Home Blog Page 4894

ગરીબોને રાહતઃ મહારાષ્ટ્રમાં શિવભોજન થાળી 3 મહિના માટે પાંચ રૂપિયામાં મળશે

મુંબઈઃ કોરોના વાઈરસ મહામારીએ સર્જેલા સંકટ અને એને કારણે ગરીબ-ભૂખ્યા લોકોને પડી રહેલી પારાવાર તકલીફોને કારણે લોકોને ઉદાર દિલના બનાવી દીધા છે.

મહારાષ્ટ્ર સરકારે ગરીબ, મજૂર, કામદાર, ખેડૂત અને વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવું ન પડે એ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. એણે શિવભોજન થાળીની કિંમત ઘટાડીને પાંચ રૂપિયા કરી દીધી છે, જે 10 રૂપિયા હતી.

સરકારે 3 મહિના માટે શિવભોજન થાળી ગરીબ લોકોને પાંચ રૂપિયામાં આપવાનું નક્કી કર્યું છે. આને કારણે ગરીબ લોકોને મોટી રાહત મળશે.

દરેક શિવભોજન થાળીમાં બે રોટલી, એક વાટકી ભરીને શાક, ભાત, એક વાટકી દાળ અને અથાણું આપવામાં આવે છે.

આ પાંચ રૂપિયાની કિંમતનું ભોજન ગરીબ લોકોને સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં દરરોજ સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી મળશે.

આ નિર્ણય રાજ્યના અન્ન, નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે લીધો છે.

શિવભોજન થાળી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકારની પ્રમુખ યોજનાઓમાંની એક છે. આ યોજના ગયા જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી.

સરકારે તમામ જિલ્લાઓ, તાલુકાઓમાં અને ગામડાઓમાં શિવભોજન થાળી યોજનાનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું છે. એ માટે તમામ જિલ્લા અધિકારીઓ તથા રેશનિંગ અધિકારીઓને આદેશ આપ્યો છે કે એમણે પોતપોતાના જિલ્લા ક્ષેત્રોમાં તાત્કાલિક રીતે શિવભોજન કેન્દ્ર શરૂ કરવા.

હવે શક્તિમાન પણ કરશે કમબેકઃ મુકેશ ખન્નાએ કરી જાહેરાત

નવી દિલ્હીઃ કોરોના વાયરસના પગલે 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સીરિયલનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે આ કડીમાં 90ના દાયકાના ભારતના પહેલા સુપરહીરો ‘શક્તિમાન’નું નામ પણ જોડાવાનું છે. મુકેશ ખન્નાએ ટ્વીટર પર એક વિડીયો શૅર કરીને ખુશખબરી આપી છે.

90ના દાયકામાં ટીવી પર એક એવો સુપરહીરો ટેલિવિઝન પર આવતો હતો. જેને જોવા માટે દરેક બાળકો ખૂબ જ ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા. એ હતો ‘શક્તિમાન’. એ જ શક્તિમાન જે પોતાની દૈવીય શક્તિઓથી શહેર પર આવેલી તમામ મુશ્કેલીઓને દૂર કરતો હતો. આ ઉપરાંત તે પોતાની સલાહથી લોકોને જરુરી મેસેજ પણ આપતો હતો. હવે જ્યારે સમગ્ર દેશ લૉકડાઉનના કારણે ઘરની અંદર પૂરાયેલો છે ત્યારે ફરી એકવાર શક્તિમાનનું પ્રસારણ કરવાની માંગ ઉઠી છે.

નોંધનીય છે કે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ઉપરાંત શાહરુખ ખાનનું સર્કસ અને વ્યોમકેશ બક્ષી પણ જોવા મળે છે. હવે જ્યારે જૂની યાદો ફરીથી તાજી થઈ રહી છે ત્યારે મુકેશ ખન્નાએ ટ્વીટર પર એક જાહેરાત કરી છે. જેને લઈને ટ્વીટર યૂઝર્સ ખુશખુશાલ છે.

સેન્સેક્સ 1,375 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 8,300ની નીચે

અમદાવાદઃ આર્થિક ગ્રોથની ચિંતા અને વૈશ્વિક નબળા સંકેતોને પગલે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સરકારે જાહેર કરેલું રાહત પેકેજ અને રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં મૂકવામાં આવેલો કાપ પણ કામ ના આવ્યાં. જેથી સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 1,375 પોઇન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી ચાર ટકાથી વધુ તૂટ્યો હતો અને 8,300ની નીચે સરક્યો હતો. નિફ્ટી બેન્ક પણ 1100 પોઇન્ટ તૂટ્યો હતો. ફાઇનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલીનું દબાણ હતું. અમેરિકી અને એશિયન બજારોની નરમાઈને પગલે સ્થાનિક શેરબજાર પણ ઘટીને બંધ રહ્યાં હતાં.

 સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા

બીએસઈ સેન્સેક્સ 1,375 પોઇન્ટ તૂટીને 28,440 બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 379 પોઇન્ટ 8,281ના સ્તરે બંધ થયો હતો. ફાર્મા અને એફએમસીજી  સિવાય તમામ ઇન્ડેક્સો મંદીની ઝપટમાં હતા. બેન્કિંગ શેરોમાં પણ ભારે વેચવાલીને પગલે બેન્ક નિફ્ટી 1,187 પોઇન્ટ તૂટીને 18,782 બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30માંથી 24 શેર અને નિફ્ટી 50ના 50માંથી 38 શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ પણ 317 પોઇન્ટ તૂટીને 11સ446 બધ રહ્યો હતો.

કોરોનાના વધતા કેસ

દેશમાં કોરોના વાઇરસના કુલ દર્દીઓની સંખ્યા વધીને 1,100 સુધી પહોંચી છે. જેથી ત્રીજા તબક્કામાં પહોંચવાની સંભાવના વધી ગઈ છે. આ રોગથી અત્યાર સુધી 29 લોકોનાં મોત થયાં છે, પણ 100 દર્દી સાજા પણ થયા છે.

કંપનીઓનાં વેચાણ ઠપ

કેટલીક કંપનીઓના વેચાણ ઠપ પડ્યાં છે. આને કારણે આવક થઈ નથી રહી. દેશમાં લોકડાઉનને પગલે અનેક કંપનીઓનાં વેચાણ ઠપ પડ્યાં છે.

FIIની વેચવાલી

NSDL અનુસાર માર્ચમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. એક લાખ કરોડની વેચવાલી કરી હતી. જોકે તેમણે શેરબજારમાંથી રૂ. 59,377 કરોડની લેવાલી પણ કરી હતી.

વૈશ્વિક બજારોની સ્થિતિ

અમેરિકા બજારોમાં પણ ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ 915.39 પોઇન્ટ, એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 88.60 પોઇન્ટ અને નેસ્ડેક 295.16 પોઇન્ટ ઘટ્યા હતા. એશિયન બજારોમાં પણ નિક્કી 3.15 ટકા, હેંગસેંગ 1.49 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટ 1.56 ટકા ઘટ્યા હતા.

 

બ્રિટનના શાહી યુગલની સુરક્ષાનો ખર્ચ અમેરિકા નહીં ઉઠાવે: ટ્રમ્પ

લંડન- બ્રિટનમાં શાહી મહેલ છોડીને પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલ તાજેતરમાં જ કેનેડાથી અમેરિકાનાં કેલિફોર્નિયામાં શિફ્ટ થયા છે. જોકે અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી દીધી છે કે અમેરિકા આ શાહી યુગલની સુરક્ષાનો ખર્ચો નહીં ઉઠાવે. ટ્રમ્પે જણાવ્યું કે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ કેલિફોર્નિયા શિફ્ટ થયા છે તે સારી વાત છે. પરંતુ અમેરિકી સરકાર બંનેની સુરક્ષાનો ખર્ચ નહીં ઉઠાવે.

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, હું બ્રિટન અને મહારાણીનો ખૂબ જ મોટો પ્રશંસક અને મિત્ર છું.

કહેવામાં આવી રહ્યું છે કે શાહી પરિવારથી અલગ થઇ ચૂકેલાં પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ હંમેશા માટે કેનેડામાં સ્થાઈ થઈ જશે. જોકે હવે બંનેએ કેનેડા છોડી દીધું છે અને અમેરિકા આવી ગયાં છે. અમેરિકા તેમની સુરક્ષા પર કોઈ ખર્ચ નહીં કરે. તેઓએ જાતે જ તેમની જવાબદારી લેવાની રહેશે.

કોહલી, અનુષ્કાએ PM-CM રાહત ભંડોળમાં 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ કોરોના વાઈરસ રોગચાળાને નાથવા માટે શરૂ કરવામાં આવેલા જંગ માટે વડા પ્રધાનના રાહત ભંડોળ તથા મુખ્ય પ્રધાન (મહારાષ્ટ્ર)ના રાહત ભંડોળમાં દાન આપ્યું છે.

સૂત્રના જણાવ્યા મુજબ, કોહલી અને અનુષ્કાએ સાથે મળીને રૂ. 3 કરોડની રકમનું દાન આપ્યું છે.

કોહલીએ ટ્વીટ કરીને જણાવ્યું, ‘અનુષ્કા અને હું પીએમ-કેર્સ ફંડ અને ચીફ મિનિસ્ટર્સ રીલિફ ફંડ (મહારાષ્ટ્ર) માટે અમારી સહાયતાનો સંકલ્પ કરીએ છીએ. ઘણા લોકોની યાતના જોઈને અમારું દિલ દ્રવી ઊઠ્યું છે અને અમને આશા છે કે અમારું યોગદાન આપણા સાથી નાગરિકોની પીડા ઓછી કરવામાં મદદરૂપ થશે. #IndiaFightsCorona.”

અનુષ્કાએ પણ પોતાના ટ્વીટમાં ઉપર મુજબ જ જણાવ્યું છે.

બંનેએ સંયુક્ત નિવેદનમાં, આ સ્ટાર દંપતીએ કહ્યું કે, અમે પીએમ-કેર્સ ફંડ અને ચીફ મિનિસ્ટર્સ રિલીઝ ફંડ (મહારાષ્ટ્ર) માટે અમારા સમર્થનનો સંકલ્પ કરીએ છીએ.

કોહલી અને અનુષ્કાએ લોકોને અપીલ પણ કરી છે કે સહુ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા એકબીજા સાથે ઓછામાં ઓછું એક મીટરનું સામાજિક અંતર જાળવી રાખે અને ભીડથી દૂર રહે, ભીડ ન કરે.

ઉલ્લેખનીય છે કે, મહાન નિવૃત્ત બેટ્સમેન સચીન તેંડુલકરે કોરોના વાઈરસ સામેની લડાઈ લડવા માટે 50 લાખ રૂપિયા અને ક્રિકેટર સુરેશ રૈનાએ બાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે.

આર્થિક યોગદાન આપનાર અન્ય ખેલાડીઓમાં બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ, પહેલવાન બજરંગ પુનિયા, રનર હિમા દાસ અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીનો પણ સમાવેશ થાય છે.

ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ વડા પ્રધાન રાહત ભંડોળમાં 51 કરોડનું યોગદાન આપ્યું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, બંગાળ ક્રિકેટ એસોસિએશન અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશને પણ અનુક્રમે 42 કરોડ, 25 કરોડ અને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

ક્રિકેટ બંધુઓ – ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે પોલીસ અને આરોગ્ય વિભાગોને 4 હજાર માસ્ક દાનમાં આપ્યા છે.

પ્યારની વાત – ૩૦ માર્ચ, ૨૦૨૦

ગુજરાતના માસૂમ મહેમાન રાજસ્થાનમાં ફસાયા…

સુરત: નેપાળથી નીકળી પોતાના માતા-પિતાને મળવા નીકળેલા નેપાળના ચાર માસૂમો લૉકડાઉનમાં રાજસ્થાનની એક હોટેલમાં ફસાઈ ગયા છે. આ ચાર નેપાળી માસૂમ બાળકના પિતા નૃપ બહાદુર સુરતના પૂણા વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં વોચમેનનું કામ કરે છે. રાજસ્થાનના ઉદયપુર નજીક દબોક પાસેની વતાડા હોટૅલમાં આશરો લીધો છે. એમને આવવું છે સુરત પણ કોઈ એમને મદદ નથી કરતુ.

રાજન નાઈક ઉમર 14 વર્ષ પોતાના ભાઈ સાગર નાઈક 10 વર્ષ અને કુટુંબી દીપેન્દ્ર બૉગટી 11 વર્ષ અને માત્ર 8 વર્ષ અમરિત કુંવર નેપાળના અછ્છામ જિલ્લાના એક નાનકડા ગામથી સુરત આવવા માટે નીકળ્યા હતા. આ પેહલા પણ રાજન નાઈક ભાઈ સાથે એક-બે વખત નેપાળથી એકલો સુરત આવી ચુક્યો છે. નેપાળમાં શાળામાં વેકેશન થતા સુરતમાં રહેતા પિતા નૃપ બહાદુર અને માતા કમલાને મળવા માટે નીકળ્યા હતા. અલગ અલગ બસ બદલીને એ આવતા, આ વખતે પણ એવું જ કર્યું પરંતુ 22 જનતા કરફ્યુ વખતે એમની બસ ઉદયપુર પાસે અટકી ગઈ. એમાં 14 મુસાફર હતા.
સુરતમાં નૃપ બહાદુર જ્યાં નોકરી કરે છે એ કૃષ્ણકુંજ સોસાયટીના આગેવાન પ્રણવ પટેલ ઉર્ફે બકુલ ગેવરિયા ચિત્રલેખા.કૉમ ને જણાવે છે કે મેં અમારા સ્થાનિક સાંસદને જાણ કરી છે, અનેક લોકો પાસે મદદ માંગી છે, મેં વડાપ્રધાન સુધી ટવીટ કર્યા છે પણ કોઈ મદદ અત્યાર સુધી મળી નથી. ત્યાં ફસાયેલા બાળકો માસૂમ છે, ના સમજ છે એના માં-બાપ સાથે વાત કરતા એ રડે છે. એમને જે હોટૅલમાં આશરો આપ્યો છે એ હોટૅલનું બિલ ચુકવવાની અમે જવાબદારી લીધી છે તે પછી એણે એમને રાખ્યા છે. સ્થાનિક ઓળખ શોધીને હોટૅલ માલીકને પોલીસ પાસે પણ ભલામણ કરાવી ત્યારે એમને ત્યાં રાખવામાં આવ્યા છે. બાકી પેહલા બે દિવસ તો એમને રસ્તા ઉપરની પોલીસે ચાલતા જ સુરત જવાની સલાહ આપી હતી.

હવે મુશ્કેલી જ એ છે કે જે જ્યાં છે ત્યાં રહે એવો સરકારી આદેશ બધા મોટા તો માની રહ્યા છે. પણ આ માસૂમ નેપાળી જે બધી રીતે વંચિત છે, ગજવામાં રૂપિયો નથી એવાની મદદે કોણ આવશે? હાલ બકુલભાઈ એમને લાવવા માટે પ્રયત્ન કરી રહયા છે. પણ દિવસે દિવસે રાજસ્થાનમાં રહેલા બાળકો અને સુરતમાં રહેતા એમના માં-બાપની ધીરજ ખૂટી રહી છે. બકુલભાઈ કહે છે, સરકાર જો મને મંજરી આપે તો હું એ બાળકોને ત્યાં જઈને લઇ આવવા તૈયાર છું. અહીં લાવી એમને સરકારી નિયમ મુજબ જ્યાં કહેશે ત્યાં ક્વોરેન્ટાઇનમાં રાખવા પણ તૈયાર છીએ. સરકાર જો હરિદ્વારથી 1800 લોકોને સલામત લાવી શકતી હોય તો આ ચાર માસૂમોને સરકાર ઉદયપુરથી ના લાવી શકે?

બકુલભાઈનો પ્રશ્ન અઘરો છે પણ અશક્ય નથી. આ ચાર માસૂમો ઉદયપુરથી 15 કિલોમીટર દૂર દબોકની વતાડા હોટેલના રૂમમાં રાહ જોઈને બેઠા છે કે કોઈ આવશે અને એમને સુરતમાં એમના માં-બાપ સુધી પહોંચાડશે

(ફયસલ બકીલી-સુરત)

કોરોના સંકટમાં 75 ટકા PF  કેવી રીતે લઇ શકશો?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને કારણે આવેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખતાં સરકારે PF ખાતાધારકોને મોટી રાહત આપી હતી. આને લઈને હવે PF જમા કરતી સંસ્થા એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે. આ પહેલાં કેન્દ્રીય લેબર મંત્રાલયે આ વિશે એક ગેઝેટ દ્વારા નોટિફિકેશન જારી કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઇરસને લીધે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનને લીધે EPFOને નાણાંની તંગી ના પડે એટલા માટે PF ઉપાડવાની છૂટ આપી હતી.

દેશમાં છ કરોડ PF સબસ્ક્રાઇબર્સને લાભ

 

દેશમાં છ કરોડ PF સબસ્ક્રાઇબર્સ છે. તેઓ અકાઉન્ટમાં જમા થયેલી 75 ટકા રકમ અથવા ત્રણ મહિનાની સેલરી અને DA –બેમાંથી જે ઓછું હશે એ તેમના પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડી શકશે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવેલૂ જાહેરાતથી જો ખાતાધારકના દસ્તાવેજ પૂરા હશે તો એને માત્ર ત્રણ દિવસમાં તેના બેન્ક અકાઉન્ટમાં તેની રકમ ટ્રાન્સફર મળશે.

ઓનલાઇન ક્લેમ પણ થઈ શકશે

જોકોઈ PF સબસ્ક્રાઇબર્સનો PF એકાઉન્ટનો યુનિવર્સલ અકાઉન્ટ નંબરથી બેન્ક અને આધારની માહિતી જોડાયેલી હશે તો તમે ખુદ ઓનલાઇન ક્લેમ પણ કરી શકો છો. આને માટે તમારે https://unifiedportal-mem.epfindia.gov.interface/ લિન્ક પર જવું પડશે. આ પ્રોસેસ માટે તમારે તમારા એમ્પ્લોયરની પાસે નહીં જવું પડે. એક્સપર્ટના જણાવ્યા મુજબ તમારા દસ્તાવેજ પૂરા હશે તો માત્ર ત્રણ દિવસની અંદર તમારો ક્લેમની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે.

આવા લોકો ઓનલાઇન નહીં કરી શકે ક્લેમ

પ્રોવિડન્ટ કમિશનરનું કહેવું છે કે તેમના દ્વારા દરેક સંભવિત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે PFની પ્રક્રિયા ઓનલાઇન પૂરી કરી શકાય. જોકે કેટલાક કેસમાં લોકોને કેટલુંક ફિઝિકલ કામ પણ કરવું પડે એવી શક્યતા છે. જો તમારું ખાતું UANથી લિન્ક નહીં હોય અથવા KYC તમારી પૂરી નહીં હોય તો તમારે નાણાં કાઢવા માટે એમ્પ્લોયરનો સંપર્ક કરવો પડશે. જોકે આવા મામલામાં પણ EPFOએ ફીલ્ડ ઓફિસર્સને આદેશ કર્યો છે કે લોકોને વધુ હેરાનગતિ ના થાય એ માટે પ્રાથમિકતાને આધારે તેમને મદદ કરવામાં આવે.

 

કોરોનાએ વિશ્વની આ સેલીબ્રીટીઝના જીવ લીધા

નવી દિલ્હીઃ કોરોના વાયરસની અસર ભારત પહેલા યુરોપીય દેશો પર દેખાઈ ચૂકી છે. ત્યારે આવામાં કોવિડ-19નો કહેર વિદેશી મનોરંજનના વિશ્વ પર પડી રહ્યો છે. કોરોનાથી પ્રભાવિત થનારા સેલેબ્સની પ્રથમ ઘટના ઓસ્ટ્રેલિયાથી આવી છે. ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહેલા હોલીવુડના દિગ્ગજ એક્ટર ટોમ હૈંક્સ અને તેમની પત્ની રિટા સંક્રમિત જણાયા હતા. જો કે, બન્ને પાછા સાજા થઈને અમેરિકા પહોંચી ચૂક્યા છે. પરંતુ તમામ સેલેબ્સની સાથે આવું થયું નથી અને કેટલાક સેલેબ્સ એવા પણ છે કે જેમનું આ વાયરસના કારણે નિધન થયું છે.

જોઈ ડિફીઃ અમેરિકન સિંગર જોઈ ડિફીનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. જોઈ ગ્રેમી અવોર્ડ વિનિંગ સિંગર છે. આ અમેરિકી સિંગરે 90 ના દશકમાં પોતાના ગીતથી ધમાલ મચાવી દીધી હતી. જોઈનું મૃત્યુ 61 વર્ષની ઉંમરે થયું છે.

લુકિયા બોસેઃ કોરોના વાયરસથી સૌથી વધારે ઈટલી પ્રભાવિત છે. ઈટાલિયન એક્ટ્રેસ લુકિયા બોસે પણ કોરોના સામેના યુદ્ધમાં જીતી શકી નથી. 89 વર્ષીય લુકિયાને બે કલ્ટ ક્લાસિક ફિલ્મ સ્ટોરીઝ ઓફ લવ એફેર(1950) અને ડેથ ઓફ એ ક્રિસ્ટલ(1955) માટે યાદ કરવામાં આવે છે.

માર્ક બ્લમઃ અમેરિકાથી મનોરંજન જગત માટે ખરાબ સમાચાર સામે આવ્યા. અમેરિકી એક્ટર માર્ક બ્લમ કોરોના વાયરસના સંક્રમણને લઈને આ દુનિયાને અલવીદા કહી ગયા. સિકિંગ સુસાન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા માર્કનું મૃત્યુ ન્યૂયોર્કમાં થયું છે કે અમેરિકાના કોરોના વાયરસના સૌથી વધારે પ્રભાવિત શહેરો પૈકી એક છે.

ટેરેંસ મેકનેલીઃ એમી એવોર્ડ જીતનારા અમેરિકી સ્ક્રીનરાઈટર ટેરેંસ મેકનેલી પણ કોરોના વાયરસને મ્હાત આપવામાં નિષ્ફળ રહ્યા રોમાંસ લખનારા ટેરેંસ 81 વર્ષની ઉંમરમાં જ અમેરિકી રાજ્ય ફ્લોરિડામાં મૃત્યુ પામ્યા.

શેફ ફ્લોઈડ કાર્ડોસઃ અમેરિકન-ઈન્ડિયન સેલેબ્રિટી શેફ ફ્લોઈડ કાર્ડોસ પણ કોરોના વાયરસના શિકાર થઈ ગયા છે. મુંબઈમાં જન્મેલા ફ્લોઈડ ન માત્ર કેટલાક રેસ્ટોરન્ટના માલિક હતા, પરંતુ ટીવી શોમાં પણ જોવા મળ્યા હતા.

આઈપીએલ મામલે હજુ બોર્ડે નિર્ણય લીધો નથી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આઈપીએલની 13 મી સીઝનને લઈને અસમંજસમાં છે કે આ વખતે કોરોના વાયરસના કારણે આઈપીએલનું આયોજન થશે કે નહી? આજે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, બોર્ડ અત્યારે એ સ્થિતિમાં નથી કે આઈપીએલને લઈને કોઈ નિર્ણય કરે, કારણ કે દેશમાં કોરોના વાયરસ તેજીથી ફેલાઈ રહ્યો છે જેને પહોંચી વળવા માટે સરકાર પગલા ભરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આઈપીએલને લઈને અત્યાર સુધીમાં કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આપણે અત્યારે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ અને પરિસ્થિતિઓને ધ્યાને રાખીને જ કોઈ નિર્ણય કરવામાં આવશે. આઈપીએલ 2020 પહેલા 29 માર્ચથી શરુ થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે લીગની ડેટને આગળ વધારવી પડી. બીસીસીઆઈએ આ મહિને નિર્ણય કર્યો હતો કે આઈપીએલની 31 મી સીઝન 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે.