મુંબઈઃ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેસીએ આજે આદેશ બહાર પાડ્યો છે કે શહેરમાં કોરોના વાઈરસને કારણે જે દર્દીઓ મૃત્યુ પામે એ તમામના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવશે, પછી ભલે એ કોઈ પણ ધર્મના હોય. એક પણ મૃતદેહની દફનવિધિ કરવા દેવામાં નહીં આવે.
પરદેસીએ વધુમાં જણાવ્યું છે કે અગ્નિસંસ્કાર વિધિ વખતે માત્ર પાંચ જ જણને રહેવા દેવામાં આવશે, તેનાથી વધારે નહીં.
મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેસી
કમિશનરે એમ પણ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મૃતદેહની દફનવિધિ કરવાનો આગ્રહ કરશે તો એને માત્ર તો જ પરવાનગી આપવામાં આવશે જો એ મૃતદેહને મુંબઈની હદની બહાર લઈ જશે.
મુંબઈમાં અત્યાર સુધીમાં પાંચ કોરોના દર્દીઓનાં મૃત્યુ થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે મરણાંક વધીને 10 થયો છે. સમગ્ર દેશમાં મૃત્યુઆંક 36 થયો છે.
નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે દાવો કર્યો છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનના કેટલાક અંશે પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યા છે. વિકસિત દેશોમાં તેજીથી આંકડો વધ્યો, તેવું આપણાં ત્યાં થયું નથી. આપણા દેશમાં કેસની સંખ્યા 100 થી 1000 સુધી પહોંચવામાં 12 દિવલ લાગ્યા, જ્યારે વિકસિત દેશોમાં આટલા જ દિવસોમાં 3500,5000,8000 કેસો આવ્યા છે.
લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં લોકડાઉનની અસર દેખાઈ છે. કોરોના વાયરસના સંક્રમણના અત્યારસુધીમાં 1071 કેસો સામે આવ્યા છે અને 29 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે, 24 કલાકમાં 92 જેટલા નવા કેસો સામે આવ્યા છે. આપણા દેશમાં 100 થી 1000 કેસ સુધી પહોંચવામાં 12 દિવસ લાગ્યા. વિકસિત દેશોમાં આટલા દિવસમાં 3500,5000 અને 8000 સુધી કેસો સામે આવ્યા છે.
અગ્રવાલે કહ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમાજના દરેક વ્યક્તિનો સહયોગ જરુરી છે. જો એકપણ વ્યક્તિ સહયોગ ન કરે તો ઝીરો પર આવી જઈએ. ગાઈડ લાઈન પર 100 ટકા અમલ થાય તે જરુરી છે. જો 99 ટકા પણ અમલ થયો તો બધું બેકાર થઈ જશે. 100 ટકા એફર્ટની અત્યારે જરુર છે.
તેમણે કહ્યું કે, 10 એમ્પાવર્ડ ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે. એઈમ્સ અને nimhans દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જે લોકો વડીલો છે અને જેમને કોઈ બિમારી છે તેઓ વધારે સંકટમાં છે. આ વાયરસ માટે ટેસ્ટિંગ ફેસિલિટી, ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ બનાવવાની અમારી પ્રાથમિકતા છે. 38442 જેટલા ટેસ્ટ થયા છે.115 ટેસ્ટ આઈસીએમઆરની લેબ કરી રહી છે. 47 પ્રાઈવેટ લેબમાં 1334ર લોકોના ટેસ્ટ થયા છે.
અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં જથ્થાબંધ ચીજ વસ્તુઓનું વિશાળ બજાર છે. કોરોના વાયરસની આફત વચ્ચે સરકારની છુટ આપવામાં આવેલા સમય ગાળા દરમિયાન છુટક-જથ્થાબંધ ખરીદી કરનારા લોકોથી ઉભરાઈ જાય છે.
ચોખા, ઘંઉ, દાળ, તેલ, ઘી, ખાંડ જેવી અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો કાલુપુર માર્કેટમાં ઉપલબ્ધ હોવાથી દુર દુરના વિસ્તારોમાંથી વેપારીઓ, સેવાનો કેમ્પ ચલાવતા લોકો પરોઢિયે જ વાહનો ખડકી દે છે.
હોલસેલ માર્કેટમાં કેટલાક વેપારીઓએ આ આફત વચ્ચે વધુ ભાવ લેવાની કોશિશ કરતા રોષ ફેલાયો છે. તંત્રની સતર્કતાથી કાળા બજારનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. પોલીસના જવાનો અવ્યવસ્થા ન ફેલાય એ માટે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. બીજી તરફ કાલુપુર શાકભાજીના બજારમાં માઈક પર સતત સૂચના આપવામાં આવી રહી છે.
પચાસ કિલો વજનથી ઓછી ખરીદી કરનારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શાકભાજીના નાના વેપારીઓ માલ લઈ શકે, સરળતાથી પોતાના વિસ્તારમાં વેચાણ કરી શકે અને ભીડના થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોલીસના જવાનો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
બીજિંગઃ કોરોના વાઇરસના સંક્રમણથી બહાર નીકળ્યા પછી ચીને અર્થતંત્રને મંદીમાંથી ફરી પાટે ચઢાવવા માટે કમર કસી છે. ચીને લોનને વધુ આકર્ષક બનાવવા માટે રિવર્સ રેપો રેટમાં 0.20 ટકાના કાપની જાહેરાત કરી છે. એની સાથે જ મોટું નુકસાનને ભરપાઈ કરવા માટે ઉત્પાદકોએ સંપૂર્ણ ક્ષમતાથી ઉત્પાદન શરૂ કર્યું છે. આ વાઇરસને લીધે વિશ્વના બીજા ક્રમાંકના અર્થતંત્રમાં ઔદ્યોગિક કામકાજ છેલ્લા બે મહિનાથી ઠપ પડ્યાં છે. રિવર્સ રેપો રેટ- એ દર છે જેના પર કેન્દ્રીય બેન્ક કોમર્શિયલ બેન્કો સિક્યોરિટીની ખરીદી કરે છે. આમાં ભવિષ્યમાં આ જામીનગીરીઓને વેચવાનો કરાર પણ હોય છે.
દેશની 98.6 ટકા મોટી કંપનીઓએ ઉત્પાદન શરૂ કર્યું
ચીનના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે (MIIT) કહ્યું હતું કે કોવિડ-19ને કારણે ઉત્પાદન બંધ થઈ ગયું હતું. જોકે ચીને ઉત્પાદન ક્ષેત્રે પુરજોશમાં કામ શરૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે દેશની 98.6 ટકા ઔદ્યોગિક કંપનીઓએ શનિવારે ફરી ઉત્પાદન શરૂ કરી દીધું હતું. MIITના ઉપ પ્રધાન શિન ગુઓબિને મિડિયાને કહ્યું હતું કે બે કરોડ યુઆનની વાર્ષિક આવક ધરાવતી કંપનીઓના 89.6 ટકા કર્મચારીઓ કામ પર પાચા ફર્યા છે.
કોરાનાના એપિ સેન્ટરમાં જનજીવન સામાન્ય
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ પ્રમાણે કોરોના વાઇરસના એપિસેન્ટરમાં હુવૈઈ પ્રાંતમાં જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. આ પ્રાંતમાં સરેરાશ 95 ટકાથી વધુ કંપનીઓમાં કામ ફરી શરૂ થઈ ચૂક્યું છે.
વિશ્વની સૌથી મોટી અને એશિયાની સૌથી મોટા અર્થતંત્ર ચીનમાં પાચલા કેટલાક મહિનાઓથી કોરોના સંકટથી ત્રસ્ત હતું. ચીન આ બીમારીને કારણે 3,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
અમદાવાદઃ કોરોનાની મહામારીએ વિશ્વને જ્યારે આખાને મુશ્કેલીમાં મુક્યું છે ત્યારે વહિવટી તંત્ર પણ આ મહામારીને પહોંચી વળવા અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટ ધાર્મિક કાર્યો સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે વહિવટી તંત્રને આ કટોકટી વખતે સહભાગી થવા સતત પ્રયત્નશીલ રહે છે. લીલાવતી અતિથિ ગૃહ હાલ ક્વોરન્ટાઇન માટે ફાળવવામાં આવ્યું છે.
આ સિવાય ઓરીસ્સાના ૮૦ લોકો, મધ્યપ્રદેશના ૨૦ લોકો, આંતર રાજ્ય શ્રમીકો ૨૦ લોકો, ૨૦ લોકો ક્વોરન્ટાઇન આ તમામની આવાસ ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી રહી છે. સાથે જ વેરાવળ પાટણના સ્લમ વિસ્તારોમાં સામાજીક સંસ્થાઓની મદદથી ફુડ પેકેટ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સહુ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે,કોરોના વાઇરસની મહામારીથી તમારી જાતને બચાવો, તમારા કુટુંબને બચાવો, સરકારી સૂચનાઓને ગંભીરતાથી અનુસરો. અને ઘરમાં જ રહો. સેનીટાઇઝરનો દર કલાકે ઉપયોગ કરો, અને આવશ્યક બહાર જવુ પડે તો મોઢા પર માસ્ક પહેરીને જ જશો તેમજ બીજાથી એક ફુટનુ અંતર રાખીને જ ઉભા રહેશો.
નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસથી કેટલા લોકોના મોત થયા તેને લઈને રહસ્ય વધી રહ્યું છે. વુહાનના સ્થાનિક લોકોનું માનવું છે કે ચીની અધિકારીઓના દાવા કરતા બિલકુલ ઉલટુ અહીં ઓછામાં ઓછા 42,000 લોકોના મોત કોરોના વાયરસથી થયા છે. આ અગાઉ ચીનના અધિકારીઓએ દાવો કર્યો હતો કે વુહાનમાં માત્ર 3200 લોકોના મોત થયા છે.
ચીની અધિકારીઓના જણાવ્યાં મુજબ ચીનના હુબેઈ પ્રાંતના વુહાન શહેરના માર્કેટથી પેદા થયેલા કોરોના વાયરસથી સમગ્ર દેશમાં 3300 લોકોના મોત થયા છે જ્યારે 81,000 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 3182 લોકોના મોત તો ફક્ત હુબેઈ પ્રાંતમાં થયા છે. આ બધા વચ્ચે વુહાનના સ્થાનિક નાગરિકોએ દાવો કર્યો કે 500 અસ્થિ કલશ દરરોજ મૃતકોના પરિજનોને અપાય છે.
અસ્થિ કલશ આપવાનો આ સિલસિલો સાત અલગ અલગ અંતિમ સંસ્કાર સ્થળોથી ચાલુ છે. આ આંકડાના અનુમાન લગાવીએ તો દરેક 24 કલાકે 3500 અસ્થિ કલશ અપાયા. હાંકૂ, વુંચાંગ, અને હનયાંગમાં લોકોને કહેવાયું કે તેમને 5 એપ્રિલના રોજ અસ્થિ કલશ મળશે. આ જ દિવસે કિંગ મિંગ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેમાં લોકો પોતાના પૂર્વજોની કબર પર જાય છે.
આ રીતે અનુમાન લગાવીએ તો આગામી 12 દિવસમાં 42,000 અસ્થિ કલશ વિતરણ કરાશે. આ અગાઉ રિપોર્ટમાં કહેવાયું હતું કે હાંકુમાં જ ફક્ત બે વારામાં 5000 અસ્થિ કલશ અપાયા છે. અત્રે જણાવવાનું કે આ અહેવાલ એવા સમયે આવ્યાં છે કે જ્યારે લગભગ બે મહિનાના લોકડાઉન બાદ જનતાને છૂટ અપાઈ છે. જે લોકો પાસે ગ્રીન હેલ્થ સર્ટિફિકેટ છે તેમને જવાની મંજૂરી અપાઈ છે.
વુહાનમાં રહેતા ઝાંગ કહે છે કે ચીન સરકાર તરફથી અપાયો મોતનો અધિકૃત આંકડો યોગ્ય નથી કારણ કે લાશોને બાળવાનું કામ 24 કલાક ચાલે છે. તેમણે સવાલ કર્યો કે જો આટલા ઓછા મોત થયા તો અંતિમ સંસ્કાર કરનારા લોકોએ 24 કલાક કામ કેમ કરવું પડે છે. વુહાનમાં રહેતા માઓએ કહ્યું કે કદાચ અધિકારીઓ ધીરે ધીરે મોતનો યોગ્ય આંકડો બહાર પાડી રહ્યાં છે. આ જાણી જોઈને છે કે પછી અજાણતા…જેથી કરીને લોકો ધીરે ધીરે વાસ્તવિકતા સ્વીકારી લે.
હુબેઈ પ્રાંતના એક સૂત્રએ જણાવ્યું કે અનેક લોકો તો કોઈ પણ અધિકૃત સારવાર વગર જ પોતાના ઘરોમાં મરી ગયાં. તેમણે કહ્યું કે એક મહિનામાં જ 28000 જેટલા લોકોના અંતિમ સંસ્કાર કરાયા. આ બધા વચ્ચે ચીનના અધિકૃત આંકડા જાણીએ તો ઈટાલી અને અમેરિકા પણ હવે ચીનથી આગળ નીકળી ગયા છે. ઈટાલીમાં 10000 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે 97000 લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં પણ 1 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.
મોટા ઘટાડામાં થોડું ખરીદો, મોટા ઉછાળામાં વેચીને નફો બુક કરો, બાકી બજારને લાંબો સમય આપો. સપ્તાહનો આરંભ ફરી કડાકાથી થયો અને એક જ દિવસમાં 2.85 લાખ કરોડની મૂડીનું ધોવાણ થઈ ગયું હતું. સૌથી વધુ વેચાણ વિદેશી રોકાણકારો કરી રહ્યા હોવાનું નોંધાયું છે. કોરોના કરતા અર્થતંત્ર સતત તૂટતું હોવાનો ભય વધુ ફેલાઈ રહ્યો હોવાથી આમ બની રહ્યું છે.
સરકારે તેના વચન મુજબ છેલ્લા કેટલાંક દિવસોમાં ગરીબ-સામાન્ય માણસોથી લઈ વેપાર ઉધોગ વર્ગ માટે આર્થિક રાહતની ચોકકસ જાહેરાત કરી. રિઝર્વ બેંકે પણ અપેક્ષા મુજબ વ્યકિતથી લઈ કંપનીઓ સુધી વિવિધ સ્વરૂપે રાહત આપી. આ રાહતથી સરકારનું કામ પુરું નહી થાય અને પ્રજાનું કે વેપાર-ઉધોગનું કામ પણ પુરું નહીં થાય. કારણ કે આપણો દેશ કોરોનાની લપેટમાં તો હજી બહુ આવ્યો નથી, કિંતુ મંદીની લપેટમાં બહુ ગંભીર સ્વરૂપે આવી રહયો છે. હવે આપણે એ દિશામાં જઈ રહયા છે ત્યાં કોરોના નહીં હોય તો પણ આર્થિક સમસ્યા આંખો ફાડીને સામે ઊભી હશે. વિશ્વ આખું મંદીના વિષચક્રમાં ફસાઈ ગયું છે. જયાંસુધી કોરોના છે ત્યાંસુધી કોઈપણ દેશની રાહત પુરી થવા લાગશે તો ય કોઈ સુધારો થશે નહીં, કારણ કે કોરોનાને કારણે આર્થિક પ્રવૃતિ અને સામાજીક વ્યવહારો સ્થગિત થઈ ગયા છે.
રાહતથી આફત જશે નહીં
સરકારે અને રિઝર્વ બેંકે જે કંઈ રાહત જાહેર કરી છે તેમાં અંદાજિત ત્રણ મહિનાનો સમય આપ્યો હોવાથી એક તારણ એવું નીકળે છે કે કોરોના સર્જીત આફત ત્રણ મહિના તો પાકકી રહેવાની શકયતા છે. અલબત્ત, સરકારે અને રિઝર્વ બેંકે સમય-સંજોગ મુજબ વધુ રાહતની પણ તૈયારી બતાવી છે. આમ તો દરેક દેશો પોતાના અર્થતંત્રને ટેકો આપવા જંગી રાહત પેકેજ જાહેર કરતા રહયા છે, તેમછતાં વૈશ્વિક સંસ્થાઓના મતે વિશ્વ આખું મંદીની માંદગીમાં પ્રવેશી ગયું છે, જે સંભવત કોરોનાથી પણ વધુ ગંભીર બની શકે. આ ભયંકર અનિશ્રિંતતાના સંજોગોમાં અર્થતંત્ર અને બજારો કયારે, કઈ રીતે અને કેટલાં સુધરશે એ કોઈ કહી શકે એમ નથી, તેનો અંદાજ લગાવવો પણ કઠિન બની ગયું છે.
ઈન્વેસ્ટરો આટલું સમજી લે
અર્થતંત્ર હોય કે વેપારના બજારો કે પછી ઉધોગો , એ આર્થિક પરિબળો (ફંડામેન્ટલ્સ), સેન્ટીમેન્ટ (લોક માનસ) અને લિકવીડિટી (પ્રવાહિતા-પૈસાની છુટ) પર આધાર રાખતા હોય છે. જેના આધારે રોકાણ જગત કામ કરતું હોય છે. તેથી હાલમાં ઈન્વેસ્ટરોએ કેટલીક હકીકત સમજવી આવશ્યક છે.
માગ અને વપરાશની મંદી
પહેલી વાત, સમગ્ર દેશમાં લાંબું લોક ડાઉન ચાલી રહયું હોવાથી ઉત્પાદન પ્રવૃતિ અને વેપાર પ્રવૃતિ સાવ જ બંધ છે. અલબત્ત, આમાં કેટલીક આવશ્યક ચીજ-વસ્તુઓ અપવાદ છે. જો કે તેના આશરે અર્થંતંત્ર ચાલી શકે નહીં. આ બંધી અને મંદીને કારણે નાણાંની હેરફેર નહિવત થઈ ગઈ છે. કરોડના હિસાબે નોકરી, ધંધા , સ્વરોજગાર, વગેરે અસર પામ્યા છે. આવી હાલતમાં વપરાશ કયાંથી અને કેટલો વધી શકે?, વપરાશની અછત હોય તો માગ કયાંથી અને કેટલી વધી શકે? મોટાભાગના વેપાર-ઉધોગ ધિરાણના બોજ હેઠળ છે. તેમને રિઝર્વ બેંકે ચોકકસ રાહત આપી ભલે, પરંતુ એ તો કામચલાઉ છે, જયારે કે તેમની સમસ્યા લાંબી, નાજુક અને ગહન છે. રિઝર્વ બેંકે ધિરાણ માટે નાણાં પુરવઠો-પ્રવાહિતા તો વધારી આપી , કિંતુ એ ધિરાણ લેવા કોણ , શા માટે આવશે ? કેટલીક રાહતથી અમુક વર્ગના હાથમાં નાણાં બચશે, કિંતુ તે વર્તમાન સંજોગોમાં ચોકકસ બાબતો સિવાય વપરાશે કયાં એ મોટો સવાલ છે.
બે કવાર્ટર નબળાં રહી શકે
એકતરફ અર્થતંત્ર સામે વપરાશ- માગની મંદી ચાલુ છે ત્યારે બીઝીતરફ ક્રુડની ક્રાઈસિસ ઊભી છે, સીધા વિદેશી રોકાણની વાત તો બાજુએ રહી, શેરબજારમાંથી વિદેશી રોકાણ સતત પાછું ખેંચાઈ રહયું છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહયો છે.રોજગારલક્ષી ગણાતા ઓટો અને કન્સ્ટ્રકશન જેવા સેકટરમાં દુકાળ જેવી હાલત છે. રોજિંદી આવક પર જીવતા મજુરો પોતાના ગામ તરફ વળી રહયા છે. કંપનીઓના બિઝનેસ કામકાજ થંભી ગયા હોવાથી કમસે કમ બે કવાર્ટર (બે ત્રિમાસિક ગાળા) ની કામગીરી નિરાશાજનક રહેવાની સંભાવના ઊંચી છે. આવામાં માર્કેટ કયાંથી ચાલી શકે? દેશનો વિકાસ દર નીચે રહેવાનું નિશ્ચિત છે. આર્થિક વેગ માટે કોરોનાનો લોક ડાઉન પત્યા બાદ વેપાર-ઉધોગને હજી રાહત જોઈશે.
બજારમાં હાલ શું કરવું?
આ સમયમાં રોકાણકારો બજારની વોલેટાઈલ (તોફાની વધઘટવાળી) ચાલને જોઈને કયારે ખરીદવું, કયારે વેચવું અને કેટલો સમય જાળવી રાખવું ? નાણાંનું રોકાણ કયાં –કેટલું કરવું ? જેવા સવાલો સાથે મુંઝવણમાં છે, જેના જવાબમાં અત્યારે તો એમ કહી શકાય કે બજાર પાસે મજબુત ફંડામેન્ટલ્સ તો છે જ નહીં. પ્રવાહિતા બહુ કામ નહીં કરે, કારણ કે બજારમાં ખરીદવાનો જુસ્સો આવી શકતો નથી. નબળાં અને નિરાશાજનક સેન્ટીમેન્ટને કારણે બજાર હજી ઘટી શકવાની શકયતાને લીધે નવી ખરીદીને વેગ મળી શકતો નથી. ગભરાટમાં વેચાણ થયા કરે છે. બાકી હાલ બજારનો સાદો ફંડા એ ચાલે છે કે વધે તો નફો બુક કરી લો અને ઘટે તો થોડું ખરીદી લો. બજાર પાસે બહુ આશા ન રાખો. અન્યથા બજારને લાંબો સમય આપી દો.
પટનાઃ બિહારમાં પણ કોવિડ-19ના પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બિહારમાં અત્યર સુધી 15 લોકો આ રોગથી ચેપગ્રસ્ત છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધનને ટ્વિટર પર ટેગ કરીને મદદ માટે આજીજી કરી છે. તેજસ્વી યાદવે મહિલા ડોક્ટરોનો એક વિડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે દેશને 56 સંસદસભ્યો (50 NDA) આપવાળું બિહારની હાલત એટલી કફોડી છે કે ડોક્ટર્સને વિડિયો બનાવીને મદદ માગવી પડે છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અને ડોક્ટર હર્ષવર્ધનજીને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ડોક્ટરોને તપાસ-સારવાર માટે ઉચિત ઉપકરણો ઉપલબ્ધ કરાવીને 12 કરોડ બિહારીઓને બચાવી લો.
ડોક્ટરોની કિટ માટે વિનંતી
તેજસ્વી યાદવે જે વિડિયો શેર કર્યો છે, એમાં ચાર મહિલા ડોક્ટર નજરે પડે છે, જેમાં એક મહિલા ડોક્ટર કહે છે કે અમે બિહારની જાણીતી મેડિકલ કોલેજનાં ડોક્ટર્સ છીએ. અમે જ્યારે હોસ્પિટલ વ્યવસ્થાપન પાસે બચાવ સંબંધિત પીપી કિટ માગી તો અમને આપવામાં ના આવી. અમારી પાસે કોરોના સામેના જંગમાં લડવા માટે કોઈ હથિયાર નથી. એક અન્ય ડોક્ટર કહે છે કે સર, અમે લોકો એવા સૈનિક છીએ, જે આ જંગમાં વગર હથિયારે લડી રહ્યા છીએ. અમને તમારી સહાનુભૂતિથી વધુ તમારી મદદની જરૂર વધુ છે. સર, પ્લીઝ અમને પીપી કિટ ઉપલબ્ધ કરાવો.
ડોક્ટરની ફરિયાદ
ડોક્ટરોએ આગળ વધુ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે તેમની પાસે પાયાની ચીજવસ્તુઓ જેવી કે સેનિટાઇઝર, માસ્કક, ગ્લવ્ઝ વગેરે પણ નથી. તેમણે કહ્યું હતું કે તેમને N-95 માસ્ક નથી આપવામાં આવતા. તેમની સ્થિતિ બહુ દયનીય છે અને આ પરિસ્થિતિમાં તે લોકો કામ કરી રહ્યા છે. કૃપા કરીને મદદ કરો.
જોકે હાલ તો એ માલૂમ નથી પડ્યું કે આ મહિલા ડોક્ટર કઈ હોસ્પિટલમાં કાર્યરત છે, પણ વિપક્ષના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે આ માત્ર એક હોસ્પિટલ નહીં પણ બિહારની મોટા ભાગની હોસ્પિટલોની સ્થિતિ છે. જોકે મુખ્ય પ્રધાન નીતીશકુમાર કહે છે કે તેમની સરકાર આ મામલે ગંભીર અને સક્રિય છે. અધિકારીઓને દરેક મદદ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા લોકડાઉન ને પગલે મોટા મોટા શહેરોમાં રહેતા મજૂરો તેમના વતનમાં ઘરે પરત ફરી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના બરેલીમાં વતન પરત ફરતા મજૂરોને સેનિટાઇઝરથી સ્નાન કરવામાં આવ્યું હોવાનો વિડિયો વાઈરલ થયો છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સ્થાનિક વહીવટી તંત્રના આ પગલાની નિંદા કરી હતી. આ સાથે જ ત્રણેય નેતાઓએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માગ કરી હતી. જો કે, વિડિયો વાઈરલ થયા બાદ જિલ્લા કલેક્ટરે આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ મામલે ટ્વીટ કર્યું કે,’યુપી સરકારને વિનંતી છે કે આપણે બધા મળીને આ આફત સામે લડી રહ્યા છીએ, પરંતુ કૃપા કરીને આવા અમાનવીય કૃત્યો ન કરો. કામદારોએ પહેલેથી જ ઘણી હાલાકી ભોગવી છે તેમના પર કેમિકલ છાંટીને તેમને આ રીતે સ્નાન ન કરાવો. આવી ઘટનાઓથી તેમનો બચાવ નહીં થાય પરંતુ તેમના સ્વાસ્થ્યને લઇને સવાલ ઉભા થશે.
મહત્વનું છે કે, આ ઘટના અંગે જિલ્લા વહીવટી તંત્રએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે. તો જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ વીડિયોની તપાસ કરવામાં આવી છે. સીએમઓના આદેશ અનુસાર કામગીરી હાથ ધરવામાં આવી જેમાં બસને સેનિટાઇઝ કરવાની વાત હતી પરંતુ કર્મચારીઓના વધુ પડતા ઉત્સાહને કારણે આવી ઘટના બનવા પામી છે જેના વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવશે.