. કમિટીએ નિર્ણય લીધો હતો કે પશ્ચિમ ગ્રીસના પ્રાચીન ઓલિમ્પિયામાં 12 માર્ચે  ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવના ઓલિમ્પિક ફ્લેમ લાઇટનિંગ સેરેમનીમાં કોરાકારી પહેલી ટોર્ચ બેરિયર (મશાલ લઈ જનારી) બનશે, એમ જિન્હુઆન્યૂઝ એજન્સીએ અહેવાલમાં જણાવ્યું હતું. આ ઓલિમ્પિક જ્યોતને ગ્રીક હાઇ પ્રીસ્ટેસમાં મહત્ત્વનો રોલ અદા કરનારી ગ્રીક  ફિલ્મની અભિનેત્રી ઝાંથી જ્યોર્જિયો દ્વારા કોરાકારીને આપવામાં આવશે, એમ એચઓસીએ ઈ-મેઇલ દ્વારા જણાવ્યું હતું.

ગ્રીકના પ્રાચીન સ્ટેડિયમમાં સૂર્યનાં કિરણો દ્વારા અને ધાર્મિક વિધિ સંપન્ન કરીને આ ઓલિમ્પિક ફ્લેમ પ્રગટાવવામાં આવશે. કોરારાકારીએ 2016ના રિયો ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને વર્ષ 2018માં તે વર્લ્ડ ચેમ્પિયન હતી.

પેનાથેનિક સ્ટેડિયમમાં 19 માર્ચે ગ્રીક ટોર્ચબેરિયર આ ઓલિમ્પિક જ્યોત અન્ય મહિલા એથ્લીટ કેટરિના સ્ટેફેનિડીને સોપશે સ્ટેફિનિડીએ 2016ના ઓલિમ્પિકમાં પોલ વોલ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

જમ્મુ-કાશ્મીરઃ આ નેતાઓની જેલમુક્તિના અણસાર નથી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા બાદ નજરબંધ રહેલા રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જલ્દી જેલ મુક્ત થાય તેવી કોઈ શક્યતા નથી. આ બન્ને નેતાઓ પર હવે પબ્લિક સેફ્ટી એક્ટ એટલે કે નાગરિક સુરક્ષા કાયદો લગાવી દેવામાં આવ્યો છે. પીએસએ અંતર્ગત કોઈપણને ત્રણ મહિના સુધી સુનાવણી વગર જેલમાં રાખી શકાય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે બન્ને નેતાઓના ડિટેન્શન વોટરન્ટ્સ પર સહી કરી દીધી છે. આ પહેલા ઉમર અબ્દુલ્લાના પિતા ફારુક અબ્દુલ્લાને પણ સપ્ટેમ્બરમાં પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. આ દરમિયાન જમ્મૂ-કાશ્મીરના ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. સરકારે છેલ્લા કેટલાક સમયમાં કેટલાક નેતાઓને મુક્ત પણ કર્યા છે, પરંતુ મોટાભાગના હજી નજર કેદમાં છે અથવા તો જેલમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસની ઉપસ્થિતિમાં મેજિસ્ટ્રેટે તે બંગ્લામાં જઈને મહેબૂબાને આદેશ આપ્યો કે જ્યાં તેમને નજરબંધ રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ઉમર અબ્દુલ્લા વિરુદ્ધ પણ પીએસએ અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે. નેશનલ કોન્ફરન્સના મહાસચિવ અને પૂર્વ મંત્રી મહોમ્મદ સાગરને પ્રશાસને પીએસએ નોટિસ આપી છે. શહેરના વ્યાપારી વિસ્તારમાં સાગરનો મજબૂત આધાર માનવામાં આવે છે. આ જ પ્રકારે પીડીપીના નેતા સરતાજ મદની વિરુદ્ધ પીએસએ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. મદની મહેબૂબા મુફ્તિના મામા છે. સાગર અને મદની બંન્નેને કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ઓગસ્ટ બાદ રાજ્યના નેતાઓ પર કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત નજરબંધ કરવામાં આવ્યા હતા.

પાંચ ઓગસ્ટના રોજ કેન્દ્રએ જમ્મૂ-કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાની સાથે જ આને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. આ લોકોની છ મહિના સુધીની કસ્ટડી પૂરી થઈ રહી હતી. આ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ કોન્ફરન્સના પૂર્વ ધારાસભ્ય બશીર અહમદ વીરી વિરુદ્ધ પણ પીએસએ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે તેમને પણ મુક્ત કરી દેવામાં આવ્યા છે.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના OSD લાંચ લેતા સીબીઆઈના હાથે ઝડપાયા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના રોજ થનારા વોટિંગ પહેલા આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ છે. સીબીઆઈએ દિલ્હીના ડેપ્યૂટી સીએમ અને પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાના OSD ગોપાલ કૃષ્ણ માધવને બે લાખ રુપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યા છે. આ મામલો ટેક્સમાં રાહત આપવા સાથે જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે આ ભ્રષ્ટાચારના મુદ્દા પર થયેલા અન્ના આંદોલનથી જન્મેલી આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો છે. તો પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં પણ ઈમાનદારીને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે કથિત રુપથી બે લાખ રુપિયાની લાંચ લેતા સમયે તેમની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, માધવને પૂછપરછ માટે તાત્કાલિક સીબીઆઈના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે સિસોદિયાની કોઈ ભૂમિકા સામે આવી નથી. મામલાની તપાસ ચાલુ છે. તે 2015થી સિસોદીયાના કાર્યાલયમાં કામ કરે છે. આ ધરપકડ દિલ્હી વિધાનસભા ચૂંટણીના બે દિવસ પહેલા કરવામાં આવી છે.

ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે વાજબી ગણાવ્યો છે અને કહ્યું કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાના અધિકારના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે મેલી રમત રમાતી હતી.

પ્રસાદે કહ્યું કે જમ્મુ-કશ્મીરમાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈન્ટરનેટ સુવિધાના મામલે નિયમિત સ્તરે સમીક્ષા કરવામાં આવશે.

પ્રસાદે ગઈ કાલે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું.

એમણે એમ પણ કહ્યું કે ઈન્ટરનેટ ઉપયોગને નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે સામેલ કરવા માટે બંધારણમાં સુધારો કરવાનો સરકારનો કોઈ વિચાર નથી.

ગઈ 10 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જમ્મુ અને કશ્મીરમાં ઈન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવાના તેના આદેશોની તે સમીક્ષા કરે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદી, વાણીસ્વાતંત્ર્ય તથા ઈન્ટરનેટ પર કાર્ય કરવું એ નાગરિકના મૂળભૂત અધિકારો દર્શાવતી બંધારણની 19મી કલમનો એક હિસ્સો છે. જો કે એમાં વાજબી રીતે નિયંત્રણો લાગુ કરી શકાય છે.

આ મુદ્દાનો પુનરોચ્ચાર કરતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ઈન્ટરનેટના ઉપયોગના અધિકારને મૂળભૂત અધિકાર ગણવાની ખોટી માન્યતા સ્પષ્ટ થવી જોઈએ.

પ્રસાદે પોતાની દલીલમાં કહ્યું કે, ઈન્ટરનેટના ઉપયોગનો અધિકાર મહત્ત્વનો છે એ ખરું, પરંતુ દેશની સલામતી પણ એટલી જ મહત્ત્વની હોય છે. કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે. શું આપણે એ વાત નકારી શકીએ એમ છીએ કે ઈન્ટરનેટ, જે માનવ મનનું ઉત્તમ સર્જન છે, એનો ત્રાસવાદીઓ દુરુપયોગ કરતા નથી? એવી જ રીતે, સમાજવિરોધી તત્ત્વો ખોટા સમાચાર ફેલાવીને કોમી હિંસા ભડકાવતા હોય છે. એ વાતનો કોઈ ઈનકાર નહીં કરે કે ઈન્ટરનેટનો ઉપયોગ હિંસા અને ત્રાસવાદનો ફેલાવો કરવા માટે કરાય છે અને પાકિસ્તાન કશ્મીરમાં એ જ કરતું આવ્યું છે. ત્રાસવાદી જૂથ ISIS ઈન્ટરનેટના ઉપયોગને કારણે જ વૃદ્ધિ પામ્યું હતું.

પ્રસાદે ભારપૂર્વક કહ્યું કે દેશનું બંધારણ નાગરિકોને અધિકારો પૂરા પાડે છે, પરંતુ એના નિયમોના પાલનની પણ એટલી જ જરૂર હોય છે. તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી છો, પણ તમે હિંસાનું નિર્માણ કરી ન શકો, દેશની એકતા, અખંડતા અને સલામતીને નબળી પાડી ન શકો.

ઇતિહાસમાં આ નવ વર્ષ વિશ્વને બદલનારા સાબિત થયાં

આમ  તો ઇતિહાસમાં દરેક વર્ષ મહત્ત્વનું હોય છે, પણ કેટલાંક વર્ષ એવાં હોય છે, જે ઇતિહાસને નવી ઓળખ આપે છે, અમીટ છાપ છોડી જાય છે. એ વર્ષોમાં કંઈક એવી ઘટના બને છે વિશ્વ પૂરેપૂરું ના બદલાય તો કંઈ નહીં, પણ કમસે કમ મોટી છાપ છોડી જાય છે. ઇતિહાસનાં આવાં કેટલાંક વર્ષ છે, 2001, 1990, 1918, 1962, 1953 1789, 1905, 1945 અને 1979. આ વર્ષોમાં કઈ એવી મહત્ત્વની ઘટના બની. ચાલો જાણીએ…

વર્ષ 1789

આ વર્ષ ફ્રાંસિસી ક્રાંન્તિનું વર્ષ છે. એ આધુનિક લોકતંત્રનું વર્ષ હતું. જાન્યુઆરી, 1789માં જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને એ વર્ષે એપ્રિલમાં શપથ લીધા હતા.

વર્ષ 1905

વર્ષ 1905ને નામે આઇન્સ્ટાઇનનો મોટો વૈજ્ઞાનિક ખુલાસો સામે આવ્યો હતો. એ વર્ષે આલ્બર્ટે રિલેટિવિટીની સ્પેશિયલ થિયરી આપી હતી. આઇન્સ્ટાઇન પ્રથમ વ્યક્તિ હતા, જેમણે સાબિત કર્યું હતું કે ફિઝિક્સના નિયમ હંમેશાં સાચા નથી હોતા. 1905માં રશિયામાં પહેલી ક્રાંતિ થઈ હતી.

વર્ષ 1918

આ વર્ષ જર્મન, ઓસ્ટ્રો-હંગેરી, ઓટોમન અને રશિયાના સામ્રાજ્યનું પતનનું વર્ષ હતું. ત્યાર બાદ આધુનિક યુગનો પ્રારંભ થયો. 1918ની સૌથી મોટી ઘટના સ્પેનિશ ફ્લુ હતી. વિશ્વની આશે એક તૃતીયાંસ વસતિ એ ફ્લુનો શિકાર થઈ હતી, જેમાં પાંચ કરોડથી વધુ લોકોનાં મોત થયાં હતાં.

વર્ષ 1945

આ વર્ષને વિનાશનું વર્ષ કહેવાશે તો કંઈ ખોટું નહીં હોય, કેમ કે એ વર્ષે પહેલી વાર પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યું. 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાશાકી પર બોમ્બમારો કર્યો હતો.

વર્ષ 1953

બીજા વિશ્વ યુદ્ધ પછી આ વર્ષ પરિવર્તનનો દોર લઈને આવ્યું. 1953માં જ અમેરિકાના સમર્થનથી ઇરાનના વડા પ્રધાન મોહમ્મદ મુસદ્દિકનું તખતાપલટ થયું. આ ઘટનાનો મધ્ય-પૂર્વના દેસો પર ભારે પ્રભાવ પડ્યો હતો અને એ જ ઘટના હાલની સ્થિતિ માટે પણ દવાબદાર છે. એ વર્ષે એક મોટી વૈજ્ઞાનિક સફળતા પ્રાપ્ત થઈ હતી. એ વર્ષે માલૂમ પડ્યું હતું કે ડીએનએની સંરચના ડબલ હેલિક્સ જેવી હોય છે.

વર્ષ 1962

વર્ષ 1962ને ક્યુબા મિસાઇલ સંકટ માટે પણ યાદ કરવામાં આવે છે. એ તો કોઈક રીતે સંકટ ટળી ગયું, નહીં તો વિશ્વના બીજા વિશ્વયુદ્ધ પછી એનાથી પણ મોટી વિનાશકતાનો સમાનો કરવો પડત.

વર્ષ 1979

આ વર્ષે અફઘાનિસ્તા પર સોવિયેત હુમલાની સાથે વિશ્વમાં ઇસ્લામી આતંકવાદીના નવા રૂપને જન્મ આપવા માટે ઓળખવામાં આવે છે. યુએસએસઆરને હરાવવા માટે સાઉદી આરબ અને અમેરિકાના ઇસ્લામી ચરમપંથીઓની મદદથી ઇસ્લામી આતંકવાદનો નવો અધ્યાય શરૂ થયો.

વર્ષ 1990

આ વર્ષે જર્મનીનું એકીકરણ અને સોવિયેત રશિયાનું વિઘટન થયું હતું, પણ સૌથી મોટી ઘટના સામ્યવાદી એટલે કે કોમ્યુનિઝમનું પતન હતું. વિશ્વના કેટલાક ભાગોમાં દાયકાઓ સુધી સામ્યવાદી પ્રયોગના પતનની શરૂઆત થઈ. જોકે આમ તો આ વર્ષે ખાડીયુદ્ધ પણ થયું હતું.

વર્ષ 2001

વર્ષ 2001ની મુખ્ય ઘટના તો અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો આતંકવાદી હુમલો હતી. આ વર્ષે વિશ્વમાં આર્થિક મંદી પણ આવી હતી. આ વર્ષની એક સૌથી મોટી ઘટનાનો વિજ્ઞાનથી સીધો સંબંધ છે. જીનની આપણા શરીરમાં મહત્ત્વની ભૂમિકા છે. કોઈક સેલમાં જેનેટિક ઇન્ફોર્મેશનથી સંબંધિત જીનોમના વર્કિંગ ડ્રાફ્ટને આ વર્ષે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આનાથી માનવ શરીર અને એના વિકાસ વિશે આપણી સમજ બદલાઈ ગઈ.

BSE SME પ્લેટફોર્મ પર 316મી કંપની જાનુસ કોર્પોરેશન લિસ્ટ થઈ  

મુંબઈ તા.6 ફેબ્રુઆરી, 2020ઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 6 ફેબ્રુઆરી, 2020ના રોજ 316મી કંપની જાનુસ કોર્પોરેશન લિ. લિસ્ટ થઈ હતી. જાનુસ કોર્પોરેશન લિ.નો રૂ.10ની મૂળ કિંમતના 15,99,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.799.50 લાખનો પબ્લિક ઈશ્યુ 30 જાન્યુઆરી, 2020ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.50ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.

જાનુસ કોર્પોરેશન લિ. મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. કંપની મુખ્યત્વે કન્ટ્રક્શન, ઈરેક્શન, મીડિયા, ટ્રેડિંગ અને કન્સલ્ટિંગ બિઝનેસ કરે છે. કંપની સિવિલ કન્સ્ટ્રક્શન, લેન્ડ એન્ડ સાઈટ ડેવલપમેન્ટ, લેન્ડ ફાઈલિંગ, ફેન્સિંગ વોલ્સ, ઈરેક્શન ઓફ હોર્ડિંગ્સના બિઝનેસમાં કામ કરે છે અને તેની સાથે સિમેન્ટ્સ, આયર્ન એન્ડ સ્ટીલ, સેન્ડ, સોઈલ, એલ્યુમિનિયમ સંબંધિત મટિરિયલ્સના વિવિધ ચીજોનું ટ્રેડિંગ કરે છે. વિવિધ ગ્રાહકોને પ્રોજેક્ટ્સ અને કન્સ્ટ્રક્શન સંબંધિત સલાહ પૂરી પાડે છે. આ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં સાઈટ મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન સુપરવિઝન એન્ડ મેનેજમેન્ટ, સેફ્ટી મેનેજમેન્ટ, સેફ્ટી ઓડિટ્સ, સેફ્ટી સિસ્ટમ એન્ડ પ્રોસેસ અને અન્ય કામકાજ ઉપરાંત સેફ્ટી ડોક્યુમેન્ટેશનનો સમાવેશ થાય છે.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 316 કંપનીઓએ 6 ફેબ્રુઆરી, 2020 સુધીમાં રૂ.3289.94 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.18,240.26 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 59.77 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.