ગુજરાતના માસૂમ મહેમાન રાજસ્થાનમાં ફસાયા…

સુરત: નેપાળથી નીકળી પોતાના માતા-પિતાને મળવા નીકળેલા નેપાળના ચાર માસૂમો લૉકડાઉનમાં રાજસ્થાનની એક હોટેલમાં ફસાઈ ગયા છે. આ ચાર નેપાળી માસૂમ બાળકના પિતા નૃપ બહાદુર સુરતના પૂણા વિસ્તારમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં વોચમેનનું કામ કરે છે. રાજસ્થાનના ઉદયપુર નજીક દબોક પાસેની વતાડા હોટૅલમાં આશરો લીધો છે. એમને આવવું છે સુરત પણ કોઈ એમને મદદ નથી કરતુ.

રાજન નાઈક ઉમર 14 વર્ષ પોતાના ભાઈ સાગર નાઈક 10 વર્ષ અને કુટુંબી દીપેન્દ્ર બૉગટી 11 વર્ષ અને માત્ર 8 વર્ષ અમરિત કુંવર નેપાળના અછ્છામ જિલ્લાના એક નાનકડા ગામથી સુરત આવવા માટે નીકળ્યા હતા. આ પેહલા પણ રાજન નાઈક ભાઈ સાથે એક-બે વખત નેપાળથી એકલો સુરત આવી ચુક્યો છે. નેપાળમાં શાળામાં વેકેશન થતા સુરતમાં રહેતા પિતા નૃપ બહાદુર અને માતા કમલાને મળવા માટે નીકળ્યા હતા. અલગ અલગ બસ બદલીને એ આવતા, આ વખતે પણ એવું જ કર્યું પરંતુ 22 જનતા કરફ્યુ વખતે એમની બસ ઉદયપુર પાસે અટકી ગઈ. એમાં 14 મુસાફર હતા.
સુરતમાં નૃપ બહાદુર જ્યાં નોકરી કરે છે એ કૃષ્ણકુંજ સોસાયટીના આગેવાન પ્રણવ પટેલ ઉર્ફે બકુલ ગેવરિયા ચિત્રલેખા.કૉમ ને જણાવે છે કે મેં અમારા સ્થાનિક સાંસદને જાણ કરી છે, અનેક લોકો પાસે મદદ માંગી છે, મેં વડાપ્રધાન સુધી ટવીટ કર્યા છે પણ કોઈ મદદ અત્યાર સુધી મળી નથી. ત્યાં ફસાયેલા બાળકો માસૂમ છે, ના સમજ છે એના માં-બાપ સાથે વાત કરતા એ રડે છે. એમને જે હોટૅલમાં આશરો આપ્યો છે એ હોટૅલનું બિલ ચુકવવાની અમે જવાબદારી લીધી છે તે પછી એણે એમને રાખ્યા છે. સ્થાનિક ઓળખ શોધીને હોટૅલ માલીકને પોલીસ પાસે પણ ભલામણ કરાવી ત્યારે એમને ત્યાં રાખવામાં આવ્યા છે. બાકી પેહલા બે દિવસ તો એમને રસ્તા ઉપરની પોલીસે ચાલતા જ સુરત જવાની સલાહ આપી હતી.

હવે મુશ્કેલી જ એ છે કે જે જ્યાં છે ત્યાં રહે એવો સરકારી આદેશ બધા મોટા તો માની રહ્યા છે. પણ આ માસૂમ નેપાળી જે બધી રીતે વંચિત છે, ગજવામાં રૂપિયો નથી એવાની મદદે કોણ આવશે? હાલ બકુલભાઈ એમને લાવવા માટે પ્રયત્ન કરી રહયા છે. પણ દિવસે દિવસે રાજસ્થાનમાં રહેલા બાળકો અને સુરતમાં રહેતા એમના માં-બાપની ધીરજ ખૂટી રહી છે. બકુલભાઈ કહે છે, સરકાર જો મને મંજરી આપે તો હું એ બાળકોને ત્યાં જઈને લઇ આવવા તૈયાર છું. અહીં લાવી એમને સરકારી નિયમ મુજબ જ્યાં કહેશે ત્યાં ક્વોરેન્ટાઇનમાં રાખવા પણ તૈયાર છીએ. સરકાર જો હરિદ્વારથી 1800 લોકોને સલામત લાવી શકતી હોય તો આ ચાર માસૂમોને સરકાર ઉદયપુરથી ના લાવી શકે?

બકુલભાઈનો પ્રશ્ન અઘરો છે પણ અશક્ય નથી. આ ચાર માસૂમો ઉદયપુરથી 15 કિલોમીટર દૂર દબોકની વતાડા હોટેલના રૂમમાં રાહ જોઈને બેઠા છે કે કોઈ આવશે અને એમને સુરતમાં એમના માં-બાપ સુધી પહોંચાડશે

(ફયસલ બકીલી-સુરત)